કલાપીનો કેકારવ/હમીરજી ગોહેલ/સર્ગ-૪ પડાવ

← હમીરજી ગોહેલ/સર્ગ-૩ મિજબાની કલાપીનો કેકારવ
હમીરજી ગોહેલ/સર્ગ-૪ પડાવ
કલાપી
હ્રદય-સ્ખલન →


સર્ગ-૪
પડાવ

સ્ત્રી - જે સૌ ઉપકારની વિવિધતા, સંસારની રોશની,
ઉષ્મા વિશ્વવિહારની, રસિકતા સાક્ષાત જે ઈશ્વરી;
જેની સુન્દરતા, કૃપા, જગતને આહ્‍લાદ પાઈ વહે -
તેને આ મુજ બીન સોંપી શરણું, તેને જ ગાતું રહે.


સભર વિહરે લાલી લાલી છવાઈ છવાઈ આ,
કુમકુમ ભર્યાં શું બાલાનાં મૃદુ ચરણો ફર્યાં;
શરમ કરતી મુગ્ધા જાગે પિયુઉરથી સરી -
ત્યમ થરથરી તાજા સ્નેહે ઉષા નભમાં તરી.

શરમ કરતી મુગ્ધા જાગે પિયુઉરથી સરી -
ત્યમ થરથરી તાજા સ્નેહે ઉષા નભમાં તરી.

જગત સઘળું પોઢ્યું - કર્તા તણું શિશુ - શાન્તિએ,
જરી પણ – અરે - એને કાંઈ ટકોર પડે રખે;
કરુણ હૃદયે એવું ધારી ઉષા સ્મિતમાં રમે,
મધુતર કંઈ મીઠાં સ્વપ્ને ગુલાબી કરે ભરે !

કલરવ કરે તે પંખીડાં સ્વરો નિજ ફેલવે;
પ્રભુપ્રણયના મીઠા લ્હેકા જનશ્રવણે ભરે;
અનિલ લહરી ગાતી નેત્રો બધાં ય ઉઘાડતી,
પણ રસિકડાં જાગેલાંને જરાક સુવારતી.

પ્‍હેલી વસન્તવત જે ઉરમાં ફુટેલી,
પ્‍હેલી જ મ્‍હેક વતી મસ્ત કરેલ અંગો -
તે કસ્તુરી મહીં જ ભાન બધું ભૂલીને
સ્વચ્છન્દમાં ઉપવને મૃગ જેમ ખેલે.

તેવો વિહાર રજની અરપી ગઈ જે
સૌન્દર્યપૂજનની પ્‍હેલી જ પ્રેમજ્યોતિ -
તેને જ ગાઢ હજુ ચાંપી ઉરે જડંતો
નિદ્રા મહીંય રસ ચૂસી રહ્યો યુવાન !

આકાશથી ઝરતી ઝાકળ મોતીડાંની
એ દંપતીશયનસ્થાન વધાવવા જે,
એ તૃપ્તિના જ સ્વરને શરણાઈ ગાતી
મીઠા પ્રભાત તણું ઘેન વધારવાને.

સંગ્રામ ને જય તણા પ્રિય મિત્ર જેવા
ડંકા તણા ઘરર ઘોષ ઉઠે બગીચે,
બ્રહ્માંડજીત ઉર તૃપ્તિ મહીં વિરામ્યાં -
તે કિન્તુ એ સ્વર વતી ઝબકી શકે ના.

તો યે ન છે ઘટિત એક જ લ્હાણ લેવી
માશૂકસ્પર્શ પછી કાંઈ બધાં ય યાચે.
પ્રેમી હમીર ! ફૂલડાં ચમને રમે આ -
એ તૃપ્તિની નજર ફેરવવી ઘટે ત્યાં.

ને, એ જ વાક્ય વદતો રવિ લાલ ઊગે
એ સ્નેહની મધુર સોડ તપાવતો કૈં;
એ હૂંફ તો અનુભવાઈ બહુ ય વેળા -
આજે તહીં ય પણ નૂતનતા ભરી કૈં.

આજે બધાં કુસુમની સુરભે ફરી છે,
આ વાયુનાં ય મૃદુ ચુમ્બન આજ જુદાં;
તાજું બને નકી પુરાતન વિશ્વ આખું
કો એક નૂતન વિહાર મળી જતામાં.

