← ભયંકર વિશ્વાસઘાત! કચ્છનો કાર્તિકેય
પલાયન
વિશનજી ચતુર્ભુજ ઠક્કુર
૧૯૨૨
જામરાવળનો જોહાકી જુલમ અથવા મત્ત્વાકાંક્ષાના યજ્ઞમાં સપ્તબાળક બળિદાન →


દ્વિતીય ખણ્ડ-નિશીથ


પ્રથમ પરિચ્છેદ

પલાયન

ઉષઃકાળ થવામાં હજી થોડો વિલંબ હતો અને સંસારના સર્વ જીવો નિદ્રાની શાંતિનો આસ્વાદ લેતા શય્યાશાયી થયેલા હોવાથી સૃષ્ટિએ જાણે શાંતિનું જ સ્વરૂપ ધારણ કરેલું હોયની ! એવો જ સર્વત્ર ભાસ થતો હતો. એવા શાંતિના સમયમાં છચ્છરબૂટો વિંઝાણ નગરમાં આવી પહોંચ્યો અને અજાજીના મહાલયના દ્વારપર એકાએક પોક મૂકીને તેણે રડવાનો આરંભ કરી દીધો. અજાજીની રાણી અચાનક ગભરાઈને જાગી ઊઠી અને જોયું તો છચ્છરબૂટો બારણામાં રડતો બેઠો હતો. તે બાઈના મનમાં અનેક પ્રકારની કુશંકાઓ થવા લાગી અને તેથી તેણે આતુરતાથી પૂછ્યું કેઃ “છચ્છ૨, શી અશુભ ઘટના ઘટી છે અને તું આટલો બધો શામાટે રડે છે, તે સત્વર જણાવી દે; કારણ કે, આવા પ્રસંગે વિલંબ કરવાથી અનિવાર્ય હાનિ થવાનો સંભવ હોય છે, એ તો તું જાણે જ છે.”

"મહારાણી, આપે અને આપના પતિએ મહારાજ જામ હમ્મીરજીને ઘણાય સમજાવ્યા અને જામ રાવળમાં વિશ્વાસ ન રાખવા માટેનો જોઈએ તેટલો ઉપદેશ આપ્યો, પણ મહારાજાએ કોઈનું કહેવું ન માન્યું, તેઓ એકના બે ન થયા અને તેનું પરિણામ એ આવ્યું કે આજે તેઓ આ સંસારમાં નથી!” છચ્છરબૂટાએ આંસૂ લૂછતાં લૂછતાં અશુભ વાર્ત્તા સંભળાવી.

"મહારાજા આ સંસારમાં નથી એટલે ? જરા સ્પષ્ટ કહે,” મહારાણીએ વિશેષ આતુરતાથી પૂછ્યું.

“એટલે એ જ કે, તેઓ જામ રાવળનાં કાવત્રાંના ભોગ થઈ પડ્યા છે અને આ પ્રપંચી સંસારને ત્યાગીને અક્ષય્યસુખદાયક સ્વર્ગમાં વાસ કરવાને ચાલ્યા ગયા છે!” છચ્છરે સ્પષ્ટ ખુલાસો કરી સંભળાવ્યો.

“હાય ! મારી ભગિનીનું ભાગ્ય ભાંગી ગયું અને કુમારો નિરાધાર થયા ! ઓ દુષ્ટ જામ રાવળ, તને આવી કુબુદ્ધિ ક્યાંથી સુઝી ! આ તેં કયા ભવનું વૈર વાળ્યું ? હે ભગવન ! તું પણ આજે નિર્દય થઈ ગયો કે શું ? અન્તે ધર્મનો જય થાય છે, એમ લોકો કહેતા હોવા છતાં આજે પાપનો જ વિજય થયેલો દેખાય છે !” એમ બોલતી ખજાજીની રાણી મૂર્ચ્છિત થઈને ભૂમિપર ઢળી પડી. છચ્છરબૂટાએ રાણીની આવી અવસ્થાને જોઈને મનમાં વિચાર કર્યો કેઃ “જો આમ હવે નિરર્થક શોક કરવામાં જ સમય વીતી જશે, તો બીજા પણ કેટલાક અનર્થો થશે.” એટલે તે પોતાના હૃદયને દૃઢ કરી રાણીને સાવધ કરીને કહેવા લાગ્યો કેઃ “માતા ! જે બનવાનું હતું તે બની ગયું છે, માટે એ બાબતનો અત્યારે શોક કરવાને બદલે જે રાજકુમારો આપના ઘરમાં સલામત છે, તેમને બચાવવાનો પ્રયત્ન કરવો એ આપણું અત્યારે સર્વથી પ્રથમ કર્તવ્ય છે; કારણ કે, જામ રાવળ પોતે અથવા તો તેના ચાંડાલ અનુચરો કુમારોનો શોધ કરવામાટે નીકળી ચૂકેલા હોવા જોઈએ, એવો મારો નિશ્ચય છે. મારી એ જ પ્રાર્થના છે કે, કુમારોને મારા હાથમાં સોંપો, હું તેમને નિર્ભય સ્થાનમાં લઈ જઈશ અને મારા શરીરમાં જીવ છે ત્યાં લગી એમના પ્રાણોનું રક્ષણ કરીશ.”

