કચ્છનો કાર્તિકેય/'રાઓ'પદવી અને સાધનપ્રાપ્તિ
← બાહુબળથી ભાગ્યપરીક્ષા | કચ્છનો કાર્તિકેય 'રાઓ'પદવી અને સાધનપ્રાપ્તિ વિશનજી ચતુર્ભુજ ઠક્કુર ૧૯૨૨ |
કેટલાક વિઘ્નો → |
ખેંગારજી અને સાયબજી સિંહના સંહારના કાર્યમાં વિજય મેળવીને તથા સુલ્તાન મહમદ બેગડાના કૄપાભાજન થઇને અરણ્યમાંથી પાછા વળતાં માર્ગમાં નદીતીરસ્થ મહાદેવના મંદિરમાં સાધુવેષધારી છચ્છરને પોતાના વિજયની વાત સંભળાવવા માટે રોકાયા હતા અને તે વેળાયે આલૈયાજી પણ ત્યાં આવેલો હોવાથી ખેંગારજી તથા સાયબજીના અદ્ભૂત પરાક્રમની વાત તેણે પણ સાંભળી હતી; માત્ર એટલું જ નહિ, પણ સુલ્તાન બેગડાએ પોતાની રાજચિન્હાંકિત મુદ્રિકા આપીને તે ઉભય બંધુઓને બીજા દિવસના દરબારમાં પધારવાનું આમંત્રણ કર્યું હતું, એ કથા સાંભળીને તો અલૈયાજીના આનન્દનો પરમાવધિ જ થઈ ગયો હતો. અર્થાત્ ખેંગારજી તથા સાયબજી જ્યારે છચ્છર પાસેથી પોતાના નિવાસસ્થાન પ્રતિ જવાને રવાના થયા તે વેળાએ અલૈયાજી પણ તેમની સાથે જ હતો. પરંતુ
જ્યારે તેઓ 'ભદ્ર' પાસે આવ્યા એટલે અલૈયાજી તેમની આજ્ઞા લઈ તેમનાથી જૂદો પડીને-સુલ્તાનના મહાલયમાં ચાલ્યો ગયો અને ખેંગારજી તથા સાયબજી પોતાના નિવાસસ્યાનમાં જઈ પહોંચ્યા. જે
વેળાયે અલૈયાજી સુલ્તાનના મહાલયમાં ચાલ્યો ગયો અને ખેંગારજી તથા સાયબજી પોતાના આગારમાં જઈ પહોચ્યા તે વેળાયે દિવસના ત્રણ પ્રહર વીતી ચૂક્યા હતા અને ચતુર્થ પ્રહરનો આરંભ થયેલો હોવાથી સંધ્યાના આગમનમાં વિશેષ વિલંબ નહતો.
"પ્યારી બેગમ આજે પરવરદિગારના ફજલો કરમથી પેલો જાલિમ શેર માર્યો ગયો છે અને આપણી રૈયતની પીડા ટળી ગઈ છે પરંતુ આજે તે શેરનો શિકાર કરવા જતાં મારા પોતાના જીવનું જોખમ થવાનો વખત આવી લાગ્યો હતો અને એ પેલા બે અજ્ઞાત ક્ષત્રિયકુમારોએ આવી તે શેરને મારી નાખીને મારો બચાવ ન કર્યો હોત, તો અત્યારે તો મારી લાશને આપણા સરખેજમાંના મકબરામાંની કબ્રમાં દફનાવવાની કદાચિત તૈયારીઓ ચાલતી હોત; કારણ કે, શેરના પોકારથી આપણા સઘળા સિપાહીઓ ભાગી ગયા હતા અને શેર હાથીની સૂંઢપરથી ઉપર ચઢી આવીને મારાપર પોતાના પંજાને ચલાવવાની તૈયારીમાં હતો, પરંતુ એટલામાં જાણે ખુદાતાલાએ પોતે જ કોઈ ફરિસ્તાને મારી મદદે મોકલ્યા હોયની ! તેવી રીતે બે અશ્વારોહી તરુણ ક્ષત્રિયકુમારોએ અયાનક આવીને તે શેર સાથે જીવસટોસટની લડાઈ કરીને તેને મારી નાખ્યો અને મને તથા આપણી પ્રજાને તે શેરના ત્રાસથી મુક્ત કરી દીધાં. હકતાલાએ આબરૂ રાખી અને ખયર કરી; ખરેખર અત્યારે હું મલકુલમઓતના પંજામાંથી છટકીને જ અહીં આવ્યો છું.” સુલ્તાન બેગડાએ, મહાલયમાં આવી નમાજ પઢીને નાસ્તો કર્યા પછી પોતાની વ્હાલી બેગમ કમાબાઈ—અલૈયાજીની—ભગિનીને પોતાના શિરપર આવી પડેલી આપત્તિનો વૃત્તાન્ત સંભળાવતાં એ પ્રમાણેના ઉદ્ગાર કાઢ્યા.
સુલ્તાનના એ ઉદ્ગારો સાંભળીને કમાબાઈ પરમાત્માનો આભાર માનતી કહેવા લાગી કેઃ “ઈશ્વરે આજે મારા સૌભાગ્યને અખંડ રાખવાની જે કૃપા દર્શાવી છે, તે માટે અત્યારે હું તે પરમકરુણામય પરમાત્માનો જેટલો પણ આભાર તથા ઉપકાર માનું તેટલો ઓછો જ છે. પણ આલાહજરત, તે બે તરુણ અને અજ્ઞાત ક્ષત્રિયકુમારો કોણ હતા વારુ ?”
આ પ્રશ્ન તો કમાબાઈએ પોતાના પતિ સુલ્તાન બેગડાને પૂછ્યો હતો, પરંતુ એ જ વેળાયે સુલ્તાનના અંતઃપુરના દ્વારમાં પ્રવેશ કરીને તેના બંધુ અલૈયાજીએ તેના એ પ્રશ્નનું ઉત્તર આપતાં જણાવ્યું કે: “પૂજ્ય ભગિની, તે બે તરુણ તથા અજ્ઞાત ક્ષત્રિયકુમારો બીજા કોઈ નહિ, પણ આપણા પોતાના પુત્ર અને આપણા બંધુઓ ખેંગારજી તથા સાયબાજી જ હતા. આજે સુલ્તાન સલામતના જીવનરક્ષણનું શ્રેય આપણા કુટુંબના ભાગ્યમાં લખાયલું હોવાથી તેમને આ સિંહ સાથેના યુદ્ધમાં વિજય મળ્યો છે અને તેથી આપણાં મુખમંડળો પણ ઉજ્જવલ થયાં છે !”
અહીં વચ્ચે એ વાર્તા જણાવવાની આવશ્યકતા છે કે સુલ્તાન બેગડાએ કમાબાઈને હિન્દુધર્મ પાળવાની અને હિન્દુધર્મના આચાર વિચાર પ્રમાણે વર્તવાની છૂટ આપી હતી તેમ જ અલૈયાજી તેનો સહોદર હોવાથી અલૈયાજીને કમાબાઈને અંતઃપુરમાં કોઇ પણ વેળાયે આવવાનો પ્રતિબંધ નહોતો અને તેથી જ અલૈયાજી અત્યારે અચાનક કમાબાઈના અંત:પુરમાં આવી શક્યો હતો. અત્યાર સુધી ખેંગારજીની ના હોવાથી તેણે ખેંગારજી તથા સાયબજીના અમદાવાદમાંના નિવાસનો વૃત્તાંત પોતાની ભગિનીને સંભળાવ્યો નહોતો; પરંતુ આજે હવે પોતાની ભગિનીને, યોગ્ય પ્રસંગ આવેલો હોવાથી, તે વૃત્તાન્ત સંભળાવવાના ઉદ્દેશથી જ તે અત્યારે તેના અંતઃપુરમાં આવ્યો હતો; પણ દ્વારમાં આવતા સુલ્તાન તથા પોતાની ભગિની વચ્ચે એ જ વિષયની ચર્ચા ચાલતી સાંભળીને થોડી વાર તે બહાર જ ઊભો રહ્યો હતો અને જ્યારે કમાબાઈના મુખમાંથી એવો પ્રશ્ન નીકળ્યો કે તેનું ઉત્તર સુલતાનના મુખમાંથી માંથી મળવાનો સંભવ નહોતો, ત્યારે પછી તે પ્રશ્નનું ઉત્તર આપતાં જ તેણે અંતઃપુરમાં પ્રવેશ કર્યો કે જે આપણે જોઈ ચૂક્યા છીએ.
