કચ્છનો કાર્તિકેય/બાહુબળથી ભાગ્યપરીક્ષા
← અમદાવાદમાં હાહાકાર | કચ્છનો કાર્તિકેય બાહુબળથી ભાગ્યપરીક્ષા વિશનજી ચતુર્ભુજ ઠક્કુર ૧૯૨૨ |
'રાઓ'પદવી અને સાધનપ્રાપ્તિ → |
અરણ્યમાંના અમુક સ્થાનમાં આવ્યા પછી ત્યાંના જાણીતા પારધીઓ તથા વાઘરીઓના કહેવાથી સવારીને આગળ વધતી રોકવામાં આવી; કારણ કે, તે નરધાતક સિંહરાજની ગુહા ક્યાંક એટલામાં જ હતી. સવારીને રોક્યા પછી વાદ્યોના ધ્વનિ તથા અન્ય પ્રકારના નાદ તેમ જ કેટલાક અન્યાન્ય પ્રયત્નવડે તે સિંહને તેની ગુહામાંથી બહાર કાઢવાના ઉદ્યોગોનો આરંભ કરવામાં આવ્યો. એટલા બધા પ્રયત્નો તેને તેની ગુહામાંથી બહાર કાઢવામાટે કરાતા હતા તેનું કારણ એ હતું કે વૃક્ષોની એક ઘાટી ઘટાના અત્યંત ગંભીર ભાગમાં તેની ગુહા આવેલી હતી અને તે વૃક્ષઘટામાં એક અશ્વારોહી સૈનિક પણ પ્રવેશ કરી શકે તેમ નહોતું. જો મનુષ્ય એકલો જાય, તો પણ તે વૃક્ષરાજીમાં તેને નમીને ચાલવું પડે તેમ હતું અને માર્ગ સંકુચિત હોવાથી સામેથી તે સિંહ આવી ચડે, તો તે મનુષ્યના જીવનની રક્ષા સર્વથા અસંભવિત હતી એટલે તે વૃક્ષરાજીમાંથી બહાર નીકળીને તે મૃગરાજ મેદાનમાં ન આવે, ત્યાં સુધી તેના સંહારનો સંભવ બહુધા નહોતો જ, એમ કહેવામાં કોઈ પણ પ્રકારની અતિશયોક્તિ થાય તેમ નથી. અનેક પ્રકારના નાદો કરવા છતાં પણ જ્યારે સિંહ તેની ગુહામાંથી બહાર ન આવ્યો એટલે કોપવશ થઇને સુલ્તાને માવતને એવી આજ્ઞા આપી કેઃ “આપણે હાથીને એ વૃક્ષઘટાના મુખભાગમાં લઈ જઈને ઊભો રાખો.” આજ્ઞા પ્રમાણે માવતે હાથીને ત્યાં લઈ જઈને ઊભો રાખ્યો એટલે સુલ્તાને પોતાના ભીષણ તથા કર્કશ સ્વરથી આકાશભેદક ગર્જના કરીને કહ્યું કેઃ “અરે કૂતરા, આમ ગુફામાં લપાઈને બેસી શું રહ્યો છે ? જો તું ખરેખરો શેર હોય, તો નીકળી આવ બહાર અને મરવા માટે થઈ જા તૈયાર ! આજે તારા શિકારમાટે સુલ્તાન બેગડો પોતે આવેલો હોવાથી તારા દિવસો ગણાઈ ચૂક્યા છે, એમ જ તારે માનવાનું છે. તું ઘણાકોના હાથમાંથી છટકી ગયો છે અને નિઃશસ્ત્ર તથા ભીરુ મનુષ્યની નિર્ભયતાથી હત્યા કરતો રહ્યો છે, પણ આજે હવે આ શેર સુલ્તાનના હાથમાંથી કોઈ પણ ઉપાયે તું છટકી શકે તેમ નથી !”
