← આધીનતા કલાપીનો કેકારવ
અર્પણપાત્ર
કલાપી
નિ:શ્વાસને →


અર્પણપાત્ર

દેવિ! મ્હારા હૃદયરસની લ્હેરીઓથી ગળીને
દેવિ! ત્‍હારા હૃદય ઉદધિઊર્મિઓમાં મળી જે,
દેવિ! મ્હારી હૃદયસરિતા ગાય તે કાંઈ મીઠું,
ઓહો! એ તો તુજ હૃદયના તાનનું ગાન,દેવિ!

વ્હાલી! તેની ઉપર કરજે કાંઈ દૄષ્ટિપ્રસાદ,
ઝીલી લેજે હૃદય ઝીલતાં સ્નેહનું અશ્રુ, વ્હાલી!
મ્હારી પાસ તુજ હૃદયને અર્પવા અશ્રુ માત્ર,
અર્પ્યું, વ્હાલી! જીવિત ગણજે અર્પતાં અશ્રુ એક.


આ હૈયું, આ શરીર પ્રભુએ આંસુડાંનું ઘડ્યું છે!
દેવિ! તેને તુજ હૃદયનું પાત્ર કેવું મળ્યું છે!
વ્હાલી! વ્હાલું તુજ જિગરને આંસુડું આ થયું છે!
ભક્તિ, પ્રીતિ, હૃદયરસ ને ઐક્ય જેમાં ભર્યું છે.

૩૦-૫-૧૮૯૬