← ક્યમ પ્રેમ ગયો? કલાપીનો કેકારવ
એક પ્રશ્ન
કલાપી
પાણીનું પ્યાલું →


એક પ્રશ્ન

કહ્યું છે મેં વ્હાલી ! બહુ વખત આ એક જ ત્‍હને,
'ત્‍હને ચાહે તેથી અધિક મુજ ત્યાં આ દિલ હશે;'
કહેશે તું 'રે રે ! પ્રણય પલટે તે પ્રણય ના.'
અરે ! કિન્તુ શાને પ્રણય પલટે તે પ્રણય ના ?

ન શું તેં જોએલી શશી પછી રવિની ઝળક તે ?
ન શું ગ્રીષ્માન્તે એ અનિલલહરી શીતલ બને ?
ન શું તું જાણે કે કુદરત બધી યે પલટતી ?
પછી આ હૈયાને કદિ પલટવાં કાં હક નહીં ?

મળાયું ત્યાં સુધી તુજ જિગર સાથે મળી રહ્યો,
સદા ચ્હાવાનું તો વચન નવ કોઈ દઈ શક્યો;
હવે ત્‍હારા ઝોંટા મુજ હૃદય ના ના સહી શકે,
હવે અન્તે એથી અરર ! મુજ ધિક્કાર મળશે.

'ન ચાહે તે તુંને' કહીશ નહિ એવું કદિ મ્હને,
અરે ! ભોળી વ્હાલી ! પ્રણય નકી જાણે પ્રણયને,
ભલા - કેવી પ્રીતિ તુજ હૃદયની છે મુજ પરે ?
દયા ત્‍હારી શું છે મુજ જિગરના આ દુઃખ પરે ?

લઉં છું હું નિદ્રા સ્મરણ કરતાં એ વદનનું
અને સ્વપ્ને જોઉં સ્મિતભર સદા એ જ મુખડું;
 પ્રભાતે ચુમ્બીને 'પ્રિયતમ ઉઠો !' એમ વદતાં,
થયેલું કૈં કો દી તુજ હૃદયને છે દુઃખ ભલા ?

૯-૨-૧૮૯૭