← ત્યજાયેલીને કલાપીનો કેકારવ
પ્રપાત
કલાપી
બેપરવાઈ →


પ્રપાત

વ્હાલી તણું હૃદય એ ઉદધિ હતું - હા!
તેની સપાટી ઉપરે તરતો રહ્યો હું;
પાતાલમાં ય તલ તે જલનું હતું ના
ને એ હતું કુદી રહ્યું તટ વિણ વારિ.

મીઠી મજા જિગરને ઉછળાવતી'તી,
હૈયાથી અમૃતઝરો છલકાવતી'તી,
હું સિન્ધુની વીચિ મહીં ગરકાવ થાતો,
ને એ ઝરો ટપકતાં જ મળી જતો ત્યાં.

એ મ્હાવરે હૃદય કાબિલ કાંઈ થાતાં,
ઊંડાણમાં ય અજમાયશ કાંઈ લેતું;
કો દી વિહરતું જઈ મધ્ય ભાગે,
આનન્દમાં નયન અર્ધ મિચાઈ જાતાં.

દીઠાં તહીં નવીન રંગીન દિવ્ય વારિ
ને બિન્દુ બિન્દુ મહીં ભવ્ય પ્રભાપ્રવાહ,
દીઠા તહીં છુપી રહેલ ગભીર ભાવો,
પ્રત્યેકમાં નવીનતા રસની વહન્તી.

'નીચે નીચે પડ પછી પડ કાપતો જા,
'ઊંડાણના ય ઉદરે ઉતરી ઉંડો જા;
જા જા તહીં રસ અનન્તની લ્હેર ચાલે,
દૈવી ઝરા ઉદધિમાં હજુ કૈંક મ્હાલે.'

એ મન્ત્ર આ હૃદયમાં જનમ્યો હતો, ને
એ મન્ત્રને હૃદય આ જપતું બન્યું'તું;

એ જાપથી જ હૃદયે બલ આવતું'તું;
તેના પ્રભાવથી જ માર્ગ નવીન ખૂલ્યા.

પાતાલનાં પડ મહીં પડ ઊખળ્યાં ત્યાં,
છૂપી રહેલ નઝરે પડતી ગુફાઓ;
પ્રત્યેક દ્વાર ઉઘડ્યું કરસ્પર્શ થાતાં,
પ્રત્યેક સ્થાન વળી આદર આપતું'તું.

આવી રીતે જલ મહીં સરકી જતો'તો,
જાણે અનન્ત યુગ એમ જ ઊતરીશ,
ત્યાં એક ભેખડ પરે મુજ પાદ ઠેર્યા,
ત્યાં દ્વાર કોઈ નજરે પડતું હતું ના.

તે મન્ત્ર કિન્તુ જપતાં જ તૂટી પડી તે,
ડોલ્યું અને ખળભળ્યું જલ સિન્ધુનું સૌ;
હા! કોઈ ત્યાં સ્વર ઊઠ્યો મૃદુ ને કરુણ,
ને સિન્ધુના તલ પરે મુજ અંગ ઠેર્યાં.

અહોહો! મેળ મીઠાથી ગાતાં'તાં દિવ્ય મોતિડાં
સુણ્યું મેં કાંઈ આવું, ને હું ત્યાં શાન્ત ઉભો રહ્યો.

'અમે દૈવી મોતી જલધિતલમાં આમ રમતાં,
'અમારાં ગીતોનું શ્રવણ કરનારૂં વિરલ કો;
'તહીં મચ્છો મ્હોટા અગણિત ભલે ઉપર ભમે,
'હજારોમાં કોઈ અમ તરફ આવી નવ શકે.

'અમે દૈવી મોતી ઉદધિઉરનો સાર સઘળો,
'હજારો મોજાંના અમ ઉપર પ્‍હેરા ફરી રહ્યાં;
'અમારા મ્હેલોની છુપવી દીધી ચાવી અમ કને,
'અને લાખો યત્ને નહિ જ દરવાજા ઉઘડતા.

'અમે દૈવી મોતી અમરરસનાં બિન્દુ સઘળાં,
'પરોવાયેલાં ના પણ રુચિર માલા રચી રહ્યાં;
'અમરી માલા તો અસુર જન કો ના ધરી શકે,
'અમોને સ્પર્શે તે જલધિ સઘળાનો નૃપ બને.

અમોને સ્પર્શન્તાં અરર! પણ ખારાશ મળશે,
અમોને સ્પર્શન્તાં ઉદધિ સઘળો આ કટુ બને;
અમોને સ્પર્શન્તાં નવીન કંઈ આશા ઉઘડશે,
અને આ સિન્ધુમાં પછી રસ રહેશે નહિ કશો.

સાંભળી બોલ હું એવા આશ્ચર્યે ડૂબતો હતો;
અને એ મોતીડાં દૈવી ચાંપી મેં ઉરથી દીધાં.

હા હા! અરે! ઉદધિમાં પણ શું થયું આ?
તેજપ્રવાહ વહતો જલમાં નવીન!
તે તેજ ના જલધિનું પણ કોઈ અન્ય,
જે જ્યોતિથી નયન આ મુજ બંધ થાય.

