← ઠગારો સ્નેહ કલાપીનો કેકારવ
સ્નેહશંકા
કલાપી
કુમુદિનીનો પ્રેમોપાલમ્ભ →


સ્નેહશંકા

ઘણું તાવ્યું-ઘણું ટપક્યું-બિચારું મીણનું હૈડું;
દ્રવ્યા કરશે હજી એ તો બિચારું પ્રેમનું પ્યાલું!

ન થા ન્યારી : ન થા ઘેલી : ન થા વ્હેમી : ન થા મેલી!
કરી મ્હારું હૃદય ત્હારૂં હવે શંકા પ્રિયે, શાની?

કદી દિલને ન દે દિલ તું : દીધું દિલ તો ન લે તે તું;
હૃદયનું સત્વ પીધું તેં ;હૃદયહીણો કરે તો શું?

કહે ને પ્રાણ, દિલમાં ક્યાં રહી તુજને હજી શંકા ?
કાપી દઉં તે નાખી હું : ન છે તેની મને પરવા!

કાંટો જે તને લાગે મને ભાલો તે ભોંકાયે;
હૃદયચીરે રૂધિર રાતું વહે છે તે તપાસી લે !

હૈયું હનુમાનનું ચીર્યું, નિહાળી રામની મૂર્તિ;
હૃદય મારૂં અરીસો છે ઉઘાડી તું ભલે જો તે!
૯-૧-’૧૮૯૩