ખેંગારજી તથા સાયબાજીનાં નામો સાંભળીને કમાભાઈ તથા સુલ્તાન બેગડો બન્ને આશ્ચર્યચકિત થઈ ગયાં અને થોડી વાર સુધી વિચારમગ્ન રહ્યાથી તેઓ કાંઈ પણ બોલી શક્યાં નહિ. છેવટે કમાબાઈએ કહ્યું કે, “આપણા બંધુઓ અમદાવાદમાં આવ્યા છે અને તે વૃત્તાન્ત તમો મને આજે સંભળાવો છો ? પણ હા, કદાચિત્ તમને પણ તેમના અહીં આવવાની ખબર નહિ હોય અને તમે પણ એ વાર્તાને આજે જ જાણી શક્યા હશો.”
"ના, બહેન, એમ નથી.” અલૈયાજીએ હવે સર્વ સત્ય વૃત્તાંત જણાવવા માંડ્યો. “ખેંગારજી તથા સાયબજીને અહીં અમદાવાદમાં આવ્યાને નહિ નહિ, તો પણ આજે લગભગ પોણા બે વર્ષ જેટલો સમય થવા આવ્યો છે, પણ તેઓ જ્યારે અહીં આવ્યા ત્યારે વિપત્તિગ્રસ્ત હોવાથી કાંઈ પણ પરાક્રમ કરી દેખાડ્યા વિના સુલ્તાન સલામત સમક્ષ પ્રકટ થવાની તેમની ઇચ્છા નહોતી અને તેટલા માટે જ એ ભેદ તમને જણાવવાની પણ તેમણે મને ના પાડી હતી; કારણ કે, તેમના અમદાવાદનિવાસની વાર્ત્તા જો તમારા જાણવામાં આવી જાય, તો તે વાર્તા તમે સુલ્તાન સલામતને જણાવી દ્યો, એ નિઃશક: હતું. આજે ઈશ્વરની કૃપાથી યોગ્ય પરાક્રમ બતાવવાનો અને તે પરાક્રમમાં વિજય મેળવવાનો યોગ તેમને પ્રાપ્ત થયો છે એટલે હવે તેમના એ ભેદને વધારે વાર અવ્યક્ત દશામાં રાખવાની આવશ્યક્તા નથી.” અલૈયાજીએ ત્યાર પછી જામ રાવળની દુષ્ટતાનો, જામ હમ્મી-રજીના ઘાતનો, છચ્છરની રાજભક્તિનો, ભીયા કક્ક્લનાં સાત સંતાનોના બલિદાનનો, ખેંગારજી તથા સાયબજીના માર્ગમાં થયેલા લગ્નસંબંધનો અને અમદાવાદમાં તેમણે કરેલા યુધ્ધવિદ્યા આદિના અભ્યાસનો સવિસ્તર વૃત્તાન્ત સુલ્તાન સલામતને કહી સંભળાવ્યો.
અલૈયાજીના કથનની સમાપ્તિ થઈ એટલે કમાબાઈએ આર્જવતાથી પોતાના પતિને પ્રાર્થના કરી કે “પ્રાણનાથ, મારા બાંધવોને જોવા તથા મળવામાટે મારાં નેત્રો તથા હૃદય તલસી રહ્યાં છે અને તેથી જો આપ શ્રીમાનની આજ્ઞા હોય, તો અત્યારે જ હું મારા તે વીર બાંધવોને અહીં બોલાવું.”
"બેગમ, એમાટે મારી પરવાનગી લેવાની જરૂર જ શી છે, વારુ ? કારણ કે, એક તો તેઓ તમારા બંધુ છે અને આજે વળી તેમણે મને પોતાને પણ ઉપકારના ભારથી દાબી નાખ્યો છે એટલે તેમને ખરી રીતે તો મારે જ અહીં બોલાવવા જોઇએ, તેને બદલે તમો બોલાવો છો, એ તો ઠીક; અને હું તેમને બોલાવવાની અનુમતિ પણ ન આપું, તો પછી મારા જેવો એહસાનફરામોશ-કૃતજ્ઞ-કોણ હોઈ શકે વારુ ? તમારા તે બહાદુર બિરાદરોને બાખુશી બોલાવો." સુલ્તાન બેગડાએ પોતાની ઉદારતા તથા કૃતજ્ઞતાનો પૂર્ણ પરિચય કરાવ્યો.
કમાબાઈનાં સંકેતથી અલૈયાજીએ પોતાના એક અનુચરને ખેંગારજી તથા સાયબજીને સત્વરે ત્યાં લઈ આવવા માટે મોકલી દીધો અને ત્યાર પછી તે પોતે પોતાની ભગિની તેમ જ ભગિનીપતિ સાથે આમ તેમની બીજી કેટલીક વાતો કરવા લાગ્યો. ખેંગારજી તથા સાયબજીના આવતાં સૂધીમાં લગભગ અર્ધ પ્રહર જેટલો સમય વીતી ગયો; કારણ કે, જ્યારે અલૈયાજીનો અનુચર તેમના આગારમાં જઈ પહોંચ્યો તે વેળાયે તેઓ યુદ્ધવેષને ઉતારીને જમવા બેઠા હતા એટલે જમતાં અને ત્યાર પછી યોગ્ય વસ્ત્ર આદિ પરિધાન કરતાં સ્વાભાવિક જ વિલંબ થવાનો સંભવ હતો. પ્રથમ એક બાંદીએ આવીને સુલ્તાન તથા સુલતાનાને ખેંગારજી તથા સાયબજીના આવવાના સમાચાર આપ્યા અને સુલ્તાનનો તેમને સત્વર ત્યાં લાવવામાટેનો હુકમ થતાં જ તે બાંદીએ તેમને લાવીને સુલ્તાન સમક્ષ હાજર કરી દીધા. ખેંગારજી તથા સાયબજીએ સુલ્તાનને ઉચિત નમન કર્યું અને ત્યાર પછી બહેન કમાબાઈનાં નેત્રોમાંથી બંધુઓનાં દુ:ખડાં અથવા ઓવારણાં લેતાં અશ્રુની શ્રાવણ ભાદ્રપદની જલવૃષ્ટિ સમાન ધારા વહેવા લાગી; કારણ કે, પિતાના મરણનું દુ:ખ કમાબાઈના હૃદયમાં તાજું થઈ આવ્યું અને તેથી તે પોતાના અશ્રુપાતરુપ વેગને વધારે વાર રોકી ન શકી. તે ગદ્ગદ સ્વરથી અને ડૂસ્કાં ભરતી ભરતી કહેવા લાગી કેઃ "ભાઈ, આપણે બધાં નબાપા અને નમાયાં થઈ ગયાં! અરેરે તમારી આ અભાગણી બહેનને માતાપિતાના છેવટના મેળાપનો લાભ પણ ન મળ્યો ! ભાઈ, હવે મને 'મારી લાડકી કમાં !' કહીને કોણ બોલાવશે અને 'મારી કમૂડી !' કહીને માતા વિના છાતી સરસી કોણ ચાંપશે ! અરેરે, મા બાપ તો કોઈ દુશ્મનનાં ૫ણ ન મરશો ! હાય, આ શોકના સમયને જોવાનો દારુણ યોગ પણ આપણા ભાગ્યમાં વિધાતાએ લખ્યો હતો ને ! હાય રે, હું જ કેમ ન મરી ગઈ કે આ દુ:ખ તો ન જોવું પડત ! ........." શોકનો વેગ અત્યંત વધી જવાથી કમાબાઇથી વધારે બોલી ન શકાયું અને તેથી તે પોતાના પાલવવડે મુખને ઢાંકીને ચુપ રહીને જ ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડતી ડૂસ્કાં ભરવા લાગી. કમાબાઈના આ કલ્પાંતને જોઇને ખેંગારજી, સાયબજી તથા અલૈયાજીની આંખોમાંથી પણ ચોધારાં આંસૂ વહી નીકળ્યાં; માત્ર એટલું જ નહિ પણ વજ્ર્ સમાન છાતીના સુલ્તાન બેગડાની આંખોમાં પણ ઝળઝળિયાં ભરાઈ આવ્યા. જાણે જામ હમ્મીરજીનો આજે અને અત્યારેજ સ્વર્ગવાસ થયો હોયની ! અને તેની રાણી તથા રખાયત જાણે અત્યારે જ પતિની ચિતામાં બળીને સતી થઈ હોયની ! એવા પ્રકારના શોકમય દૃષ્યનો ત્યાં અધિકાર વ્યાપી ગયો અને કેટલીક વાર સૂધી તો મૌનનું સામ્રાજય ત્યાં વિસ્તરી રહ્યું. કેટલીક વાર પછી જ્યારે રોદન તથા અશ્રુપાતના યોગે તે બંધુ ભગિનીના શોકનો વેગ ન્યૂન થયો એટલે પછી ખેંગારજી પોતાની ભગિનીને આશ્વાસન આપતો ગંભીરતાથી કહેવા લાગ્યો કે: –
