કચ્છનો કાર્તિકેય/શિવજીનું સાહસ

← જામરાવળનો જોહાકી જુલમ અથવા મત્ત્વાકાંક્ષાના યજ્ઞમાં સપ્તબાળક બળિદાન કચ્છનો કાર્તિકેય
શિવજીનું સાહસ
વિશનજી ચતુર્ભુજ ઠક્કુર
૧૯૨૨
શત્રુ કે સુહ્રદ્? →


તૃતીય પરિચ્છેદ
શિવજીનું સાહસ !

"...... What though the field be lost ?
All is not lost; th' unconquerable will,
And study of revenge, immortal hate,
And courage never to submit or yield."Milton.

જામ રાવળે સિંહ સમાન ગર્જના કરીને શિવજીને જ આજ્ઞા કરતાં કહ્યું કે: “શિવજીભાઈ, તમે મારા અત્યંત વિશ્વાસપાત્ર હોવાથી આ ગંજીમાંથી કુમારોને શોધી કાઢવાનું કાર્ય હું તમને જ સોપું છું. સહાયતા માટે જોઈએ તેટલા મનુષ્યોને સાથે લ્યો અને સૂક્ષ્મતાથી શોધ ચલાવો. જો તમારો પ્રયત્ન સફળ થશે, તો નિશ્ચિત માનજો કે તમારા વૈભવ અને માનમાં ઘણો જ વધારો થશે.”

"જેવી મહારાજાની આજ્ઞા. આજ્ઞાનું પાલન કરવાને આ અનુચર કટિબદ્ધ છે.” શિવજીએ ગંભીરતાથી ઉત્તર આપ્યું.

શિવજી પોતે કુલીન લુહાણા વંશનો એક શ્રેષ્ઠ કુળદીપક હતો અને ક્ષત્રિયના સ્વાભાવિક ગુણોનો તેનામાં સંપૂર્ણ પ્રભાવ જોવામાં આવતો હતો. જામ રાવળની ક્રૂરતા અને અન્યાયબુદ્ધિનું અવલોકન કરતાં તેના વિશે શિવજીના મનમાં અત્યંત તિરસ્કાર આવી ગયો હતો અને તેથી પોતાના ક્ષત્રિયધર્મને અનુસરી યદાકદાચિત્ કુમારો ગંજીમાં હોય, તો પણ તેઓ નિરાધાર, દુઃખી અને કપટનો ભોગ થઈ પડેલા હોવાથી જીવના જોખમે પણ તેમને બચાવવાને તેણે પોતાના મનમાં નિશ્ચય કરી રાખ્યો હતો. સારાંશ કે, તેનો એ નિશ્ચય લુહાણાના નામને ઈતિહાસમાં અમર કરી રાખવામાટેનો જ હતો. મનમાં એ ભાવ છતાં તેની બાહ્ય આકૃતિ ભિન્ન હતી. જામ રાવળને પ્રસન્ન રાખવા માટે કૃત્રિમતા ધારણ કરીને તેણે કેટલાક સિપાહીઓને ગંજીઓ ચુંથીને કુમારોનો શોધ ચલાવવા માટેની આજ્ઞા આપી દીધી. પરંતુ એ આજ્ઞા સાંભળીને એક બુઢ્ઢા સિપાહીએ વાંધો બતાવીને કહ્યું કે: “સરદાર, ગંજીઓને એક એક કરીને વીખતાં તો મહિનાઓ નીકળી જશે; માટે "જો બીજી કોઈ પ્રકારથી શોધ ચલાવવામાં આવે તો વધારે સારું.”

"તમારો કેવી રીતે શોધ ચલાવવાનો વિચાર છે વારુ ?” શિવજીએ ગંભીરતાથી સામો પ્રશ્ન કર્યો.

"મારો તો એવો જ વિચાર છે કે, ગંજીઓમાં ચારે તરફથી ભાલા ખોસવા અર્થાત્ ગંજીઓનો વિસ્તાર વધારે ન હોવાથી ભાલાઓની અણીઓ બરાબર મધ્ય ભાગમાં પહોંચી શકશે અને તેથી જો કુમારોને એમાં સંતાડેલા હશે, તો તેમના શરીરમાં ભાલાની અણીનો પ્રવેશ થવાથી તે લોહીથી ખરડાઈને જ બહાર નીકળશે એટલે પછી જે ગંજીમાં તેઓ હોય તે ગંજીમાંથી તેમને કાઢીને કેદ કરતાં જરા પણ વિલંબ લાગશે નહિ” બુઢ્ઢા સિપાહીએ પોતાનો વિચાર દર્શાવ્યો.