અજાજીની રાણીને પણ છચ્છરની એ વાત સાચી જણાઈ અને તેથી પોતાના પતિ સાથે એ બાબતની વાતચીત કરીને છચ્છરની નિમકહલાલી તથા વફાદારી વિશે તેની ખાત્રી હોવાથી બન્ને કુમારોના હાથ તે બાઈએ છચ્છરના હાથમાં સોંપીને સાશ્રુનયનથી ભલામણ કરતાં કહ્યું કે :—

“છચ્છર, તું નિમકહલાલ નોકર છે એટલે તને વધારે ભલામણ કરવાની કાંઈ જરૂર તો નથી જ, તો પણ આવા પ્રસંગે ચાર શબ્દો બોલ્યા વિના મારાથી રહી શકાતું નથી. જો મારા મુખમાંથી અત્યારે કોઈ અયોગ્ય શબ્દ નીકળી જાય, તો માઠું લગાડીશ નહિ; કારણ કે, દુઃખમાં આવી પડેલાંનાં મન શંકાશીલ થઈ ગયેલાં હોય છે અને તે શંકાને લીધે કેટલીક વાર તેમના મુખમાંથી અયોગ્ય ઉદ્‌ગારો નીકળી જાય, એ સ્વાભાવિક જ છે. દૂધથી દાઝેલું માણસ છાશ પણ ફૂંકીને જ પીએ છે. આ રાજકુળનાં રત્નો અથવા તો કચ્છ રાજ્યની ભાવિ આશાને અમો અત્યારે વિશ્વાસથી તારા હાથમાં સોંપીએ છીએ, તો હવે એમનું રક્ષણ કરવું એ જ તારું પરમ કર્તવ્ય છે. ધનના લોભથી વિશ્વાસઘાત ન કરીશ. તારા પોતાના પ્રાણની આહુતિ આપીને પણ એમને બચાવજે, એટલી જ અમારી પ્રાર્થના છે. જો આ કાર્ય તું નિમકહલાલીથી બજાવીશ, તો ઇતિહાસમાં તારું નામ અમર થશે અને લોકો તારા મરણ પછી પણ તારી પૂજા કરશે. એ માનસમક્ષ તુચ્છ ધનની કશી પણ કીમત નથી એ ભૂલીશ નહિ ! જા અને કૃતાર્થ થા ! !”

"માતા, મારા વિશે મનમાં કશી પણ શંકા ન જ લાવશો. કદાચિત ચન્દ્ર અને સૂર્યની ગતિમાં પરિવર્તન થશે, પણ મારા હૃદયની ભાવનામાં કોઈ કાળે પણ પરિવર્તન થવાનું નથી. જામ રાવળ પોતાનાં કુકર્મોમાં જેવો એક જ શયતાન છે, તેવો જ ધારજો કે, આ દાસ ધર્મના માર્ગમાં ચાલનારો એક જ ઇન્સાન છે. રાજનિષ્ઠા અને સ્વામિસેવા એ એક જ મારું ધ્યાન છે— મારો એક જ ધર્મ છે અને એક જ ભગવાન્ છે !—

'જો થાઉં અરિનો મિત્ર હું નૃપબાળથી ટૂટી અહીં;
તો લવણ મારા દેહમાંથી નીકળે ફૂટી અહીં !'

