← હદ કલાપીનો કેકારવ
અતિ મોડું
કલાપી
વૃદ્ધ માતા →


અતિ મોડું

અતિ મોડું મોડું વદન તુજ 'ચાહું' કહી શક્યું
અને મ્હારું હૈયું સમજી નવ વ્હેલું કંઈ શક્યું;
હતી તું તો શિષ્યા, રમતમય એ ચાલ તુજ સૌ,
અહો! કોડે હેતે હૃદય મમ એ લાડ પૂરતું.

મને - ના જાણ્યું કે - હૃદયરસભોક્તા કરીશ તું,
તને જે અર્પેલું પીયૂષ મુજને તે દઈશ તું;
ન જાણ્યું મેં ત્‍હારો મમ હૃદય આલમ્બ બનશે,
ન જાણ્યું કે પ્યાલું તુજ જિગરનું આમ ઢળશે.

ચહાઈ મોડી ને અરર! દિલ વ્હેલું વશ કર્યું,
વિના વિચારે કૈં વળી જિગર તેં અર્પી જ દીધું!
ઘવાયેલું શલ્યે મમ દિલ વળી અન્ય દિલનું,
તહીં બંધાયેલું દઢ ફરજબન્ધે ગરીબડું.

તને ચાહું કિન્તુ મુજ પ્રણય તું જોઈશ નહીં,
અરે! મૃત્યુ વેળા નયન તુજ હું ચાંપીશ નહીં!
તને આવે કષ્ટો - મુજ દિલ ન આ ઢાલ બનશે!
તને છોડી દેવા હૃદય મમ યત્ન આ કરશે!

અરે! મ્હારી સ્થિતિ અનુકૂળ નહીં પ્રેમ કરવા,
સ્થિતિમાં જન્તુ તે જન સ્થિતિ ન પામે પલટવા;
વિના ઇચ્છા! રે! રે મુજ જિગર તો ક્રૂર બનશે!
અરે! એ ચીરાતાં તુજ જિગર તો ચીરી જ જશે!

પ્રિયે! હું જેનો તે કદિ ત્યજી મને સ્વર્ગ વસશે -
કદી છૂટી તૂટી મુજ હૃદયનું પિંજર જશે;
અરે! બન્ધાઈ તે પણ નવ ઉડે પાંખ કદિ એ,
નહીં આ પંખી તો ક્ષણ જીવી શકે પિંજર જતે.

અરે! રો ના! રો ના! પણ નહિ રડે તો કરીશ શું?
હવે તો રોવું એ તુજ હૃદયનું એક જ રહ્યું!
અરે! મ્હારે તો એ રુદન પણ મીઠું નવ મળે!
અરે! હૈયું રોતાં મુખ હસવવું એ જ ફરજે!

મને મોડું મોડું મરણ પછી તું અમૃત મળ્યું,
ઉઠાડી ના કો દી મરણવશને અમૃત શક્યું;
અરે! ઢોળાયું એ, ઢળી જઈ ભળ્યું છેક જ ધૂળે,
પ્રભુની એ ઇચ્છા! અનુકૂલ પડે વા નવ પડે!

સખિ! ત્‍હારે માટે જીવીશ ફરી હું આ જગતમાં,
શીખો આ ફેરે તો સહવું વિધિની આ રમતમાં;
અહો! એ ઇચ્છાથી તુજ સહ ફરી જન્મીશ નકી,
તને ત્યારે, વ્હાલી! હૃદયરસ હું અર્પીશ નકી.

પ્રવાસે આ ચાલ્યો જીવ અનુભવી જ્યારથી થવા,
મળ્યું આવું મીઠું સહન કરવું ના કદિ હશે;
ફકીરી ત્‍હારી ને મધુર મુજ આ કેદ ગણજે,
લગાવી લેજે તું જગત સહુની ખાક જિગરે.

ફરી જન્મી સાથે હૃદય મુજ હું અર્પીશ તને,
પ્રવાસે કૈં તેથી જરૂર વધુ વેળા થઈ જશે;

અરે! વ્હાલી! વ્હાલી! પ્રણયરસ કિન્તુ મધુર છે,
કયું તેને માટે હૃદય સુખથી ના અટકશે?

પ્રવાસીને વીત્યા કંઈ યુગ, યુગો કૈં વહી જશે,
નકી તેમાં એવો સમય મધુરો એક જ હશે;
ત્વરા છે ના કાંઈ કુદરત પીવાડે પીયૂષ જો,
ભલે લાખો જન્મો પ્રણયરસમાં એમ વહજો.

પ્રિયે! આ આશાથી તુજ નયન તો પિગળી વહે,
પ્રિયે! આ આશા તો તુજ હૃદયને ક્રૂર જ દિસે!
ન તેં વિચારેલું કદિ પણ હતું કાલનું, સખિ!
અરે! આ આશાથી ક્યમ સુખી બને તે દિલ? સખિ!

નિરાશામાં, બ્‍હેની! જીવિત ક્યમ ત્‍હારૂં પુરૂં થશે?
અને ત્‍હારી પીડા મુજ નયન શે જોઈ શકશે?
રહ્યું જોવું, રોવું, સ્મરણ કરી ગાવું કદિ કદિ!
કભાવે ભાવે એ સહવી પણ ઇચ્છા પ્રભુ તણી!

૧૯-૫-'૯૬