"બહુ સારું, ત્યારે એમ યોગ્ય લાગતું હોય, તો એ પ્રમાણે કરો.” શિવજીએ અનુમોદન આપ્યું.

શિવજીએ નિરુપાયવશાત્ એ અનુમોદન આપ્યું તો ખરું, પરંતુ તેના મનમાં અતિશય તર્કવિતર્ક થવા લાગ્યા. કોઈ પણ અદ્રશ્ય પ્રેરણાથી કિંવા ધર્મના પ્રભાવથી તેના વિચારો એવા તો પવિત્ર અને પરિવર્તિત થઈ ગયા હતા કે કુમારોનો પત્તો ન મળે તો સારું, એ જ તેની મુખ્ય ભાવના હતી; માત્ર એટલું જ નહિ, પણ જો કુમારો મળે, તો પણ ખુલ્લી રીતે જામ રાવળની સામા થઈને તેમને બચાવવાનો તેણે ગુપ્ત નિશ્ચય કર્યો અને સિપાહીઓના કાર્યનું તે એક ધ્યાનથી અવલોકન કરવા લાગ્યો.

જે વેળાએ ગંજીઓમાં ભાલા ખોસવાનો સર્વનો નિશ્ચય થયો તે વેળાએ ભીંયાના જીવમાંથી અર્ધ જીવ તો તત્કાળ પ્રયાણ કરી ગયો અને તેની સ્ત્રી પણ સાલ્લામાં મુખ છુપાવીને રડવા લાગી. પરંતુ હવે તેમનો કશો પણ ઉપાય ચાલી શકે તેમ ન હોવાથી નિરાશ થઈને તેમણે કુમારોના રક્ષણનું કાર્ય વિશ્વપાલક દયામય પરમાત્માને જ સોંપી દીધું અને જે બને તે જોતાં બેસી રહેવાનું તથા મૌન ધારણ કરવાનું જ તેમને વધારે વ્યાજબી જણાયું. કુમારોને ગંજીમાં શેાધવાનું કાર્ય દુષ્ટ ચામુંડરાજને સોંપવામાં ન આવ્યું એ એક રીતે કુમારોનાં અને તેમના શુભેચ્છકોનાં સદ્‌ભાગ્ય જ કહી શકાય. અસ્તુ.

સિપાહીઓએ પોતાના કાર્યનો આરંભ કરી દીધો અને અનુક્રમે એક પછી એક ગંજીઓમાં ભાલાનો પ્રહાર કરવા માંડ્યો. સર્વે મળીને સત્તર ગંજીઓ હતી તેમાંની સોળ તો તેઓ તપાસી ચૂક્યા અને ત્યાર પછી કુમારોને મધ્યમાંની જે સત્તરમી ગંજીમાં સંતાડવામાં આવ્યા હતા તેની પાસે તેઓ આવી લાગ્યા. શિવજી પણ એ વેળાએ તેમની સાથે જ હતો.

ભીંયાના નિર્દોષ બાળકોના વધની ઘટનાને જોઈને ગ્લાનિ પામેલા, ગામમાં શોધ ચલાવીને થાકેલા અને સોળ સોળ ગંજીઓમાં બળપૂર્વક ભાલા ભોકીને અત્યંત શ્રમિત થયેલા સિપાહીઓ સર્વથા શક્તિહીન થઈ ગયા હતા અને તેથી મનમાં તેઓ હવે વધારે પરિશ્રમ કરવાને જરા પણ ઈચ્છાવાન્ નહોતા. તેમની એ અનિચ્છાની છાયા તેમનાં નિસ્તેજ મુખમંડળોમાં પણ પ્રત્યક્ષ દેખાઈ આવતી હતી, એટલે તેમની દયા ખાઈને કહો કે પછી બીજા કોઈ ભાવથી કહો, શિવજીએ તેમને કહ્યું કે:–

“એક ભાલો મારા હાથમાં આપો અને તમે સર્વ વિશ્રાંતિ લેવામાટે ચાલ્યા જાઓ. આ એક ગંજી બાકી છે તે હું જ તપાસી લઈશ.”