—એ સિદ્ધાન્તને હું સારી રીતે સમજુ છું. જો આ બે રાજરત્નોનું રક્ષણ કરતાં હું શત્રુના શસ્ત્રનો ભક્ષ થઈશ, તો અવશ્ય સ્વર્ગમાં જઈશ ! મારા જીવન કે મરણનો મને જરાય વિચાર નથી, માટે નિશ્ચિન્ત રહો !” છચ્છરે આશ્વાસન આપતાં જણાવ્યું.

"શાબાશ, નિમકહલાલ નોકર, શાબાશ ! ! નોકર હો, તો તારા જેવા જ હોજો !” રાણીએ શાબાશી આપી.

માતા સમાન માસીથી વિખૂટા પડવાનો પ્રસંગ આવતાં જ બન્ને કુમારો તેને બાઝી પડ્યા અને રોતા રોતા કહેવા લાગ્યા કેઃ “ના, અમે તો તમને છોડીને ક્યાંય જવાના નથી.” એટલે તેમને આશ્વાસન આપતી માયાળુ રાણી કહેવા લાગી કેઃ “મારા પ્રાણાધિક બાળકો, અત્યારે રોવાનો કે બાળહઠ કરવાનો પ્રસંગ નથી. મારી આજ્ઞાને માન આપીને અત્યારે તો સિધારો. તમે જ્યારે પોતાના પિતાના વધકર્ત્તા પાસેથી વૈરનો બદલો લ્યો ત્યારે જ ખરા સૂપુત્ર અને ક્ષત્રિયકુળદીપક નામને શોભાવનારા કહેવાશો. આપત્તિના અવસરમાં આમ રોદન કરવું, એ ક્ષત્રિયબાળકને શોભતું નથી. દૃઢતા ધારો અને સિધારો ! ઈશ્વર તમને ચિરાયુ કરશે !”

કુમારો તરત રોતા બંધ થઈ ગયા અને પોતાની મેળે જ આગળ ચાલીને છચ્છરના સાહાય્યથી સાંઢણીપર સવાર થયા. છચ્છર પોતે પણ સાંઢણીપર બેઠો અને પ્રવાસની સઘળી તૈયારીઓ થઈ ચૂકી, રાણીએ થોડીક સોનામોહોરો છચ્છરને આપી અને કુમારોને આશીર્વાદ આપીને કહ્યું કેઃ “પુત્રો, પરમાત્મા તમારું કલ્યાણ કરો અને તમો પુનઃ સત્વર જ કચ્છ ભૂમિના સ્વામી થઈને વિજયપતાકાસહિત પાછા ફરો, એ જ મારો આશીર્વાદ છે !"

"હં-પણ મારે કુમારોને લઈ ક્યાં જવા ? આપના ધ્યાનમાં એવું કોઈ નિર્ભય સ્થાન છે ખરું કે ?” છચ્છરે સાંઢણીને ઉઠાડ્યા પછી અચાનક મનમાં એક વિશિષ્ટ કલ્પનાનો ઉદય થવાથી એ સવાલ કર્યો. "અમદાવાદના બાદશાહ પાસે. ત્યાં કુમારોને સારો આશ્રય મળી શકશે, એવી મારી ધારણા છે.” રાણીએ જવાબ આપ્યો.

“બહુ સારું.” છચ્છરે કહ્યું, અને એમ કહેતાંની સાથે તરત જ તેણે સાંઢણીને મારી મૂકી. જોતજોતામાં તે કુમારો સહિત અદૃશ્ય થઈ ગયો અને અજાજી તથા તેની રાણીના મનમાં કુમારોના વિયોગથી શોક તથા તેમના સંરક્ષણના વિચારથી એક પ્રકારનો આનન્દ થવા લાગ્યો. કુમારોના ગયા પછી જામ હમ્મીરના સ્વર્ગવાસના સમાચાર આપવામાટે તેમણે એક માણસને લાખિયાર વિયરા તરફ રવાના કરી દીધો.

*****

સૂર્યોદય થયો અને રાત્રિની ઉદ્યમહીન સૃષ્ટિ પુનઃ ઉદ્યોગમાં પ્રવૃત્ત થયેલી દેખાવા લાગી. લગભગ અર્ધપ્રહર દિવસ ચઢી ગયા પછી અચાનક કેટલાક શસ્ત્રધારી મનુષ્યો અજાજીના મહાલય પાસે આવી લાગ્યા અને પોતાના અશ્વોને ઊભા રાખીને તેઓ નીચે ઊતરી પડ્યા. માત્ર એક તેમના નાયક જેવો દેખાતો જે પુરુષ અદ્યાપિ અશ્વપર જ બેઠો હતો તેણે પોતાના સિપાહીઓને આજ્ઞા કરી કેઃ “અજાજીને બોલાવો અને કુમારોની માગણી કરો.” વાંચકોએ અહીં જાણવું જોઈએ કે એ નાયક બીજો કોઈ નહિ, પણ ક્રૂર નરઘાતક ચામુંડરાજ જ હતો.