ઊઠી હમીર નિજ શસ્ત્ર ધરી શરીરે,
ચંદા નમી કવચની કડીઓ ભરે છે;
જે શસ્ત્ર કાલ કડવાં ઉર માનતું'તું -
તેથી વિશેષ મધુ આજ બની શકે શું ?

તાજા પ્રભાત સમું ચુમ્બન એક તાજું,
આલિંગન પ્રગટ હર્ષની છાપ જેવું,
એ પ્રેમના વચન શી તીરછી નિગાહ,
ને યોધ દાદર થકી ઉતરી પડે છે.

છે સજ્જ ત્યાં નાયક ભીલનો એ
બારોટજી ને નિજ મિત્ર સાથે;
આશિષ, આનન્દ અને મજાક
એ દૃષ્ટિઓ યોધ સ્વીકારી લે છે.

ભીલો સહુ અશ્વ પરે ઉભા ત્યાં
હારો નમે વાંકડીઓ મૂછોની;
વસ્ત્રો પતાકા કંઈ રંગવાળા -
શસ્ત્રો સહે છંદ ધનુ રચે છે.

બે પ્રેમરાજ્યો કરનાર એક
જે લગ્નની સાંકળ છે ઘડાઈ -
તેની કડી એક બની જઈને
યુદ્ધે ચડ્યો નાયક ભીલનો એ.

ચંદા હતી જીવન વેગડાનું -
એ આપતાં દેહ અપાઇ ચાલે

આનન્દનું બીજ વસે જઈ જ્યાં -
ત્યાં : ત્યાં જ દોરાઇ વહે બધાં એ.

એ ભીલના નાયક સાથ ચાલી
ભીલો તણું સૈન્ય ગયું અગાડી;
એ કૂચનો માર્ગ બતાવનારી
ધૂલિ દિસે દૂર ગુલાલ જેવી.

હમીરનું પાછળ સૈન્ય ર્‍હે છે,
એ યુદ્ધનો કેસરિયો પ્રવાહ;
સૌરાષ્ટ્રનાં ભૂષણશા તુરંગો
ભાલા સુધી કૂદી કુદી રહ્યા કૈં.

મીંઢોળ બાંધેલ યુવાન રાજ
બારોટ સાથે વચમાં રહ્યો છે;
ચંદા રથે પાછળ પાસ આવે,
આનન્દની કો ત્રિપુટી દિસે આ.

પ્‍હેલો રવિનો કરસ્પર્શ થાતાં
પ્રસન્નતાની કલી ઊઘડે કો,
વીરત્વના સ્વાંગ મહીં સ્મિતાળી
તેવી દિસે કોમલ વીરબાલા.

શશી તણાં બે બચલાં સમા બે
રથે જુત્યા છે બળદો રૂપાળા;
દેવી ઉઠી કો વરદાન દેવા,
તેવી દિસે આ સ્મિતમાં નવોઢા.

ઊગતો ભાનુ આ તાજો રાત્રિનાં સ્વપને હજુ
દંપતીને શિરે ઢોળે સ્વપ્ન રંગીન કો મધુ.

જે મીઠી લહરી ઉષાવદનમાં અર્પાઈ શુભ્રાંશુથી,
જે ત્યાંથી ખસતી ગળી સરી પડી ભાનુમુખે ખેલતી;
જેના તેજ વતી ક્ષણેક્ષણ ફુલી ગાતાં બન્યાં'તાં વનો
તે લ્હેરી ગઢવીઉરે કવિતનો પોષાક પ્‍હેરી રમે.

દેવીભક્ત તણાં રસાળ નયનો, એ શક્તિલીલા બધે
જોઈ પી રસ વૃદ્ધતા ત્યજી દઈ આનંદ ગાતાં બને;

વિશ્વ જેમ ન દાનવીર કદિ યે કો દ્રવ્ય રાખી શકે -
તેવા આ ગઢવી ય કાવ્ય વહતાં રોકી ન તેને શકે.