મૂર્છામાં ઢળતો'તો હું ઘેરાતાં નયનો હતાં;
સુણ્યા કૈં સ્વપ્નમાં શબ્દો, જ્યોતિથી વહતા હતા.

રે માનવી! સ્થિર થવું તુજને ઘટે ના,
રે માનવી! સ્થિર થઈ ન શકીશ તું તો;
આ સિન્ધુમાં નહિ ઊંડાણ કશુંય હાવાં
જા અન્ય સિન્ધુ મહીં કાંઈ નવીન જોવા.

આવા અનેક દરિયા ઊતરી તું આવ્યો,
આવા અનેક દરિયા તરવા હજુ છે;
તું મચ્છ આ ઉદધિનો નવ હોય હાવાં,
આ સિન્ધુમાં તુઅજ હવે ન સમાસ થાશે.

આ સિન્ધુથી તુજ હવે બહુ અંગ મોટું,
કો અન્ય સિન્ધુ તુજ કાજ હવે કૂદે છે;
જૂની પિછાન પણ આખર તોડવાની,
ને વાસ કો નવીનમાં વસવું જઈને.

સિન્ધુ તળાવ બનતો તલસ્પર્શ થાતાં,
સિન્ધુત્વ સિન્ધુનું જતું તલસ્પર્શ થાતાં;
તારા, સમુદ્ર સઘળા, ઝરણાં જ માત્ર,
તે કો અગાધ દરિયે મળવાં જતાં સૌ.

અત્યારથી ઉદધિ આ કડવો બન્યો છે,
બીજોય સાગર થશે કટુ કોઈ કાલે;
ત્હારા હવે હૃદયનો રસ અન્ય થાશે,
તે અન્ય સિન્ધુ મહીં અન્ય રસે ભળાશે.

રે રે પ્રવાસી! નહિ મોહીશ મોતિડાંથી,
પ્રત્યેક સિન્ધુ મહીં કોઈ જુદાં જ મોતી;
જ્યાં જ્યાં કરે જલધિનો તલસ્પર્શ ત્યાં ત્યાં,
મોતી જ મોતી તુજને નકી લાધવાનાં.

રે! ચાલ! ચાલ! તટ ઉપર ચાલ હાવાં,
તારું જૂનું જરીક પલ્લવ જોઈ લેને;
નિર્માણમાં ડૂબી જજે પછી, ભાઈ ! વ્હેલો,
ને એ પ્રપાત તુજને સુખરૂપ હોજો.'

જ્યોતિના એ પ્રવાહે ત્યાં હું ખેંચાઈ તટે ગયો,
જોઈ એ જ્યોતિને મેં ત્યાં સંકેલાઈ ધીમે જતી.

આ એક બાજુ પલ્લવ મંદ હાંફે,
પાસે બીજી તરફ સિન્ધુ નવીન ગાજે;
મારા દિલેથી વહતો રસનો પ્રવાહ,
બન્નેય વારિ મહીં ઊછળી તે પડે છે.

જોતાં ફરી જગત કાંઈ નવીન ભાસે,
સૌન્દર્ય આ હૃદયનુંય ફરી ગયું છે;
બ્રહ્માંડની વિષમતા કમી થાય છે કૈં,
દેખાય છે સુઘટ ચક્ર અનંત વિશ્વે.

તળાવે તો કિન્તુ મુજ રસ કદી મેળ નહિ લે,
સમુદ્રે રહેનારું નવ જીવી શકે પલ્લવ મહીં;
મને ખેંચે સિન્ધુ, વળી અરર! આ પલ્લવ રડે,
કયા વારિમાં હું હૃદય ઠલવું? ક્યાં જઈ પડું?

વ્હાલા તળાવ! ફરી ઉદધિ તું બની જા!
વ્હાલા તળાવ! તુજ તું રસ ફેરવી દે!
વ્હાલા તળાવ! મુજ તું રસ ફેરવી વા
રે રે ! મને તુજ સમાન ફરી કરી લે!

વ્હાલા તળાવ! અથવા ઊછળી કૂદીને
આ સિન્ધુલ્હેર મહીં તું તુજ ભેળવી દે!
કોઈ રીતે હૃદય આ તુજમાં ઝુકાવું!
કોઈ રીતે હજુ ફરી તુજ મચ્છ થાઉં!

દિસે સંકોચાતું પણ વધુ વધુ એ જલ હજુ,
અને આ હૈયું તો વધુ વધુ જ વિસ્તીર્ણ બનતું;
નથી વેલા આવી, સર બની શકે ના ઉદધિ,
કદી ફેલાયેલું હૃદય ન અવિસ્તીર્ણ બનશે.

વ્હાલા તળાવ! તુજને ત્યજી જાઉં હાવાં,
હૈયે સદા ધરીશ હું ઉપકાર તારા;
ભેટો બને, નવ બને, પ્રભુ જાણનારો,
કિન્તુ મિલાપ નકી આખર એક સ્થાને.

આકર્ષી સિન્ધુ લે છે, ને હું ખેંચાઈ તહીં પડ્યો;
ડૂબતાં ડૂબતાં કિન્તુ જૂનું નામ જપી રહ્યો!

૨૮-૧૨-૧૮૯૬