← પ્રકરણ ૪ થું કરણ ઘેલો
પ્રકરણ ૫ મું
નંદશંકર મહેતા
૧૮૬૬
પ્રકરણ ૬ ઠ્ઠું →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


પ્રકરણ ૫ મું.

હાભારતમાં પ્રસિદ્ધ થયલા હસ્તિનાપુરની પડેાસમાં જમના નદીને કીનારે દિલ્હી શહેર જે હમણાં છે, ત્યાં પહેલા રજપૂત રાજાઓ રાજ્ય કરતા હતા. છેલ્લો તુમાર વંશનો રજપૂત રાજા નિર્વંશ મરણ પામ્યો, ત્યારે અજમેરનો ચૌહાણ વંશનો રજપૂત રાજા પૃથુરાજ દિલ્હી તથા અજમેર એ બંને સંસ્થાનોનો ગાદીપતિ થયો. એ પૃથુરાજની કારકીર્દીમાં મુસલમાન લોકોના પાદશાહ શાહબુદ્દીન ઘોરીએ દિલ્હી ઉપર ચઢાઈ કીધી, અને તે પહેલી વાર પરાજિત થયો તો પણ બીજી લડાઈમાં તેનો જય થયો, પૃથુરાજ પકડાયે, અને દિલ્હી મુસલમાનોના હાથમાં ગયું.

દિલ્હીનો પહેલો મુસલમાન પાદશાહ કુતુબુદ્દીન હતો, તેણે અને તેની પછી જે પાદશાહો થયા તેઓએ દિલ્હી શહેરને ઘણું શોભાયમાન કીધું, અને રાજ્યની મર્યાદા વિસ્તારીને ઘણાએક હિંદુ રાજાઓની પરાપૂર્વથી સંઘરેલી લક્ષ્મી દિલ્હી શહેરમાં ઘસડી લાવ્યા.

ઈસવી સન ૧૨૯૬ ની દિવાળીમાં આ શહેરમાં ઘણી જ શોભા થઈ રહી હતી. લોકોએ રાત્રે બજારમાં તથા ઘેરઘેર રોશની કીધી હતી, તથા દિવસે ઘણાં ઉંચાં તથા કિંમતી લુગડાં પહેરીને તેઓ ફરતા હતા. ઘેરેઘેર ઉત્સવ થઈ રહ્યો હતો, તથા લોકો ઘણા આનંદમાં દેખાતા હતા. એ સઘળી ખુશીમાં દિલગીરીનું એક મોટું વાદળું ટંગાઈ રહેલું હતું. થોડીએક મુદત ઉપર જલાલુદ્દીન ફિરોઝને દગો કરી ઠાર માર્યો હતો. તે રાજા ઘણા નરમ સ્વભાવનો, દયાળુ, તથા શાંત ગુણનો હતો. તેના વખતમાં લોકો ઘણાં સુખી હતા. રંક અને રાય એ બંનેને પાદશાહની તરફથી સરખે ઈનસાફ મળતો હતો. કોઈના ઉપર પાદશાહના જાણ્યા છતાં જુલમ કરવામાં આવતો ન હતો, તથા ધર્મને વાસ્તે પણ કોઈને ઉપદ્રવ થતો નહીં. એથી ઉલટું સઘળા લોકોને માલુમ હતું કે નવા પાદશાહ અલાઉદ્દીનનો સ્વભાવ તેથી જુદી જ તરેહનો હતો. તેને લડાઈનો ઘણો શોખ હતો. તથા તે જાતે ઘણો બહાદુર હોવાથી એવી ફિકર રાખવામાં આવતી હતી કે તેના આખા રાજ્યમાં લડાઈ હમેશાં થયાં કરશે, અને તેથી રૈયતની ઘણી ખરાબી થશે. વળી તે સ્વભાવે ઘણો ક્રૂર, દગલબાજ તથા હઠીલો હતો, તેથી પણ લોકોને પોતાના જાનમાલની ઘણી દહેશત રહેતી હતી, તથા તેને ધર્મને વાસ્તે પણ ઘણી જનૂન હતી. તેની લુચ્ચાઈ, નિમકહરામી તથા દુષ્ટતાથી લોકો ઘણા ત્રાસ પામી ગયા હતા. તેઓને હજી સાંભરતું હતું કે જલાલુદ્દીન કેવો વિશ્વાસ રાખી કરા આગળ તેના ભત્રિજા અલાઉદ્દીનને મળ્યો; અલાઉદ્દીન કેવો ઢોંગ કરીને એકલો આવી પોતાના કાકાને પગે પડ્યો; કેવા લાડથી જલાલુદ્દીને તેને હાથ પકડીને ઉઠાડ્યો, અને તેના ગાલપર હાથ ફેરવી બોલ્યો: 'મેં તને બચપણથી ઉછેર્યો, તારા ઉપર મેં બાપ જેવી પ્રીતિ રાખી, તથા મારા પોતાના છોકરા કરતાં પણ તારા ઉપર વધારે વહાલ રાખ્યું, તે મારા ઉપર તને કદી શક આવે જ નહીં, ' કેવા ક્રુરપણાથી તથા વિશ્વાસઘાતથી અલાઉદ્દીને તે વખતે પહેરેગીરને ઈશારત કીધી, તે ઉપરથી એક મહમૂદ બીન સાલેમે જલાલુદ્દીનના ખભા ઉપર તલવારને ઘા કીધો, કેવા ગુસ્સાથી જલાલુદ્દીન હોડીમાં બેસી જવા દોડ્યો, પણ તેટલામાં અખતીઆરૂદ્દીને આવીને બિચારા અશક્ત ડોસાને પકડ્યો, અને તેને ભોંય ઉપર નાંખી દઈ તેનું માથું કાપી નાંખ્યું, અને કેવા દુષ્ટ અંતકરણથી અલાઉદ્દીને પોતાના કાકાનું માથું એક ભાલા ઉપર ઘોંચીને આખા લશ્કરમાં તથા શહેરમાં ફેરવ્યું ! વળી જલાલુદ્દીનના મુઆ પછી તેની રાણી મલેકાજહાને, વગર વિચારે તથા અમીરોની સલાહ લીધા વિના, કદરખાં ઉરફે રૂકનુદ્દીન ઈબ્રાહીમ નામના તેના નાના છોકરાને તખ્ત ઉપર બેસાડ્યો, પોતાનો મોટો છોકરો અરકલીખાં જે પાદશાહનો ખરેખર વારસ હતો, તથા જે તે વખતે મુલતાનમાં હતો તેને રાણી મલેકાજહાને ઘણાએક સંદેશા મોકલ્યા અને પોતાના ભાઈ માટે મોટું લશ્કર લઈ આવવાની ઘણી અરજ કીધી. અરકલીખાં મુલતાનથી આવ્યો નહી, પણ એવો જવાબ કહેવડાવ્યો કે નદીને તેના મૂળ આગળ અટકાવી શકાય છે, પણ તે મોટી થયા પછી તેનો વોહો કોઈ રોકી શકતું નથી. અલાઉદ્દીને દિલ્હી આગળ આવી છાવણી નાંખી. કદરખાં પોતાનું લશ્કર એકઠું કરીને અલાઉદ્દીનની સાથે લડવાને બહાર આવ્યો. તેના સોબતીઓ તથા તેની તરફના અમીર ઉમરાવો તેની પાસેથી જતા રહી અલાઉદ્દીનને જઈને મળ્યા, કદરખાં પોતાની માને તથા કેટલાંક માણસોને લઈને મુલતાનમાં નાસી ગયો, તથા અલાઉદ્દીન દિલ્હીમાં પેસીને પોતાને પાદશાહ કહેવડાવવા લાગ્યો, અને પોતાના નામના સિક્કા પડાવ્યા. એ સઘળી વાત તેઓને તાજી યાદ હતી, ત્યાર પછી અલાઉદ્દીને મુલતાન શહેર તાબે કરી અરકલીખાં તથા કદરખાં એ બે શાહાજાદાઓને પકડી પોતાની પાસે લાવવાને એક મોટું લશ્કર આપી પોતાના ભાઈ અલફખાં તથા ઝફરખાને મોકલ્યા. તેઓએ મુલતાન શહેરને ઘેરો ઘાલ્યો, તે બે મહીના સુધી ચાલ્યો, આખરે શહેરના લોકોએ તથા સિપાઈઓએ મુલતાનનો કિલ્લે પાદશાહી સરદારને સ્વાધીન કરવાનું કબૂલ કીધું, પણ એટલી તેઓએ શરત કીધી કે બે શાહજાદાની જીંદગી બચાવવી, એ સરત અલફખાંએ મંજુર કીધી, અને તે પાળવા બાબત ઘણા સખ્ત કસમ ખાધા. એ પ્રમાણે તે શાહજાદાઓને પોતાના હાથમાં લઈ સઘળી હકીકત એણે અલાઉદ્દીન પાદશાહને કહેવડાવી.