"વ્હાલાં બહેન, હવે વિશેષ કલ્પાંત કરવાથી કાંઈ પણ લાભ થાય તેમ નથી; આપણાં પિતામાતાનો અંત એવી રીતે જ સૃજાયલો હશે એટલે વિધાતાના લેખને કોણ મિથ્યા કરી શકે વારુ ? હવે માત્ર આપણું એ જ કર્તવ્ય છે કે આપણા પિતાના ઘાતક દુષ્ટ જામ રાવળ પાસેથી એ પિતૃહત્યાનો બદલો લેવો અને કચ્છનું ગયેલું રાજ્ય પાછું મેળવવું. જો એ કર્તવ્યનું આપણા હસ્તથી પાલન થશે, તો આપણાં પિતામાતાના આત્માઓ સ્વર્ગમાં પણ સંતોષ પામશે અને આપણાં મસ્તકપર આશીર્વાદોની અખંડ વૃષ્ટિ વર્ષાવ્યા કરશે. બાકી 'નામ તેનો નાશ' એ તો એક ત્રિકાલાબાધ્ય નિયમ છે અને તે માટે શોક કરવો વ્યર્થ છે."
"ભાઈ, જે ઈશ્વરે તમને શત્રુના પંજામાંથી બચાવીને નિર્વિઘ્ન અહીં પહોંચાડ્યા છે અને તમને આજે સિંહના સંહારના કાર્યમાં વિજય અપાવ્યો છે, તે જ ઈશ્વરે તમારી બીજી શુભ ઇચ્છાઓને પણ પૂર્ણ કરશે. પરંતુ ભૂંડા, તમો આજે પોણા બે વર્ષથી અમારા અહમ્મદાબાદ નગરમાં વસો છો અને તમારી આ બહેનને મળવાની તમને પરવા જ નથી, એ તે તમારી કેવી લાગણી !" કમાબાઈએ પોતાના મનમાં જે માઠું લાગ્યું હતું તે મોઢેથી કહી સંભળાવ્યું.
કમાબાઈને પુષ્ટિ આપતો સુલ્તાન બેગડો પણ શોક દર્શાવતો કહેવા લાગ્યો કે: "તમે અમારા સંબંધી હોવાથી જો અહમ્મદાબાદમાં આવ્યા પછી તત્કાળ અમને મળ્યા હોત, તો શું અમો તમારો સત્કાર ન કરત અને તેમને જોઈતી સહાયતા ન આપત કે ? ખરેખર તમોએ આટલા લાંબા વખત સૂધી અહમ્મદાબાદમાં ગુપ્ત રહેવામાં અને અમારી પાસે ન આવવામાં માટી ભૂલ કરી છે." કમાબાઈ તથા સુલતાનનાં આ વાક્યોને સાંભળી લીધા પછી ખેંગારજી શાંત ભાવ તથા શાંત મુદ્રાથી કહેવા લાગ્યો કેઃ "હજરત સલામત, અમારાં કૃપાળુ ભગિની જે કહે છે તે પણ સત્ય છે અને આપ જે કાંઈ ફર્માવો છો તે પણ રાસ્ત છે; આપની તો એવી લાગણી હોવી જ જોઈએ અને તે છે, એ જોઇને અમને અતિશય આનંદ થાય છે; છતાં પણ તે વેળાયે અમારા હૃદયમાં એવી શંકા રહ્યા કરતી હતી કે વિપત્તિના સમયમાં જો આપના હસ્તે અમારો યોગ્ય સત્કાર ન થાય, તો પછી આપ પાસેથી સહાયતા મેળવવાની અમારી આશાનો સર્વથા લય થઈ જાય; એટલે એના કરતાં યોગ્ય પ્રસંગે કાંઈક પણ પરાક્રમ બતાવી આપની પ્રસન્નતાને મેળવ્યા પછી જ આપને મળવું અને સહાયતાની યાચના કરવી. આજે ઈશ્વરની કૃપાથી અમારી તે ઇચ્છા પૂરી થઈ છે અને તેથી હવે આપ પાસેથી યોગ્ય સહાયતા માગતાં અમો લેશ માત્ર પણ અચકાઈએ તેમ નથી; કારણ કે, હવે બહેન આપ્યાની સગાઇથી અમારે કાંઈ મેળવવાનું નથી; કિંતુ હવે જે કાંઈ અમે મેળવીશું, તે અમારા બાહુબળના પરિણામે જ અમો મેળવવાના છીએ."
"શાબાશ; બહાદુર ક્ષત્રિય કુમારો શાબાશ ! હવે મને પણ એમ જ જણાય છે કે આટલા દિવસ ગુપ્ત રહેવામાં તમોએ ઘણી જ સારી બુદ્ધિ વાપરી છે; કારણ કે, જો તે વેળાયે જ તમે મારી પાસે આવ્યા હોત, તો તમારી બહેનના તથા અલૈયાજીના આગ્રહથી હું તમને જોઈતી મદદ તો આપત, પણ તમારો પોતાનો મારા હૃદયમાં કાંઈ પણ પ્રભાવ પડી શકત નહિ અને આજે તમારો પોતાનો મારા હૃદયમાં સંપૂર્ણ પ્રભાવ પડી ગયો છે એટલે તે પ્રસંગ અને આ પ્રસંગમાં જમીન તથા આસ્માન જેટલો અંતર છે, એની કોઈથી પણ ના પાડી શકાય તેમ નથી." એવી રીતે ખેંગારજી તથા સાયબજીની બુદ્ધિમત્તાની પ્રશંસા કરીને પછી સુલ્તાને પૂછ્યું કેઃ "ત્યારે હવે મારી પાસેથી શી સહાયતા મેળવવાની તમારી ઇચ્છા છે વારુ ?"
"ખુદાવંદ, જેના યોગે અમો દુષ્ટ જામ રાવળ પાસેથી અમારા પિતાશ્રીના ઘાતના વૈરનો બદલો વાળી શકીએ અને કચ્છનું રાજ્ય પાછું મેળવી શકીએ, એટલી જ સહાયતા આપની પાસેથી મેળવવાની અમારી ઇચ્છા છે. વળી એ સહાયતા અમો એવી શર્તે મેળવવા માગીએ છીએ કે જ્યારે અમારું રાજ્ય અમને પાછું મળી જશે, ત્યારે અમને સહાયતા આપવામાં આપને જેટલાં નાણાં ખર્ચવા પડ્યાં હશે તેટલાં નાણાં અમો વ્યાજ સુદ્ધાં વાળી આપીશું અને અમારા પક્ષમાં રહીને યુદ્ધ કરતાં આપના જેટલા સૈનિકો મૃત્યુના ભોગ થશે તેટલા સૈનિકોનાં કુટુમ્બોને આપ શ્રીમાન્ની આજ્ઞા અનુસાર વાર્ષિક વેતન અથવા વર્ષાસન આપતા રહીશું." ખેંગારજીએ માર્મિકતાથી પોતાની ઇચ્છાને શબ્દોદ્વારા વ્યકત કરી બતાવી.
