કચ્છનો કાર્તિકેય/જામરાવળનો જોહાકી જુલમ અથવા મત્ત્વાકાંક્ષાના યજ્ઞમાં સપ્તબાળક બળિદાન

← પલાયન કચ્છનો કાર્તિકેય
જામરાવળનો જોહાકી જુલમ અથવા મત્ત્વાકાંક્ષાના યજ્ઞમાં સપ્તબાળક બળિદાન
વિશનજી ચતુર્ભુજ ઠક્કુર
૧૯૨૨
શિવજીનું સાહસ →


દ્વિતીય પરિચ્છેદ
જામ રાવળને જોહાકી જુલમ
અથવા
મહત્વાકાંક્ષાના યજ્ઞમાં સપ્તબાળકબળિદાન!!

"Cromwell, I charge thee, fling away ambition;
By that sin tell the Angels."
Shakespere.

છચ્છરબૂટો કુમારોને લઈને સાપર નામના એક ગામડામાં આવી પહોંચ્યો. સાપર ગામનો ભીંયો નામનો મિયાણા જાતિનો પટેલ હતો. તે વિશ્વાસપાત્ર અને રાજભક્ત પુરુષ હોવાથી છચ્છરે તેને અથથી ઇતિ પર્યન્ત રાજ્યક્રાન્તિનો સમસ્ત વૃતાંત કહી સંભળાવ્યો અને બન્ને કુમારોને તેના હાથમાં સોંપી દીધા. ભીંયાએ ગામ બહાર ખડકેલી ઘાસની મોટી મોટી ગંજીઓમાંની એક ગંજીમાં બન્ને કુમારો બેસી શકે એટલી વચ્ચે જગ્યા કરીને તેમાં કુમારોને બેસાડી દીધા અને છચ્છરબૂટાને તથા સાંઢણીને તે ગામની પાસે આવેલા ચિત્રોડ નામક પર્વતપ્રદેશમાં લઈ ગયા અને છચ્છરને ત્યાં જ સંતાઈ રહેવાનું કહીને તે પોતે પાછો ગામમાં આવી લાગ્યો. ભીંયાના જવા પછી છચ્છરે મનમાં વિચાર કર્યો કે: “ઊંટના અઢારે અંગ વાંકાં એટલે એ પ્રાણી છુપું રહી શકવાનું જ નથી એટલામાટે એને એના ભાગ્યના આધારે છોડી દઈને મારે કોઈ પણ ઉપાયે ગુપ્ત રહીને જીવ બચાવવાનો માર્ગ અવશ્ય શોધી કાઢવો જ જોઈએ.” એ પ્રમાણેનો નિશ્ચય કરી સાંઢણીને ત્યાં જ ચરતી મૂકી દઇને તે પોતે ગિરિની એક ગુહામાં ભરાઈ બેઠો.

અલ્પ સમયમાં જ ચામુંડરાજ પગ લેતો લેતો સાપર (એ ગામ અત્યારે રાપરના નામથી ઓળખાય છે)માં આવી ધમક્યો અને ભીંયાના ઝુપડા જેવા ઘર પાસે અટકી તેને ધમકાવીને પૂછવા લાગ્યો કે: “તારી પાસે અમારા બે ચોર છે, તેમને એક પળનો પણ વિલંબ કર્યા વિના અમારે હવાલે કરી દે. જે જરા પણ આનાકાની કરીશ, તો પોતાનો જીવ ખોઈ બેસીશ.”