પાદશાહ ઘણો જ ખૂશ થયો. તેની ઘણી લાંબી મુદતની ધારેલી મતલબ હવે હાંસલ થઈ. હવે તેના હક્ક વિષે તકરાર ઉઠાવનાર કોઈ રહ્યું નહી. શહેરમાં માટે આનંદોત્સવ પોતાના ખરચથી કરાવ્યો, અને એકલા મુસલમાનોને જ તેણે પૈસા આપી રાજી કીધા નહી, પણ પોતાની હિંદુ રૈયતને પણ તેઓનાં દેવાલયોમાં તેઓના ધર્મ પ્રમાણે ભક્તિ કરી પોતાની ફતેહ તથા સુખાકારી તેઓના દેવ પાસે માગવાનો હુકમ કીધો. તેણે મુખ્ય મુખ્ય બ્રાહ્મણોને બોલાવી તેઓની ક્રિયા કરાવવાને જેટલો ખરચ બેસે તે સઘળો પુરો પાડ્યો. એ અધર્મ જોઈને બીજા મુસલમાનોને ઘણો ગુસ્સો લાગ્યો, અને કાફર લોકોના ધર્મને ઉત્તેજન આપ્યું, તથા ખોટા દેવોની પ્રાર્થના કરાવવાથી ખરો ખુદા ઘણો કોપાયમાન થશે એમ સમજી, બ્રાહ્મણોને પૈસા ન આપવા માટે પાદશાહને ઘણો સમજાવ્યો. અલાઉદ્દીનની મરજી બધા લોકોને ખુશ કરવાની તથા સઘળાઓની પ્રીતિ સંપાદન કરવાની હતી, તેથી તેણે તેઓની વાત કાને ધરી નહીં. અગર જો મુસલમાનો પાદશાહની હઠીલાઈથી ઘણા નાઉમેદ થઈ ગયા તો પણ એ કામ ઉપર તેઓનો ક્રોધ કાયમ રહ્યો, તથા તેઓએ કોઈ પણ રીતે હિંદુઓ સાથે ટંટો કરવાનો ઠરાવ કીધો, તે દહાડે દિલ્હીની સઘળી મસજિદોમાં વાએજ કરાવવાને તથા અલફખાંના મોકલેલા ફતેહના સમાચારનો કાગળ વંચાવવાનો પણ હુકમ થયો હતો. દિવાળીને દહાડે મુસલમાનેને જુમાનો પાક દહાડો હતો તેથી તે જ દિવસે એ પાદશાહનો હુકમ અમલમાં આવ્યો. સઘળી મસજીદોમાં બપોરે બાર વાગતે બાંગ પોકારવામાં આવી, તે સાંભળીને શહેરના તમામ મુસલમાન લોકો સારાં સારાં લુગડાં પહેરીને તથા પોતાનાં છોકરાંને સાથે લઈને પાસેની મસજિદોમાં જવા નીકળ્યા. હિંદુઓનાં દહેરાંઓમાં પણ ઘણી ધામધુમ થઈ રહી હતી, દરેક દેવાલયમાં ઘણાએક બ્રાહ્મણો મોટા મોટા ઘાંટા કાઢીને મંત્ર ભણતા હતા, તથા જે પૈસા મળ્યા હતા તેનો બદલે વાળતા હતા, હજારો લોકો દર્શન કરવાને જતા હતા. દહેરાં ઘણાં શણગારેલાં હતાં, તથા ત્યાં લોકોની ઘણી જ ભીડ થઈ રહી હતી, એવા એક મોટા નામાંકિત દેવસ્થાનમાં બીજાં બધાં દહેરાં કરતાં લોકોનો વધારે જમાવ થયો હતો, તથા ત્યાં બ્રાહ્મણો ઘણા હોવાને લીધે શોરબકોર પણ પુષ્કળ થઈ રહ્યો હતો. એવામાં ત્યાંથી એક મુસલમાનોનું ટોળું મસજિદમાં જતું હતું, તેઓને આ સઘળે ઠાઠમાઠ જોઈને એટલે તો ગુસ્સો ચઢ્યો, તથા કાફર લોકોના ઢોંગી તથા નાપાક ધર્મને આટલી આબરૂ મળવાથી તેઓને એટલો તો ક્રોધ ચઢ્યો કે તેઓએ સઘળા હિંદુઓના દેખતાં તેઓના દેવને ઘણી ગાળ દીધી, તથા કેટલાએક બ્રાહ્મણને ડાંગવતી માર્યા, હજી હિંદુઓ છેક નિર્બળ ભાજીખાઉ થઈ ગયલા નહતા, તેઓમાં હજી શૂરાતન બાકી રહેલું હતું, તેથી આ ગાળો, દેવને અપમાન, તથા ડાંગનો માર તેઓ ઢોરની પેઠે ધીર રાખી ખમી રહ્યા નહીં. તેઓમાંથી કેટલાએક, મુસલમાનો ઉપર તુટી પડ્યા. અને ત્યાં સારી પેઠે મારામારી થઈ. મુસલમાનો થોડા, અને હિંદુઓ ઘણા, તેથી મુસલમાનોનું કાંઈ ચાલ્યું નહી, તેઓએ ઘણો માર ખાધો, અને બે ત્રણ જણ મરવા જેવા થઈ ગયા. શહેરમાં આ લડાઈની બુમ ચાલી, મુસલમાઓ ગલીએ ગલીએ તથા ચકલે ચકલેથી તથા મસજિદોમાંથી હથિયારબંધ દોડી આવ્યા, તેમ જ હિંદુઓનો પણ ઘણો જમાવ થઈ ગયો. શહેરમાં સઘળાએાએ પોતાનાં બારણાં બંધ કરી દીધાં, તથા હવે શું થશે એ વાતની તેઓ ભારે ફિકરમાં પડ્યા, લડાઈ તો ભારે ચાલી, લાકડી, તલવાર, ખંજર, પથ્થર, ઘરનાં નળીયાં, વગેરે જે જે હથિયાર લોકોના હાથમાં આવ્યાં તે લઈને લડવા લાગ્યા. ત્યાં ઘણો જ ગડબડાટ થઈ રહ્યો. હિંદુઓ તથા મુસલમાનો સેળભેળ થઈ ગયા; અને જેને દાઢી હોય તેને હિંદુઓએ અને દાઢી વગરના હોય તેને મુસલમાન લોકોએ દયા લાવ્યા વિના ઘણો જ માર માર્યો, બંને તરફના ઘણાએક માર્યા ગયા; કેટલાએક મરણતોલ જખમી થયા; કેટલાએક થાકીને ભોંય ઉપર પડ્યા, તેઓ લોકોના પગ તળે છુંદાઈને મરણ પામ્યા. લડાઈનો શોરબકોર,ઘાયલ તથા મરતા માણસોની ચીસાચીસ, તથા બીજાઘણીએક તરેહના અવાજથી ત્યાં કાન બહેર મારી જતા હતા, મુસલમાનો તથા હિંદુઓનાં ટોળે ટોળાં આવ્યાં જ જતાં હતાં; અને જો અલાઉદ્દીન પાદશાહને એ વાતની ખબર પડી નહોત, તથા તેણે લડાઈનું સમાધાન કરવા તથા બંનેના જે લોકો આગેવાન હોય તેઓને પકડી પોતાની હજુરમાં લાવવાને એક લશ્કર મોકલ્યું ન હોત, તો આ લડાઈનો ક્યારે પાર આવત તે કહેવું મુશ્કેલ હતું.