"ત્યારે એમ જ કહોને કે તમને સૈન્ય તથા ધનની સહાયતાની જ અત્યારે આવશ્યકતા છે. તથાસ્તુઃ આવતી કાલના દરબારમાં મારે તમારું યોગ્ય ગૌરવ કરવાનું છે એટલે તે વેળાયે જ હું તમને એ આવશ્યકીય સાધનોની પણ સર્વ વ્યવસ્થા કરી આપીશ. જો કે નાણાં પાછાં વાળવાની આવશ્યકતા તો નથી, પણ તમારી તેવી જ ઇચ્છા હોય, તો પણ વ્યાજ સુદ્ધાં નાણાં પાછાં ન વાળશો; કારણ કે, મુસલ્માનોને દીન ઇસ્લામના ફર્માન પ્રમાણે સૂદ (વ્યાજ) હરામ છે. યુદ્ધમાં મરાયલા સૈનિકોના કુટુંબનિર્વાહમાટે જે કાંઇ પણ વ્યવસ્થા કરવાના હો તે ભલે કરજો; કારણ કે, આપણામાટે પ્રાણ આપનારા વીર સૈનિકોનાં કુટુંબોના કલ્યાણમાટે આપણે રાજાઓ જે કાંઈ પણ કરીએ તે આપણો ધર્મ છે અને જે રાજા, બાદશાહ અથવા સુલ્તાન પોતાના એ ધર્મના પાલનમાં ત્રુટી કરે છે, તે જરૂર પરવરદિગારનો ગુનાહગાર થાય છે !" સુલ્તાને સહાયતા આપવાનું વચન આપી દીધું.
"આ ઉપકાર માટે સુલ્તાન સલામતના અમો આજન્મ ઋણી રહીશું." ખેંગારજીએ કહ્યું.
"અને હું પણ આજના તમારા ઉપકારના ભારથી હમેશને માટે દબાયલો રહીશ !" સુલ્તાને પણ વિનય દર્શાવ્યો.
"આ આપણો પરસ્પર ધર્મ હોવાથી એમાં કોઈએ પણ ઉપકાર માનવાની કશી પણ આવશ્યક્તા નથી." કમાબાઈએ બરાબર ઈન્સાફ આપી દીધો અને તે સાથે એ વાર્તાલાપનો હાલ તરત અંત આવી ગયો. કમાબાઈએ ત્યાર પછી સુલ્તાનને સંબોધીને કહ્યું કે: "સરતાજ, ભોજન ક્યારનું ઠંડુ થાય છે અને બાંદી તે વિશે બે વાર આવીને સંકેતથી સૂચના આપી ગઈ છે; અર્થાત્ જો આજ્ઞા હોય, તો ભોજનની વ્યવસ્થા કરાવું."
"બેગમ આજે તો દસ્તરખાન અહીં જ બિછાવો અને આ સુલ્તાન બેગડો આહારમાં તમારા ભીમને પણ પાછળ હટાવે તેવો અકરાંતિયો છે કે નહિ, એ આ તમારા બન્ને ભાઈઓને જોવા દ્યો." સુલ્તાને ભોજન ત્યાં જ મંગાવવાની વિનોદથી આજ્ઞા આપી દીધી.
બાંદીઓ દ્વારમાં તૈયાર ઊભી હતી એટલે સુલ્તાનના મુખમાંથી આ શબ્દો નીકળતાં જ તેમણે દસ્તરખાન લાવીને ત્યાં પાથરી દીધું અને નાનાવિધ ભોજનોના ભિન્નભિન્ન થાળ લાવીને દસ્તરખાનપર મૂકી દીધા. એ સોનાના થાળ તથા સોનાના કટોરા ઇત્યાદિમાં પુલાવ, મુતંજન, કોરમા, કબાબ, ગુર્દા, મુર્ગી, સંબોસા, નાન, શાકભાજી તથા અન્યાન્ય પદાર્થો એટલા તો વિપુલ પરિમાણમાં લાવીને મૂકવામાં આવ્યા હતા કે જો તે સર્વનો તોલ કરવામાં આવે, તો તેમનો ભાર તે સમયમાં જેનો એક શેર પંદર પહલુઇની બરાબરનો થતો હતો તેવા ગુજરાતી અડધા મણથી વધારે થાય, એ નિર્વિવાદ હતું. એટલો બધો ખોરાક સુલ્તાન બેગડો પોતાની બેગમ કમાબાઈ તથા અલૈયાજી, ખેંગારજી અને સાયબજી સાથે વાત કરતો કરતો એવી તો સહેલાઈથી ખાઈ ગયો કે તે ભાર તેના વિશાળ ઉદરમાં ક્યાં સમાઈ ગયો તે પણ જણાયું નહિ. સુલ્તાનના આ ભોજનથી ખેંગારજી તથા સાયબજીને આશ્ચર્ય તો અવશ્ય થયું, તો પણ તે વેળાયે તેઓ કાંઈ પણ ન બોલ્યા અને એક પ્રહર રાત્રિ વીતવા આવેલી હોવાથી તેમણે સુલ્તાન તથા કમાબાઈ પાસેથી ઘેર જવામાટેની રજા માગી.
સુલ્તાને ખુશીથી તેમને જવામાટેની રજા આપી અને કમાબાઈએ કહ્યું કેઃ "ભાઈ આવતી કાલે જ્યારે દરબારમાં આવવામાટે ઘેરથી નીકળો, તે વેળાયે મારી બન્ને ભાભીઓને અહીં મારા અંત:પુરમાં હું જે મ્યાનો મોકલું તે મ્યાનામાં બેસાડીને મોકલજો; કારણ કે, મારી ભાભીઓને મળવા માટે મારું મન અતિશય આતુર થઈ રહ્યું છે; પછી વળી એક વાર હું પણ તમારે ઘેર આવીશ."
"ભલે બહેન, મ્યાનો મોકલજો એટલે તમારી ભાભીઓ અવશ્ય તમને પગે લાગવામાટે આવશે." ખેંગારજીએ અતિશય નમ્રતા દર્શાવીને કહ્યું.
"ઘણું જીવો મારા વીર !" કમાબાઈએ આશીર્વાદ આપ્યો.
એ પછી અલૈયાજી, ખેંગારજી અને સાયબજી સુલ્તાનના મહાલયમાંથી બહાર નીકળ્યા એટલે ખેંગારજીએ અલૈયાજીને આશ્ચર્ય દર્શાવીને પૂછ્યું કે: "મોટા ભાઈ, શું સુલ્તાન નિત્ય આટલા વિપુલ પરિમાણમાં ભોજન લે છે ? તેમના આજના ભોજનને જોઈને ખરેખર અમને આશ્ચર્ય થાય છે."
