← વિઠલો વેઢાળો કલમની પીંછીથી
માજી
ગિજુભાઈ બધેકા
૧૯૫૦
કાનો રબારી →


માજી





હિ ઊંચા, નહિ નીચાં, એવાં એ માજી હતાં. માજી પાતળાં તો ન કહેવાય પણ એટલાં બધાં જાડાયે નહિ. એ ઉમ્મરે મોટાં હતાં પણ દીકરા વિનાના હતાં. એ માજી હતાં પણ કોઈ એને માજી કહે એમ નહોતું.

નાનું એવું ઘર હતું. ગામડાનું એ ઘર. નીચા છાપરાનું, માથે નળિયાવાળું, જુના કાટવળાવાળું તૂટેલાં નળિયામાંથી બારી વિનાના ઘરમાં ચાંદરણાં પડે એવું. ઘરની ભીંતે ગાર હતી ને ગારે પોપડાં કાઢ્યાં હતાં.

ઘરની ઘરવખરીમાં જૂની પેટી હતી. નાનો એવો હડફો [ઇસ્કોતરો] હતો. શીકું હતું. કોઠીઓ હતી. તૂટેલાં ફૂટેલાં માટલાં હતાં. અને ભાંગેલોતૂટેલો કેટલોય સરસામાન હતેા.

ઘર ડોશીનું હતું કે સામાનનું હતું એ તો ભગવાન જાણે પણ ઘર ડોશીનું જ હતું.

ઘરના ઉંબરાની એાલીકોર, ઘરની અંદર માજી બેઠાં હતાં. સોઢણીઆની જાતનું માજીએ એાઢણું ઓઢ્યું હતું. માજીના વર પચ્ચીસ વરસ પહેલાં દેવ થયાં હતાં. માજીનો વેશ વિધવાનો હતો.

મને થયું, માજી પાસે જાઉ ને વાતો કરું. મારી એવી એક ટેવ છે. આવું કોઈ મળે તો વાતો કરવી ને અનુભવનું ભણવું.

“માજી, કેમ છે ?”

“ ઠીક છે ને ભા.” “માજી, જમ્યા કે હજી વાર છે ?”

“આજે રામનોમ છે, આજે અપવાસ છે. હમણાં લોટ માગી આવી. આ તાંબડીમાં આટલો આવ્યો.”

માજીની તાંબડીનો લોટ મેં જોયો. મારો ભાઈબંધ જમનો નાનપણમાં લોટ માગતો તે મને યાદ આવ્યું. નથુ શુક્લની તાંબડી નજરે તરી.

“માજી, આટલો બધો લોટ રોજ મળે છે ?”

“નારે ભા, હું તો બે ચાર દિ'યે આંટો મારું છું. મારા એક પંડને ખાવું એટલે કેટલોક લેાટ જોવે ! અને મને તો ખરક બ્રાહ્મણને ત્યાંથી રોજ રોટલો ને શાક મળે એટલે આ લોટ તો કોકવાર કામ આવે. એનું વળી શાક પાંદડું એવું લેવાય. અમે અતીત બાવા છીએ. આ મંદિરમાં મારો ભાઈ પૂજારી છે. હમણાં અમે નોખાં રહીએ છીએ.”

માજી નિરાંતે વાતો કરતાં હતાં. વર્ષોથી ગોઠવાઈ ગએલી જિંદગીની વાત કરતાં તેના માં ઉપર એક્યે જાતની સારી માઠી અસર નો'તી થતી. ધણી મરી જાય, દીકરો મરી જાય, ભાઈથી નેાખા રહેવું પડે, કોડીઆ જેટલી એારડીમાં પડ્યા રહેવું પડે, એ બધું ડોશીને માટે જાણે કાયદા પ્રમાણે લાગતું હતું.

“માજી, આ રોટલો શેનો ?”

“ઈજ હું કહેતી'તી ને ખરકને ત્યાંથી આવ્યો છે."

“પણ આજ તો રામનવમી છે.”

“હા, એટલે તો વડીનું શાક ભાઈને ત્યાં મોકલ્યું ને આ રોટલો કૂતરાને નાખીશ."

મને થયું કે આ રોટલો પવિત્ર છે. દયાધર્મ સમજી ખરકે બાઈને આપ્યો છે કૂતરાને મળે કે હું ખાઉં એમાં વાંધો શું છે ?

“માજી, મને ખાવા આપશો ?”

“તમે શું કામ ખાઓ ભા?”

“મને ભૂખ લાગી છે. મારે તો રોટલો ખાવો છે. હું તમારે દીકરો છું, એમ ગણીને રોટલા ખવરાવો.” માજી અવાક્ રહ્યાં, મેં રોટલો હાથમાં લીધો. માજી પાસેથી એક થાળી કાઢીને એમાં મેં મૂક્યો.

માજી કહે, “ લ્યો, શાક મંગાવું, ઓલ્યે ઘેર આપી દીધું છે તે.”

મેં તો લૂખો જ રોટલો ખાવાનું શરુ કર્યું.

ત્યાં તો બીજી બેનો ખાવામાં ભળી. ત્યાં તેા શાક આવ્યું, ત્યાં તો છાશ આવી, ત્યાં ખાંડેલાં મરચું ને મીઠું આવ્યાં, ત્યાં તો માજીએ જરાક માખણ હતું તે આપ્યું.

“માજી, માખણ કયાંથી ?”

“એ તે રોટલા હારે આવેલું છે.”

માજી તો બેઠાં જ હતાં. અમને ખાતાં જોઈને તાજુબ થતાં હતાં. ભાઈને ઘેરથી રોટલા ઉપર રોટલાં મંગાવતાં હતાં અને અમને ખવરાવતાં હતાં. ગાડાના પૈડાં જેવો રોટલો, જાડી રેડ જેવી છાશ, ખાંડેલું મીઠું ને મરચું અને તીખી આગ જેવી વડીનું શાક ! ખાધું પીધું ને હો... ઈઆ કર્યું. “માજી આજે તો બહુ લહેર આવી.”

“સારું થયું ને ?”

“માજી, ફરાળમાં શું ખાશો ?”

“ આ ગામમાંથી શકરિયાં આવશે તો ઈ, નકર બટેટાં લઈ આવીશ ને બાફીને ખાઈશ.”

“માજી, તમને બહુ ગડબડ થઈ ને અમે તમને હેરાન કર્યાં.”

“ના, મા, ગડબડ શેની ! એમાં હેરાન શેના ?"

“માજી, ત્યારે હવે રજા લેશું."

“ભલે ભા.”

માજી પાસેથી અમે વિદાય લીધી ને ચાલતાં થયાં. માજી અમારી સામે ટગર ટગર જોતાં ક્યાંય સુધી ઊભાં હશે તે કોણ જાણે !