← શિકારીને કલાપીનો કેકારવ
સ્વર્ગનો સાદ
કલાપી
દિલની વાત →


સ્વર્ગનો સાદ

મરેલાંઓ ! સગાંઓને ભૂલી જાજો: હમે જાશું;
મરેલાં વ્હાલવાળાંને દુવા ગાજો: હમે ગાશું.

સગા દેનાર દુનિયાને સગાઈ વ્હાલ સાથે ના,
મરેલાં વ્હાલ વિણ તે તો મરેલાં વ્હાલ વિણ થાશું.

અમોને એ અમારાંને મિલાવ્યાં મોતને હાથે;
હવે છોડી સગાંઓને ખરાં દિલદારને ચ્હાશું.

સગાંઓ ! પિંડ ના દેશો: નહીં પ્હોંચે, નથી પ્રીતિ;
દુવા એ વ્હાલવાળાં દે: બની ઘેલાં તહીં ન્હાશું.

અરે વ્હાલાં ! દુવા દેતાં સદા તેવી હજુ દેજો;
તમારી એ તૃષા એ તો અહીંથી ખૂબ એ પાશું.

દુવા દેવી ખુદાની છે ત્યાં રોશની એ એ;
દુવા એ જાગતાં સૂતાં સદા દેતાં નહીં કાશું.

સગાં ! તમ રક્તની ગ્રન્થિ હમે તોડી બધી પૂરી;
હવે તો સ્નેહમાં ડૂબી વૃથા ના આગમાં લ્હાશું.

અહો ! વ્હાલાં ! સગાંઓથી સુલેહે મોતને પામી,
અહીં વ્હેલાં ચડી આવો: બધાં એ સ્નેહમાં માશું.

૧૦-૨-૯૮