પાદશાહનું લશ્કર આવતું જોઈને લડનારાઓમાંથી ઘણાએક નાસી ગયા, કેટલાએક પાસેનાં ઘરમાં ભરાઈ ગયા, અને કેટલાએક ઓટલા ઉપર અમે લડવામાં સામેલ નથી, એમ જણાવવાને બેસી ગયા, મુસલમાનોના કરતાં હિન્દુઓને વધારે દહેશત લાગી, તેથી તે લોકોમાંથી વધારે સટકી ગયા, લશ્કર આવતાં જ તેના સરદારે હુકમ કીધા કે લડાઈ એકદમ બંધ કરવી, અને હથિયાર ભોંય ઉપર નાંખી દેવાં. લડનારાઓ લાચાર થઈ ગયા, અને હવે વધારે લડવામાં કાંઈ ફાયદો નથી એમ જાણીને તે ઉપરીનો હુકમ માથે ચઢાવીને ઉભા રહ્યા. ત્યાર પછી તે લશ્કરના સરદારે તેઓમાંથી મુખ્ય મુખ્ય માણસોને પકડી લીધા, અને તેઓને બાંધીને પાદશાહની આગળ લઈ જવાને તેઓ નીકળ્યા, પકડાયલા માણસોમાં મુસલમાનો કરતાં હિન્દુઓ વધારે હતા, અને તેઓને ભય પણ વધારે હતો. તેઓ પોતાના જીવની આશા મુકીને ચાલતા હતા, અને જે બને તે ખમવાને તેઓ તૈયાર થઈ રહ્યા હતા. થોડીવારમાં તેઓ સઘળાને પાદશાહ અલાઉદ્દીનની હજુરમાં ઉભા રાખ્યા. તે દહાડે દરબાર ભરપૂર ભરાયલું હતું. પાદશાહની સેનાના હીરાજડેલા તખ્ત ઉપર બેઠો હતો. તેનો પોશાક તથા ઝવેર જોતાં આંખ જંખવાઈ જાય એટલો તે શણગારાયલો હતો. સોનું, હીરા, મોતી, માણેક વગેરે રત્નોની કાંઈ જ કસર રાખવામાં આવી નહતી, તેના દબદબામાં કાંઈ શોભા ઉપર જરાપણ લક્ષ આપવામાં આવ્યું નહતું. તેના શણગારનો ઈરાદો શોભા અાપવા કરતાં તેની અગણિત દોલત લોકોમાં પ્રસિદ્ધ કરવાનો વધારે હતો, અને દોલત પણ તેણે બુશુમાર મેળવી હતી, કોઈ પણ પાદશાહની પાસે તખ્ત ઉપર બેસતી જ વખતે એટલું ધન હશે એમ તવારીખ ઉપરથી જણાતું નથી. તેણે સૌથી પહેલાં દક્ષિણ તરફના દેશો ઉપર ચઢાઈ કીધી હતી, અને ત્યાંની ઘણા કાળની એકઠી થયલી દોલત તે લૂંટી લાવ્યો હતો. મુસલમાન ઇતિહાસકર્તા લખે છે કે કે જ્યારે જલાલુદ્દીન ફિરોઝના રાજ્યમાં તેણે દેવગઢનું રાજ્ય જીત્યું, ત્યારે ત્યાંના રાજાએ તેને શાંત કરવાને છસેં મણ મોતી, બે મણ હીરા, માણેક, લીલમ, અને પોખરાજ, એક હજાર મણ રૂપું, અને ચાર હજાર રેશમનાં થાન નજર કીધાં, અને તેની સાથે બીજી પણ ઘણીએક કિમતી વસ્તુઓ આપી. અગર જો આ લખાણમાં મુસલમાન લોકોની રીત પ્રમાણે અતિશયોક્તિ તો ઘણી હશે, તો પણ તે ઉપરથી એવું જણાય છે કે દક્ષિણમાંથી તે બેશુમાર દ્રવ્ય હરી લાવ્યો હતો. તેણે તેના રાજ્યમાં એ કરતાં પણ વધારે દોલત મેળવી, તે એટલી કે એના જેવો બીજો કોઈ પણ પાદશાહ ધનવાન નહતો. એ દ્રવ્યનો તે ઉપયોગ પણ ઘણો કરતો. તેની શોભાનો કાંઈ પાર નહતો. તેના ઘરનો ખરચ પણ આશ્ચર્યકારક હતો. તેની પાસે માત્ર ખાનગી ઘરના ચાકરો સત્તર હજાર હતા, એ ઉપરથી જ તેનો બીજો વૈભવ કેવી તરેહનો હશે એનો વાંચનારાઓએ ખ્યાલ કરવો.

એવી રીતે અલાઉદ્દીન ખિલજી તે દહાડે બિરાજેલો હતો. તેનું મ્હોં એવું મોટું અને વિક્રાળ હતું, કે તેને જોઈને સઘળાને ત્રાસ લાગ્યા વિના રહે જ નહી, તથા તેને આબરૂ આપ્યા વિના પણ ચાલે નહી. તેને આવી વખતે હિન્દુસ્તાનમાં ફિતૂરી લેકે ઉપર મજબૂત રીતે તથા સખતીથી રાજદંડ પકડવાને જ પરમેશ્વરે સરજેલો હોય એમ દેખાતું હતું. તેની આંખ ગોળ તથા ઘણા તેજથી વાઘની આંખની પેઠે જ ચળકતી હતી, અને તેમાં દયા કે ક્ષમાની કોઈ પણ નિશાની માલમ પડતી નહતી, તેનું આખું શરીર એવું પ્રૌઢ તથા કૌવતદાર હતું, કે તેને જોઈને મોટામાં મોટા અમીરો પણ થરથર કાંપતા હતા, અલાઉદ્દીન ખિલજીનો એટલો ત્રાસ હતો કે તે આજ પણ ગુજરાતનાં ગામોમાં અલાઉદ્દીન ખુની એ નામથી ઓળખાય છે. તેની આસપાસ મોટા મોટા અધિકારીઓ બેઠેલા હતા, એક તરફ તેનો વજીર ખાજા ખતીર હતો, તે તેના વખતમાં ઘણો સદ્દગુણી માણસ ગણાતો હતો; અને બીજો દીવાની અદાલતનો મુખ્ય ન્યાયાધીશ કાઝી સદ્રુદીન એરીફ ઉર્ફે સદ્રેજહાન હતો. ઉમદતુલમુલ્ક, મલેક હમીદુદ્દીન અને મલેક અયઝુદ્દીન એ બંને ઘણા વિદ્વાન અને બુદ્ધિશાળી મુનશી બેઠેલા હતા. બીજી તરફ દિલ્હીનો કોટવાળ નુસરતખાં હતો, બીજો મલેક ફક્રુદીન કચી, ફોજદારી અદાલતનો મુખ્ય ન્યાયાધીશ હતો, અને મુખ્ય મુનશી મલેક ઝફરખાં હતો, એ સિવાય બીજા ઘણાએક અમીર ઉમરાવો, સૂબાઓ, કાઝીઓ, મોલવીઓ, લશ્કરના સરદારો, ફકીરો, દર્વેશો, તથા બીજાં ઘણાએક માણસો હતાં.

