← વિરહસ્મરણ કલાપીનો કેકારવ
વિષપાન
કલાપી
સારસી →
ખંડકાવ્ય


વિષપાન



અહો ઘોળી પીધું મધુર વિષપ્યાલું, પ્રિય સખા!
હવે હું ભૂલું છું જગત સઘળું તે લહરીમાં!
ધીમે ધીમે મૂર્ચ્છા મુજ મગજને ચુમ્બન કરે,
અહા! હું ગાતો તે અનુભવી શકું છું સુખ હવે.

તીરે ભેદાયેલા મુજ હૃદયને તો કળ વળી.
અમી ઢોળાયું શું ધગધગી રહેલા ઉર મહીં!
નથી આશા ઈચ્છા, ગત દુઃખ તણું ના સ્મરણ વા;
અહો! મેં તો પીધું નહિ વિષ, નકી અમૃત સખા!


વ્હાલા! જ્યાં ઘસડાઈ જાય જગ ત્યાં મ્હારે ખુશીથી જવું,
ત્હોયે છે દુઃખ એક આ દિલ મહીં, છોડું તને તે તણું;
એ ચિન્તા પણ શાન્ત છેલ્લી ઘડીએ થાશે નકી હા સખા!
એ જ્વાલા પણ અન્તરે ડૂબી જશે આનન્દની લ્હેરમાં.

આશામાં ડૂબતું અને ધડકતું, ફાળો ઘણી સાંધતું;
તે હૈયું મુજ આમ આજ વિષથી વિશ્રાન્તિ લેવા ઢળ્યું;
ના તે કો’ દિ’ હવે ઉઠી સળગી કે ચીરાઈ રોશે સખા!
ના તે કો’ દિ’ ફલંગ મારી પડશે પ્રીતિ તણી જાળમાં.


નકી મ્હારે જાવું, રુદન નવ વ્હાલા! કર હવે,
સુખી હું થાતાં તું રુદન કર તે તો નવ ઘટે;
સુખી હું થાતો ત્યાં હૃદય તુજ હર્ષે ઊભરતું;
અરે! તો કાં હાવાં મુજ સુખ તને દુઃખી કરતું?

અહો! ત્હારાં આંસું પિગળી મુજ અન્તઃકરણમાં-
ગયા સંસ્કારોથી સ્મરણમય આત્મા કરી જતાં;
હશે મ્હારે માટે રુદન કરવું મૃત્યુસમયે-
પ્રભુએ નિર્મ્યું તો ઉર મુજ ઉખેળું તુજ કને.


જોને, ભાઈ! તહીં રહી મલપતી તે મોહની ક્રૂરતા,
તેમાં તે અતિ રમ્ય આકૃતિ રહી જેને કહી મેં ‘પ્રિયા’;
ઘુંચાયા મુજ તે અરે! પ્રણયીઓ એ જાળ માંહી દીસે,
ભોળાંને નિરખી ડૂબ્યાં, ડૂબી જતાં ચીરાય હૈયું, સખે!

તે સૌ આમ જ આ જ માર્ગ પર હા! રોઈ રડી આવશે,
તેઓનાં દુઃખથી દુઃખી થઈ અરે ! કૈં પ્રેત મિત્રો રડે,
તેઓની કબરો તણા પથરમાં અશ્રુઝરા ચાલતા,
તેઓના બળી ભસ્મ જે થઈ ગયા તે અંશ સૌ કંપતા!

ઓહો ! મોહ જ મોહનું જગત આ તેમાં હશે પ્રેમ ક્યાં?
આંહીં બીજ વવાય છે વિષય ને સૌ સ્થાનમાં મોહનાં;

કાંટાળાં તરુ તે ઉગી હૃદય કૈં ભોળાં બિચારાં ચીરે,
ક્યાંહી છે રુધિરે ભર્યા ઉઝરડા, ક્યાંહી વ્રણો ગાઢ છે.

રે! ત્હોયે મુજ ભક્તિનું પ્રણયનું મેં બીજ વાવ્યું, સખા!
છે તો ક્ષારભૂમિ પરન્તુ ઉગીને જાણ્યું થશે વૃક્ષ આ:
આશાએ દિલ આ તણા ઝરણના વારિથી પોષ્યું, છતાં-
તે તો ત્યાં જ બળી ગયું પણ વળી માન્યું જ મેં તે ન કાં?


મનાયું ના હુંથી તરુ મજ કદી તે નહિ થશે,
અરે! માન્યું નિત્યે લલિત ફણગો કાલ ફૂટશે,
અરેરે! દહાડો એ પણ કદી મળ્યો ના સુખ તણો,
અને આશાતન્તુ જીવિત સહ આજે તૂટી ગયો!

તને ને વ્હાલીને ફલ સહુ ધરું એ પ્રણયનાં,
હતી આશા એવી પણ ન પ્રભુને કૈં હતી દયા;
તમે વ્હાલાં! વ્હાલાં! સમજી મમ ઈચ્છા નવ શક્યાં,
હવે ના રોવું તો મુજ મરણકાલે, પ્રિય સખા!


ઓહો! મોહ જ મોહનું જગત આ, તેમાં વિના સ્વાર્થ શું?
ક્યાં પ્રેમી દિલમાં હશે સુખ, સખે વૈરાગ્ય સાથે વસ્યું?
‘છે વૈરાગ્ય જ પ્રેમ, પ્રીતિ સુખ છે; પ્રેમી વિરાગી ખરો,–’
જૂઠી એ મમ માન્યતા થઈ, અને હું પ્રાણ ત્યાગું, અહો!


સૂકાયાં ના આંસુ હજુ પણ અરેરે! નયનથી,
તજાઈ ના પ્રીતિ મરણસમયે એ હૃદયથી;
ત્હમારૂં વ્હાલાંનું નવ હજુ ગયું ચિન્તન અહો!
ન બૂઝાયો, વ્હાલાં! પ્રણયભડકો આ હૃદયનો.


થાકેલું હરણું ય અન્તસમયે એકાન્ત ને શાન્તિમાં,
બેસીને નિજ પ્રાણ ત્યાગ કરતું નિઃશ્વાસ અશ્રુ વિના;
હું તો કૈંક વિચાર ને દુઃખ મહીં આ પ્રાણ ત્યાગું સખા!
ને હું જેમ જ સૌ મનુષ્ય દુઃખમાં રોઈ ત્યજે પ્રાણ હા!
૧૪-૨-’૧૮૯૫