"અન્નદાતા, ચોર શા અને વાત શી? રાજાના ચોરોને હું મારા ઘરમાં સંતાડી રાખું અને પોતાના પ્રાણને વિના કારણ ભયમાં નાખું, એટલો બધો હું હજી ગાંડો થઇ ગયો નથી. ગરીબ પરવર, હું આપના ચોરો વિશે કશું પણ જાણતો નથી.” ભીંયાએ નમ્રતાથી અને કોઈના મનમાં શંકાનો જરા પણ ભાસ ન કરાવે એવી કળાથી ઉત્તર આપ્યું. ચામુંડરાજનો ભીંયાના વચનમાં કાંઈક વિશ્વાસ બેસવાથી તે પુનઃ આગળ વધતાં પગલાંને અનુસરીને પોતાના દુષ્ટ અનુચરોસહિત ચિત્રોડ પર્વત પર જઈ પહોંચ્યો અને ત્યાં તપાસ કરતાં એક સ્થળે સાંઢણી એકલી જ ચરતી જોવામાં આવી. એ સાંઢણીને દરબારી વાહન તરીકે તેણે તરત ઓળખી લીધી; કારણ કે, તેનાપરનો બધો સાજ દરબારી ઠાઠનો જ હતો. એથી મનમાં જ તેણે અનુમાન કર્યું કેઃ “અવશ્ય કુમારો પણ ક્યાંક આટલામાં જ હોવા જોઈએ. જો બરાબર શોધ કરીશું, તો જરૂર પત્તો મળવાનો જ !" એ પ્રમાણે વિચાર કરીને તેણે સમસ્ત પર્વતમાં શોધ ચલાવ્યો. તેના સૈનિકો વૄક્ષેવૃક્ષ અને પાષાણે પાષાણ જોઈ વળ્યા, પણ તેમને ક્યાંય કુમારોનો પત્તો મળી શક્યો નહિ. અંતે થાકીને બધા સાંકેતિક સ્થાનમાં એકત્ર થયા અને એ વિશે પુનઃ વિચાર ચલાવવા લાગ્યા. ચામુંડરાજે કહ્યું કે “સાપરમાં ભીંયાના ઘર સુધી સાંઢણીનાં પગલાં ગયેલાં છે એટલે જ્યારે કુમારો આ પર્વતમાં નથી ત્યારે અવશ્ય તેઓ ગામમાં જ ક્યાંક હોવા જોઈએ, જો પત્તો મળશે, તો ત્યાંથી જ મળશે.” એ પ્રમાણેનો નિશ્ચય કરીને પાછા તેઓ ભીંયાને ત્યાં આવ્યા અને ચામુંડરાજ તેને ભય બતાવતો ભયંકર ગર્જના કરીને કહેવા લાગ્યો કે: “જો આ સાંઢણીને પાસેના ચિત્રોડ પર્વત પરથી પકડી લાવ્યા છીએ, પણ ત્યાં કુમારોનો ક્યાંય પત્તો લાગતો નથી એટલે અમારા મનમાં દૃઢ સંશય આવ્યો છે કે કુમારો તારા તાબામાં જ હોવા જોઈએ. કુમારોને છુપાવી રાખીને સાંઢણીને પર્વતમાં એકલી ચરતી છોડી દેવાની યુક્તિ પણ તારી જ હોવી જોઈએ, કારણ કે, આ સાંઢણીનાં પગલાં સાપરથી ચિત્રોડ ડુંગરની તળેટી સૂધી જ જાય છે અને તે પગલાં આ સાંઢણીનાં જ છે કે નહિ, એની જો તારે ખાત્રી કરવી હોય, તો જઈને જો. પગલાં હજી કાયમ જ છે. કુમારો તારા કબજામાં હોવામાટેની આટલી જબરજસ્ત સાબીતી મળવા છતાં પણ હવે જો તું બનાવટી વાતો સંભળાવીશ, તો આ ક્ષણે જ હું, તારા આખા ગામને આગ લગાડીશ અને તારા પરિવારને બુરા હાલથી મારી નખાવીશ. તને પરમાત્મા બુદ્ધિ આપે તે પ્રમાણે વર્તવાને તું સ્વતંત્ર છે. 'હા'થી હર્ષ થશે અને 'ના'થી નખ્ખોદ જશે, એનો બરાબર વિચાર કરીને જ ઉત્તર વાળજે.”