એના ઉત્તરમાં અલૈયાજી કહેવા લાગ્યો કે: "ભાઈ ખેંગારજી, સુલ્તાન બેગડો જેવો શુરવીર, અગાધપરાક્રમશીલ અને ભીમકાય પુરુષ છે, તેવો જ તેનો જઠરાગ્નિ પણ અત્યંત પ્રબળ છે. સુલ્તાન બેગડાનો રોજનો ખાવાનો રાબેતો જેનો એક શેર પંદર પહલૂઈની બરાબર થાય છે, તેવા એક ગુજરાતી મણનો છે. ખાધા પછી તે પાંચ શેર મમરા તે જોતજોતામાં ખાઈ જાય છે. રાતે સૂતી વેળાયે પલંગની બંને બાજૂએ સંબોસાનો ભરેલો અક્કેક થાળ મૂકાવે છે, કારણ કે, રાતે ઘણીક વાર જાગી જાય તે વેળાયે પણ તેને થોડુંક ખાવાની ટેવ છે એટલે તેમાંથી થોડા સંબોસા ખાય છે અને પાણી પીને પાછો સૂઇ જાય છે. એવી રીતે રાતે ઘણીક વાર તે જાગે છે અને ખાય છે. દરરોજ સવારમાં નિમાજ પઢી લીધા પછી એક પ્યાલો ભરીને મક્કાનું મધ, એક પ્યાલો ભરીને ઘી અને દોઢસો સોનરી કેળાં તો તે સાધારણ નાશ્તામાં જ ઓઇયાં કરી જાય છે. વળી સુલ્તાન બેગડો પોતે બહુ જ વિનોદી સ્વભાવનો હોવાથી ઘણી વાર તેના મુખમાંથી એવો ઉદ્ગાર નીકળી જાય છે કે: 'જો પરવરદિગારે આ મહમૂદને સુલ્તાન ન બનાવ્યો હોત, તો તેનું પેટ કોણ ભરત વારુ ?' અર્થાત્ સુલ્તાનના અત્યારના ભોજનપરિમાણથી આશ્ચર્યચકિત થવાનું કાંઈ પણ કારણ નથી."
"જો એમ જ હોય, તો તો પછી પુરાણોમાં અને રામાયણ તથા મહાભારત જેવા આપણા પુરાતન ગ્રંથોમાં ભીમસેન જેવા કેટલાક પુરુષોના રાક્ષસીય આહારની કથાઓ કરવામાં આવી છે, તે પણ અવશ્ય સત્ય જ હોવી જોઈએ. આવાં આવાં અનેક ઉદાહરણો વર્તમાન કાળમાં પણ આપણાં નેત્રો સમક્ષ હોવા છતાં આપણામાંના કેટલાક અજ્ઞાન લોકો આપણા પુરાતન ગ્રંથોમાંની એવી કથાઓને અસત્ય, કપોલકલ્પિત અને શીતલ પ્રહરના ગપ્પાષ્ટક સમાન માને છે, એ અત્યંત શોકાવહ ઘટના છે." ખેંગારજીએ કહ્યું.
આ પ્રમાણે વાર્તાલાપ ચાલતો હતો એટલામાં અલૈયાજીનું નિવાસસ્થાન આવી લાગ્યું એટલે તે પોતાને ઘેર ગયો અને ખેંગારજી તથા સાયબજી ત્યાર પછી પોતાના અશ્વોને શીઘ્રતાથી ચલાવતા પાછા પોતાના નિવાસસ્થાનમાં આવી પહોંચ્યા. ખેંગારજી તથા સાયબજીએ પોતપોતાના શયનમંદિરમાં પ્રવેશ કર્યો અને પોતપોતાની પત્નીને સુલ્તાન બેગડા તથા બહેન કમાબાઈએ કરેલા પોતાના સત્કારનો તથા સુલ્તાન બેગડાએ સર્વ પ્રકારની સહાયતા આપવામાટેના આપેલા અભિવચનનો ઇત્યંભૂત વૃત્તાંત કહી સંભળાવ્યો કે જે સાંભળીને તેમની પત્નીઓ અત્યંત પ્રસન્ન થઈ. બીજે દિવસે તેમની પત્નીઓએ કમાબાઇને પગે લાગવામાટે જવાનું હતું, એ પણ તેમણે પોતાની પત્નીઓને જણાવ્યું અને તે સુશીલ સુન્દરીઓએ તે પ્રમાણે ત્યાં જવામાટેના આમંત્રણને આનંદથી સ્વીકારી લીધું.
માનવસ્વભાવનો એક એવો નિયમ છે કે જેમ કોઈ વાર અત્યંત શોક તથા ચિન્તાના યોગે નિદ્રાનો લોપ થઈ જાય છે અને 'चिन्तातुराणां न सुखं न निद्रा ' એ ઉક્તિ સહસા સત્ય સિદ્ધ થતી દેખાય છે; તે જ પ્રમાણે કેટલીક વાર અત્યંત આનન્દ કિંવા હર્ષના યોગે પણ નિદ્રાનો અભાવ થઈ જાય છે, એવો અનુભવ ઘણાકોને વારંવાર થયો છે, થાય છે અને ભવિષ્યમાં પણ થતો રહેવાનો. આર્થાત ખેંગારજી, સાયબજી તથા તેમની પત્નીઓને પણ આજે એવો જ અનુભવ થયો; હર્ષનો અતિરેક થવાથી તેમને નિદ્રા ન આવી અને નાના પ્રકારના વાર્તાલાપમાં જ તેમની નિશાનો અંત થઈ ગયો. અરુણોદય થતાં તેમણે નિદ્રાધીન અવસ્થામાં જ શય્યાનો પરિત્યાગ કર્યો અને દરબારમાં જવા માટેની તૈયારી કરવા માંડી.
બહુધા દિવસનો એક પ્રહર જેટલો સમય વીતવા આવ્યો હતો, સૂર્યદેવ પોતાની પ્રખરતાને ક્ષણે ક્ષણે વૃદ્ધિગત કરતો જતો હતો અને અહમ્મદાબાદ નગરમાં સર્વત્ર સુલ્તાનને ગઈ કાલે પરમાત્માએ કાળના મુખમાંથી બચાવેલો હોવાથી આનંદોત્સવની તૈયારીઓ ચાલતી જોવામાં આવતી હતી. ગત રાત્રિના સમયમાં જ ખાસ દરબારમાં પ્રભાતમાં ઉપસ્થિત થવામાટેનો સુલ્તાનનો સંદેશ સર્વ રાજકર્મચારીઓ, ઉલ્મા, પંડિત તથા હિન્દુ મુસલ્માન જાતિના પ્રતિષ્ઠિત નાગરિકોને મળી ગયેલો હોવાથી અત્યારે સુલ્તાનના 'ભદ્ર'માંના રાજમહાલયમાંના વિશાળ સભાસદનમાં એક પ્રકારનો ઇંદ્રની સભા સમાન સમારંભ જોવામાં આવતો હતો. સર્વ રાજકર્મચારીઓ પોતપોતાની પદવીને દર્શાવનારા ચિન્હયુક્ત વેષમાં દરબારમાં આવીને પોતપોતાના આસને વિરાજ્યા હતા, ઉલ્મા તથા પંડિતો પોતપોતાના સ્થાને બેઠા હતા અને હિન્દુમુસલમાન નાગરિકો પણ વિપુલ સંખ્યામાં ઉપસ્થિત હતા; માત્ર એટલું જ નહિ, પણ સુલ્તાનને આશીર્વાદ આપવામાટે આવેલા ભાટ ચારણો તેમ જ બેત્રણ નામાંકિત તવાયફ આદિ પણ એ દરબારમાં હાજર હોવાથી દરબારનો રંગ કાંઇક ઔર જ દેખાતો હતો. આજની સભામાં જે એક વિશિષ્ટ પ્રકારની વ્યવસ્થા સર્વનાં મનોને આકર્ષતી હતી, તે એ હતી કે સુલ્તાનની મસ્નદની પાસેના બે બાજૂના બે ભાગો કે જે હમેશ ખાલી રહેતા હતા, ત્યાં આજે બે ઉત્તમ આસનો ગોઠવી દેવામાં