કલાપીનો કેકારવ/નિર્વેદ
← તરુ અને હું | કલાપીનો કેકારવ નિર્વેદ કલાપી |
ખૂની વ્હાલા! → |
૮-નિર્વેદ
શિખરિણી
હવે મ્હારાં દર્દો રસમય પ્રવાહી નવ બને,
ઉરે જામી જામી પડ પર હજારો પડ ચડે;
અરે! નિઃશ્વાસો એ દખલ કરનારા થઈ રહ્યા,
હવે તૂટું તૂટું મુજ જિગરના થાય પડદા.
ગયા એ અશ્રુના મધુર સઘળા ભાવ શિશુના,
હતા તે ના ભાસે રુદન કરવાને મૃદુ સખા;
ન દેખું સંસારે નયનજલે માટે સફળતા,
કહીં દૃષ્ટિ નાખું? સહુ ગમ ભરી એ કલુષતા.
કવિતા ગાવાને મુજ હ્રદયને ના મન રહ્યું,
તહીં ગાતાં પૂરું કદિ પણ નથી અંતર ઠર્યું,
જનોની ભાષામાં જગતવિષનો ગંધ પ્રસર્યો,
ન શબ્દે કો પૂરો કદિ પણ મળ્યો માર્દવ ભર્યો.
ન ભાવે તારા ને ઉદધિ નહીં વા આ તરુ નહીં,
ભરી ભાસે ત્યાં એ કપટ - ચતુરાઈ જન તણી!
ન કોઈ ઠેરે છે મૃદુ હ્રદયની વાત સુણવા,
ભરેલી છે વિશ્વે કઠિન સઘળે ગ્રામ્યમયતા.
ગયો આંહીં ને ત્યાં ગરલ નિજ નાખી સરપ કો,
વિસામાને માટે જરી ય અપવાદે નવ ઠર્યો;
નશા ઝેરીમાં આ જગત સઘળું છે લથડતું,
ન અર્પાતું પૂરું - કંઈ કંઈ બધે ખાનગી રહ્યું.
મ્હને તે આ શાને રુધિર, નસ, અસ્થિમય ઘડ્યો?
અરે! એવામાં શું રુદન કરતો આ રસ કર્યો?
ન જાણ્યું ક્યાં બેસું? સમજણ નહીં, ક્યાં શિર ધરૂં?
અ રે રે! ના જાણું ક્યમ, શું કરવું આ ઉર તણું?
૧૮૯૬