કલાપીનો કેકારવ/ઇશ્કબિમારી
← સ્વપ્નને સાદ | કલાપીનો કેકારવ ઇશ્કબિમારી કલાપી |
આશા → |
ઇશ્કબિમારી
કહ્યું'તું બુલબુલે મ્હારે, “બિમારી ઇશ્ક આલમને!'
કહ્યું મેં 'ઇશ્ક આલમને શરાબોની ખુમારી છે!'
રડીને બોલતું બુલબુલ, “શરાબોની ખુવારી લે!
'શરાબોની ખુમારી એ બિમારીની બિમારી છે!'
હસીને બોલતો'તો હું, 'હમોને એ ખુવારી હો!
'ત્હમારી સાવચેતીથી તમોને ન્યામતો એ હો!
'અરેરે! ઇશ્કના બુલબુલ! રડે ચે ઇશ્કને તું કાં?'
'શરાબો લાખ પી પી પી શરાબોને રડે છે કાં?'
'શરાબોને રડે છે કાં? અરે અફસોસ!' એ બોલ્યું,
'શરાબોને પીનારૂં કો શરાબોને નથી રોયું?
'શરાબોની મજા તીખી કરી લે ઇશ્કમાં લાલા!
'પછી ચકચૂર તું કેવો રડે તે જોઈશું, વ્હાલા!'
કહ્યું મેં, 'બુલબુલોને તો પડી છે ટેવ રોવાની!
'હમારી ટેવ તો જૂની મજેદારી ઉડાવાની!
'શરાબોના સીસા ઢોળી શરાબોમાં સદા ન્હાશું!
'સનમના હાથમાં જામો લબોથી ચૂમતા જાશું!
'મજા આ ઝિન્દગાનીની સનમ, સાકી અને પ્યાલું!
'શરાબો દૂર થાતાં તો રહે છે ઝિન્દગીમાં શું!
શરાબોનું ભર્યું પ્યાલું! ભરી પીધું! ફરી પીધું!
કરી આ આંખ રાતી ને જિગરને તો કર્યું વહેતું!
સનમના ગાલની લાલી હતું ટીપું શરાબોનું!
હમારા ઓઠનું પ્યાલું સદા એ ચૂમતું ચાલ્યું!
'ભરી પા ને' 'ભરી પી લે', હતી એ ગુફતગો રેલી!
સુરખ આકાશ ને તારા બધે લાલી હતી ફેલી!
ગુલો કાંટા વિનાનાં ને સનમની હાંફતી છાતી,
હમારી બાદશાહીમાં હમારી એ હતી ગાદી!
મગર બુલબુલ! અયે બુલબુલ! હવે તુજ ગીત પ્યારું એ!
ફરીથી બોલ તું, બુલબુલ! 'બિમારી ઇશ્ક આલમને !'
હમારૂં જામ ફૂટ્યું છે! હમારૂં તખ્ત તૂટ્યું છે!
મગર શું હું ય બોલું, કે 'બિમારી ઇશ્ક આલમને?'
વધારી ગીતમાં ત્હારા હમારો બોલ આ લેને!
પુકારો, 'ઇશ્ક આલમને ખુદાઈ કો બીમારી છે!'
૨૪-૧-૧૮૯૭