← વ્હાલીને નિમંત્રણ કલાપીનો કેકારવ
એક વેલીને
કલાપી
એક ચંડોલને →


એક વેલીને

ધીમે ધીમે કુંપળ કુંપળે પત્ર પત્રે વળીને,
ટીશી ટીશી તરુવિપટમાં ગૂંથણી કાંઇ ગૂંથે;

મીઠી વેલી ! તુજ વળ દિસે નિત્ય નિત્યે નવીન!
તહારૂં હૈયું વધુ વધુ સદા સ્નેહમાં થાય લીન !

ન્હાની ન્હાની તુજ ગતિ સમો રાહ આ ઝિન્દગીનો,
તોફાનો કે ભભક રવિની કોઇ દી માત્ર ભાસે;
ત્હારી પાસે ગણગણ થતા જંતુઓ નિત્ય ગુંજે,
મ્હારી પાસે જગત સઘળું નિત્ય ગુંજયા કરે છે.

પર્ણો તાજાં ચડી, ખરી, ચડે એકની એક ડાળે,
ને આલમ્બે તરુવર તણો નિત્યનો એક ત્હારે;
ટેકો મ્હારો મુજ હદયની એક મૂર્તિ પરે છે,
તે પાસેથી સુખદુ:ખ સદા જાય ચાલ્યાં ઝપાટે.

તું પત્રો ના તુજ કદિ ગણે, હું ય મ્હારાં ગણું ના,
કિંતુ તેનો કુદરત મહીં કાંઇ છૂપો હિસાબ;
કયાં? શા માટે? પ્રભુ વિણ નકી કોઈ જાણી શક્યું ના,
ઊડાં કાવ્યો, ફિલસુફી વળી કાંઇ શંકા જ માત્ર !

તુંમાં હુંમાં …અરરર! પણ આ કાંઇ જુદું જ ભાસે,
ત્હારા મ્હારા પથ મહીં દિસે ભિન્નતા એક ઊંડી;
તું ચાલે છે સતત ગતિએ, કૂદતો ચાલતો હું,
ધક્કા મારે કુદરત મને, દોરતી માત્ર તુંને.

હું ચોટું છું મુજ જિગર જ્યાં એક દી શાન્તિ પામે,
નિ:શ્ર્વાસો સૌ જનહૃદયના ભૂત કાલે વિરામે;
નિર્માયો છે તુજ જીવનને એકલો વર્તમાન,
'ઊંચે જાવું’ તુજ હદયને એટલું માત્ર ભાન.

૨૭-૧૧-૧૮૯૬