સિપાહીઓએ અજાજીને બહાર બોલાવ્યો અને પૂછ્યું કે: "હમ્મીરના બે કુમારો ખેંગારજી અને સાયબજી ક્યાં છે ? અમને તેમનાં મુખ બતાવો.”

“કારણ?” અજાજીએ સામે સવાલ કર્યો.

"કારણ અમારા સરદાર જણાવશે,” એમ કહીને તે સિપાહીઓ અજાજીને ચામુંડરાજ પાસે લઈ આવ્યા અને કહેવા લાગ્યા કે: “સરદાર સાહેબ, આ ઠાકરડો કુમારોને બતાવવાનું કારણ જાણવા માગે છે, માટે એને કારણ કહી સંભળાવો.”

“અજાજી, જામ હમ્મીરજીને મારી નાખીને જામ રાવળજી કચ્છના રાજા થયા છે અને તેમની આજ્ઞાથી જ અમે કુમારોને લેવામાટે આવ્યા છીએ. રાજાની આજ્ઞા એ જ કારણ. તમારે રાજાની આજ્ઞાને માન આપવું જ જોઈએ.” ચામુંડરાજે જોહાકી હુકમ ફર્માવીને કહ્યું.

“રાજાની આજ્ઞા અમને શિરસાવંદ્ય છે. કુમારો હમણાં અહીં જ રમતા હતા, પણ અહીં જોવામાં નથી આવતા એટલે જણાય છે કે રાણીવાસમાં પોતાની માસી પાસે ગયા હશે. હું તેમને હમણાં જ મોકલું છું.” એ પ્રમાણેનું ઉત્તર આપીને અજાજી પોતાના અંતઃપુરમાં ચાલ્યો ગયો.

ચામુંડરાજ અજાજીના વચનમાં વિશ્વાસ રાખી કુમારોના આવવાની વાટ જોતો ઊભો રહ્યા, વાટ જોવામાં બીજો પણ અર્ધ પ્રહર જેટલો સમય વીતી ગયો, પણ કુમારો તો દેખાયા જ નહિ એટલે તેણે અંતઃપુરની દાસીને બોલાવીને અજાજીને બહાર મોકલવાની આજ્ઞા કરી. અજાજીએ આવતાની સાથે જ આશ્ચર્ય બતાવીને કહ્યું કે "શું હજી કુમારો નથી આવ્યા કે ? હું અંતઃપુરમાં તેમને બહાર મોકલવાનું કહેવડાવીને સ્નાન કરવા રોકાયો હતો. ક્ષમા કરજો, આપને આટલી વાર વ્યર્થ ખોટી થઈ રહેવું પડ્યું. તેમને હમણાં જ હું બોલાવી મગાવું છું.” એમ કહીને તેણે દાસીને આજ્ઞા કરી કેઃ “જા અને અંતઃપુરમાંથી કુમારોને અહીં લઈ આવ.”

દાસી નમન કરીને ગઈ અને થોડી વાર પછી પાછી આવીને કહેવા લાગી કેઃ “અંતઃપુરમાં કુમારો નથી અને રાણી સાહેબને પૂછતાં તેઓ એમ કહે છે કે, 'જામ હમ્મીરજીનો એક નોકર અત્યારે જ અહીં આવ્યો હતો અને તે 'હમ્મીરજી તેમને બોલાવે છે એમ કહીને કુમારોને લઈ ગયો.' કુમારો આપણે ત્યાં નથી, અન્નદાતા !"

