કલાપીનો કેકારવ/પ્રેમ અને ધિક્કાર

← પ્રવૃત્ત થવા કહેતા મિત્રને કલાપીનો કેકારવ
પ્રેમ અને ધિક્કાર
કલાપી
હમારી ગુનેહગારી →


પ્રેમ અને ધિક્કાર

અરે ! તે બાગમાં તું પર નઝર મેં ફક્ત કીધી'તી,
જિગરમાં આહ દીધી મ્હેં, ગુનેહગારી હમારી એ !
કરે સૌ તે હમે કીધું, ન જોયેલું હમે જોયું !
મગર એ આહને માટે ગુનેહગારી હમારી છે !

હતી ત્યાં ગુલછડી, દિલબર ! હતી તેની કળી ખીલી;
ઝૂકી ચૂંટી કહ્યું, 'લેજે,' ગુનેહગારી હમારી એ !
કળી દેતાં જિગર દીધું ! ગમીનું જામ પી લીધું !
તૂટી દિલની લગામો એ, ગુનેહગારી હમારી એ !


ખુવારી વ્હોરી મ્હેં, મુજ હૃદય એ આજ સમજે !
ખુવારી વ્હોરી તે કદિ નહિ વ્હોરીશ હવે !
નથી મોડી કાંઈ સમજણ પડી એ જખમની,
નહીં મોડી પામું મુજ જખમની ઔષધિ વળી.

હવે જોયા ત્હારા સરપ રમનારા નયનમાં,
હવે ચેત્યો ઝેરી તુજ જિગરના ખંજર થકી;
હવે ભોળો પ્રેમી તુજ વદનથી દૂર વસશે,
અને તેને ક્યાંયે જગત પર મીઠાશ મળશે.

અરે ! ત્હારે માટે પ્રણયી મમ પામ્યાં પ્રણય ના,
કદી ના લૂછાયાં મુજ કરથી એ આર્દ્ર નયનો;
રહ્યાં મ્હારે માટે હૃદય કુમળાં એ સળગતાં,
અને ત્હારે માટે મમ હૃદય તો વ્યર્થ જળતું.

હવે ના ઇચ્છું તુજ હૃદય માટે સળગવા,
હવે ધિક્કારૂં એ તુજ હૃદયને હું ક્યમ નહીં ?
કૃતઘ્નીને ચ્હાતાં મુજ હૃદય ના અન્ધ બનશે,
અને એ ભૂલોની મમ હૃદય શિક્ષા ય સહશે.

'હવે ધિક્કારૂં,' એ ઘટિત નહિ બોલો પ્રણયીને,
અરે ! એ બોલો તો જરૂર ઇનસાફી પણ દિસે;
તને ચ્હાવામાં એ હૃદયઝરણું છૂટ જ હતું,
હવે ધિક્કારૂં ત્યાં ક્યમ હૃદયને બન્ધ કરવું ?

પ્રભુ પાસે માગું મુજ હૃદયને ન્યાય મળવા,
કૃતઘ્નીને શિક્ષા દઈ શિખવવા ક્રૂર ન થવા;
નહીં ત્યાં તુ ફાવે કુદરત ન અન્યાય કરશે ?
તહીં મૂંગે મ્હોંએ જગત સઘળું દંડ ભરશે.

હવે હું ઢંઢેરો નગર નગરે ફેરવીશ, કે
'કૃતઘ્ની હૈયાના જખમ નિરખો આ મુજ ઉરે;
'અરે સૌન્દર્યોનાં હૃદય નવ સૌન્દર્ય ધરતાં,
'અને સૌન્દર્યોને શરણ પડનારાં દુઃખી થતાં.'

અરે ! મ્હારૂં ક્‌હેવું જગત સુણનારૂં પણ નહીં,
સદા ઘેલું ઘેલું જગ નિરખી સૌન્દર્ય બનશે;

અરે ! કોણે ઝાલ્યો હૃદયધબકારો હજુ સુધી
વહે છે તે જ્યારે ઝળહળિત સૌન્દર્ય પરથી ?

લવું છું હું યે આ મુજ નયન નીચાં દબવીને,
અહા ! ખેંચે કિન્તુ હૃદય મમ નેત્રો ફરી તહીં;
અને ત્યાં જોતાં તો નરમ બનતો કે ગળી જતો,
અરે ! ત્યાં જોતાં તો હૃદય સઘળું અર્પી જ જતો.

સ્મૃતિમાં એ જાગે તુજ વદન ને હું મુજ નહીં,
પછી મ્હારો મ્હારા ઉર પર કશો યે હક નહીં;
કહે, શું છે જાદુ ? કહીંથી તુજને એ જડી ગયું ?
પ્રયોગોને માટે મુજ હૃદય ક્યાંથી મળી ગયું ?

અરે ! જોતાં તુંને જિગર ફરિયાદે નવ કરે,
સહ્યું ને સૌ સ્હેવા ફરી જિગર તો તત્પર બને;
"સહ્યું", એ ક્‌હેતાં એ જિગર શરમિન્દું થઈ જતું,
દિસે ઘા મ્હોટા એ કુસુમકળીવર્ષાદ સરખા.

ચીરાવું, રેંસાવું, તરફડી રીબાઈ સળગવું,
શૂળીના કાંટાની અણી પર પરોવાઈ મરવું,
દિસે લ્હાણાં એ તો અગર રસનાં પાત્ર મધુરાં,
ચહું એ ચ્હેરાની સુખથી કુરબાની થઈ જવા.

પછી ધિક્કારૂં શે મધુર મુજ એ લ્હાણ ઉરની ?
બહુ તો યાચું કૈં તુજ પદ મહીં શીર્ષ ઝુકવી;
જહાંગીરી આવી ક્યમ કદિ ગુલામી ગણીશ હું ?
'હવે ધિક્કારૂં', એ ક્યમ કદિ ય બોલો કહી શકું ?

નહીં સત્તા ત્હારી પ્રણય મમ આવો ડગવવા,
'હવે ધિક્કારૂં', એ મુજ ઉરથી શબ્દો કઢવવા;
કરી લે ચાહે તે પણ નહિ કહું જે નવ કહ્યું,
કરી લે ચાહે તે પણ નવ બને જે નવ બન્યું.

વહન્તો પ્રેમપૂરે તે ધિક્કારે અટકે નહીં;
પ્રેમના શત્રુનો પ્રેમ ના ના આશ્રય લે કદી.

૪-૨-૧૮૯૭