સિપાહીઓને તો “જોઈતું'તું ને વૈદ્યે બતાવ્યું” જેવું જ થયું. તરત એક ભાલો શિવજીના હાથમાં આપીને તેઓ સલામ કરી ચાલતા થયા. તેમના જવા પછી ધીમેથી શિવજીએ ગંજીમાં ભાલો ભોક્યો. કુમારો એ જ ગંજીમાં હોવાથી એ ભાલાને ભોકાતો સાંભળીને તેઓ એવા તો નિરાશ થઈ ગયા કે જીવવાની તેમના મનમાં જરા પણ આશા રહી નહિ. હવે હિંમત રાખ્યા વિના બીજો તેમની પાસે કોઈ પણ ઉપાય નહોતો. 'એક વાર મરવું તો છે જ' અને 'આપણું મરણ આ રાવળના નિમિત્તથી જ સૃજાયેલું હશે,' એમ ધારીને તેઓ શાંત તથા સ્વસ્થ થઈને બેસી રહ્યા. શિવજીના ભાલાની અણીએ પ્રથમ ગંજીમાં પ્રવેશ કરીને ખેંગારજીની જંઘામાં પ્રવેશ કર્યો અને તત્કાળ તે લોહીથી ખરડાયલી જ બહાર નીકળી. શિવજીનો એ લોહીથી ખરડાયલી ભાલાની અણીને જોઈને કુમારોના એ ગંજીમાં હોવા વિશેનો નિશ્ચય થઈ ગયો. જો આ વાર્ત્તા તેણે જામ રાવળને જણાવી હોત, તો તે જ ક્ષણે કુમારોના આયુષ્યનો અંત આવી જાત. પરંતુ નહિ, તેના મનમાં કોઈ પુણ્યમયી અદૃશ્ય પ્રેરણા થયેલી હોવાથી સમયસૂચકતાનો ઉપયોગ કરીને તરત વસ્ત્રવતી તે ભાલાની અણી પરના લોહીને તેણે લૂછી નાખ્યું, અને નિર્ભય મુદ્રા ધારણ કરીને તે જામ રાવળ ભણી જવાને ત્યાંથી પાછો વળ્યો. ભીંયો એ સર્વ લીલાને જોતો પાસે જ ઊભેલો હતો, એટલે તેને પોતા પાસે બોલાવીને શિવજીએ કહ્યું કે:—

“ભાઈ કુમારો આ ગંજીમાં છે, એ હવે તો તારાથી નાકબૂલ કરી શકાય તેમ નથી જ; પરંતુ એથી તારે બીવાનું કાંઈ પણ કારણ નથી; કારણ કે, સદ્‌ભાગે મારા વિના બીજા કોઈને કશી પણ જાણ થઈ નથી અને હું કુમારોને મારી નાખવા ઇચ્છતો નથી. હું જામ રાવળને એમ જ કહીશ કે ગંજીમાં કુમારોનો પત્તો નથી અને તેથી કુમારો જ્યાં છે ત્યાં પૂર્વ પ્રમાણે જ નિર્ભય રહેશે.”

કુમારોને આવું અદ્‌ભુત સાહાય્ય મળેલું જોઈને અને તેમને જીવનદાન મળેલું નિહાળીને ભીંયાના મનમાંથી સપ્ત પુત્રોના મરણનો શોક નીકળી ગયો અને સમસ્ત કચ્છ દેશનું રાજ્ય જાણે આજે પોતાનેજ ને જ પ્રાપ્ત થયું હોયની ! એવો તેના હૃદયમાં આનંદ થવા લાગ્યો. તે અત્યંત કૃતજ્ઞતાથી શિવજીનો આભાર માનતો કહેવા લાગ્યો કે:—

ખરેખર, શિવજીભાઈ, આજે આ ઉદારતા અને ધર્મપરાયણતા દર્શાવીને આપે લુહાણા જાતિના નામને અમર બનાવ્યું છે. ક્ષત્રિયકુલોત્પન્ન લુહાણા વીરને આવી શૂરવીરતા અને ઉદારતા જ ભૂષણાવહ છે. અત્યારે કુમારોની તો આ ઉપકારનો બદલો વાળવાની શક્તિ નથી, પરંતુ ઈશ્વર એનો યોગ્ય અને ઉત્તમ બદલો આપને અવશ્ય આપશે જ. અત્યારે કુમારોના બચવાથી મારા મનમાં એટલો બધો આનંદ થયો છે કે તે આનંદને એક પ્રકારના ઉન્માદનું સ્વરૂપ પ્રાપ્ત થતાં મારામાં વધારે બોલવાની પણ શક્તિ રહી નથી!”