આવ્યાં હતાં, પરંતુ તે આસનોપર આજે વિરાજવાના ભાગ્યને કોણ પ્રાપ્ત કરનાર હતા, એની કોઈને કશી કલ્પના ન હોવાથી સર્વ જનો પોતપોતાની ઈચ્છા પ્રમાણેની કલ્પનાઓ કર્યા કરતા હતા. બરાબર દિવસના પ્રથમ પ્રહરની સમાપ્તિ થતાં જ નગારખાનામાં નૌબત તથા શરણાઈ આદિનો ધ્વનિ થવા લાગ્યો અને તેથી હવે અલ્પ સમયમાં જ સુલતાન સલામત દરબારમાં પધારશે, એવી સભાસદોને સૂચના મળી ગઈ. સર્વ જનો સુલ્તાનને માન તથા અભિનંદન આપવામાટેની તૈયારી કરવા લાગ્યા એટલામાં તો ચોબદારોએ નેકી પુકારી અને સુલ્તાન બેગડાએ સભાસદનમાં પ્રવેશ કર્યો. સર્વ સભાજનોએ પ્રથમ તેને ઉત્થાન આપ્યું અને જ્યારે તે મસ્નદપર બેઠો એટલે સર્વ જનો ભૂમિપર્યંત મસ્તક નમાવી તેને ત્રણ સલામો કર્યા પછી પોતાનાં આસનોપર બેસી ગયા. સુલ્તાનને મસ્નદપર બેઠેલો જોઈને ભાટચારણોનો એક અગ્રેસર ભાટ અથવા કવિ પોતાની આશીર્વાદાત્મક કવિતા લલકારવા જતો હતો એટલામાં દ્વારપાલે ખેંગારજી તથા સાયબજીના આવવાના સમાચાર આપ્યા અને તે સાંભળતાં જ સુલ્તાન પોતે તેમને માન આપવામાટે તખ્તપરથી ઊઠીને ઉભો થઈ ગયો. સુલ્તાન ઊઠ્યો એટલે સર્વે સભાસદો ઊઠ્યા અને ખેંગારજી તથા સાયબજી પોતાના રાજવંશીય વેશમાં જ્યારે દરબારમાં આવ્યા ત્યારે તેમને જોઈને સર્વ જનો આશ્ચર્યચકિત થઈ ગયા. સુલ્તાને માનપૂર્વક ખેંગારજીને પોતાની મસ્નદ પાસેના જમણી બાજૂના આસન પર તથા સાયબજીને ડાબી બાજૂના આસનપર બેસાડ્યા અને ત્યાર પછી ભાટને તેની કવિતા લલકારવાની આજ્ઞા આપવામાં આવી. ભાટ ચારણોના આશીર્વાદની સમાપ્તિ થતાં તવાયફે આનંદદર્શક મધુર સંગીતનો આરંભ કરી દીધો અને સંગીતની સમાપ્તિ પછી કેટલાક વક્તાઓનાં ભાષણ પણ થયાં. એ પછી સુલ્તાને પોતાના રાજકર્મચારીઓ તથા નાગરિકોને ઉદ્દેશીને અત્યંત ગંભીર મુખમુદ્રા, ગંભીર વાણી તથા ગંભીર સ્વરથી કહેવા માંડ્યું કે:—
"મારા વજી઼રે આજમ, જંગબહાદુર સિપાહસાલાર, સરદારો, જાગીરદારો અને રઇસો, ગઈ કાલના શેરના શિકારમાટે આપણે કરેલી ચઢાઇમાં હું પોતે જ શેરના મોઢામાં કેવી રીતે સપડાઈ ગયો હતો અને શેરનો શિકાર કરવા જતાં શેરના હાથે મારો શિકાર થઈ જવાનો અણીનો કેવો વખત આવી લાગ્યો હતો, એ હું જાણું છું અને મારો ખુદા જાણે છે ! પણ હજાર હજાર શુક્ર તે બારે હકતાલાના કે જેણે આ બે બહાદુર જવાનોને મારી મદદે મોકલી આપ્યા અને એમની બહાદુરીથી જ મારી જાન બચી ગઈ; કારણ કે, મારા સઘળા સિપાહો તેમના અશ્વો કાબૂમાં ન રહી શક્વાથી ત્યાંથી દૂર ચાલ્યા ગયા હતા અને જો આ જવાંમર્દો ન આવ્યા હોત, તો મારા બચાવનું મારી પાસે બીજું કાઈ પણ સાધન હતું નહિ. હું એમ કહેવા નથી માગતો કે મારા સિપાહો હેચકારા કે બાયલા હતા અને તેઓ શેરના ડરથી પોતાનો જીવ બચાવવાને જ નાસી ગયા હતા; કારણ કે, મારા જે સિપાહો, જે જવાંમર્દ શેરનર અને જે સૂરમાઓની મદદ તથા જાંનિસારીથી હું ચાંપાનેર તથા જૂનાગઢ જેવા બે મજબૂત ગઢો (ગહ્ડો)ને મેળવવાને સમર્થ થયો છું અને વિશ્વમાં બેગડો કહેવાઉં છું, તે મારા બહાદુર લશ્કરના બાહુબળનું જ પરિણામ છે; એટલે એવા બહાદુર સિપાહો શેરથી ડરીને નાસી જાય, એ તો બને જ નહિ. ત્યારે અહીં સવાલ એ આવીને ઉભો રહે છે કે તેઓ નાઠા શા કારણથી ? એ સવાલના જવાબમાં હું જણાવીશ કે ગઈ કાલે પરવરદિગારની જ એવી મરજી હતી કે મારા એ સિપાહોને દૂર ખસેડીને આ વીર રાજકુમારોને મારા પ્રાણરક્ષણનું શ્રેય અપાવવું કે જેથી એ રાજકુમારોને અત્યારે જોઇતી સહાયતા મારી પાસેથી મળી શકે. આ રાજકુમાર અન્ય કોઈ નહિ, પણ કચ્છદેશના જન્નતનશીન જામ સાહેબ હમ્મીરજીના પુત્ર ખેંગારજી અને સાયબજી છે; એટલે કે, એઓ મારા નિકટના સંબંધી છે, એ નવેસરથી કહેવાની આવશ્યકતા છે જ નહિ. પરંતુ અહીં ખાસ કરીને એક વાર્તા જણાવવાની અગત્ય છે અને તે એ કે આ વીર રાજકુમારોએ સંબંધના કારણથી મારી પાસેથી સહાયતા મેળવવાનું યોગ્ય ધાર્યું નથી અને તેથી આજે પોણા બે વર્ષથી અહમ્મદાબાદમાં હોવા છતાં મને તો એમના દર્શનનો લાભ ગઈ કાલે કટોકટીના પ્રસંગે જ મળ્યો છે. એમણે મને ઉપકારના ભારથી એવો તો દબાવી દીધો છે કે જ્યાંસૂધી મારી મદદથી એઓ પોતાના રાજ્યને મેળવી એમના પિતાના ધાતક શત્રુ જામ રાવળને તેના વિશ્વાસઘાતની યોગ્ય શિક્ષા નહિ આપે, ત્યાંસૂધી મારું હૃદય શાંત થવાનું નથી. હું એમનો જેટલો પણ સત્કાર કરું તેટલો ઓછો જ થવાનો છે; કારણ કે, એમણે ગઈ કાલે પોતાના જીવનનો વિચાર ન કરતાં સાક્ષાત્ મરણના મુખમાં જઇને મારા જીવનની રક્ષા કરી છે અને મને નવીન જીવન આપ્યું છે. છતાં પણ હું આશા રાખું છું કે, અત્યારે હું એમનો જે કાંઈ પણ અલ્પસ્વલ્પ સત્કાર કરવા ઇચ્છું છું, તે મારા સત્કારનો એઓ અસ્વીકાર નહિ કરે અને મને સંતોષવાનો યથાસાધ્ય ઉદાત્ત પ્રયત્ન કરશે."
