← માજી કલમની પીંછીથી
કાનો રબારી
ગિજુભાઈ બધેકા
૧૯૫૦
નથુ પિંજારો →


કાનો રબારી





કાનો સીમમાં રહેતો અને ઢોર ચારતો. કાનો ઢોર ભેળો ઢોર પાછળ ફરે, દૂધ પીએ, ઢોરની વચ્ચે સૂએ અને ઢોરની ભાળ રાખે.

જેવાં એને ઢોર વા'લાં, એવો જ કાનો ઢોરને વા'લો. કાનો ઢોરથી આઘોયે ન જાય ને પાછોય ન જાય. કાનો ઢોરની આગાળ હાલે ને કાનો ઢોરની પાછળ હાલે, અને કોઈ કોઊ દિ' કાનો ઢોરની વચ્ચોવચ્ચ પણ હાલે.

ઢોર પણ એવાં કે કાનાની નજર વેગે રહે. જરાક આઘાં જાય ને પાછું વળીને જોયે. જરાક વાંસે રહી જાય તો હડી કાઢીને કાના ભેળાં થાય.

સવાર થાય, હાર ઢોર ચરે ને કાનો પાવો વગાડે. ઢોર ચરતાં જાય અને વાંસળી સાંભળતાં જાય. વાંસળી જરાક બંધ થાય કે ઢોર ઊંચી ડોક કરીને જૂએ. કાનો ક્યાં ગયો ? વાંસળી કેમ નથી વાગતી ?

બપોર થાય ને ઢોર વડ હેઠે આવે. તાજા મજાના શીળા નીચે ઢોર બેસે ને બેઠાં બેઠાં વાગોળે. નાનાં વાછડાં આમતેમ કૂદે ને ગળાની ટોકરી ટન્ ટન્ થાય. નાનાં પાડરું એમતેમ ઠેકે ને કુણું કુણું રણકે. કાનો વડને થડ આડે પડખે થાય ને અને બેચાર મીઠાં ઝોલાં ખાય.

ત્યાં તો સાંજ પડવા આવે અને કાનો હાકોટા કરે. ધણ આખું ઊભું થાય ને ગામ ભણી હાલી નીકળે. મોઢા આગળ ધણ અને વાંસે કાનો. કાનાને ઊંચી એડીવાળા જોડા, બોરિયાવાળો લફલફીઓ ચોરણો ને ચેણવાળું કેડીયું અને જમણે ખભે ડાંગ. ઢોરનો ધણી, સીમના સિંહ જેવો રબારી, સૂરજ આથમે ઘેર આવીને ખાટલી ઢાળીને હેઠો બેસે. પુની રબારણ ગાયો ભેંસોને દોહી ને દૂધનાં બોઘડાં ઘરમાં મૂકે. રાત પડે ને વાળુ વેળા થાય. કાનો રબારી ને પુની રબારણ, લાખો, એનો દીકરો ને લાખી, લાખાની વહુ, અને નંદુ ભીખલો ને નથુડો રળિયાત, આખું કુટુંબ દૂધે વાળુ કરે, ગાડાના પૈડાં જેવો રોટલો ને દૂધ ને સાથે ગાજરનું અથાણું.

કાનો રબારી ઢોરઢાંખરે ભરેલો હતો. શરીરે સશકત હતા. બે માણસમાં પૂછાતો. પુની રબારણ છોકરેછૈયે ઢાંકેલી હતી. શરીરે સજાપાવાળી હતી અને પાંચ બાયડીમાં ગણાતી. છૈયાંછોકરાં આંગણામાં રમતાં, બોરડીનાં પાંદડાંની છાશ કરતાં, નળિયાની ગાડી કરતા, ધોલકી ઘોલકીની રમત કરતાં અને મોટાં થતાં એમ સીમે જાતાં.

રબારી સુખી હતા. રબારણ સુખી હતી. રબારીનાં છોકરાં સુખી હતાં.

સૌ સંપીને રહેતાં, ઢોર પાળતાં ને ઢોર ચરાવતાં. રોટલાને દૂધ, રોટલા ને માખણ, રોટલાને છાશ અને ખીચડી ને ઘી ખાતાં ને લ્હેર કરતાં. કોકવાર કળથીનું, કોઈવાર મગનું, તે કોઈવાર અડદનું શાક ખાતા ને મજા ક૨તા.