મહાભિમાની મૄગપતિ કેસરીના કર્ણોમાં સુલ્તાન બેગડાનો ધ્વનિ આવીને અથડાયો અને પોતાને 'કૂતરા'નું સંબોધન અપાયલું તેણે સાંભળ્યું એટલે પછી તે પોતાના ક્રોધને શમાવી શક્યો નહિ અને તેના પ્રાણ લેવામાટે વિશાળ સૈન્ય આવેલું હોવા છતાં તેની લેશમાત્ર પણ ભીતિ ન રાખીને તે પરાક્રમી સિંહરાજ પિતાની મહાભીષણ ગર્જનાથી આકાશ તથા પૃથ્વીને કંપાવતો અને સર્વના હૃદયમાં મરણના ભયાનક ચિત્રને આલેખતો બે છલાંગ સાથે તે વૃક્ષઘટાના મુખભાગમાં આવીને ઊભો રહ્યો અને જાણે પોતાને 'શ્વાન'ના સંબોધનથી બોલાવનાર સુલ્તાતાન પાસેથી તે અપમાનનો બદલો લેવાને તલસી રહ્યો હોયની ! તદત્ સુલ્તાનને તેની અંબાડીમાં તાકી તાકીને જોવા લાગ્યો. નરપતિ તથા મૃગપતિના યુદ્ધની ભયાનક વેળા આવીને ઉપસ્થિત થઈ. પરંતુ આશ્ચર્યનો વિષય તો એ હતો કે તે વનરાજને પોતાની ગુહામાંથી ગર્જના કરીને બહાર નીકળતો જોઇને સુલ્તાનના સૈનિકોમાં તેમ જ અન્યાન્ય જનોમાં નાસભાગનો આરંભ થઈ ગયો; કારણ કે, સર્વના મનમાં પોતપોતાના પ્રાણની ચિન્તા હોવાથી અગ્રભાગે રહીને સર્વથી પ્રથમ તે સિંહપર તલ્વાર, તીર, ભાલો, બંદૂકની ગોળી કે અન્યાન્ય શસ્ત્રાસ્ત્ર ચલાવવાની કોઇની પણ હિંમત ચાલી શકતી નહોતી. સિંહનો એવો સ્વભાવ જ હોય, છે કે તે પોતાના સમબળ શત્રુ પર અથવા તો બળમાં પોતાના કરતાં પણ અધિક બળવાન ગણાતા પ્રાણીપર પ્રથમ આક્રમણ કરે છે અને તેમાં પણ ગજરાજ તેનો સ્વાભાવિક શત્રુ હોવાથી ગજરાજનાં ગંડસ્થળોને વિદારવામાટે તો તે નિમેષ માત્રમાં જ તત્પર થઈ જાય છે અર્થાત્ સિંહની વક્ર દૃષ્ટિ તો સુલ્તાન અને સુલ્તાનના ગજરાજમાં જ તલ્લીન થયેલી હતી અને ગજરાજપર આક્રમણ કરવામાટેના અવસરની તે પ્રતીક્ષા કરતો જ બેઠો હતો. સુલ્તાને તેને આવી રીતે શાંતિથી બેઠેલો જોઈને વળી પણ તિરસ્કારદર્શક શબ્દોથી કહ્યું કેઃ “અરે શિયાળવા, આમ શાંત થઈને આ નરસિંહને જોઈ શું રહ્યો છે ? ઊઠ, ઊભો થઈ જા, આગળ વધી આવ અને મારા ભાલાના આધાતને શરીરપર ઝીલી લેવા માટે તૈયાર થા !” આમ કહીને સુલ્તાને પોતાના હાથમાંના ચમકતા ભાલાને તે મૃગપતિપર ઉગામ્યો અને તે જોઈને તત્કાળ તે વિકરાળ વનરાજ ઊઠીને ઊભો થઈ ગયો.
વનરાજે પોતાના પુચ્છને પોતાના પૃષ્ઠભાગ પર અફાળીને જેવી બીજી ભયાનક ગર્જના કરી કે તેવા જ પોતાના પૃષ્ઠપર સૈનિકોને ધારણ કરીને ઊભેલા અશ્વો ત્યાંથી પ્રાણ લઇને પલાયન કરવા લાગ્યા અને સૈનિકોની તથા સુલ્તાનના અંગરક્ષકોની સુલ્તાનથી દૂર થવાની ઇચ્છા ન હોવા છતાં પણ અશ્વો તેમને તેનાથી દૂર લઈ ગયા. સાયબજીનો અશ્વ પણ જરાક પાછો હટી ગયો, પણ ખેંગારજીનો અશ્વ માત્ર પોતાના સ્થાનથી લેશ માત્ર પણ ભ્રષ્ટ ન થતાં પર્વત પ્રમાણે અચલતાથી ત્યાંનો ત્યાં જ ઊભો રહ્યો. વનરાજ સિંહ સંપૂર્ણ નિર્ભયતાથી એક જબરી છલાંગ મારીને ઉછળતાંની સાથે જ ગજરાજના કુંભસ્થળપર જઈ પડ્યો અને તેથી ગભરાયલો માવત આંખોમાં અંધારાં આવવાથી તમ્મર ખાઈને ભૂમિપર પછડાઈ પડ્યો. પ્રબળ સિંહારાજનું પોતા પર આક્રમણ થતાં એક લઘુ ગિરિરાજ સમાન વિશાળકાય ગજરાજ પણ ભયથી થરથર કંપવા લાગ્યો. મદોન્મત્ત સિંહ સુલ્તાનની અંબાડીની એટલો અડોઅડ આવી રહ્યો હતો કે જો તે પોતાના વિશાળ પંજાને આગળ લંબાવે, તો સુલ્તાનને અંબાડીમાંથી બહાર ખેંચી