આ પ્રમાણે બોલીને સુલ્તાને પોતાના ખિદમતગારોને સંકેત કરી દીધો અને તે સંકેતના અર્થને સમજી જઇને તકાળ તેઓ સુવર્ણના બે મોટા થાળોમાં બે ઉમદા પોશાક; બે તલ્વાર, બે હીરાહાર અને બે કટાર ઈત્યાદિ વસ્તુ દરબારમાં લઈ આવ્યા. તે પોષાક આદિ ખેંગારજી તથા સાયબજીને આપતાં સુલ્તાન વળી પાછો ભાષણના સ્વરૂપમાં કહેવા લાગ્યા કે:— "વીર રાજપુત્રો ખેંગારજી અને સાયબજી, આ બહાદુરોને શોભાવનાર તલ્વાર અને કટાર તથા પોશાક આદિ હું પ્રસન્નતાથી તમને આપું છું તેનો સ્વીકાર કરો. મારી એવી ઇચ્છા છે કે, જ્યારે તમે કચ્છના રાજસિંહાસનપર વિરાજો એટલે કે ખેંગારજી, જયારે તમારો રાજ્યાભિષેક થાય, તે વેળાયે તમો આ પોશાક અને આ હથિયાર ધારણ કરજો અને સાયબજીને પણ આ પોશાક તથા હથિયારથી શ્રૃંગારીને તમારી જમણી બાજુએ બેસાડજો. વળી આજના આ યાદગાર દરબારમાં હું તમને 'રાવ'ની પદવી આપું છું એટલે કચ્છ રાજ્યનાં સત્તાસૂત્રોને હસ્તમાં ધારણ કર્યા પછી તમે 'જામ'ને બદલે 'રાવ'ની પદવી જ ધારજો; કારણ કે, એ પદવીથી ભવિષ્યમાં મારા તથા તમારા રાજત્વકાળનો જે ઇતિહાસ લખાશે, તેમાં તમારા મારા શિરપરના આજના ઉપકારની ઘટનાનો ઉલ્લેખ થશે અને તમારી સાથે મારા નામનો ઉલ્લેખ થતાં મને સદાને માટે એક પ્રકારના ગૌરવની પ્રાપ્તિ થશે, એવી મારી માન્યતા છે. અસ્તુ:" એમ કહીને સુલ્તાને પોતાના સિપાહસાલાર અથવા સેનાધ્યક્ષને સંબોધીને કહેવા માંડ્યું કે: "મારા તજરૂબાકાર અને જંગબહાદુર સિપાહસાલાર, મારું તમને એ ફર્માન છે કે અત્યારે આપણી સલ્તનતમાં સર્વત્ર શાંતિ હોવાથી તમો આવતી કાલથી આપણા વિશાળ સૈન્યમાંના પદસંચારી તથા અશ્વારોહી બાર હાજાર સૈનિકાને તૈયાર થવાની આજ્ઞા આપો અને તેઓ ચાર દિવસમાં અહીંથી પ્રયાણ કરવાને તૈયાર થઈ જાય, એવી વ્યવસ્થા કરો; કારણ કે, તમારે આ વીર રાજકુમારો સાથે કચ્છમાં તે સૈન્ય સહિત જવાનું છે અને જામ રાવળ સાથે યુદ્ધ કરી એમને એમની સલ્તનત પાછી અપાવવાની છે. મને આશા છે કે આ યુદ્ધમાં તમે સંપૂર્ણ શૌર્ય બતાવશો અને સુલ્તાન બેગડાની ઇજ્જતમાં દાગ નહિ જ લાગવા દ્યો." એ પછી સુલ્તાને ખજાનચીને આજ્ઞા આપી કે: "જ્યારે ખેંગારજી તથા સાયબજી અહીંથી પ્રયાણ કરે, તે વેળાયે આપણા ખજાનામાંથી એમને એક લાખ સોનામોહોરો ગણી આપજો અને ત્યાર પછી પણ જો એમનો કોઈ માણસ એમની ચિઠ્ઠી લઇને વધારે નાણાં લેવામાટે આવે, તો મને પૂછ્યા વિના જ જે કાંઇ જોઈએ તે આપજો. નાણાંની આ રકમ એમના ખાતે લખી રાખજો; કારણ કે, એ રકમ વ્યવહારે આપવાની છે, પરંતુ ખાતામાં એવો શેરો મારી રાખજો કે એ નાણાં જ્યારે એઓ પોતે પાછાં મોકલે ત્યારે જ લેવાનાં છે અને એમની પાસેથી કે એમના વંશજો પાસેથી આપણે અથવા આપણા વંશજોએ ઉઘરાણી કરવાની નથી. વળી 'રાવ' પદવીના કચ્છના રાજાઓ સ્વતંત્ર સત્તાધીશ રાજા હોવાથી ભવિષ્યમાં અમદાવાદના કોઈ પણ સુલ્તાને કચ્છના રાજાને પરતંત્ર કરવામાટે અથવા તો બીજા કોઈ કારણથી કચ્છ દેશપર કદાપિ ચઢાઈ કરવી નહિ. અને 'રાવ'ને સદા પોતાના મિત્ર માનવા, એવો શેરો પણ આપણા દફતરમાં થઈ જવો જોઈએ."
સુલ્તાન બેગડાની આવી અલૌકિક ઉદારતા, સહૃદયતા, કૃતજ્ઞતા તથા કૃપાશીલતાને જોઈને ખેંગારજીનું હૃદય એવું તે સદ્ગદિત થઈ ગયું કે કેટલીક વાર સૂધી તો તે આશ્ચર્યપૂર્ણ દૃષ્ટિથી સુલ્તાનના મુખમંડળને જોઈ રહ્યો અને કાંઈ પણ બોલી શક્યો નહિ. ત્યાર પછી તે પોતાની કૃતજ્ઞતા તથા નમ્રતાને દર્શાવતો વિનયપૂર્ણ વાણીથી કહેવા લાગ્યો કેઃ "મારી એક સાધારણ કૃતિ અને અલ્પ સેવાના બદલામાં ખુદાવંદ સુલ્તાને મારું જે આટલું બધું ગૌરવ કર્યું છે અને મને જોઈતી સર્વ સહાયતા આપવાની અપૂર્વ ઉદારતા દર્શાવી છે, તેમાટે કેવળ હું જ નહિ, પણ મારા બંધુ, કુટુમ્બીય જનો તેમ જ મારા વંશજો પણ અહમ્મદાબાદના આ મહાપ્રતાપી સુલ્તાનના સદાને માટે ઋણી રહેશે. મેં અનેક વાર કેટલાક લોકોના મુખથી સુલ્તાન સલામત વિશે એવા પ્રવાદો સાંભળ્યા હતા કે સુલ્તાન બેગડો એક ક્રૂર, નિર્દય, કૃતઘ્ન તથા હિન્દુઓનો દ્વેષ્ટા મુસલ્માન સુલ્તાન છે; પરંતુ સુલ્તાનની આજની ઉદારતા, સહૃદયતા, કૃતજ્ઞતા તથા નમ્રતાનો સાક્ષાત્કાર થતાં તે પ્રવાદો સર્વથા અસત્ય હોવા જોઈએ, એવો મારો નિશ્ચય થઈ ગયો છે. ચાંપાનેર તથા જૂનાગઢના હિન્દુ રાજાઓને પરાજિત કરીને સુલ્તાને તેમનાં રાજ લઈ લીધાં છે, તેથી જ કદાચિત્ એ પ્રવાદોનો જન્મ થયો હશે; પરંતુ મારી એવી ધારણા છે કે, તેમાં સુલ્તાનનો કેવળ હિન્દુઓ તરફનો દ્વેષ નહિ, પણ કાંઈક અન્ય રાજકીય કારણો હાવાં જોઈએ; કારણ કે, જો સુલ્તાનનો હિન્દુઓ તરફ દ્વેષભાવ જ હોય, તો તો અમે પણ હિન્દુ હોવાથી તેઓ અમને આટલું બધું માન કેમ આપે વારુ ? હું આશા રાખું છું કે, સુલ્તાનનો હિન્દુઓ પ્રતિ આવો જ સદ્ભાવ અવિચળ રહો અને અત્યારે સુલ્તાન સલામતે અમારાપર જે ઉપકાર કર્યો છે, તે ઉપકારને ઉપકારથી વાળી આપવાનો યોગ્ય પ્રસંગ અમને સત્વર પ્રાપ્ત થાઓ ! સુલ્તાનના વંશજો જો કચ્છના 'રાવ' સાથે મૈત્રીસંબંધ રાખીને કચ્છ રાજ્યની સ્વતંત્રતામાં બાધા નહિ નાખે, તો કચ્છના 'રાવ' પણ અહમ્મદાબાદના સુલ્તાનના મિત્ર રહી આપત્તિના સમયમાં અગ્રભાગે રહીને તેમને સહાયતા આપશે, એવો પ્રબંધ હું પણ રાજ્ય મેળવ્યા પછી કરીશ. ખુદાવંદ સુલ્તાનને પુનઃ એક વાર ધન્યવાદ આપીને હું અહીં જ વિરમવાની આજ્ઞા ઇચ્છું છું."