એવા દરબારમાં તે પકડાયલા ફિતૂરી લોકોને લાવી ઉભા રાખ્યા. પાદશાહે તેઓનો ઈનસાફ કરવાનો તથા જે અપરાધી ઠરે તેઓને શિક્ષા કરવાનો હુકમ કીધો. તે પ્રમાણે ફોજદારી અદાલતના મુખ્ય ન્યાયાધીશ ફક્રુદીન કચીની પાસે તેઓને લઈ આવ્યા. તેણે તે વખતે સઘળાના હાજર જામીન લઈ છોડી મુક્યા, અને બીજે દહાડે હાજર રહેવા ફરમાવ્યું. ઠેરવેલે વખતે સઘળા કેદીઓ હાજર થયા, તેઓની પાસેથી પુછપરછ કરી લડાઇ થવાનું કારણ તથા તેને લગતી સઘળી હકીકત ફક્રુદીને જાણી લીધી, ઈનસાફની આંખે જોતાં તો સાફ હતું કે મુસલમાન લોકોએ કજીઓ ઉઠાવ્યો, તેઓએ પહેલાં હિંદુઓના દેવોનું અપમાન કીધું, તથા કેટલાએક હિંદુઓને માર્યા, પછી હિંદુ લોકોએ સામા થઈ તેઓને માર્યા, એ તેઓએ ન્યાયાધીશની નજરમાં એક મોટી ચુક કીધી, અસલ જ્યારે રાજ્ય સ્થાપન થયાં ત્યારે જબરાની સામા નબળાનું રક્ષણ કરવું એ રાજ્ય કરનારનો મુખ્ય ધર્મ હતો, અને રાજ્ય સ્થાપવાનો એ જ હેતુ હતો, જે સઘળા પોતપોતાની મરજી પ્રમાણે જે તેઓની નજરમાં ગુન્હો લાગે તેનું વેર લે, તો જનસમાજનું બંધારણ તુટી જાય, લોકો એક રાની પશુઓનાં ટોળાં જેવા થઈ જાય, જાનમાલની સલામતી રહે નહી, અને માણસના સુખનો નાશ થાય એટલું જ નહી, પણ તેઓનો પણ થોડી મુદતમાં અંત આવે. માટે જે ઠેકાણે સારા બંદોબસ્તવાળું રાજ્ય છે, ત્યાં ખાનગી રીતે વેર લેવાનો કોઈને અખતિયાર નથી. જે માણસને નુકસાન લાગ્યું હોય તેણે પોતાની મેળે જ કાયદાનો અમલ કરી સામાને પોતાની મરજી પ્રમાણે શિક્ષા કરવાને બદલે રાજાની આગળ ફરિયાદ કરવી અને તે રાજા ત્રાહિત માણસ હોવાથી તેને બેમાંથી કોઈ ઉપર ઘણું કરીને દુશ્મની હોતી નથી, તથા બે દુશ્મનો વચ્ચે જે જુસ્સો તથાં અંટસ ઘણું કરી હોય છે, અને તેથી તેઓની વિવેકબુદ્ધિ ઉપર જે પડદો વળી જાય છે, તેમ રાજાને થતું નથી. તે હમેશાં નિષ્પક્ષપાત તથા શાંત વૃત્તિનો હોવો જોઈએ, તેથી તે બંનેનો ગુન્હો તપાસવાને, તેઓમાંથી વધારે કસૂર કોની છે તે શોધી કાઢવાને, તથા જેનો ગુન્હો માલમ પડે તને ઘટતી શિક્ષા આપવાને વધારે લાયક છે. અગર જો આ રસ્તો વાજબી છે, તથા તેના ઉપયોગ અને ફાયદા સઘળા માણસો કબુલ કરે છે, તો પણ લોકો હમેશાં તે પ્રમાણે કરતા નથી; અને જ્યારે તેઓ તેમ કરે છે ત્યારે પણ એ વાત સઘળાને ફાયદાકારક છે એમ સમજીને નહી, પણ તેઓને વેર લેવાની શક્તિ હોતી નથી તેથી તેઓ આ રસ્તે પકડે છે તેનું કારણ સમજવું ઘણું મુશ્કેલ નથી. માણસોમાં પરમેશ્વરે પશુઓ અને બીજાં કનિષ્ટ પ્રાણીઓની પેઠે કેટલીએક પ્રેરણાઓ મુકેલી છે, તેની સામે વિવેકબુદ્ધિનું ઘણી વખતે કંઈપણ ચાલતું નથી. એ પ્રેરણા પ્રમાણે માણસો ઘણાંએક કામો કરે છે તેમાં વિચાર કરવામાં આવતો નથી, અથવા તેમ કરવાને વખત પણ મળતો નથી. દુ:ખને બદલે દુ:ખ દેવું એ એક સઘળાં પ્રાણીઓમાં પ્રેરણા છે, ખામોશ અને ક્ષમા વિચારશક્તિવડે જ ઉત્પન્ન થાય છે. જ્યારે એ પ્રેરણાને જીતવાનો અને પોતાની મદદે વિવેકબુદ્ધિને બોલાવવાનો વખત મળે છે ત્યારેજ ખામોશ, દયા, ક્ષમા, કામમાં આવે છે. પણ સઘળાં માણસોને એ સ્વભાવિક પ્રેરણા જીતવાને મનનું સામર્થ્ય હોતું નથી; માટે જ્યારે તેઓને કોઈ પણ પ્રકારે ઉપદ્રવ પહોંચે છે ત્યારે તુરત તેનો બદલો વાળવાની જ તેઓની વૃત્તિ થઈ જાય છે. તે વખતે તેઓને રાજા અથવા કાયદાનું કાંઈ પણ ભાન રહેતું નથી; તે વિચાર પાછળથી આવે છે. આ પ્રમાણે કરવું એટલું તો સાધારણ તથા સ્વાભાવિક છે, અને તેથી ઉલટું ચાલવું એટલું તો મુશ્કેલ છે, કે કાયદા કરનારાઓએ કાયદા કરતી વખતે એ વાત ધ્યાનમાં લીધેલી જ છે; કારણ કે જ્યારે કોઈ ગુન્હેગારના ઉપર પહેલાં કાંઈ છેડખાઈ થઈ હોય, અથવા તેને ગુન્હો કરવાને સામા માણસે કાંઈ મજબુત કારણ આપ્યું હોય ત્યારે તેને શિક્ષા કરતી વખતે તે આગળની સઘળી હકીકત ઉપર વિચાર કરવામાં આવે છે, અને જે પ્રમાણે આગલાં કારણો મજબુત અથવા નબળાં હોય તે પ્રમાણે તેને વધારે અથવા ઓછી સજા કરવામાં આવે છે. તેને શિક્ષા તો થવી જોઈએ, અને તે પ્રમાણે થાય છે. તેની સ્વાભાવિક પ્રેરણાને લીધે તેને માફી તો મળતી નથી, પણ તે ઉપર ધ્યાન પહોંચાડીને શિક્ષામાં ઘટાડો કરવામાં આવે છે. હિંદુઓ શિક્ષાને પાત્ર તો હતા. તેઓએ લોકોની સુલેહમાં ભંગ કીધો, તેએાએ ઘણા મુસલમાનોના પ્રાણ લીધા તથા ઘણાએકને જખમી કીધા; તેને માટે તેઓને સજા તો થવી જ જોઈએ. પણ તે જ પ્રમાણે મુસલમાનેએ વગર કારણે હિંદુઓના જીવને દુખવ્યા તથા પોતાની પાસેની લાકડીને પ્રસંગવિના ઉપયોગ કીધો, તથા પાછળની મારામારીમાં પણ તેઓએ બન્યું તેટલું બળ વાપર્યું અને તેઓના હાથથી થોડા હિંદુઓ માર્યા ગયા તે તેઓની ખામોશીને લીધે નહી પણ તેઓનું સામર્થ્ય એાછું હોવાને લીધે જ બન્યું. માટે તેઓનો ગુન્હો પણ હિંદુઓના જેટલોજ હતો, અને તેઓને પણ તેટલીજ સજા થવી જોઈતી હતી, એવું આપણે ઈનસાફની રાહે ધારીએ ખરા, પણ મુખ્ય ન્યાયાધીશ ફક્રુદીનનો વિચાર એ પ્રમાણે ન હતો. મનુષ્યના ડરને નહી ગણકારતાં ફક્ત ઈશ્વરનો જ ડર રાખી અદલ ઈન્સાફ આપવો એવો કાંઈ તેને ઉદ્દેશ ન હતો, તેની અદાલતમાં ઈનસાફનું જે ચિત્ર કાઢેલું હતું તે આંધળું ન હતું; તેને એક આંખ હતી તે મુસલમાન લોકોને જ જોતી હતી, તેના એક હાથમાં અદલનો જે કાંટો હતો તે સમતોલ થયલો ન હતો; પણ જે પલ્લામાં મુસલમાન હતા તે પલ્લું નીચે ઝોકતું હતું; તેના બીજા હાથમાં જે તલવાર હતી તે માત્ર બિચારા હિંદુઓનેજ મારવા કીધેલી હતી. તેજ પ્રમાણે ઈનસાફના ખાવિંદની આંખ ઉપર પોતાના જ ધર્મનો પડદો વળેલો હતો, તથા મન ઉપર જાતિનાં જાળાં પથરાયલાં હતાં, તેથી તેણે વિચાર્યું કે પાદશાહે કાફર મૂર્તિપૂજકોને પૈસા આપી તેઓનાં શેતાન દહેરાંઓમાં ધામધુમ કરાવી તે જોઈને હરેક સાચા મુસલમાનોને ગુસ્સો આવ્યા વિના રહે જ નહીં. માટે જે મુસલમાનોએ હિંદુઓના દેવનું અપમાન કીધું, તથા કાફરોને ડાંગવતી માર્યા તેમાં તેઓએ ખોટું કીધું નથી. તેઓને કરવું પડ્યું તે પાદશાહના અધર્મી કામને લીધે કરવું પડ્યું. માટે જે મુસલમાન લડાઈમાં માર્યા ગયા તેનું પાપ પાદશાહને શીર છે, કાફર હિંદુઓ મુઆ તેમાં તો ઘણી ફિકર હોય જ શેની? તેઓ દુનિયામાં કાંઈ કામના નથી. તેઓ આખર તો દોઝખમાં જવાના જ હતા, ત્યારે જરા વહેલા ગયા, અને પાપ કરતા ઓછા થયા, મુસલમાનોને હિંદુઓએ માર્યા એ તેઓએ મોટામાં મોટો ગુન્હો કીધો, અને તેથી તેઓને મોટી સજા કરવી જોઈએ, એવો વિચાર કરી ફક્રુદ્દીન ન્યાયાધીશ બોલ્યોઃ– “લડાઈ ઉઠાવનાર મુસલમાન લોકો હતા એ વાત ખરી છે, પણ જેઓએ એ પ્રમાણે કીધું તેઓ આ પકડી લાવેલા મુસલમાન છે, એમ માલમ પડતું નથી, માટે તેઓ નિરપરાધી છે. જે હિંદુઓ આ ઠેકાણે ઉભેલા છે તેઓ મારામારીમાં સામેલ હતા, અને તેઓને લીધે આટલા બધા મુસલમાન લોકો માર્યા ગયા, માટે તેની સજા એટલીજ કે “જે દહેરા આગળ લડાઈ થઈ તે દહેરા આગળ તમને પચીસ હિંદુઓને ભોંયમાં અર્ધા દાટવા અને તમામ મુસલમાનોએ ઈંટ, પથ્થર, બેદાં વગેરેનો તમારા ઉપર માર ચલાવવો, એટલે સુધી કે તે મારથી તમારો પ્રાણ જાય, ”આ હુકમથી અદાલતમાં જેઓ બેઠેલા હતા તેઓના મન ઉપર તેઓની જાત પ્રમાણે જુદી જુદી અસર થઈ, જેઓ મુસલમાન હતા તેઓ આ હુકમ સાંભળીને ઘણા જ ખુશ થયા, અને કાફરોએ પાક દીનવાળાઓ ઉપર હાથ ઉપાડ્યો તેને માટે જેવી સજા તેઓને ઘટતી હતી તેવી જ તેઓને મળી એમ જાણી ન્યાયાધીશની વિચારશક્તિ તથા નિષ્પક્ષપાતપણાની બેહદ તારીફ કરવા લાગ્યા. એથી ઉલટું જેઓ હિંદુ હતા તેઓ આ સજા સાંભળીને ઘણા જ દિલગીર થયા, અને આજે એમને અને કાલે આપણને એમ સમજી તેઓ ઘણા ત્રાસ પામ્યા. કેદીઓ ન્યાયાધીશનો આ ગેરવાજબી, દુષ્ટ તથા પક્ષપાત ભરેલો હુકમ સાંભળીને જડભરત જેવા થોડીવાર થઈ ગયા, અને કેટલીએક વાર પછી તેઓએ ન્યાયાધીશને જાહેર કીધું કે “ખુદાવંદ! જો લઢાઈ ઉઠાવનાર આ હાજર કીધેલા મુસલમાન ન હતા, તો લઢાઈમાં પહેલા સામેલ થનાર અમે પણ ન હતા. જે પ્રમાણે મારામારી થયા પછી તે લોકો આવ્યા હશે તે પ્રમાણે અમે પણ પછવાડેથી આવ્યા હતા; માટે તેઓના કરતાં અમારો અપરાધ શા કારણથી વધારે છે એ અમારાથી સમજાતું નથી.” ન્યાયાધીશથી એ કારણ બતાવી શકાય એવું નહતું, તેના ધર્માંંધપણા સિવાય બીજું કાંઈ પણ કારણ નહતું, પણ તે કારણ તેને પૂછવાની એ લોકોએ હિંમત ચલાવી એટલા જ ઉપરથી તે કોપાયમાન થયો, અને જુસ્સામાં બોલી ઉઠયો કે “તમે પહેલી લડાઈ શરૂ કીધી કે નહી તેની તજવીજ કરવાની મારે કાંઈ જરૂર નથી, તમે લડાઈમાં સામેલ હતા, તેથી તમારા હાથથી મુસલમાન લોકોના જીવ ગયા એટલો અપરાધ બસ છે, અને એટલા જ ઉપરથી તમને જે શિક્ષા કીધી છે તે તમને જોઈએ તે કરતાં ઓછી છે. માટે તેઓને જલદીથી લઈ જાઓ, અને સજા અમલમાં લાવી મને તુરત ખબર આપો.” એવો તેણે તેના માણસોને હુકમ આપ્યો, તે બિચારા હિંદુઓને વધારે બોલવાનો વખત મળ્યો નહીં તેઓને ઘસડીને અદાલતની બહાર લઈ ગયા, અને જે દહેરા આગળ તે હુલ્લડ થયું હતું ત્યાં તેઓને ઉભા રાખી પચીસ હિંદુઓને માટે પચીસ ખાડાઓ ખોદાવ્યા,