પ્રભાતે દેવીને રોપી, ભાવનિષ્ઠ બની જતાં
ગુલાબી શી પ્રવાહી આ રમે કાવ્યની રેલમાં :

'જય ! જય ! માત ! દુર્ગા માત !
'કોમલભાવિણી સાક્ષાત !
'ધરતી રૂપ સુન્દર બાલ !
'સરતી શું નભે તત્કાલ !

'તુજ કર ઉપર ઘુમ્મટ વ્યોમ -
'નખના બિમ્બ સરખો શોણ !
'પદની મેંદીની આ શેષ
'રંગે વાદળીના કેશ !

'ત્‍હારી માગનારાં મ્હેર
'લવતાં પંખિડાં ચોમેરઃ
'રમતાં ઠણકતાં નૂપુર
'તેના નાદનું આ પૂર !

'જેની દેવત્રણને સહાય,
'જેનાં ગીત નારદ ગાય,
'તે તુજ ચરણની રજ આજ
'પામું હું ય ગાવા કાજ.

'અમ્બે ! કેમ છૂપી દૂર ?
'ક્યાં છુપવશે તુજ નૂર ?
'જગ આ ગાય રોમે રોમ
'તે તુજ પાત્રનો પી સોમ.

'રમતાં ગોળીઓ ઊડેલ
'તે આ ભાનુ ત્‍હારો ખેલ !
'ત્‍હારા ખેલનો વિસ્તાર
'તેનો દાસ ભાસે કાળ !

'રડતું વિશ્વનું આ ચાક
'કુંડલ કર્ણનું તુજ – માત !

'તેના હીરલાની ઝાંઈ
'દેખે કવિ, શૂરા, સાંઈ !

'તુજને સુરા જે અર્પાઈ -
'જાણે સ્વાદ વિરલાં આંહીં,
'સીતા જાણતી'તી નેક,
'જાણે જિગર મ્હારૂં એક !

'પ્યાલો ભર્યો કાલિદાસ
'મીરાં ગઈ પી તે ખાસ !
'તે તુજ મોહિનીની મહેર !
'બાવાઓ કરે પી લ્હેર !

'જગની સુન્દરી તુજ તાન,
'મોહક રૂપ ત્હારી સાન;
'જેના દોરમાં સંસાર
'મીઠો બને છોડી ખાર !

'જેનો ભાગ્યશાલી લેખ -
'તે તો પામતા એ કેફ !
'એ તો સ્વર્ગમાં પીવાય,
'ફોરૂં એક અહીં લેવાય !

'કોને સુરાનું દે પાન !
'કોને અન્ય મીઠી લ્હાણ !
'કોને એક તિરછી આંખ
'વાગે સ્નેહની જ્યાં પાંખ !

'દેતી ક્યાંઈ વત્સલ છાય :
'મદિરા પય બની વહી જાય !
'ખોળે કોઈ રમતું બાલ :
'આસવ ઘૂઘરે દે તાલ !

'મદિરા મેઘની એ ધાર !
'ગાવો કેમ તેનો કાર !
'બાલે ! દિવ્ય ત્હારૂં સૌમ્ય -
'તેનો બધે કંપે તાર !

'પ્યાલા તણું ખપ્પર થાય !
'સીસો ત્રિશૂલે ટીંગાય !
'કરડી ભમરની તીખાશ !
'એ તો દૈત્યદિલનો ત્રાસ !

'સ્ત્રીનું રૂપ એ તલવાર
'જાણે યોધ એની ધાર !
'મહમુદ રોળવાને કાજ
'બેઠી ક્ષત્રિકર જે આજ !

'આવા યોધને ધરનાર
'ઉદરે - તે જ તુજ અવતાર !
'સુન્દરભાવિણી સાક્ષાત !
'જય ! જય ! માત ! જય ! જય ! માત !

'મહીપતિ યોદ્ધા લાખ અબળા વિણ નબળા નકી !
'કુંકુમભર એ હાથ જ્યાં જયડંકા ગડગડે !
'ગોહિલરાજ હમીર ! તુજ કર પર તરવાર પર
'એ જ કૃપાની સ્થિર પાંખ હજો તુજ સાથમાં.'