ચામુંડરાજના મનમાં એ જવાબ સાંભળતાં જ નિરાશા વ્યાપી ગઈ અને તે કોપાયમાન થઈ ગયો, કોપ દર્શાવતો અજાજીને ઉદ્દેશીને તે કહેવા લાગ્યો કે “અજાજી, મારો તમારા અને તમારી રાણીના બોલવામાં વિશ્વાસ બેસતો નથી. આપે જો સીધી રીતે કુમારોને અમારા હાથમાં સોંપી દીધા હોત, તો આપની આબરૂપર હલ્લો કરવાનું અમને કાંઈ પણ કારણ નહોતું. પણ હવે તો અમારે આપના અંતઃપુરમાં પેસીને કુમારોનો શોધ ચલાવવો જ પડશે.” એમ બોલી તે ઘોડાપરથી નીચે ઊતરી પડ્યો અને પોતાના કેટલાક સિપાહીઓને લઇને જોર જબરદસ્તીથી અજાજીના અંતઃપુરમાં ઘુસી ગયો. આખા ઘરમાં અને ઘરના ખૂણે ખૂણામાં તેણે કુમારોનો શોધ ચલાવ્યો, પણ ક્યાંય તેમનો પત્તો મળી શક્યો નહિ. કુમારો ત્યાં હોય તો પત્તો મળે ને ? કુમારો તો આપણે જોયું તેમ ક્યારનાય ચાલ્યા ગયા હતા. અજાજીએ માત્ર તેમને ખોટી કરવા માટે જ જૂઠાં બહાનાં બતાવ્યાં હતાં.

સર્વ રીતે નાસીપાસ થવાથી ચામુંડરાજ અજાજીને કહેવા લાગ્યો કેઃ “કુમારો અહીં નથી, એ વાત ખરી છે; પણ તેમને કોઈ આવીને સ્વાભાવિક રીતે જ લઈ ગયું કે તમે જાણી જોઇને નસાડી દીધા, એ વિશે મારા મનમાં શંકા છે. પણ ચિન્તા નહિ; જો મારું માથું સલામત છે, તો તેમને હું સાતમા પાતાળમાંથી પણ બહાર ખેંચી કાઢીશ, સિપાહીઓ, અહીં કોઈ સારો પગી હોય, તો તેને બોલાવો; જો તે સીધી રીતે ન આવે તો તેને બળાત્કારે પણ પકડી લાવો.”

તરત સિપાહીઓ દોડ્યા અને તેમણે ગામમાં શોધ ચલાવ્યો પણ ગામમાં કોઈ પગી મળ્યો નહિ. ત્યાંથી બે ગાઉના અંતરે આવેલા એક ગામડામાં પગીનું ઘર હતું, ત્યાંથી તેઓ પગીને લઈ આવ્યા અને એ બધી વ્યવસ્થા થતાં સુધીમાં તો મધ્યાન્હનો સમય થઈ ગયો.

અહીં અમારે કચ્છના પગીની થોડીક હકીકત આપવી જોઈએ. પગીઓ તો જો કે કાઠિયાવાડ, સોરઠ અને ગુજરાતમાં પણ છે, પરંતુ કચ્છના પગીઓ પગલું લઈને ચોર અથવા નાસનારને પકડી પાડવામાં આજે પણ સર્વથી શ્રેષ્ઠ મનાય છે. એ લોકો જાતના કોળી કે ભિલ હોય છે અને બહુધા પોતે પણ ચોરી કે લૂટફાટના ધંધાપર જ ગુજરાન ચલાવતા હોવાથી સ્વાભાવિક રીતે જ એ પગલાં ઓળખવાની વિદ્યામાં અત્યંત નિપુણ થયેલા હોય છે. પગીને તેના આવતાંની સાથે જ ચામુંડરાજે કહ્યું કે:—

“પગી કાળા, આજે તું જો તારી ચાલાકીનો સારો ઉપયોગ કરી બતાવીશ. તો તારી ભવની ભાવઠ ભાગી જશે અને હવે પછીના તારા દિવસો સુખવિલાસમાં જ જશે. એક માણસ બે રાજકુમારોને લઇને અહીંથી પલાયન કરી ગયો છે અને તેને રાજકુમારો સહિત આપણે પકડી પાડવાનો છે. જો તારી વિદ્યાથી તે પકડાશે, તો તું ધનવાન્ બની જાય એટલું મોટું ઇનામ તને આપવામાં આવશે.”