"ભીંયા, તું કહે છે તે બધું ખરું છે, પરંતુ તારી ઉદારતા અને રાજનિષ્ઠા સમક્ષ મારી ઉદારતા કશા પણ હિસાબમાં નથી. સાત સાત પુત્રોને પોતાની આંખો આગળ મરી જતા જોવા છતાં તું તારી પ્રતિજ્ઞામાં અચળ રહ્યો છે, એ એક અલૌકિક બનાવ બનેલો જ કહી શકાય. વળી મારી ઉદારતાને હું ઉદારતા ગણતો જ નથી; કારણ કે, મનુષ્યને મનુષ્ય બચાવી શકતો જ નથી. કુમારોને બચાવનાર તેમનું પોતાનું આયુષ્ય છે. આપણે માત્ર આપણું કર્તવ્ય બજાવ્યું છે, કારણ કે, શ્રીમદ્‌ભગવદ્‌ગીતામાં શ્રીકૃષ્ણનો એ જ ઉપદેશ છે કે 'कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन' એટલે કે, 'તારો માત્ર કર્મમાં જ અધિકાર છે, તેનાં ફળોમાં તારો કદાપિ અધિકાર નથી.' અસ્તુ. હવે અહીં આ વાતોમાં આપણે વધારે વેળા ગુમાવવી ન જોઈએ. અમારા અહીંથી જવા પછી તારે માત્ર એ જ કરવાનું છે કે, કુમારોને આ કચ્છ રાજ્યની સીમાથી બહારના કોઈ નિર્ભય સ્થાને મોકલી દેવા. અહીં રહેવામાં હવે એમની સલામતી નથી. જો કાંઈ પણ સાધનની આવશ્યકતા હોય તો તે હું પૂરાં પાડીશ. તારે જરા પણ ચિન્તા કરવી નહિ.” એમ કહીને ધર્મનિષ્ઠ લુહાણાકુળભૂષણ શિવજી ત્યાંથી ચાલ્યો ગયો અને ભીંયો ઈશ્વરના અનંત ઉપકારો માનતો પોતાની સ્ત્રી પાસે ગયો. સ્ત્રીને તેણે સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. એ વૃત્તાંતને સાંભળીને અને પોતાના પ્રયત્નને યશસ્વી નીવડેલો જાણીને તેની સ્ત્રીના આનંદનો પણ અવધિ થયો.

જામ રાવળે શિવજીના મુખમાંથી ગંજીમાં કુમારોના ન મળવાની વાત સાંભળીને પ્રથમ તો કાંઈક નિરાશા ધારણ કરી, પરંતુ પુનઃ મનમાં કાંઈક વિચાર આવવાથી તેણે કૂવા અને વાવોમાં ખાસ તપાસ કરાવી પણ ત્યાંય પત્તો ન લાગવાથી તે સંપૂર્ણ નિરાશ થઈ ગયો અને પોતાની સાથેના સારા સારા બેચાર કામદારોને એકત્ર કરીને પૂછવા લાગ્યો કેઃ “હવે આપણે શો માર્ગ લેવો વારુ ? કુમારો અહીં હોવાની શંકાથી પ્રજાજનોને આપણે અસહ્ય પીડા આપી છે, ભીંયાના નિર્દોષ બાળકોને મારી નાખ્યા છે અને બીજા પણ અગ્નિ ઇત્યાદિના ત્રાસ વર્ત્તાવ્યા છે એટલે આનું કાંઇ માઠું ફળ આપણને ચાખવું ન પડે, એમાટેનો કોઈ ઉપાય શોધી કાઢવો જોઈએ.”

શિવજીએ તરત સલાહ આપી કેઃ “આપણે ખરેખર અત્યાચાર તો એટલો બધો કર્યો છે કે જેનું વર્ણન કરતાં પણ જિહ્વા અટકી જાય છે અને હૃદયમાં કંપ ઉત્પન્ન થાય છે; છતાં મારો એ અભિપ્રાય છે કે, આ ગામનાં બધાં માણસોને એકઠા કરીને આપ એક ભાષણ કરો અને તેમની ક્ષમા માગી, પોતા તરફથી શોક દર્શાવીને તેમને ગામ વસાવીને રહેવામાટેની વ્યવસ્થા કરી આપો એટલે કાંઈક સમાધાન થઈ જશે.”