પિયુ પ્રિયાનાં - સુણી મિષ્ટ કાવ્ય આ
સ્મિતે ભર્યા'તાં નયનો મળી મળી;
ઉરો તણી ગોઠડી કરી કરી,
ધરે રવિનું જ્યમ તેજ ચન્દ્રમા.

હમીરજીના ઉરમાં પડેલ તે
હજુ નવી કાલની છાપ સૌ હતી,
હજુ રહી સ્નેહની શ્રેણી એ કુદી,
ઉરે રમે તે પણ કંપ એ જ એ.

ખરૂં જ કે એ ગત ઝિન્દગી બધી
સખી વિના વ્યર્થ જ માનતો હતો;
સખી સહે જે રસ ઈશ અર્પતો -
તે પાનમાં લાગણીઓ ગળી હતી.

પરન્તુ સ્ત્રી સર્વ પ્રકારમાં અહીં
પ્રધાનતા ભોગવતી રહેલ શું ?!

નકી બધું આ ગઢવી કહે નવું !
રણે ય દુર્ગામયતા રચેલ શી !

જરા નવું હાસ્ય મુખે પ્રકાશતું
'બારોટ શ્લાઘામય ભાસતાં અતિ;
'પુરુષની કીર્તિ જરીક તો હતી !'
એ હાસ્ય એ વાત અગાડી મૂકતું.

ગઢવી તો ચડેલા છે કવિતાના જ આસવે,
હુક્કાની હુંફની સાથે કાવ્યની ઝરણી કૂદે.

'છોડી વિશ્વ છોડી રાગ
'તપતા તપ મુની ઋષિ લાખ;
'ચિત્તે રાખતા ૐકાર -
'વાગે બ્રહ્મનો જ્યાં તાર.

'રોળી વાસનાનું સેન,
'શોધી ખાકમાં નિજ ચેન,
'જંગલ વસવતા એકાન્ત,
'ચિતડું એમ થાતું શાન્ત.

'એ તો નાવડું રસહીણ,
'ખારા સિન્ધુનાં એ ફીણ;
'હું તો ગાઉં બીજું ગાન,
'દેવી તણું એ તો તાન.

'એ તો અન્ય મીઠો રાહ
'રસનો અમર તેજપ્રવાહ;
'સુન્દર આંખડીના રાગ -
'એ એ રાહના સૌ બાગ.

'દિલની ઊડતાં જ્યાં છોળ
'બનતું વિશ્વ બોળંબોળ;
'તિલની ગાલ પરની સેવ
'તેમાં ધ્યાન, દેવી, દેવ.

'હુંપદ ઉપર મારી મેખ,
'ચોગમ એ જ માશૂક દેખ;

'દિલનો તોડતાં સંકોચ,
'છેલ્લું જ્ઞાન, છેલ્લો ભેખ.

'કવિઓ ગાન એનાં ગાય,
'સુન્દર પાંખડીને સ્હાય;
'મદિરા દેવી ત્યાં જે પાય,
'તેમાં ખલક ઝૂક્યું જાય.

'નવ રસ વાસનાનો ખેલ !
'પ્રેમ જ કેન્દ્રમાં શોભેલ;
'પ્રેમ જ અલકનો ઉપભોગ,
'છેલ્લો વિશ્વનો ઉપયોગ.

'જગમાં પ્રેમનું જે સ્થાન
'તે તો દેવીની સ્ત્રી - સાન;
'મ્હેં તો એક અમ્બા સેવી,
'જય જય ! દેવી ! જય જય દેવી !

'માળા ફેરવું ત્યાં એ જ,
'રણની હાકમાં એ એ જ;
'દુર્ગા માતનું આ ગાન -
'જાગત ઊંઘતાં એ એ જ.

'સંહારે ચડે મુજ માત -
'ત્યાં યે પ્રેમભીની ભાત;
'ક્ષત્રિખડ્‌ગ જે વખણાય -
'રક્ષણ કાજ તે વપરાય.

'વખણાઈ ગઈ શમશેર
'તેમાં કંઈક સ્ત્રીની મ્હેર !
'દેવી પ્રીતિ તું સાક્ષાત !
'જય જય ! માત ! જય જય ! માત !

'જંગજીત રણનાથ અબળા વિણ નબળા બધા !
'કુંકુમભર એ હાથ પુષ્પમાલ તલવારની !'