એ ઠેકાણે જે ભયંકર બનાવ બન્યો તેનું યથાસ્થિત વર્ણન કરવું અશક્ય છે, ત્યાં દુષ્ટ અને લોહીના તરસ્યા હલકા મુસલમાનોનું ટોળું મળેલું હતું. તેઓ સઘળા રાક્ષસની પેઠે આનંદભેર દેખાતા હતા. તેઓએ પથ્થર, ઇંટ, સડેલાં ઈંડાં વગેરે ઘણુંએક ફેંકવાની વસ્તુઓ તૈયાર રાખેલી. હતી. તે દુષ્ટ ચંડાળોમાં તેઓના ધર્માંધપણાને લીધે ઈનસાફ કે દયા. કાંઈ પણ જણાતી નહતી, પણ તે બિચારા નિરપરાધી હિંદુઓનું આ ભયંકર મોત જોવાને ગીધ તથા રાની પશુની માફક ઉમંગથી ઉભા હતા. ત્યાં હિંદુઓ તો કોઈ જ આવ્યા નહીં. માત્ર તે પચીસ અભાગિયા લોકોનાં બઈરાંછોકરાં તથા સગાંવહાલાં તેઓને છેલ્લીવાર મળવાને આવ્યાં હતાં, પણ મરતી વખત આ દુનિયામાં જે વહાલાં હોય છે તેઓની મુલાકાતથી જ મરનારને થોડું સુખ થાય છે તે સુખ પણ તેઓને મળ્યું નહી; બઈરાંછોકરાં વગેરેને કેદીઓ પાસે આવવા દીધાં નહીં. તેઓ આઘેથી રડારડ કરતાં હતાં, તથા બીજી ઘણીએક રીતે તેઓનો શોક બતાવતાં હતાં, તે જોઈને મુસલમાનોને ઉલટો આનંદ થતો હતો અને તેઓ તે કેદીઓ ઉપર તથા તમામ હિંદુઓ ઉપર ગાળોનો વરસાદ વરસાવતા હતા, એ ગાળો તથા અપમાન અને પોતાનાં પ્યારાં સગાંઓનો વિલાપ સાંભળીને તે બિચારા કેદીઓનાં અંતઃકરણ વીંધાઈ જતાં હતાં; પણ લાચાર, શું કરે ? માટે તેઓ ખરા દિલથી પરમેશ્વર પાસે એટલું જ માગી લેતા હતા કે તેઓનું મોત જલદીથી આવે, તથા તેઓના શત્રુઓ જેઓ માણસના આકારે રાની હિંસક પશુના જેવા નિર્દય હતા તેઓનાં સસ્ત્રમાં વધારે શક્તિ આવે.

મુખ્ય કોટવાલે ઈશારત કીધી એટલે તે બિચારા નિરપરાધી હિંદુઓ ઉપર પથ્થર, ઈંટ વગેરે હરેક ફેંકી શકાય એવી વસ્તુઓનો વરસાદ વરસ્યો. એ વૃષ્ટિમાંથી કોઈ ઘણીવાર સુધી જીવતો રહે એવી તો આશા થોડી જ હતી. કેટલાએકનાં માથાં ચીરાઈ ગયાં, કેટલાએકની છાતી ભાંગી ગઈ કેટલાએકનાં શરીરના બીજા ભાગ છુંદાઈ ગયા. એ પ્રમાણે તેઓની દુર્દશા થઈ લોહી તે ઠેકાણે વહેવા લાગ્યું. થોડાએક તે તત્કાળ મરણ પામ્યા; કેટલાએક હસહસતા થઈ ગયા; કેટલાએક બેભાન થઈ ગયા, અને જેઓમાં થોડી ઘણી શુદ્ધિ રહી તેઓ અતિશય દરદને લીધે ચીસાચીસ પાડવા લાગ્યા. જીન્દગી અને મોતની વચ્ચે આ લડાઈ ઘણીવાર સુધી પહોંચી નહીં, થોડીવારમાં એક પછી એક મરવા લાગ્યા, અને આસરે એક કલાક પછી પથરાઓ મુડદાં ઉપર પડવા માંડ્યા. આ ભયંકર કામ થઈ રહ્યા પછી તે સઘળાને એક જલ્લાદે તપાસ્યા. અને તેઓમાંથી જીવને અંશ જતો રહ્યો છે એવી ખાતરી થવા ઉપરથી તેઓને ખોદી કાઢ્યા. તે વખતે તેઓનાં સગાંવહાલાંઓએ તેઓની લાશ લેવાને અને પોતાના ધર્મ તથા સંપ્રદાય પ્રમાણે તેઓને અવલમંજલ પહોંચાડવાની રજા માગી, પણ વજ્ર હૃદયના મુસલમાન અમલદારે એટલી પણ તેઓના ઉપર દયા કીધી નહી, તેઓએ ખુદાતાલાના માનીતા મુસલમાન લોકોને માર્યા એ તેઓનો અપરાધ તેની નજરમાં એટલો તો ભારે હતો કે એટલી સજા પણ તેને હલકી લાગી, અને જીવતા ઉપરનું બાકી રહેલું વેર મુડદાંઓ ઉપર કાઢવાને, તેઓને જલ્લાદને હાથે શહેર બહાર એક ઉંડા ખાડામાં એકઠાં હડસેલાવી દીધાં અને કોઈ પણ જાતની ક્રિયા કીધા વિના તેઓના ઉપર માટી પુરાવી દીધી.

આ બનાવ બન્યાથી સઘળા હિંદુઓના મનમાં ઘણો જ ત્રાસ પેંસી ગયો, અને તેઓ મુસલમાનોથી ઘણા જ ડરવા લાગ્યા. પણ એટલી એ જ ભયંકર વાત બની એમ ન હતું. શાહજાદા અરકલીખાં તથા કદરખાં અને માજી પાદશાહની બેગમ મલેકાજહાન તથા બીજા કેટલાએક માણસો મુલતાન આગળ અલફખાંના હાથમાં આવ્યા પછી તે તેઓને લઈને દિલ્હી તરફ આવવાને નીકળ્યો. તે જ વખતે પાદશાહ અલાઉદ્દીને મલેક નુસરતખાં કોટવાલને શાહજાદાએાની આંખ ફોડવાનો હુકમ આપી અલફખાંને મળવાને સામો મોકલ્યો. નુસરતખાંએ જઈને અલફખાંને પાદશાહનો હુકમ પહોંચાડ્યો, અને જે જગાએ તેઓ બંને મળ્યા તે જ સ્થળે તે દુષ્ટ કામ કરવાની તૈયારી થવા લાગી.