એ ઉપદેશ અક્ષરે અક્ષર જામ રાવળને ગળે ઊતર્યો અને તેથી તેણે પોતાની છાવણીમાં ગામનાં સર્વ સ્ત્રીપુરૂષોને એકત્ર કરી તેમના સમક્ષ નમ્રતાથી વ્યાખ્યાન આપતાં કહ્યું કે:—

"વિશ્વમાં સર્વ મનુષ્યોને ઈશ્વરે જ ઉત્પન્ન કર્યા છે; અર્થાત્ પરમેશ્વર પિતા છે અને સર્વ મનુષ્યો તેનાં પુત્ર પુત્રી છે. આપણે બધા એ એક જ પિતાના પુત્ર હોવાથી આપણો ભ્રાતૃભાવ પ્રકટ જ છે. સારાંશ કે, એ નિયમ અનુસાર તમો સર્વ મારા બાંધવો જ છો. પરંતુ એમાં પરાપૂર્વનો એક એવો નિયમ છે કે રાજા વિના વિશ્વનું ચક્ર સુયંત્રિત ચાલી શકતું નથી અને એટલામાટે રાજાની પદવી સર્વથી ઉચ્ચતમ હોય છે અથવા મનાય છે. રાજાની પદવી અત્યંત ઉત્કૃષ્ટ હોવાથી તે પોતાની પદવી સહજમાં બીજાને આપી દેતો નથી અને એ પદવી મેળવવાની ઈચ્છા તો સર્વના મનમાં જ રહેલી હોય છે એટલે એવા પ્રસંગે કળ, બળ કે છળના પ્રયોગ વિના એ કાર્યની સિદ્ધિ થવી અશક્ય છે અને એટલામાટે જ જગતમાં અનેક વિવાદો ઉત્પન્ન થયા કરે છે. એકને કળ, બળ કે છળથી મારી નાખીને બીજો રાજ્યનો સ્વામી થાય છે, એ અપરાધ નહિ, પણ શાસ્ત્રકારોના કથન પ્રમાણે પરાપૂર્વથી ચાલતી આવેલી એક પ્રકારની રાજનીતિ જ છે. એ રાજનીતિના માર્ગનું અવલંબન કરીને જ મારા ભ્રાતાનો વધ કરી આજે હું કચ્છદેશનો સ્વામી થયો છું. રાજ્યપ્રાપ્તિ થવા પછી રાજાને જે બીજું કર્ત્તવ્ય કરવાનું હોય છે તે એ છે કે રાજ્યને નિષ્કંટક કરવું. સ્વર્ગવાસી જામ હમ્મીરના કુમારો જીવતા હોય, તો તેઓ મારા રાજરૂપ માર્ગમાં કંટક સમાન હોવાથી અને ભવિષ્યમાં તેમના તરફથી ભયનો સંભવ હોવાથી તેમને મારી નાખવાના હેતુથી તેમને શોધવાના મેં અનેક પ્રયત્નો કર્યા અને મારા એ પ્રયત્નોના મધ્યમાં જ તમો મારા સંશયપિશાચના ભોગ થઈ પડ્યા, મારા હાથે તમારાપર અતિશય અત્યાચાર થયો છે અને ખરેખર તમે બધા મોટા સંકટમાં આવી પડ્યા છો. એમાં પણ ભીંયાની પાયમાલીનો તો પાર જ રહ્યો નથી. પરંતુ હવે ઉપાય નથી. જે બનવાનું હતું તે બની ગયું છે. મારું હૃદય અત્યારે દયાથી દ્રવી જાય છે; પણ વ્યર્થ ! હવે તમારા એ સંકટને ટાળવાની મારામાં શક્તિ નથી. સ્વાર્થસાધુ મનુષ્ય અને અંધ મનુષ્ય એકસમાન હોય છે, એ નિયમ પ્રમાણે મૂર્ખ તથા પ્રમાદી બનીને મેં આ ક્રૂર કર્મ કર્યાં છે અને તેથી રાજા હોવા છતાં એક ભિક્ષુક પ્રમાણે હું તમારી ક્ષમાની ભિક્ષા માગવાને હસ્ત પ્રસારી ઊભો છું ! આ ગામ આજથી તેના સીમાડા સુદ્ધાં હું તમને બક્ષીશ આપું છું અને તમારાં જે ઘરોને આગ લગાડીને બાળી નાખવામાં આવ્યાં છે તે પણ નવેસરથી બંધાવી આપવાનું હું વચન આપું છું. તમો ફરીને ગામ વસાવી સુખી થાઓ, એ જ મારી ઈચ્છા છે.”

