કલાપીનો કેકારવ/દૂર છે સારુ
← બે કળી | કલાપીનો કેકારવ દૂર છે સારુ કલાપી |
પુનરુદ્વાહ → |
દૂર છે સારુ
સુણું તેને સદા ગાતું ! પરોક્ષે દૂર્ કૈં ગાતું !
સદા સ્વરતાનમાં ડૂબું ! હજુ પણ દૂર છે સારૂં!
પ્રભુના નાદની કરતું નકલ પ્રભુ પાસથી શીખી!
પ્રભુની જેમ એ ગાતું 'હજુએ દૂર છે સારૂં!'
દિવસ ને રાત એ ગાતું ! નથી મેં સાંભળ્યું થાક્યું !
જહીં હું એકલો બેસું, સુણું ત્યાં, 'દૂર છે સારૂં!'
ઢળે સન્ધ્યા ગળી જાવા, વહે લાલી ઉષાની વા,
હ્રદય તવ સાંભળે મ્હારૂં, હજુ એ 'દૂર છે સારૂં!'
જિગર મુજ બૂમ પાડે કે નિસાસે અશ્રુ ચાલે છે,
ચિતા મુજ ઉપરે ત્યારે લવે એ, 'દૂર છે સારૂં!'
અરે ! શું દૂર છે સારૂં? હજુ તો કેટલું દૂરે?
નિરાશામાં પડું કે ના ? ફરી ગા 'દૂર છે સારૂં!'
ગણું કોશો કહીં ? પંખી ! ગણિતની બ્હાર એ સંખ્યા !
છતાં રાખું સદા શ્રદ્ધા ! ભલે ગા 'દૂર છે સારૂં!'
૩૦-૬-૧૮૯૭