“ગરીબનવાજ, આ ગામને આગ લગાડશો તો એમાં અમારું શું જવાનું હતું વારુ ? ગામ પણ આપનું છે અને અમે પણ આપના જ છીએ એટલે આપ ખાવિન્દ જે ધારો તે કરવાને મુખ્તિયાર છો. હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે, હું અપરાધી નથી. આ સાંઢણી મારા ગામમાં આવી પણ નથી અને મેં કુમારોને જોયા પણ નથી. જો આપનો મારા વચનમાં વિશ્વાસ ન બંધાતો હોય, તો ભલે મારા પરિવારનો નાશ કરી નાખો. મારો એમાટે જરા પણ વાંધો નથી.” ભીંયાએ બિલ્કુલ નાકુબૂલ જઈને જણાવ્યું.

ચાંડાલ ચામુંડરાજે એમ જાણ્યું કે: “એ એમ સીધી રીતે માનવાનો નથી. કુમારો જો કે છે તો અહીં જ, પણ એના પોતાના ઘરમાં તો નહિ જ હોય. જરૂર ગામમાં બીજા કોઈના ઘરમાં જ હશે, માટે ગામને આગ લગાડીને બાળી નાખવું એ જ વધારે સારું છે.” મનમાં એવો નિશ્ચય કરીને તેણે પોતાના અનુચરોને આજ્ઞા કરી કે: “જાઓ, અને આખા ગામમાં મારો એ હુકમ સંભળાવી દ્યો કે, સર્વ પોતપોતાના સામાન અને પરિવારને લઈને મારી આગળ આવી હાજર થાય. જો કોઈ મારી આજ્ઞાનો અનાદર કરે, તો તેને બાંધીને માર મારતા લઈ આવો. જરા પણ દયાનો અંશ બતાવશો નહિ; કારણ કે, દયા ડાકણને પણ ખાઈ જાય છે !”

હુકમના બંદા ગુલામ નોકરો તરત આખા ગામમાં ફરી વળ્યા અને લોકોને તેમણે ચામુંડરાજની ભયંકર આજ્ઞા સંભળાવી દીધી. સર્વને તે સિપાહીઓ પકડી પકડીને ચામુંડરાજ આગળ લાવી હાજર કરવા લાગ્યા. ચામુંડરાજે સિપાહીઓને બીજી આજ્ઞા આપતાં કહ્યું કેઃ “જાઓ, મારા બહાદુર દિલેરો, જાઓ અને જોતજોતાંમાં આખા ગામને સળગાવી દ્યો. આગ એવી ભયંકર લાગવી જોઈએ કે, અગ્નિની ભયંકર જ્વાળા આકાશ પર્યન્ત પહોંચી જાય અને થોડી વાર માટે એ અગ્નિના તાપથી સાક્ષાત્ સૂર્યનારાયણ પણ સંતપ્ત થઈ પરિતાપને પ્રાપ્ત થાય ! આ હઠવાદી ભીંયો પણ જાણે કે હઠનું પરિણામ કેવું આવે છે અને એક મનુષ્યનો અપરાધ સમસ્ત ગ્રામનો કેવી રીતે સંહાર કરાવે છે – એક પાપી સમુદ્રના મધ્યમાં આખી નૌકાને કેવી રીતે ડુબાવે છે !”

લગભગ અર્ધ પ્રહરમાં તો અગ્નિની ભયંકર જ્વાળાઓ સર્વત્ર દૃષ્ટિગોચર થવા લાગી અને ગામ બળીને ભસ્મીભૂત થઈ ગયું.

