કલાપીનો કેકારવ/છાના રોશું દર્દે
← જાગૃતિનું સ્વપ્ન | કલાપીનો કેકારવ છાના રોશું દર્દે કલાપી |
દૂર છે → |
છાના રોશું દર્દે
ડસડસ કાં ત્હારાં દગ જોતાં!
આમ ગરીબી શાને રોતાં?
શાને આમ નિસાસા લે છે?
શી પીડા હૈયે છે?
રે! મ્હારૂં શું એ હૈયે છે?
મ્હારા કાંટા ખૂંચે મુજને,
ના રોશું જો એ દુઃખ તુજને,
ના સુખ ત્હારાં દર્દે;
મુજને ના દુઃખ શું તુજ દર્દે?
વ્હાલી! છાના રોશું દર્દે?
નિસાસા લેવાથી શું છે?
મ્હારે વા રોવાથી શું છે?
ગીતો કૈં ગાવાથી શું છે?
એ તુજને જો દહતાં દર્દે,
છાના રોશું દર્દે!
૮-૫-૯૭