જામ રાવળના એ કપટભાવથી ભરેલા ભાષણનું શ્રવણ કરીને મિયાણાઓના મનમાં કોઈ વધારે સંતોષ તો ન જ થયો. તેની વાક્પટુતાથી માત્ર તેઓ એટલું સમજી શક્યા કે: 'રાજા છે તો જુલમગાર, પણ વાતચીત કરવામાં છે બડો હુશિયાર ! છતાં હાલમાં એ ભાગ્યની પ્રબળતાથી રાજા થયો છે, તો એને માન આપવું જ જોઈએ; નહિ તો વળી એ બીજી રીતે રંજાડશે અને પીડા કરશે.' એવી ધારણાથી તેમણે જામ રાવળનો આભાર માન્યો અને નમી નમીને તેને સો સો સલામો ભરી. સર્વની સલામી થઈ રહ્યા પછી ભીંયો ઉઠી સલામ કરીને કહેવા લાગ્યો કેઃ—

"રાજ્યના સ્વામિન્, આપને જે રાજ્યપ્રાપ્તિ થઈ તેના ઉત્સવમાં મને એવી બક્ષીશ મળી છે કે જેને હું મરણપર્યન્ત ભૂલી શકવાનો નથી. કૃપા કરીને આ પટેલની પાઘડી લઈ લ્યો અને બીજા કોઇના માથાપર રાખો કે જેથી આ દીન દાસને ભવિષ્યમાં આવી બક્ષીશ મળવાનો સંભવ જ ન રહે"

ભીંયાનાં એ વચનો રાવળના હૃદયમાં જો કે તીવ્ર બાણ સમાન વાગ્યાં, તો પણ રાજા તરીકેની પોતાની પ્રતિષ્ઠાને જાળવી રાખવામાટે તેણે વધારે નમ્રતા ન દર્શાવતાં તેની તે પાઘડી લઈને બીજા એક અબડા નામના મિયાણાના માથા પર મૂકી દીધી અને ત્યારપછી પોતાના રસાલા સાથે ત્યાંથી તે પ્રયાણ કરી ગયો.

જામ રાવળના ટળવા પછી સર્વ મિયાણા મળીને વિચાર કરવા લાગ્યા કે “જામ રાવળે આપણા પર જે આટલો બધો જુલમ ગુજાર્યો છે તેનો બદલો હવે કેવી રીતે અને ક્યારે વાળવો ?”

એના ઉત્તરમાં એક વયોવૃદ્ધ અને અનુભવી મિયાણાએ જણાવ્યું કે: “રાજા પાસેથી વૈરનો બદલો રાજા જ લઈ શકે, આપણે ગમે તેવા પણ રૈયતનાં માણસો જ કહેવાઈએ. માટે જેમ બને તેમ ઊતાવળથી કુમારોને અહીંથી રવાના કરો અને ઈશ્વર પાસેથી એટલું માગો કે કુમારો પરાક્રમી થાય અને પોતાના પિતાના વૈરનો બરાબર બદલો વ્યાજ સુદ્ધાં એની પાસેથી વાળી લે. આપણે તો અત્યારે આપણાં છાપરાં ઊભાં કરી ખેતી કરી ખાવા વિના બીજું કાંઈ પણ કરવાનું નથી !”

સર્વ મિયાણાએ વૃધ્ધના એ ઉપદેશને માન્ય રાખ્યો.