“અન્નદાતા, અમારો તો એ ધંધો જ છે. પગલું તો બરાબર લઇશ, પછી ચોર મળે કે ન મળે એ તો કિસ્મતની વાત” એમ કહીને પગી કાળો કેટલેક દૂર સુધી ચાલ્યો ગયો અને માર્ગમાંનાં પગલાં જોવા લાગ્યો. માણસનાં પગલાં વધારે લંબાયલાં તેના જોવામાં ન આવ્યાં, પણ સાંઢણીનાં પગલાં આગળ વધ્યાં અને તેથી મનમાં વ્હેમ આવતાં તે પાછો વળીને ચામુંડરાજને કહેવા લાગ્યો કે: “અન્નદાતા, નાસનાર ચોર પગે ચાલીને તો નથી ગયો, પણ ઊંટ કે સાંઢણીપર સવારી કરીને ગયો છે; માટે મારો એવો વિચાર થાય છે કે આપણે ઊંટનાં પગલાં લઈને જ આગળ વધીએ તો વધારે સારું.”

“ભલે એમ તો એમ. અમને તો કોઈ પણ રીતે અમારા ચોર મળવા જોઈએ.” ચામુંડરાજે કહ્યું.

પગીને એક ઘોડો આપવામાં આવ્યો અને તે ઘોડેસવાર થઈને આગળ આગળ ચાલવા લાગ્યો. તેની પાછળ પાછળ ચામુંડરાજ અને બીજા સિપાહીઓ પોતાના ઘોડાને ધીમી ચાલથી ચલાવતા ચાલ્યા જતા હતા. થોડી વારમાં જ તેઓ વિંઝાણથી દૂર નીકળી ગયા અને અજાજી તથા તેની રાણી આપત્તિમાંથી હાલ તરત તો મુક્ત થયાં.

ચાંડાલ ચામુંડરાજના ચાલ્યા જવા પછી અજાજી પોતાના અંતઃપુરમાં આવ્યો અને રાણીને ઉદ્દેશીને કહેવા લાગ્યો કેઃ “વાત વંઠી છે, પગીએ પગલું પકડી પાડ્યું છે. જો કે છચ્છરબૂટાને અહીંથી નીકળ્યાને ઘણો વખત થઈ ગયો છે અને તેથી ધારી શકાય છે કે તે બહુ દૂર નીકળી ગયો હશે; તો પણ રાજકુમારોની નિર્ભયતામાટે મારા મનમાં શંકા રહ્યા કરે છે. જો રાજકુમારોના સંબંધમાં કાંઈ પણ અશુભ થશે, તો આપણા કપાળમાં સદાને માટે કલંક લાગી જશે. હવે શું કરવું ને શું નહિ એની મને સૂઝ પડતી નથી.”

"પ્રાણનાથ, આવા સમયમાં સાહસનો જ આશ્રય લેવો જોઈએ. ચામુંડરાજના સિપાહીઓની સંખ્યા વીસ કે પચીસથી વધારે તો નથી જ, માટે આપ પણ છુપી રીતે અહીંથી પોતાના પચાસથી સાઠ હથિયારબંધ માણસોને લઇને રવાના થાઓ અને જો રાજકુમારોને એમના હાથમાં સપડાયલા જુઓ, તો એક વાર ઝપાઝપી કરીને પણ તેમને બચાવજો. પછી આપણા ભાગ્યમાં જે લખાયલું હશે તે થશે.” રાણીએ એક વીર નારીને શોભે તેવો જ ઉપદેશ આપ્યો.

"ધન્ય, રાણી, ધન્ય !! હવે એ માર્ગ વિના બીજો માર્ગ નથી. હું આ ચાલ્યો.” એટલું કહી તરત અજાજીએ પોતાના સિપાહીઓને તૈયાર થવાનો હુકમ આપ્યો અને પોતે પણ શસ્ત્રાસ્ત્ર તથા કવચ ધારણ કરીને અશ્વારૂઢ થયો. લગભગ પોણોસો વીર નરોનું એક નાનકડું સૈન્ય છુપી રીતે વિંઝાણમાંથી બહાર પડીને જંગલમાં એક નદીના તીરપ્રાંતમાં એકત્ર થયું અને ત્યાંથી તેણે ચામુંડરાજ જે દિશામાં ગયો હતો તે દિશામાં વાયુના વેગથી પ્રયાણ કર્યું.

ચામુંડરાજે ધર્મના ઉચ્છેદનો ઝંડો ઉઠાવ્યો હતો અને અજાજીએ ધર્મના રક્ષણનો પોતાના મનમાં નિશ્ચય જમાવ્યો હતો, એટલે હવે આપણે જોવાનું છે કે એ ધર્મ અને પાપના સમરક્ષેત્રમાં જય કોનો થયો અને પરાજય કોના પક્ષમાં ગયો.