કાઢતાં તેને જરા પણ વિલંબ થવાનો સંભવ ન હતો તેમ જ વળી ગજરાજના ગંડસ્થળને તે એવી રીતે ચોંટ્યો હતો કે સુલ્તાનથી તેના પર શસ્ત્રનો આધાત કરી શકાય તેમ હતું જ નહિ. અર્થાત્ સુલ્તાનને અત્યારે બે બાબતોની સંભાળ રાખવાની હતી અને તે એ કે તે સિંહ પોતાનો પંજો ક્યારે ઉઠાવે છે તે જોયા કરવું અને જો તે આક્રમણ કરે, તો આત્મરક્ષણના પ્રયત્નમાટે તત્પર રહેવું પોતાના સૈનિકો તથા અંગરક્ષકોના અશ્વોને ચારે દિશામાં પલાયન કરતા જોઈને સુલ્તાન અત્યંત નિરાશ થઈ ગયો અને તેથીથોડી વાર પૂર્વે જે સિંહને તેણે તુચ્છતાદર્શક 'શ્વાન'ના સંબોધનથી બોલાવ્યો હતો, તે જ સિંહ હવે તેને યમરાજ અથવા 'મલકુલમ્ ઓત'ના સ્વરૂપમાં દેખાવા લાગ્યા. બહુ અંશે તેણે પોતાના જીવનની આશાનો ત્યાગ કરી દીધો અને તેના મુખમાંથી એવા નિરાશાજનક શબ્દો નીકળી ગયા કેઃ “યા પરવરદિગાર, શું ત્યારે મારા નસીબમાં આ શેરના પંજામાં સપડાઈને મરી જવાનો યોગ લખાયો હતો ? આ કેવું ખૌફનાક તૂફાન ! અલ અમાન, અલ આમાન ! !” સિંહે પંજો ઉઠાવ્યો અને અણીનો સમય આવી લાગ્યો.
સુલ્તાન બેગડા જેવો હિંમતબહાદુર અને શેરનર પણ મરણના આ સાક્ષાત્કારથી ગર્વગલિત થઈ ગયો; પરંતુ એટલામાં જાણે કોઈ ફરિશ્તો તેની મદદે આવ્યો હોયની ! તેવી રીતે સિંહને સંબોધીને ઉચ્ચારાયેલા “કૂતરા, ગજના ગંડસ્થળપરથી નીચે ઊતર અને મરવાને તૈયાર થા.” એ પ્રમાણેના ખેંગારજીના શબ્દો તેના સાંભળવામાં આવ્યા અને હજી તો તે શબ્દ ઉચ્ચારનારના મુખને જોવાનો તે પ્રયત્ન કરતો હતો એટલામાં તો ખેંગારજીએ તે સિંહના શરીરપર ભાલાનો આધાત કરીને સુલ્તાનની વિપત્તિને પોતાના શિરપર વ્હોરી લીધી. સિંહે હવે પોતાનાં નેત્રોને સુલ્તાન તરફથી ફેરવીને ખેંગારજીના મુખમંડળમાં સ્થિર કર્યાં અને સમય એવો આવી લાગ્યો કે જો ખેંગારજી તેનાપર આધાત અથવા શસ્ત્રપ્રહાર કરવામાં નિમેષ માત્રનો પણ વિલંબ કરે, તો તેના પ્રાણપર જ આવી બને એ નિશ્ચિત હતું. આ રહસ્યને ખેંગારજી પણ સારી રીતે જાણતો હતો એટલે ખેંગારજીએ પોતાના ઉચ્ચ જાતિના અશ્વને એડી મારતાં જ અન્ય એકદમ એક પુરુષ પ્રમાણમાં ઊંચો થઈ ગયો અને તેથી સિંહ૫ર પ્રહાર કરવાનો ઠીક લાગ મળતાં તેણે માણેકબેરજીની આપેલી સાંગનો 'જય દેવી' ઉચ્ચાર સહિત એવા તો અતુલ બળથી સિંહના કપાળપર પ્રહાર કર્યો કે તે સાંગ કપાળમાં લાગતાની સાથે જ વનરાજ સિંહ ગજરાજના ગંડસ્થળને છોડી એક ભયંકર ચીત્કાર સહિત પૃથ્વીપર પછડાઈ પડ્યો છતાં અદ્યાપિ તે ભયાનક પ્રાણી મરણને શરણ થયેલો ન હોવાથી ત્યાં પડ્યો ત્યાંથી ચોગણા બળથી પાછો ઊછળ્યો અને તેથી ખેંગારજી તથા સાયબજી સુલ્તાનની જે ભીતિને તેમણે ટાળી હતી તેના કરતાં પણ વધારે ભીતિમાં આવી પડ્યા. સિંહ ભૂરાટો થઈને એકદમ ખેંગારજીના અશ્વપર જઈ પડ્યો અને પોતાના ભયંકર પંજાના એક જ પ્રહારથી તેણે તે અશ્વને સ્વર્ગના માર્ગનો પ્રવાસી કરી દીધો; એ વેળાયે ખેંગારજીએ પણ સમયસૂચકતા વાપરીને પોતાની તલવારને તેની છાતીમાં પેસાડી દીધી હતી, છતાં તેની પર્વા કર્યા વિના સિંહે ખેંગારજીના પોતાના શરીર પર તરાપ મારી, પણ એટલામાં સાયબજીએ પોતાની તલ્વારને સિંહની ગ્રીવાપર ચલાવી દીધી અને તેથી તેનું શરીર બે ભાગમાં વિભક્ત થઈ જવાથી તેના જીવનનાટકની પરિસમાપ્તિ થઈ ગઈ.
