કલાપીનો કેકારવ/એકલો બોલ
← એક આશા | કલાપીનો કેકારવ એકલો બોલ કલાપી |
ન્હાસી જતી મૃગી ને ઘવાયેલો મૃગ → |
એકલો બોલ
'ચાહું છું,' બાલે ! તું કહે છે !
તો કાં આંખ મહીં ના એ છે ?
ના કાં એ ગાલે છે રમતું !
ખેલાડી પેલું ? આનન્દી પેલું ?
મ્હારામાં - એકજમાં - ત્હારો
હૈયે હોત ઠલાવ્યો ભારો:
તો - તો વ્હાલી બાલે !
આવી કંગાલી શાને ?
શાને દેવાતે ભાલે ?
જ્યાં જ્યાં ભેટો થાતો, બાલે !
ત્યાં આ રક્ત ઉછાળે ચાલે !
થંડું ત્યાં ત્હારૂં તો ભાલે
પ્રેમે ઉત્તર શો ?
બોલ એકલો જ તુજ દિલ ખોલે !
મ્હારૂં નામ મૃદુ શી બોલે !
ત્હો યે આ ઉરના જુસ્સા ના
તવ હૈયું ફોલે !
બાલે ! તવ હૈયું ફોલે !
જોને - પરવાળાં ત્હારાં એ
આ ઓષ્ઠે કો દી શાનાં આવે !
ત્હોયે હિમભર્યા સિન્ધુની
શરદી કાં લાવે ?
બાલે ! શરદી કાં લાવે ?
શબ્દ માત્ર શું હું જેવાને ?
બોલેલા તું જેવીના એ !
પ્રીતિ શી ? જે ના છે ગાલે -
ભાલે કે ચાલે !
રાતે સપને તું આવે છે:
ત્યાં તો કૈં જૂદું લવે છે !
કમ્પે કમ્પ, સ્મિતે સ્મિત, બાલે !
સપનાં તો મ્હાલે !
સપનાં તો સપનાં સપનાં છે !
જાગી જોતાં શા ખપનાં છે ?
ભેટન્તાં અહિંયાં તો બાથે
પ્રતિમા આરસની !
બાલે ! આ હૈયે ચમ્પાતાં -
જો તુંને સુખભાન કશું ના,
તો તું ડાહી હોશે !
તો તું સુન્દર હોશે !
નિત્યે નિર્મલ હોશે-
કિન્તુ પ્રીતિ ક્યાં ?
૪-૬-૯૮