એક ઉનાળાની સ્થિર સાંજે તે બે શાહજાદાઓ એક કિલ્લાની બારી આગળ બેઠા બેઠા પોતાની દુર્દશા વિષે વાત કરતા હતા. આખા દહાડામાં સખત તાપ પડ્યો હતો, તેથી સઘળી વસ્તુઓ ગરમ થઈ ગઈ હતી તે હવે ધીમે ધીમે થંડી પડવા લાગી. બારીમાંથી ટાઢો પવન થોડો થોડો આવતો હતો તેથી તેઓનાં શરીરમાં બીજો તાપ ન હોત તો તેઓને ઘણું સુખ થાત, પણ આ વખતે તે બિચારાઓના વિચાર તેઓનાં શરીરના સુખ તરફ હતા જ નહી, તે જગ્યાએ મુકામ કરવાનું તથા તેઓની મા વગેરે બીજાં બઈરાંને દિલ્હી મોકલી દેવાનું શું કારણ હશે એ વિષે તેઓને ઘણો અંદેશો થયાં કરતો હતો. અલફખાંએ તેઓને મુલતાન આગળ અભય વચન આપ્યું હતું તેથી આટલી થોડી વારમાં તે વચન તે તોડશે, અને તેઓનો પ્રાણ લેશે, એ વિચાર તેઓના મનમાં મુશ્કેલીથી જ આવતો. પણ જ્યારે તેઓને મુકામ કરવાનું કાંઈ કારણ જડ્યું નહી, તથા આપેલો કોલ તોડવો એ તે વખતમાં કાંઈ ઘણું હલકું ગણાતું ન હતું, તથા અલાઉદ્દીનનો ક્રૂર તથા સ્વાર્થી સ્વભાવ તેઓ સારી પેઠે જાણતા હતા, તેથી તેઓને વખતે વખતે મરવાની દહેશત લાગ્યાં કરતી હતી. જ્યારે તેઓ આ પ્રમાણે ઉંડા વિચારમાં પડેલા હતા, તથા હવે મરીશું કે જીવતા રહીશું એ વિશે સંશયમાં હતા, તે વખતે બે માણસોએ ધીમે ધીમે પાછળથી આવીને તેઓને પાડી નાંખ્યા, અને તેઓના હાથપગ તુરત બાંધી લઈને તેઓના મ્હોંમાં ડુચા ઘાલ્યા, પોતાનો જીવ એક ક્ષણમાં જનાર છે, એમ જાણીને તેઓએ ઘણા પછાડા માર્યા, પણ તે ચંડાળો ઘણા જોરાવર હતા, તેથી તેઓનું કાંઈ ચાલ્યું નહીં. તેઓને ચત્તા પાડ્યા પછી એક બારીક ચુપ્પુની અણી- વડે તેઓ બંનેની આંખોના ડોળા બહાર કાઢી નાંખ્યા, મરવાની દહે- શતથી, અાંખ ફુટવાના દરદથી, તથા આંખમાંથી લોહીની ધાર ચાલી રહી તેની વેદનાથી, તેઓ કેટલીએક વાર સુધી તો બેહોશ થઈ પડી રહ્યા. તે વખતે પાદશાહના હુકમથી ઉપરાંત ચાલીને તે ચંડાળોએ મેાટા જંગીઝખાંના છોકરાના છોકરા ઊંલુઘખાંની, અહમદ હબીબની, તથા બીજા કેટલાએક હલકી પાયરીના માણસોની પણ આંખો ફોડી નાંખી.

શાહજાદાએાને જ્યારે ભાન આવ્યું ત્યારે તેઓને કેટલું દુ:ખ લાગ્યું હશે તેની કલ્પના માત્ર કરવી. જીવતા તો રહ્યા પણ તેઓની અમૂલ્ય રત્ન જેવી બે આંખ જતી રહી એ વાત તેઓને જ્યારે માલમ પડી ત્યારે તેઓ અતિ દુઃખ તથા ક્રોધને લીધે ગાંડા જેવા થઈ ગયા, અને મોટા જોરથી બુમાબુમ પાડવા લાગ્યા-“ જીવતા રાખ્યા તે આટલા સારૂ ? અરે, અાંધળા થઈને જીવવું તે કરતાં મરવું હજાર વાર સારૂં, અાંધળાનું જીવવું તે મરવા કરતાં ઘણું જ ભુંડું, મરવું તો છે જ, પછી વહેલું કે મોડું પણ જીવીને દુનિયાનો ત્યાગ કરવો, જગતના અજવાળાથી બહાર રહેવું, સૃષ્ટિની ખુબી જોવાથી બંધ પડવું, સઘળાં ભારે કામ કરવાથી અટકવું ! અરે ! એ તે જીવવું ? એ તો જીવતું મોત, અરે ! એ તો જીવતાં ભોંયમાં દટાવું ? અરે ! જીવને શરીરની કબરમાં દફન કરીને ફરવું, એ કરતાં અમને મારી શા માટે ન નાંખ્યા ? જો મરી ગયા હોત તો સઘળું પુરું થાત, પછી કાંઈ દેખવું એ નહી અને દાઝવું પણ નહીં. મરનારને મન તો સઘળું સરખું, એના ઉપર કોઈ જુલમ કરી શકતું નથી, તેને કોઈથી દુઃખ દેવાતું નથી, તેના ઉપર વધારે આફત આવી પડતી નથી, પણ આ જીવતું મોત ખરા મોત કરતાં કેવું નઠારું ? સઘળી કામ કરવાની શક્તિ નિરર્થક થયા પછી પણ સઘળાં દુ:ખ સહન કરવાની શક્તિ તો રહે છે, એટલે ઢોરની પેઠે જ્યાં કોઈ દોરે ત્યાં દોરાવું, અરે ! ઢોર તો અટકાવ પણ કરી શકે છે, તથા લાત અને શિંગડાં મારે છે; પણ અાંધળા માણસ તો તેઓના શત્રુઓના હાથમાં જ ગયા એમ સમજવું. અરે, રાજ મેળવવાનો લોભ કેવો ભુંડો છે ! અને પાદશાહના વંશમાં હોવામાં કેટલી કમબખ્તી છે ! જો અમે કોઈ ગરીબ માણસના છોકરા હોત તો આ આફત અમારા ઉપર પડત નહીં. થોડાં વર્ષ સુખ તો ભોગવ્યું, પણ આગળ ઉપરની મોટી મોટી ઉમેદોને લીધે તે વખતનું સુખ તુચ્છ જેવું લાગ્યું, પણ તેટલું જ જો જીવતાં સુધી કાયમ રહ્યું હોત તોપણ અમે પરવરદેગારના નામનો શુકૂર કરત. પણ આ દુ:ખ આગળ તે સઘળું બળી ગયું. અમારી બેવકૂફ માના લોભના લીધે અમારા ઉપર આ વિપત્તિ આવી પડી. અમારે રાજ જોઈતું ન હતું; પણ તેણે અમારી મરજી ઉપરાંત અલાઉદ્દીનની સામા માથું ઉઠાવ્યું, તેનાં ફળ અમે ભોગવીએ છીએ. અરે પરમેશ્વર ! અમારા ઉપર આટલો બધો જુલમ શા માટે ગુજાર્યો? અમે કોઈને ઉપદ્રવ કીધો નથી, અમે કોઈનું બગાડ્યું નથી, બલકે અમારાથી જેટલું બની શકયું તેટલું ઘણાએકનું સારૂં કીધું છે. પણ હવે દુ:ખ રડવામાં શો ફાયદો છે? જે થયું તે થયું, તેનો કાંઈ હવે ઈલાજ નથી. ઉલટું અમારૂં નબળું મન દુશ્મનોની આગળ પ્રગટ કરીએ છીએ, માટે જે થવાનું હોય તે થાઓ, તે ખમવાને અમે તૈયાર છીએ; ખુદાની એ પ્રમાણે જ મરજી હશે, તો તેનો હુકમ અમે માથે ચઢાવીએ છીએ.” આટલું બોલી તેઓએ પોતાનું મ્હોં સીવી લીધું.