સારાંશ એટલો જ કે, જે મહાભયાનક વનરાજ સિંહે થોડી વાર પહેલાં સુલ્તાન મહમ્મદ બેગડાને, તેના ગજરાજપર ભયંકર આક્રમણ કરીને, મરણનો સાક્ષાત્કાર કરાવી દીધો હતો અને જેણે એક વાર અમદાવાદની પ્રજામાં હાહાકારનો વિસ્તાર કર્યો હતો; તે મહામદોન્મત્ત કેસરીસિંહના અસ્તિત્વને સદાને માટે મટાડી દઈને ખેંગારજી તથા સાયબજીએ અથવા બીજા શબ્દોમાં કહીએ તો કચ્છદેશના બે રાજકેસરીઓએ સુલ્તાન બેગડાના પ્રાણ પણ બચાવ્યા અને અમદાવાદની પ્રજાને પણ તે સિંહના ત્રાસથી સર્વથા મુક્ત કરી દીધી. જ્યારે વનરાજ સિંહનો પાત થયો, ત્યારે જ સુલ્તાનના જીવમાં જીવ આવ્યો. હવે તેણે પોતાના ઉદ્ધારક બે વીરકુમારોને સ્નેહપૂર્ણ દૃષ્ટિથી જોયા અને કહ્યું કેઃ “વીરકુમારો, જો કે હું તમને ઓળખતો નથી, છતાં પણ તમારાં મુખમંડળોમાં વ્યાપેલી ઓજસ્વિતાથી તથા તમારી આજની અદ્ભુત વીરતાથી એટલું તો અવશ્ય જણાઈ આવે છે કે તમો અવશ્ય કોઈ કુલીન તથા વીર ક્ષત્રિય પિતાના પુત્રો છો. અસ્તુ: અત્યારે વિશેષ વાર્તાલાપ કરવાનો સમય ન હોવાથી હું માત્ર એટલું જ કહું છું કે, આજે તમોએ પોતાના પ્રાણોને ભયમાં નાખીને આ સુલ્તાન બેગડાના પ્રાણની રક્ષા કરી છે, તો આ સુલ્તાન બેગડો તમારી આ વીરતાનું અને તમારી આ રાજભક્તિનું તમને યોગ્ય પારિતોષિક અવશ્ય આપશે જ. આવતી કાલે તમારા સન્માન તથા ગૌરવમાટે હું એક ખાસ દરબાર ભરવા ઈચ્છું છું, અને તે દરબારમાં પધારવાનું તમને અત્યારે જ આમંત્રણ આપી મૂકું છું. લ્યો આ મારી રાજચિન્હાંકિત સુવર્ણમુદ્રિકા એ મુદ્રિકા દ્વારપાળને દેખાડશો એટલે તે દરબારમાં તો શું, પણ મારા ખાનગી મહલમાં પણ તમને બેધડક આવવા દેશે.”
ખેંગારજીએ કૃતજ્ઞતા દર્શાવીને તે રાજમુદ્રા લઈ લીધી અને સુલ્તાનનો તેની ઉદારતામાટે યોગ્ય શબ્દોમાં ઉપકાર માન્યો. માવત શુદ્ધિમાં આવીને સુલ્તાનના ગજરાજને નગરભણી લઈ ચાલ્યો અને ત્યાર પછી ખેંગારજીએ, તેનો પોતાનો અશ્વ મરી ગયેલો હોવાથી, કોઈ સૈનિકના એક ખાલી અશ્વને પકડી લઈને તેનાપર, આરોહણ કર્યું અને ઉભય બંધુઓ સુલ્તાનની કૄપા મેળવીને ત્યાંથી ઘરભણી જવાને ચાલતા થયા.