કલાપીનો કેકારવ/સુકાની શબ્દ
← દૂર છે | કલાપીનો કેકારવ સુકાની શબ્દ કલાપી |
એ રસીલું → |
સુકાની શબ્દ
'ત્હને ચાહું છું?' એ કદિ પવ પડ્યા શબ્દ શ્રવણે,
હવે એ શબ્દોના હૃદય ભણકારા મુજ સુણે;
કહેતી આંખો તે ક્યમ પ્રિય મુખે ત્હેં નવ કહ્યું?
અરે! તેને માટે તૃષિત ઉર આ છેવટ રહ્યું!
ત્હને પૂછ્યું વ્હાલી! બહુ વખત એ એક જ હતું,
'ન ચાહે કે ચાહે?' ફરી ફરી રહ્યું એ જ કથવું!
પ્રિયે! આ નૌકાને નવ ગતિ તણી કોઇ જ દિશા,
સુકાની શબ્દો તે મુજ જિગરથી દૂર જ વસ્યા.
'ન ચાહે કે ચાહે?' મુજ અધરનું એ ફરકવું,
સદા ત્હારા કુણા પુલકિત કપોલે સરક્તું;
સુણી મીઠું લેવા ટમટમી રહેતું હૃદય આ,
કદી તો તેના મેં મધુર ભણકારા ય કલ્પ્યા.
છતાં એ સ્વપ્ને તો, અરર! કદિ ના સત્ય નિવડ્યું,
હવે તો તે સાચું તુજ નયનનું એ ક્યમ ગણું?
હવે તો ના જૂઠું મુજ જીવિતને એ ક્યમ કહું?
ગણી મીઠી આશા હજુ પણ ઉરે હું ક્યમ ધરૂં?
કહે 'ચાહું છું', ને જગત સઘળું સત્ય બનશે,
હજારો જન્મોની મુજ હૃદય આશા ય ધડશે;
કહે 'ના ચાહું છું', કુદરત પછી જોઇશ ના,
ઉખેડી સૌ શ્રધ્ધા નયન મુજ હું ફોડીશ પછી.
તરે ના તે હોડી જલધિતળિયે છો ડૂબી જતી,
ભલે જાતાં તેના તૂતક શઢ વારિમય બની;
પછી ક્યાં તું શોધે જગત પર જે ના કદિ મળે?
પછી એ શબ્દો છો મુજ જિગરથી દૂર જ રહે!
કણું આ આંખોનું કુદરત ન દેતું નિરખવા,
છતાં કૈં સૃષ્ટિનાં મુજ નયન આડાં પડ રહ્યાં;
ત્યજીને એ 'ચાહું', તુજ અધર ના વ્યર્થ વદશે,
કણું તો કાઢી લે, મુજ નયન જો કે ન ઠરશે.
પછી ડૂબન્તાં એ નહિ મરૂં સુકાની વગર હું,
બધાંનું તે મ્હારૂં, પછી નહિ જ ધોખો પણ ધરૂં;
ભલે આ નૌકાને ખડક પર મ્હોટા મરડજે,
અરે! તે શબ્દોથી પણ હજુ સુકાની થઇ જજે.
૩૦-૫-૯૭