બીજે દહાડે અલફખાંની છાવણી ઉઠી, અને તેઓ સઘળા હાંસી શહેરમાં ગયા, ત્યાં કિલ્લામાં તે બે આંધળા શાહજાદાને કેદમાં રાખ્યા, પણ આવા અર્ધા મુવેલા શાહજાદાઓ જીવતા રહે ત્યાં સુધી અલાઉદ્દીનને ચહેન પડે નહી એમ જાણી, તથા આપણે જે કરીશું તે પાદશાહ પસંદ કરશે એવી ખાતરીથી અલફખાંએ તથા નુસરતખાંએ તેઓ બંનેને ઠાર મારવાનો નિશ્ચય કીધો, એ કામ હવે કાંઈ મુશ્કેલ ન હોતું. જ્યારે મધ્યરાત્રિની વખતે તે બે શાહજાદાઓ ભર ઉંઘમાં પડેલા હતા તે વખતે બે મારાઓ ખંજર લઈને તેઓના સુવાના ઓરડામાં પેઠા, જે છેલ્લી આફત તેઓના ઉપર જલદી પડનાર છે તેની લેશમાત્ર શંકા પણ એઓના મનમાં નહી હોવાથી તે વખતે તેઓ બંને સ્થિર ચિત્તથી સુતા હતા. તેઓના દુઃખી તથા નિર્દોષ ચહેરા જોઈને તે દુષ્ટ મારાઓને પણ દયા આવી પણ તેઓ જાણતા હતા કે દયાનો આ વખત નથી, અને જો તેઓ પોતાનું કામ બજાવશે નહી તે તેઓ જાતે માર્યા જશે, તેથી તે બેમાંના એકે મન કઠણ કરી અરકલીખાંના પેટમાં ખંજર માર્યું અને તે જ વખતે બીજાએ પણ કદરખાંના ઉપર જખમ કીધો. એ જખમથી કદરખાં તો તુરત મરણ પામ્યો; પણ અરકલીખાંને વાસ્તે તો એક ઘા બસ થયો નહી. તેણે તરફડીયાં મારવા માંડ્યાં, અને “શુકૂર અલ્લા ! આ દુ:ખમાંથી જલદી તેં છુટકારો કીધો.” એવી રીતે તે બોલ્યો. પોતાનું કામ બરાબર થયું નહી તેથી તે ખુની ગભરાયો. શાહજાદાએ તેની તરફ પોતાનું મ્હોં ફેરવ્યું, અને ગુસ્સાથી બોલી ઉઠ્યો, “કાફર, હરામખોર, જલદીથી બીજે ઘા મારી આ જીંદગીનો દોરો એકદમ તોડી નાંખ, તારા અનઘડપણાથી મને કેટલું દુ:ખ થાય છે તે તું જાણતો નથી. માટે માર બીજો ધા, અને આ દુષ્ટ, પાપી જહાનમાંથી મને છોડાવ.” પણ તે માણસની અક્કલ ગુમ થઈ ગઈ તે જડભરત જેવો ઉભો રહ્યો; તેના હાથમાંથી ખંજર પડી ગયું, અને તેના મન ઉપર તેને અખતિયાર નહીં રહેવાથી તે ત્યાંથી નાસી ગયો. અરકલીખાંનને લાગ્યું કે મારનાર તો તેને એવી અવસ્થામાં મુકીને જતો રહ્યો, તેનું ખંજર પડયું હતું તેનો અવાજ તેણે સાંભળ્યો હતો, અને જેમ જેમ વખત જતો ગયો તેમ તેમ તેની વેદના પણ અસહ્ય થતી ગઈ, તે વખતે તેનામાં સેતાનનું જોર આવ્યું. તે એકદમ બેઠો થયો, અને હાથ લાંબા કરી ખંજર તેણે શોધી કહાડ્યું, હાથમાં તે ખંજર લઈ તેણે ઇશ્વરની સ્તુતિ કીધી, અને “બિસ્મિલ્લાહ ઉર રહેમાન ઉર રહીમ” એટલું કહી તેણે તે ખંજર પોતાના કલેજામાં એટલા જોરથી માર્યું કે તેને પાછું કાઢવાનો પણ તેને વખત મળ્યો નહી, પણ તે લાગતાં જ તેનો આત્મા પરમેશ્વરની હજુરમાં જઈ ઉભો રહ્યો.

દિલ્હીમાં એક કિલ્લાના એક ઓરડામાં એક બઈરી નીચું માથું ઘાલીને બેઠી હતી. તે એારડાની સ્થિતિ તે બઈરીના મનની સ્થિતિના જેવી જ હતી. અંધકાર, અંધકાર, સઘળે વ્યાપી રહેલો હતો. ઓરડાની આસપાસની ચાર દિવાલોમાંથી એકમાંથી પણ અજવાળાનું કિરણ પ્રવેશ કરી શકતું નહતું, ભીંતની છેક ઉપર બે ત્રણ જાળીયાં હતાં તેમાંથી હવા માત્ર આવતી, અને તેથી તેમાં રહેલી બઈરીના પ્રાણને આધાર માત્ર મળતો. પણ તેમાંથી જે કંઈ પ્રકાશ પડતો તે એટલો તો થોડો હતો, તથા ઓરડો મોટો હોવાને લીધે તેમાંનું અંધારું એટલું બધું તો ઘાડું હતું કે તે અજવાળું અંધારાની સાથે મળી જતું અને તેનું જોર બિલકુલ ચાલતું ન હતું. એ અંધારામાં બેઠેલી બઈરી જો જોઈ શકાય તો દુઃખ એટલે શું, અને અતિ દુ:ખથી માણસની અવસ્થા કેવી થાય છે એ સંપૂર્ણ જાણવામાં આવે. જો કોઈ ચિતારાને એક મહા દુ:ખી માણસનું ચિત્ર કાઢવું હોય, અથવા જો કોઈ કવિને તેવા માણસના દેખાવનું વર્ણન કરવું હોય, તો તેણે તે બઈરીને જોવી. તે ખરેખરું દુ:ખનું સ્વરૂપ હતું જો દુ:ખ માનવી દેહ ધારણ કરી શકે તો તે આ બઈરીના જેવું જ સઘળાને માલમ પડે. તેને પોતાના શરીરનું બીલકુલ ભાન ન હતું તે પોતાના બે પગની વચ્ચે માથું ઘાલીને બેઠી હતી. તે ઘણી રૂપાળી હતી, પણ દુઃખના આવેશમાં તેનું રૂપ બદલાઈ જઈને તેની શિકલ ઘણી બિહામણી થઈ ગઈ હતી. તેના મ્હોં ઉપરની નસો કુલી આવી હતી, તેનું શરીર સઘળું સોસવાઈ ગયું હતું. તેના ઉપરનું તમામ લોહી ઉડી જવાથી તે મુડદાના જેવી ફિકા રંગની દેખાતી હતી, જો તે હાલચાલ કરીને જીવતી છે એમ ન જણાવે, તો તેની અને મુડદાની વચ્ચે કાંઈ ભેદ માલમ પડે એવું ન હતું. તેની આંખ ફાટેલી તથા લાલચોળ થઈ ગયેલી હતી અને સાધારણ રીતે જે ચળકાટ અને બુદ્ધિનો અંશ ઘણું કરીને બીજી આંખોમાં માલમ પડે છે તે તેમાં જણાતો ન હતો. તેઓ કોઈ વખત એક જ વસ્તુ તરફ સ્થિર માંડેલી રહેતી; વખતે વગર મતલબે આણીગમ તેણીગમ ફર્યા કરતી. જો તેની આંખ ઉપરથી જ પરીક્ષા કરીએ તો તે છેક ગાંડી થઈ ગયેલી છે એમ આપણી ખાતરી થયા વિના રહે નહી. તેના મનનો વિકાર તેની આંખમાં જ જણાઈ આવતો હતો એટલું જ નહી પણ તેનું બોલવું પણ ચિત્તભ્રમ અભાગીયાં માણસો જેવું જ હતું. તેના શબ્દ તેના મ્હોંમાંથી તુટક તુટક તથા વગર અર્થના નીકળતા. તેના બોલવામાં કોઈ સંબંધ ન હતો. ઘણા જ ક્રોધમાં આવેલાં માણસો જેમ તુટક તુટક વાક્યો વાપરે છે તેવાં વાક્યો તે બોલતી; અને ઘડીએ ઘડીએ મોટી મોટી ચીસ પાડવી અથવા ઘાંટો કાઢી પોક મુકીને રોવું એ સિવાય તેના જુસ્સાવડે તેનાથી વધારે થઈ જતું હતું, જ્યારે તેને ઘણો આવેશ આવતો ત્યારે તે બે હાથે પોતાના માથાના નિમાળાની લટ જોરથી તોડી નાંખતી; તેનાં પહેરેલાં લુગડાં ફાડી નાંખતી; માથું તથા છાતી એટલા જોરથી કુટતી કે તેઓ આવા ઘાની સાથે સલામત શી રીતે રહેતાં એ જ આશ્ચર્યકારક હતું. પણ એટલાથી તેને નિરાંત વળતો નહી. વખતે વખતે તે ઉઠીને દોડતી, અને ભીંતની સાથે ઘણા જોરથી પોતાનું માથું અફાળતી. પોતાના ઓઠ દાંતવડે એવા તો કરડતી કે તેમાંથી લોહીની ધાર ચાલતી. તેના માથામાંથી નીકળતા લોહીથી સઘળાં કપડાં ખરાબ થઈ ગયલાં હતાં, તથા ઓઠમાંના લોહીથી તેનું મ્હોં રક્તવર્ણ થઈ ગયું હતું. તેનું આખું શરીર થરથર ધ્રુજતું હતું; અને તેનામાં કોઈ જીન ભરાયો હોય એવી તે દેખાતી હતી. ઘણા દુઃખથી તે બીચારીનું મગજ ઉધુંચતું થઈ ગયું હતું, અને તે દુનિયાના તેમ જ પોતાના મનને મરી ગયેલા જેવી હતી. તેનામાં જીવ તો હતો, પણ તેના મન ઉપરથી તેનો સઘળો અખતિયાર જતો રહ્યો હતો, એટલે જીવવાનું કાંઈ ફળ રહેલું ન હતું. એ સઘળી હકીકત ધ્યાનમાં લેશો, અને ઉપર બ્યાન કીધા પ્રમાણેની એક બઈરી તમારા મનમાં કલ્પશો, તો માજી પાદશાહ જલાલુદ્દીન ફિરોઝની મુખ્ય બેગમ તથા શાહજાદા અરકલીખાં તથા કદરખાંની મા, મલેકાજહાનની અવસ્થાનો તથા દેખાવનો યથાસ્થિત ચિતાર તમારા મનમાં આવશે.

