← દિલની વાત કલાપીનો કેકારવ
ખાનગી
કલાપી
પ્યાલાને છેલ્લી સલામ →


ખાનગી

કહીશ દઘળું, એમાં શંકા કશી ન કરી ઘટે :
કહીશ સઘળું, છુપું તુંથી કશું ન રહે, સખે !
કહીશ સઘળું, ક્યાં એ વિશ્વે હશે સુણનાર જો,
નવ કહી શકે એથી બીજો અભાગી અહીં કયો ?

મુજ જિગરમાં તુંને જ્યાં જ્યાં હશે ઉપયોગ, કે
મુજ જિગરમાં તુંને જ્યાં જ્યાં ઠર્યો ઉપયોગ છે,
દઈશ કહી એ તુંને, વ્હાલા ! રડી રડી સામટું,
મુજ હૃદયનું તાજું જેથી બને ફરી કામઠું.

જગત ઉપરે દર્દો ક્‌હેવા અને સુણવા સમું,
પ્રભુનયનથી પુણ્યે બીજું મળેલ નથી કશું;

પ્રભુહૃદયનાં પ્યારાં તેથી દુઃખી દુખિયાં રહે,
પછી દરદનાં ક્યાંથી આંહીં નિવારણ સાંપડે ?

પણ દરદની વાતોમાં છે નિવારણથી વધુ,
દરદમયને દર્દી થાતાં ઘટે કંઈ આવડ્યું;
કમનસીબને દર્દો એ ના અહીં મળતાં નકી,
કમનસીબથી દર્દોની તો ન ગોઠડી એ થતી.

જગત સહ તો ત્હારે મ્હારે ઘણા પડદા હશે,
પણ નવ બધું અર્પું શાને સજાતીયતા વિષે ?
જગત સહ એ આ હૈયે તો બધા પડદા કઠે,
પણ જગતને સુણી લેવા મળ્યું નવ ભાન છે.

કહીશ સઘળૂં વ્હાલા ! તુંને, ભલે રડતાં કહું :
કહીશ સઘળું, વ્હાલા ! તુંને, બધું મરતાં ય હું :
મુજ જ્વિત તો ત્હારી હૂંફે અહીં જીવવા સમું,
તુજ ચરણમાં ના તો ક્યાં હું પછી જઈને નમું.

૧૨-૨-૯૮