"આમીન, આમીન !" સર્વ સભાસદોએ ભીષણ ધ્વનિથી 'આમીન' શબ્દનો બે વાર ઉચ્ચાર કર્યો.
એ પછી ભાટ ચારણોને તથા તવાયફ ઇત્યાદિને ઇનામ અપાયાં અને દીનજનોને, સાધુઓને તથા ફકીરોને અન્નદાન, ધનદાન તથા વસ્ત્રદાનથી સંતોષવામાં આવ્યા અને સુલ્તાનની આજ્ઞાથી ચોબદારે દરબાર બરખાસ્ત થવાની સૂચના આપી દીધી. ખેંગારજી તથા સાયબજીની પત્નીઓ સુલ્તાનના જનાનખાનામાં કમાબાઈ પાસે બેઠેલી હોવાથી અને અલૈયાજીએ બ્રાહ્મણ રસોઇયાને બોલાવી તે સર્વના ભોજનની વ્યવસ્થા ત્યાં જ કરાવેલી હોવાથી સુલ્તાન બેગડો ખેંગારજી તથા સાયબજીને સાથે લઈને જનાનખાનામાં જવામાટે ઊઠ્યો અને તેના જવા પછી અન્ય સર્વ સભાસદો પણ પોતપોતાને ઘેર જવા માટે રવાના થઈ ગયા.
જોતજોતામાં બીજા બે દિવસ વીતી ગયા અને તેથી ખેંગારજી તથા સાયબજીના સૈન્ય સહિત કચ્છપ્રયાણમાં કેવળ બે જ દિવસ બાકી રહ્યા. જ્યારથી દરબારમાં સુલ્તાન બેગડાએ એ બે રાજકુમારોનું અપૂર્વ ગૌરવ કર્યું હતું, ત્યારથી સમસ્ત અહમ્મદાબાદ નગરમાં તેમની અને તેમની જ પ્રશંસાયુક્ત ચર્ચા ચાલી રહી હતી. જ્યારે એ વાર્તા માધુરીના સાંભળવામાં આવી, ત્યારે તેના હર્ષનો અવધિ થયો અને તે એક ધર્મભગિની તરીકે આશીર્વાદ આપવા માટે ખેંગારજી તથા સાયબજીને ઘેર આવી. આશીર્વાદ આપ્યા પછી જો નાણાંની આવશ્યકતા હોય, તો તે પોતાના પતિ પાસેથી અપાવવાની તેણે પોતાની ઈચ્છા દર્શાવી; પણ ખેંગારજીએ નાણાંની પૂરતી જોગવાઈ હોવાથી તે માટેની અનિચ્છા બતાવી. નિયત દિવસના પ્રભાતકાળમાં સુલ્તાનનો સેનાપતિ પોતાના બાર હજાર સૈનિકો સહિત પ્રયાણ કરવામાટે તૈયાર થઈને 'ભદ્ર'ના દ્વાર સમક્ષ આવી ઊભો રહ્યો અને ખેંગારજી તથા સાયબજી પોતાની બહેન કમાબાઈનો આશીર્વાદ લઈને આવ્યા એટલે તત્કાળ સેનાએ ત્યાંથી પ્રયાણ કર્યું. છચ્છર, રણમલ્લ તથા તેનો ભત્રીજો પણ સાથે જ હતા અને રાજકુમારોની પત્નીઓ માટે બંધ મ્યાનાની તેમ જ માર્ગમાં તેમની સેવામાટે પરિચારિકાઓ, દાસીએ તથા સેવિકાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી. સુલતાન બેગડો પોતે પણ સરખેજ સુધી તેમને મૂકવામાટે જવાનો હોવાથી તેમની સાથે જ હતો તેમ જ તેના પાંચસો અંગરક્ષકો પણ સરખેજ સૂધી જવાના હતા. જ્યારે એ સૈન્ય સરખેજની સીમાને ઉલ્લંઘી જવાની અણીપર આવ્યું તે વેળાયે ખેંગારજીને સંબોધીને સુલ્તાન બેગડાએ કહ્યું કે: "અજી઼જ઼ ખેંગારજી, મોરબીના નવ્વાબખાન ઘોરીપર મોરબી તમને સોંપી દેવામાટેનો પરવાનો લખીને મેં સેનાપતિને આપી દીધો છે અને જો નવ્વાબખાન રાજીખુશીથી મોરબીનો કબ્જો તમને ન સોંપે, તો લડાઈ કરીને પણ મોરબી સર કરવાનો હુકમ મેં સેનાપતિને ફરમાવ્યો છે, કારણ કે, મોરબી એક એવું સ્થાન છે કે ત્યાં પ્રથમ પડાવ નાખીને જો જામ રાવળને તમો રંજાડશો, તો તેનું બળ જર્જરિત થતાં કચ્છની સલ્તનત બહુજ અલ્પ પરિશ્રમથી અને મનુષ્યોની બહુજ ઓછી હાનિથી તમારા હાથમાં આવી જશે. મોરબીમાં સ્થિર થયા પછી જેમ યોગ્ય લાગે તેમ કરજો અને આવશ્યકતા જણાય, તો મારા અનુભવી સેનાધ્યક્ષ સાથે અમુક વિષયનો વિચાર ચલાવીને તેની મંત્રણા અનુસાર વર્તજો એટલે અવશ્ય તમારા કાર્યમાં તમને વિજય મળશે. ઠીક ત્યારે હવે ખુદા હાફિજ !"
ખેંગારજી તથા સાયબજીએ વળી પણ યોગ્ય શબ્દોમાં સુલ્તાનનો ઉપકાર માન્યો અને ત્યાર પછી તેઓ સુલ્તાનની આજ્ઞા લઈને પોતાની ઈષ્ટ દિશામાં સૈન્ય સહિત પ્રયાણ કરવા લાગ્યા. સુલ્તાન ત્યાંથી પોતાના અંગરક્ષક અશ્વારોહી સૈનિકો સહિત પાછો વળ્યો અને અહમ્મદાબાદની દિશામાં પ્રયાણ કરી ગયો.
છચ્છરે અહમ્મદાબાદમાંનો પોતાનો સમય બહુધા કાપાલિકના સ્થાનમાં જ વીતાડ્યો હતો અને જ્યારે આવી રીતે પુનઃ ખેંગારજી તથા સાયબજી સાથે કચ્છ જવાનો પ્રસંગ તેને પ્રાપ્ત થયો એટલે એક આદર્શચરિત સાધુને શોધીને તેણે તે સ્થાનનો અધિકાર તેને આપી દીધો હતો કે જેથી તે સ્થાનમાંના શિવલિંગની પૂજા પણ થયા કરે અને તે સાધુનો નિર્વાહ પણ સુખરુપ ચાલ્યા કરે. તે સ્થાનમાંના છચ્છરના પોણા બે વર્ષના નિવાસ પછી તે સ્થાનની ભયંકરતા વિશે લોકોની જે માન્યતા હતી તે દૂર થઈ ગઈ હતી અને તેથી પ્રવાસિજનોના વિશ્રામમાટેનું તે સ્થાન એક ઉત્તમ સાધન થઈ પડ્યું હતું, એ અહીં નવીનતાથી જણાવવાની આવશ્યકતા નથી.
અસ્તુ: પ્રયાણના એ પ્રથમ દિવસના સંધ્યાકાળ સૂધીમાં સેનાએ દશ ગાઉની મંજિલ પૂરી કરી અને એ મંજિલ પૂરી થયા પછી રાત્રિનો સમય વિશ્રાંતિમાં વીતાડવામાટે એક વૃક્ષલતામંડિત તથા જળાશાયયુક્ત ઉત્તમ સ્થાનમાં છાવણી નાખવામાં આવી.