ગામનાં ઝૂપડાં ચરચર ધ્વનિ સહિત બળતાં હોવા છતાં પણ જ્યારે ભીંયાના મુખમંડળમાં ગ્લાનિ કિંવા મલિનતાની છાયાનું દર્શન ન થયું, ત્યારે ચામુંડરાજ નિરાશ થયો અને તેના મનનો દૃઢ નિશ્ચય થયો કે: “કુમારો ગામમાં તો નથી જ. ત્યારે હવે તેમને ક્યાં શોધવા ?” એ પ્રમાણેના વિચારમાં તે નિમગ્ન થઈને ઊભો હતો એટલામાં દૂરથી ધૂળના ગોટ ઊડતા તેના જોવામાં આવ્યા અને થોડી વારમાં ઘોડાનાં પગલાંનો અવાજ પણ સંભળાયો. અલ્પ સમયમાં જ જામ રાવળ પોતાના રિસાલા સાથે ત્યાં આવી લાગ્યો અને ચામુંડરાજે તેને બનેલો બધો વૃત્તાંત કહી સંભળાવ્યો. અંતે સર્વાનુમતે ગામ બહારની ઘાસની ગંજીઓમાં શોધ ચલાવવાનો નિશ્ચય કરવામાં આવ્યો. ગંજીઓ પાસે આવીને જામ રાવળે હુકમ ફર્માવ્યો કે: “જેવી રીતે આ ગામને બાળી નાખવામાં આવ્યું છે, તેવી જ રીતે આ ઘાસની ગંજીઓને પણ અગ્નિ નારાયણનું ભક્ષણ બનાવો અને કૂવા તથા વાવોને પત્થરવતી પૂરી નાખો !”

ભીંયાએ કુમારોને એ ગંજીઓમાં જ સંતાડેલા હતા, એ તો આપણે જાણી ચૂક્યા છીએ જ, એટલે હવે જો એ ગંજીએાને પણ આગ લગાડવામાં આવે, તો અવશ્ય કુમારોનો અંત થઈ જાય, એ નિશ્ચિત હતું. પરંતુ અચાનક એક ઘટના ઘટવાથી એ કાર્ય થોડી વારને માટે અટકી પડ્યું. સિપાહીઓ હુકમનો અમલ કરવા જતા હતા તેવામાં એક વૃદ્ધ પુરુષે આવી ગોઠણમંડીએ પડીને જામ રાવળને પ્રાર્થના કરીને કહ્યું કે:—

“મહારાજાધિરાજ, હજી તો હાલમાં જ આપ રાજ્યના અધિકારી થયા છો, માટે આરંભમાં જ આવી રીતે રૈયતની હાય લેવી એ આપના માટે સારું નથી; પછી તો જેવો આપનો વિચાર. આપના આ અધિકારીએ અમારા દેખતાં આ અમારાં ઘરબાર બાળી મૂક્યાં તે તો અમે છતી આંખે અંધાપો ધારણ કરીને સહન કરી લીધું; કારણ કે, અમારી એવી ભાવના હતી કે ચાર દિવસ વાડીઓમાં ઝાડના છાયડામાં રહીને વીતાડીશું. અર્થાત્ જો ઝૂપડાં બાળવાથી અમારી નિર્દોષતા વિશે રાજાને નિશ્ચય થતો હોય, તો તેમાં અટકાવ ન કરવો. પરંતુ જ્યારે આપ આ ઘાસની ગંજીઓને બાળી નાખવા તથા વાવ કુવાને પૂરાવી નાખવાને જ તૈયાર થયા છો, તો ભલે એમ કરો; પણ પ્રથમ અમારી પ્રાર્થનાને માન્ય રાખી અમને તથા અમારાં ઢોરોને રેંસી નાખો અને પછી જે અનર્થ કરવો હોય તે આનંદથી કરો. વળી મારી તો એ જ સલાહ છે કે, બધા મિયાણાઓને કચ્છમાંથી દેશ પાર કર્યા પછી જ આ અનર્થપાત કરો, તો વધારે સારું; કારણ કે, જો મિયાણાઓ અહીં હશે અને તેઓ જ્યારે પોતાના જાતભાઈઓપર થયેલા આ જુલ્મની વાત સાંભળશે. તો તરત તેઓ આપ વિરુદ્ધ બળવો જગાડશે અને એ બળવાને બેસાડતાં તો આપના સૈનિકોનો નાકમાં દમ આવી જશે. એટલામાટે જો મારો ઉપદેશ માનો, તો એમાં આપનો જ અધિક લાભ સમાયલો છે. જો વાડીઓ કાયમ રહેવા દ્યો, તો અમે બધા પાછા ઝૂપડાં બાંધીને રહીએ, ખેતી કરીએ અને પેટ ભરીએ. ઘાસની ગંજીઓ બાળી નાખવાથી ઢોરોના પ્રાણ જશે, ઢોરોના અભાવે ખેતી અટકશે અને ખેતી ન થવાથી આપની આવકમાં ઘટાડો થશે ને તે ખોટ આપની આંખોમાં ખટકશે. જળાશયોના નાશથી અમો સર્વનો નાશ થવાનો એ તો નિર્માયલું જ છે, ત્યારે ખુલ્લી રીતે જ અમને શામાટે કાપી નથી નાખતા, એ હું સમજી શક્તો નથી. જે વસ્તુઓના નાશ માટે અત્યારે આપ ઉદ્યુક્ત થયા છો, તે વસ્તુઓ પાછી વસાવી આપવાનુ જો આપના અંગમાં સામર્થ્ય હોય. તો એમાટે અમારી જરાય ના નથી. પણ પ્રથમ અમને તેવું વચન મળવું જોઈએ.”

