← છેલ્લી સલામ કલાપીનો કેકારવ
મહાબળેશ્વરને
કલાપી
તરુ અને હું →
છંદ : શાર્દૂલવિક્રીડિત


૬-મહાબળેશ્વરને!
શાર્દૂલવિક્રીડિત

ત્હારી નીલમ કુંજ ઉપર સદા હોજો ઘટા મેઘની,
વૃષ્ટિથી તુજ ખેલ એ અમર હો, હોજો કૃપા ઇશની;
તે પંખી તુજ વાંસળી મધુરવી, જાંબુ પરે ઝૂલજો,
સંધ્યા હાલરડું સદૈવ તુજને એ ગાઈ પોઢાડજો.

એ શેવાલભરી વિપુલ વિટપો હોજો સદા ફાલતી,
તેની તે કવિતા બળેલ ઉરને હોજો સદા ઠારતી;
હોજો અર્પતી કો નવીન ઝરણી કોઈ કવિના ઉરે,
મીઠું કાંઈ ભૂલેલ કો પ્રણયી તે તાજી સ્મૃતિમાં ગળે.

થાશે સર્વ સદૈવ એ મધુરતા ત્હારી મૃદુ હૂંફમાં,
જેને જે કરવું ઠર્યું કરી જશે કો અંતની લ્હાણમાં;
હું મ્હારો પકડીશ રાહ - પ્રિય તું! ત્હારા સુમાર્ગે જજે,
ત્હારી એ સુરીલી મીઠાશ કરુણા તું રેડનારી હજે.

હું ના રોઈ શકું ત્હને ત્યજી જતાં છો - આંસુ આ સૂકતું,
વ્હાલાં સોબતીને ય અશ્રુથી વધુ અર્પી ન કાંઈ શકું;
નિસાસો તુજ કાજ એક બસ છે છોડી ત્હને ચાલતાં,
અશ્રુ માનવિમિત્ર કાજ નયને છો ગુપ્ત આજે રહ્યાં.

૧૮૯૬