સંધ્યા સમયે ભીંયાએ ગંજીપાસે આવીને કુમારોને બહાર કાઢ્યા અને બનેલી બધી બીના તેમને કહી સંભળાવી. એ કરુણોત્પાદક વૃત્તાંત સાંભળીને ખેંગારજીનાં નેત્રોમાંથી હૃદયના શોકે અશ્રુપ્રવાહનું રૂ૫ ધારણું કરીને બહાર નીકળવાનો આરંભ કર્યો. જાણે પોતાના પિતાનો અત્યારે જ પરલોકવાસ થયો હોયની ! એવો જ તેના હૃદયમાં ભયાનક આઘાત થવા લાગ્યો. છતાં ધૈર્ય ધારીને તેણે ભીંયાને અત્યંત ગંભીર અને પ્રતિભાયુક્ત વાણીથી આશ્વાસન આપતાં કહ્યું કે:—

"અમારા પૂજ્ય જીવનદાતા, ચિન્તા ન કરો. પોતાના બે દુષ્ટ કાર્યોમાં એ નીચ ફાવી ગયો છે ખરો; પરંતુ પાપીનો જય અનંત હોતો જ નથી. અત્યારે આપણે જે કાંઇ ખોઈ બેઠા છીએ, તેથી આપણે આપણું સર્વસ્વ ખોયું છે, એમ ધારી બેસવાનું નથી. આપણી અજેય ઇચ્છા, વૈર લેવાની દૃઢ ભાવના, પાપી પ્રતિનો અમર તિરસ્કાર અને આપણી હિંમત એ સર્વ વસ્તુઓ કાયમ છે. અને તે કોઈથી છીનવી લઈ શકાય તેવી છે જ નહિ. એ વસ્તુઓના સાહાય્યથી જ હું આ પાપોનું ફળ સમય આવતાં એ દુષ્ટાત્માને ચખાડીશ. મારા પિતાનો સ્વર્ગવાસ થયેલ હોવાથી અને મારી માતા સતી થઈ હશે એમ ધારીને આજથી તમને હું મારા ધર્મના પિતા અને તમારી સ્ત્રીને ધર્મની માતા માનું છું તેમ જ તમારા પુત્રોનો નાશ થયેલ હોવાથી મને જ પોતાનો પુત્ર માનવાની તમને પ્રાર્થના કરું છું. તમારે વધારે ચિન્તા કરવી જ નહિ; માત્ર હું જીવતો રહું અને પરાક્રમી થાઉં, એટલું  જ ઈશ્વર પાસેથી તમારે માગવાનું છે. હવે છચ્છરબૂટાને બોલાવો અને અમોને અહીંથી સત્વર વિદાય કરો.”

"પણ યુવરાજ, જ્યારે પણ ઈશ્વર આપને સારા દિવસ દેખાડે, ત્યારે ઠક્કુર શિવજીનું સ્મરણ તો અવશ્ય રહેવું જ જોઈએ.” ભીંયાએ કહ્યું.

"ધર્મપિતા, હું સારી રીતે સમજું છું કે, આજનું મારુ નૂતન જીવન તે શિવજીનું સાહસ કિંવા શિવજીના સાહસનું જ પરિણામ છે !" ખેંગારજીએ કૃતજ્ઞતા દર્શાવી.

ખેંગારજીના આવા ઉદ્‌ગારથી સર્વ મિયાણા ઘણા જ પ્રસન્ન થયા અને તેમણે બહારવટું કરવાની ઈચ્છા દર્શાવી; પણ ખેંગારજીએ તેવા અયોગ્ય ઉપાય ન યોજતાં પોતાની તલ્વારથી જ વિજય મેળવવાનો નિશ્ચય બતાવવાથી તેઓ શાંત થઈને બેસી રહ્યા. કેટલાક વખત પછી ભીંયાના એક માણસ સાથે છચ્છરબૂટો પણ ત્યાં આવી લાગ્યો અને ભીંયાને તેણે વાહનવિશે પૂછ્યું. વાહનની વ્યવસ્થા થઈ શકે એમ ન હોવાથી ખેંગારજીને છચ્છરે પોતાની કાંધપર ઊપાડી લીધો અને બીજા કુમારને ભીંયાએ પોતાની પીઠ પર બેસાડી લીધો. કુમારોને લઈને એ બન્ને નિમકહલાલ, રાજનિષ્ઠ, ધર્મપરાયણ અને પુણ્યાત્મા વીરનરો–સ્વર્ગીય જીવો રાતોરાત ત્યાંથી ચાલતા થઈ ગયા અને ભયંકર અંધકારમાં જ પોતાનો માર્ગ ક્રમવા લાગ્યા. તેઓ ક્યાં ગયા અને તેમનું શું થયું, એ હવે વાર્તાના પ્રસંગમાં આગળ વધતાં આપણે જોઈ શકીશું.