પ્રિય વાંચક, પ્રાર્થના કરનાર એ વૃદ્ધ નર બીજો કોઈ નહિ, પણ કુમારોનો પ્રાણરક્ષક ભીંયો પોતે જ હતો. ભીંયાનું એ પ્રમાણપૂર્ણ ભાષણ સાંભળીને જામ રાવળ ઘડીભર વિચારમાં પડી ગયો અને અન્ય વસ્તુઓના નાશમાટેની પોતાની આજ્ઞાને પાછી ખેંચી લઈને તેણે માત્ર ઘાસની ગંજીઓને બાળી નાખવામાટેની આજ્ઞાને જ અવિચળ રાખી.

એટલામાં જામ રાવળનો એક ભાયાત કે જે તેની સાથે જ આવ્યો હતો, તે વચ્ચે વધીને કહેવા લાગ્યો કેઃ "ખાવિન્દ કુમારોને આ ઘાસની ગંજીઓમાં છુપાવવામાં આવ્યા હોય, એમ મારું માનવું તો નથી જ. આ ગંજીઓનો વિસ્તાર ઘણો જ નાનો છે. છતાં જો આપના મનમાં શંકા જ હોય, તો એમાં બરછીઓ ખોસીને તે શંકાનું નિવારણ કરી નાખો. જો આ ઘાસનો નાશ કરવામાં આવશે, તો એટલું ઘાસ તત્કાળ પાછું મળી શકશે નહિ અને વિના કારણ બિચારાં ઢોર માર્યા જશે.”

“વારુ ત્યારે એમ કરો. જામ રાવળે અનુમતિ આપી.

ભીંયાનાં નેત્રોમાંથી અસ્ખલિત અશ્રુધારાનું વહન થવા લાગ્યું અને તે અત્યંત દયાજનક મુદ્રાથી હાથ જોડીને પુનઃ વિનતિ કરતો બોલ્યો કેઃ “મહારાજ, આ ઘાસની ગંજીઓને તો આપ હસ્તસ્પર્શ પણ ન કરો, એવી જ અમારી ઈચ્છા છે; કારણ કે, અમારાં ઢોરોના પ્રાણ અમને અમારા પોતાના પ્રાણ કરતાં પણ વધારે વ્હાલા હોય છે, એ તો આપ જાણો જ છો.”

