← મધ્યમ દશા કલાપીનો કેકારવ
હજુ એ મળવું
કલાપી
પ્રેમીની પ્રતિમા →


હજુ એ મળવું

મમ દંશ નહીં બનશે હલકો
મમ દાહ, અરે! બનશે બમણો;
રૂઝતો વ્રણ તો ઉવળી પડશે,
મળવું, મળવું હજુ ત્હોય સખે !

અધરો મુજ સ્વાદ તને નહિ દે,
જરદી મુજ ઓષ્ઠ પરે દિસશે;
કંઈ લાલી મહીં તુજ સ્નેહ હશે,
મળવું, મળવું હજુ ત્હોય, સખે!

મુજ દર્દ મહીં
મુજ શોક મહીં,

અહ ! ચેટક એ જ મને વળગ્યું,
"હજુ એ મળવું ! હજુએ મળવું !"

જવ વખ્ત થયો પડવા વિખુટાં,
કંઈ વર્ષ સુધી ફરી ના મળવા,

ચુપકીભર આંસુ ભરી તું મળ્યો,
તવ શ્વાસ વહ્યો કંઈ એક હતો,

તુજ ચુમ્બનમાં શરદી ભરતો,
મુજ કાજળમાં કંઈ એ કરતો;

બસ, એ જ હતો નકી સૂચવતો,
મુજ આ સ્થિતિ ને તુજ એ સ્થિતિ , ઓ!
મળવું, મળવું હજુ ત્હોય અહો !


તુજ નામ વદે સહુ લોક અહીં,
પણ શ્યામ પડ્યા બહુ ડાઘ તહીં;
દિલ ભાગી બને સુણી એ સઘળે,
ધરણી પર માગ મને ન મળે.

તુજ જાણીતી કો મુજને ન ગણે,
પછી વાત હજાર બુરી જ કરે;
દિલ એ સુણી કમ્પી ચીરાઈ બળે,
મુજ વ્હાલ થયું ક્યમ તું ઉપરે ?

ક્યમ આમ જડ્યો દિલમાં તું સખે !
જખમો ક્યમ આમ જડાઈ કરે?

નવ ભાન ત્હને !
નવ ભાન મને !

ક્યમ ત્હોય પુકાર કરે દિલ છે;
'મળવું, મળવું મરતાં ય? સખે!'

છુપી બે પલમાં તુજ હું થઈ છું.
છુપી એકલી આજ અહીં હું રડું;
તુજ સોગન વ્યર્થ બધા ય ગણું.

અરરે! પણ જો તુજને હું મળું,
હજુ કેવી રડું ? હજુ કેવી રડું?
દુ:ખી એ ક્યમ દૂર વિચાર કરૂં?
મળવું, મળવું હજુ એ મળવું !

૧૨-૮-૧૮૯૬