કલાપીનો કેકારવ/પ્રિયા કવિતાને છેલ્લું આલિંગન

← આશા કલાપીનો કેકારવ
પ્રિયા કવિતાને છેલ્લું આલિંગન
કલાપી
પ્રવૃત્ત થવા કહેતા મિત્રને →



પ્રિયા કવિતાને છેલ્લું આલિંગન

તારા બહુ ઉપકાર ! રસીલી ! તારા બહુ ઉપકાર !
તું ઉરનો ધબકાર ! રસીલી ! તું અશ્રુની ધાર.

આ દિલડાનું ઝેર હળાહળ
               તું વિણ કો ગળનાર?

બહુ દુખિયો પણ દુઃખ શું રોશે !
                      રોતાં ન મળે પાર.

રોતો ત્યારે ત્હારે ખોળે
                    શીર્ષ હતું, દિલદાર!

સહુ ત્યજી ચાલ્યા ! તું સુખણી થા !
                    જીવીશ વિણ આધાર !

વીત્યાં સાથે તું વીતી જા!
                     વીત્યાં સ્વપ્ન હજાર!

મારાં આંસુ ત્હારાં ગીતો!
                   પણ ક્યાં હવે સુણનાર?

કોણ દબાવી જિગર નિચોવે?
                           મારો હું જ પુકાર!

આ દિલ સખ્ત થયું ! તું કોમલ !
                          તારો ના અહીં કાર.

કેમ હસાયે ? કેમ રડાયે ?
                        દિલનો તૂટ્યો તાર!

તૂટ્યું વીણા કેમ બજાવું?
                       એ બસૂરો ઝણકાર!

આંખ ગઈ છે ! ક્યાં છે આંસુ?
                           શું ગાશે સુનકાર?

વિશ્વે છે ના શું એનું એ?
                         છે ક્યાં એ રસધાર?

હવે તો
                         ક્યાં છે એ મળનાર?

તું રસહેલી ! હું રસહીણો ?
                               ભેટું છેલ્લી વાર!

પણ હજુ
         લેજે કદી કદી સાર!

હું ડૂબનારો ! તું તરનારી !
                   તરતાને તું તાર!

અરેરેરે!
                ડૂબતાનો તજ પ્યાર!

૨૯-૧-૧૮૯૭