પોતાના ભાયાતના કહેવાથી જામ રાવળના મનમાંથી જે શંશય જતો રહ્યો હતો, તે ભીંયાની આ પ્રાર્થનાથી તાજો થયો અને તેણે મનમાં નિશ્ચયપૂર્વક માની લીધું કે “કુમારો આ ગંજીમાં જ હોવા જોઈએ અને તેથી જ ગંજીઓને સ્પર્શ ન કરવામાટેનો એ આટલો બધો આગ્રહ કર્યા કરે છે. અર્થાત્ એના અપરાધની એને યથાયોગ્ય શિક્ષા આપવી જ જોઈએ.” મનમાં એમ ધારીને તેણે ભીંયાને સવાલ કર્યો કે “બુઢ્ઢા તને કાંઈ સંતતિ છે ખરી કે ?”

"મહારાજ, આપનાં ચરણોના પુણ્યપ્રભાવે મને આઠ પુત્રો છે.”ભીંયાએ નિષ્કપટતાથી સરળ ઉત્તર આપ્યું.

“તારા તે બધા પુત્રોને અહીં બોલાવ.” રાવળે આજ્ઞા કરી.

ભીંયાએ આજ્ઞાવશ થઈને પોતાના આઠે પુત્રોને બોલાવીને જામ રાવળ સમક્ષ હારબંધ ઊભા રાખ્યા અને રાવળે તેમને શામાટે બોલાવ્યા હશે એ વિશે તે પોતાના મનમાં નાના પ્રકારના તર્ક વિતર્ક કરવા લાગ્યો. તરત જામ રાવળે પોતાની તલ્વારને મ્યાનમાંથી બહાર કાઢી અને તેના સર્વથી મોટા પુત્રની ગર્દન પર તલ્વારનો વાર કરીને તેના માથાને ધડથી જૂદું કરી ધૂળમાં રઝળતું કરી દીધું. જેની સ્વપ્નમાં પણ કલ્પના નહોતી, એ ભયંકર બનાવ બનેલો જોઈને ભીંયો મનમાં વિચાર કરવા લાગ્યો કેઃ “આ તો અતોભ્રષ્ટ અને તતોભ્રષ્ટ થવાનો જ પ્રસંગ આવી લાગ્યો ! કારણ કે, આ દુષ્ટ રાક્ષસ અમારો પણ નાશ કરશે અને ત્યાર પછી ગંજીઓમાં ભાલા ભોકતાં કુમારોનો પત્તો મળશે એટલે તેમનો પણ સંહાર કરી નાખશે ! હશે, જેવી ઈશ્વરેચ્છા. 'જીવ, તું વ્યર્થ શોક આ કરે; હરીને કરવું હોય તે કરે !' એ ઉપદેશને સ્મરીને જે બને તે જોયા કરવું, એ જ વધારે સારું છે. જ્યારે માથાપર બની જ આવી છે, ત્યારે પણ તો ન જ ખોવું !” એવી રીતે ચળિત મનનું સમાધાન કરીને તે મૌન ધારી પુત્રમરણના શોકથી અશ્રુ વર્ષાવતો શાંતિથી ઊભો રહ્યો.

રાવળ તેને ઉદ્દેશીને કહેવા લાગ્યો કેઃ “જોયું કે, આ રાજદ્રોહનું પરિણામ ! મારો નિશ્ચય છે કે આમાંની કોઈ પણ એક ગંજીમાં તેં કુમારોને સંતાડેલા છે; એટલે હજી પણ સમજીને બહાર કાઢી તેમને અમારા હાથમાં સોંપી દે. નહિ તો, કુમારો તો મળશે જ, પણ તે પૂર્વે વિના કારણે તારા પરિવારનો નાશ થશે અને સૂકા સાથે લીલું પણ બળી જશે!”

"જે થાય તે ખરું! જે વસ્તુ મારી પાસે નથી તે હું ક્યાંથી લાવી આપું ? અમારો નાશ આવી રીતે જ સૃજાયલો હશે, એમાં આપનો શો દોષ ? જે જુલ્મ કરવો ઘટે તે કરો.” ભીંયાએ બેપરવાઇથી જવાબ આપ્યો.

