← ત્હારી બેહયાઈ કલાપીનો કેકારવ
એક ફેરફાર
કલાપી
ફરિયાદ શાની છે ? →


એક ફેરફાર

અહાહા! ઈશ્કજુગારે ચડ્યો'તો દાવ શો ત્યારે?

પડ્યો પાસો હવે ઊંધો! ફકીરી આ રહી મ્હારે!


જુગારે છે જિગર કિન્તુ જુગારીનું ચડ્યું ચાળે!
રહ્યું ના કાંઈ એંધાણે! હવે એ લ્હાવ ક્યાં ભાળે?

ભરીને ખ્વાબમાં પીધી મજાથી ઝેરની પ્યાલી!
મગર હા! જાગતાં જાગી નસે નસ લ્હાય શી લાગી?

અહો! એ ખ્વાબના ગુલની ગઈ બો ખ્વાબની સાથે,
મગર, એ ખ્વાબના કાંટા કહીં છૂપા રહી ભોંકે?

હસ્યો'તો હું - રહી તેની કંઈ અન્ધારમાં યાદી,
પરન્તુ આંસુની ધારે હજુ ના આંખ સૂકાવી!

રહી મીઠાશ ના મ્હારે હવે આ આંસુમાં એ છે,
હ્રદયને ચીરવામાં એ રહ્યો ના વખ્ત મીઠો તે!

અરે ભીની સદા ભીની રહે છે આંખ મ્હારી આ,
જિગર તન્નુરમાં દાઝે - પડે ના એક ફોરૂં ત્યાં.

અરે! કાતિલ તીખું તે જિગરને રેંસનારૂં છે,
પરન્તુ પ્હાડનું હૈયું ખુદાએ આ ઘડેલું છે!

અરે! શું ઝિન્દગી આ છે? સહેવી ઝિન્દગાની છે!
અભાવે મોતને જીવું! વણજ આ વેઠની મ્હારે!

પડ્યો પાસો નકી ઊંધો, અરેરે ક્રૂર લૂટારો!
ઠગારા કિસ્મતે ઢાળ્યો અને હું જીતમાં હાર્યો.

હિનાના રંગથી પ્હાની સનમની રંગતો'તો હું,
ઝુકીને બાલમાં તેના ગુલોને ગુંથતો'તો હું.

મગર એ દાંતની મિસ્સી સનમના હાથમાં દેતાં,
અરેરે! કોઈ વા વાયો, સનમ, બો, રંગ, સૌ ફીટ્યાં!

મને એ ખ્વાબની ખુશબો, મને એ સોબતી મ્હારો,
મને એ હાથનો પ્યાલો, ફરી કો એક દિન આપો!

૧૯-૧૦-૧૮૯૬