તે જાતે ઘણા મજબુત મનની, ખટપટી, તથા રાજ્યકારભારની લોભી હતી. પોતાના ધણીના મુઆ પછી તેણે વગર વિચારે, તથા દુશ્મનનું સામર્થ જાણ્યા વિના પોતાના મોટા છોકરાને ખરાબ ન કરતાં, નાના કદરખાંનને ગાદીએ બેસાડ્યો, તે કામ પાર પડ્યું નહી, તેને, તેના છોકરાને, તથા તેના મળતીઆ લોકોને દિલ્હીમાંથી નાસીને મુલતાન જવું પડ્યું, એ પ્રમાણે તેની રાજ્યકાજની મોટી મોટી ઉમેદ પાણીના પરપોટાની પેઠે એકદમ ફુટી ગઈ, એ દુ:ખ કાંઈ ઓછું ન હતું પણ તેટલેથી બસ થયું નહી, તેને તથા તેના છોકરાને મુલતાનમાં ઘેર્યા, અને તેઓને જીવતાં રાખવાનું વચન અલફખાંએ આપ્યું, તે ઉપરથી જ તેઓને મુલતાનના લોકોએ શત્રુના હાથમાં સ્વાધીન કર્યા; એથી ઉલટી તેઓના ઉપર વધારે આફત પડી. તો પણ તેને એવી આશા હતી કે તેના છોકરા જ્યાં સુધી જીવતા છે ત્યાં સુધી તેઓના બાપનું રાજ પાછું મેળવવાને તેમને કોઈ વખત પણ તક મળશે. એ ઉમેદથી તેણે દહાડા કાઢ્યા, પણ જ્યારથી તે શાહજાદાઓથી છુટી પડી ત્યારથી તે નિરાશ થતી ગઈ, અને રાત્રે અને દિવસે તેના મનમાં ઘણા જ ભયંકર વિચારો આવવા લાગ્યા, ઉંઘમાં તે વારે વારે પોતાના છોકરાની કફનમાં વિંટાળેલી લાશ જોયાં કરતી, અને તેને લીધે તેનું ચિત્ત ઘણું જ આકુળવ્યાકુળ થઈ ગયું હતું. જે તેના મનમાં દેહેશત હતી, જે નઠારા વિચાર તેના અંત:કરણમાં ઉત્પન્ન થયા કરતા, તે સઘળું છેલ્લી વારે ખરું પડ્યું, તેને એક ખાનગી જાસૂસે ખબર કીધી કે શાહજાદાએાને અાંધળા કરી મારી નાંખ્યા છે, એ ખબર સાંભળતાં જ તે ભોંય ઉપર બેહોશ થઈને પડી, અને તે બેશુદ્ધિમાંથી થોડી વાર પછી જાગૃત થઈ તો ખરી, પણ તેની અક્કલ ગુમ થઈ ગઈ, તે જાગૃત તો થઈ પણ નહી જેવી જ; તેનું ભાન જે ગયું તે ફરીને પાછું આવ્યું નહી; અને જે અવસ્થામાં આપણે તેને જોઈ તે અવસ્થામાં બીચારી આવી પડી. જ્યારે મલેકાજહાનની આવી દુર્દશાની ખબર પાદશાહને પડી, ત્યારે તેને અંધારા ઓરડામાંથી કાઢીને એક સારા, હવાદાર, અજવાળાવાળા ઓરડામાં રાખી, પણ એ જગ્યાના ફેરફારથી તેના મન ઉપર કાંઈ અસર થઈ નહીં. ઉલટું લોકોને તથા દુનિયાને જોઈને તેના દુ:ખમાં અને તેને લીધે તેની ઘેલછામાં વધારો થયો. તે કોઈ કોઈ વાર બારીએ ઉભી રહેતી, અને નીચે જે લોકો આવતા જતા તેઓને એકી નજરે જોયાં કરતી, લોકોને તેને જોઈને ઘણી દયા આવતી, તથા તેના દુ:ખને વાસ્તે તેઓ ઘણો અફસોસ કરતા, માત્ર દર્વેશ લોકોને તેના ઉપર દ્વેષ હતો, અને અગર જો તે કાંઈ પણ વાત ખરેખર સમજી શકતી ન હતી તોપણ તેઓ પોતાને ગુસ્સો વખતો વખત જણાવ્યા વિના રહેતા નહી. એક વખતે બેગમ બારીએ ઉભી હતી તે વખતે એક દર્વેશે ઉંચું જોઈ પોકાર કીધો – “બેગમ સાહેબ ! સીદી મૌલાને યાદ કરો. તે એક ફિરસ્તો થઈ ગયો. તેની સખાવત એટલી તો હતી કે રોજ તેને બારણે હજારો ગરીબ લોકો એકઠા મળતા. અને તેઓમાં તે રોજ એક હજાર મણ આટો, પાંચસે મણ ગોસ્ત, બસેં મણ ખાંડ તથા તે પ્રમાણે ચોખા, તેલ, ઘી, તથા બીજી ખાવાની વસ્તુઓ વહેંચતો, એવા સખી દર્વેશને તારા દુષ્ટ ખાવિંદે વગર કારણે નાલાયક કાફર લોકોની શિખામણથી મારી નંખાવ્યો. તેનાં શાં શાં ફળ નિપજ્યાં છે તે તું જાણે છે? તેણે મરતી વખતે શું કહ્યું છે તે તને યાદ છે? સીદી મૌલાના મરણથી ખુદાતાલા ઘણો ગુસ્સે થયો, વાવંટોળીયો થયો તે અર્ધા કલાક સુધી પહોંચ્યો, તેટલામાં એટલું તો અંધારૂં થયું કે દહાડો રાત જેવો દેખાયો, રસ્તામાં લોકો એકેક સાથે અથડાયા, અને તેઓને ઘેર જવાનો રસ્તો સુજ્યો નહી. તે વર્ષે વરસાદ આવ્યો નહી તેથી દુકાળ પડ્યો, અને હજારો હિંદુઓ ભુખથી રસ્તે રસ્તે અને ગલીએ ગલીએ મડદાં થઈ પડ્યા, અને આખાં કુટુંબ ને કુટુંબ દુઃખને મારે જમના નદીમાં ડુબીને મરી ગયાં. દરબારમાં ફુટ પડી. પાદશાહને ઘર તરફની મોટી આફત પડી, તેનો મોટો છોકરો ખાનખાનાં માંદો પડ્યો, અને થોડે દહાડે મરી ગયો. પાદશાહની પણ થોડી મુદતમાં એવી જ દશા થઇ. તેને તેના ભત્રીજા હાલના પાદશાહે મારી નાંખ્યો. તેના વંશમાંથી રાજ્ય જતું રહ્યું. તેના બાકી રહેલા બે છોકરા પણ હમણાં જ માર્યા ગયા અને તારી આ અવસ્થા થઇ. સીદી મૌલાનો શાપ આવી રીતે અમલમાં આવ્યો; માટે બીજાનાં કીધેલાં પાપનાં ફળ તું ભોગવે છે.”

દર્વેશની આ સઘળું કહેવાની મતલબ એટલી જ હતી કે તે બેગમને ચીઢવવી, તથા દર્વશ લોકોને વાસ્તે તેનો કેવો વિચાર છે તે તેની પાસેથી કઢાવવો; પણ એ વાતમાં તે બીલકુલ ના ઉમેદ થઈ ગયો, તેને જવાબ આપવાને બદલે બેગમ પેહેલાં પ્રમાણે જ જડભરત જેવી ઉભી થઇ રહી, અને કેટલીએક વાર પછી ખડખડ હસી પડી, પોતાના બોલો પવનમાં ઉડી ગયા એમ જાણીને તે દર્વેશ નિરાશ થઈને આગળ ચાલ્યો ગયો.