તરત જામ રાવળની બંદૂકની ગોળીથી ગતપ્રાણ થઈને ભીંયાનો બીજો પુત્ર પણ નિમેષ માત્રમાં સ્વર્ગમાં પ્રયાણ કરી ગયો. ભીંયાનો અને તેની સ્ત્રીનો એ વેળાનો કલ્પાંત પાષાણને પણ પીગળાવી નાખે તેવો હતો. પરંતુ તેથી માનવદેહધારી જામ રાવળના મનમાં દયાનો સંચાર ન થયો; કારણ કે, તે રાજ્યના લોભથી અંધ, નેત્રહીન અને નિર્દય બનેલા પાપીનું હૃદય પાષાણ કરતાં પણ વધારે કઠિન અને અભેદ્ય હતું. પુનઃ જામ રાવળે તેને ભય બતાવીને કહ્યું કેઃ “આ તારું બીજું પુત્રરત્ન ગયું. હજી પણ માન, નહિ તો બાકીના છની પણ એ જ અવસ્થા છે.”

"ઓ કંસના અવતાર ભૂમિભાર રાજા, જરા વિચાર કર. તે અપરાધી મને ધાર્યો છે, તો મારો જ નાશ કર. આ નિર્દોષ બાળકોનો આમ નિર્દયતાથી વધ કરતાં તારી લેશ માત્ર પણ નામના થવાની નથી. છતાં જો મારા પુત્રોનો તારે નાશ કરવો જ હોય, તો અમો પતિ પત્નીની આંખો તારી આ કારી કટારીની વિષધારી અણી ભોકીને પ્રથમ ફોડી નાખ કે જેથી આ રાક્ષસી કૃત્ય અમારા જોવામાં જ ન આવે તેમ જ અમારા કાનોને બ્‍હેરા બનાવી દે કે આ નિર્દોષ બાળકોના મરતી વેળાના ભયંકર ચીત્કારો અમે સાંભળી જ ન શકીએ !” ભીંયાએ હૃદયભેદક આક્રોશ કરીને કહ્યું.

તેનાં વચનોનો તિરસ્કાર કરતો જામ રાવળ વિશેષ ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને વિકટ હાસ્ય સહિત કહેવા લાગ્યો કે:—

“આંખેં રહને દે અભી ઈન્સે હય ક્યા ક્યા દેખના;
દેખના જિદ્દી ! તૂ ઇસ હટકા નતીજા દેખના;
ખોપરીસે ઇન્કે ફ્વ્વારા લહૂકા દેખના;
જબ યે તડપેં ખાકપર ઇન્કા તમાશા દેખના;
ઈસ જમીંકો આજ જો રંગી બનાવું તૌ સહી;
ખૂન તેરે લાલકા તુઝકો પિલાવું તૌ સહી !”

—એટલું બોલતાંની સાથે તેણે ભીંયાના ત્રીજા પુત્રને તેની છાતીમાં ભાલાની અણી ભોકીને ભાલાપર અદ્ધર ઉચકી લીધો. બાળક અધ્ધર તરફડવા લાગ્યો અને તેની છાતીમાંથી વહી નીકળેલી રક્તધારા ભાલાપરથી નીચે જમીનપર પડવા લાગી. તે લોહીની એક અંજલી ભરીને જામ રાવળે ભીંયાના હોઠપર ઢોળી દીધી. ભીંયાને એ વેળાએ પોતાના શરીરનું જરા પણ ભાન નહોતું. તેની આંખોમાં અંધકાર છવાઈ ગયો હતો અને સમસ્ત સંસાર તેને અંધકારમય જ ભાસવા લાગ્યો હતો. નયનોમાંથી થતી શ્રાવણ ભાદ્રપદની વૃષ્ટિથી તેનાં વસ્ત્રો પણ ભીંજાઈ ગયાં હતાં. શિવ શિવ ! રાવળની આ કેવી અપૂર્વ અને રાક્ષસોચિત ક્રૂરતા ! !

પોતાના ધણીને આવી રીતે હતાશ અને વિવેકશૂન્ય થઈ ગયેલો જોઇને ભીંયાની સ્ત્રીના મનમાં એવી શંકા આવી કે: "જો એ ગભરાઈને કુમારોને રાવળના હાથમાં સોંપી દેશે, તો બધી કરી કમાણી ધૂળ થશે અને જગતમાં અપયશ જ મળશે.” એટલે તે પતિને ધીમા સ્વરથી હિંમત આપતી કાનમાં કહેવા લાગી કેઃ “રખેને કાંઈ ઓકી નાખતા ! આપણો અવતાર તો કૂતરાં જેવો છે એટલે જો જીવતાં રહીશું તો ઘણાંય છોકરાં જણીશું; પરંતુ આપણાં આ કુરકુરિયાંના મોહમાં પડીને સિંહના બાળકોનો સંહાર ન કરાવશો. જો રાજકુમારો જીવતા રહે, તો આપણું જીવન સફળ છે. આપણાં સંતાનોથી જગતને કાંઈ પણ વધારે લાભ થવાનો નથી; પણ જો એ રાજપુત્રો જીવતા રહેશે, તો હજારો મનુષ્ય જીવોને પાળશે અને આપણાં દુ:ખડાં પણ ટાળશે. અર્થાત્ છાતીને મજબૂત રાખો અને શાંત થાઓ.”

ભીંયો જો કે બીનો તો નહોતો જ, તો પણ પોતાની સ્ત્રીનાં એ વચનો સાંભળીને તે વધારે ધીર ગંભીર થઈ ગયો. જામ રાવળે તેના બીજા ચાર પુત્રોને પણ એક પછી એક અનુક્રમે નિર્દયતાથી રેંસી નાખ્યા છતાં ભીંયાએ કે તેની સ્ત્રીએ દુઃખનો એક પણ ઉદ્‌ગાર ન કાઢ્યો તે ન જ કાઢ્યો.

પૃથ્વીને ભીંયાના નિર્દોષ બાળકોના પવિત્ર શોણિતથી રંગાયલી જોઇને જામ રાવળની તહેનાતમાંના એક શિવજી નામના લુહાણાનું હૃદય વિદીર્ણ થઈ ગયું અને આ અત્યાચાર સહન ન થઈ શકવાથી તે રાવળને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે:–

"મહારાજ, જેના સાત પુત્ર બકરાંની પેઠે રેંસાઈ ગયા, તો પણ કુમારો વિશેની જેણે ખબર ન આપી, તેની પાસેથી હવે વધારે ખબર મેળવવાની આશા રાખવી વ્યર્થ છે. મને તો એ અપરાધી દેખાતો નથી. એ ધણીધણિયાણી અને એમના એક દીકરાને તો હવે જીવતાં જ રાખો. એ જ મારી પ્રાર્થના છે. નહિ તો, જો એ મિયાણાઓ બદલાઈને બહારવટિયા થશે, તો આપને અને ચામુંડરાજને આ રાજ્યમાં રહેવું પણ અશક્ય થઈ પડશે. રાજ્ય કરવાની ને નાના પ્રકારના વૈભવવિલાસ ભોગવવાની વાત તો દૂર રહી !”

પરંતુ એ ઉપદેશને લક્ષમાં ન લેતાં રાવળે ભીંયાને કહ્યું કે: "જો હજી પણ તમો જીવવા ઈચ્છતા હો, તો કુમારોનો પત્તો આપો. હું તમને જાગીરદાર બનાવીશ.”

"હું કાંઈ જાણતો પણ નથી અને અમારે જીવવું પણ નથી.” ભીંયાએ નિર્ભયતાથી ઉત્તર આપ્યું.

રાવળે તેના આવા દૃઢ નિશ્ચયને જોઈ નિરાશા અને આશાપૂર્વક ગંજી તરફ નજર કરી.