બારોટજી આ સમજાવતા'તા
એ પ્રેમની દેવી ખડી કરીને;

એ વાત ચાલી હજુ જ્યાં રહી છે
હમીરપત્ની રથ તારવે ત્યાં.

ત્યાં પાસ છે કો હરણું ઉભેલું
તેના ભણી એ રથ ચાલતો થયો;
બારોટ ને યોધ તહીં જ ચાલે
નીચે જ જોતું મૃગ ઉભું હજુ !

ચાંચલ્ય તો જાતિ તણો સ્વભાવ -
એ આજ ક્યાં દૂર થયો મૃગેથી ?!
કો વજ શો શાપ શિરે પડ્યો શું -
પાષાણનું શું મૃગ છે બની ગયું !

એ ભીરુતા નેત્ર તણી નમીને
ગળી રહી દારુણ શોક માંહી,
કો હસ્તિની શુંઢ મહીં દબાતાં
જેવો ગળે છે રસ પોયણીથી.

તેની જ પાસે પદમાં પડ્યો છે
તેનો જ સાથી મૃગલો ઘવાઈ;
ચોટી રહ્યો છે હજુ તીર હૈયે
મૃત્યુ તણા મ્હોં મહીં રક્ત વ્હેતું.

માદા ઉભીને વ્રણ નેત્ર ચાટે,
તેને ય એ ઔષધ વ્યર્થ ભાસે;
તો યે અરે સ્નેહ તણો જ ધર્મ
બજાવતી છેવટ હોય ના શું !

'નહીં ! નહીં !' એ રડતાં હતાં દૃગો
દયાભરી દૃષ્ટિ મિલાવી યોધથી,
સામે પ્રવાહે રણમાં જનારૂં
એ દૃષ્ટિથી એ ઉર સ્થંભી ઊભે.

છતાં ય અશ્વો હજુ પાસ આવે,
'એ ઘાતકી શું ફરી તીરવાળો !'
રે ! માનવીને મૃગલી પિછાને,
ન્હાસી જવા શક્તિ ન કિન્તુ હાવાં.

છતાં ય અશ્વો હજુ પાસ આવે,
દૂરે જરા એ મૃગલી ખસે છે;
ચોટેલ એ દૃષ્ટિ તહીં જ તો યે
'નહીં ! નહીં !'ની ફરિયાદ રોતી.

એ માનવી એ મૃગ પાસે ઉભાં,
જરા વધુ દૂર મૃગી ખસે છે;
પ્રભુ કને રાવ પોકારતી શું
આધીન એ દૃષ્ટિ તહીં જ ચોટી.

મૃગી થઈ દૂર જ એટલું એ
છેલ્લી ઘડીમાં પણ જાણતો'તો :
છેલ્લા ય શ્વાસો મહીં સ્નેહના એ
નિ:શ્વાસને ખેદથી યોધ જોતો.

છેલ્લો જ એ સ્નેહ તણો નિસાસો -
સમુદ્રના ઊર્મિ સમો રસાળો;
ચાલી જતી શ્વાસની ઓટ માંહીં
છેલ્લું જ મોજું ભરતી તણું એ.

સામે જ ઉભેલ હમીરજીને
મૃત્યુની દૃષ્ટિ ઠપકો દઈ કૈં;
નિઃશ્વાસ ને ત્યાગ મહીં ઠરે છે,
ધરી રહે છે પછી ભાવશૂન્યતા.

સંસારની સત્ત્વપ્રધાનભાવિણી
જે દેવીને યોધ સુણી રહ્યો'તો -
તે સર્વવ્યાપી તણી મૂર્તિ આંહીં
હમીરની દૃષ્ટિ પરે તરે છે.

બની સકે તો મૃગને બચાવી,
તેની મૃગીને ફરી સોંપવાને
ઇચ્છા ઉઠે યોધૌરે પરન્તુ
નિઃશ્વાસથી ના વધુ કૈં બની શકે.

દવા તણો કાળ બધો ગયો છે,
ઉપાય તો મૃત્યુ તણો રહ્યો છે,

દયાલુને એ ઉરની દયામાં
રહ્યો હવે તીર જ એક ખેંચવો.

એ ખેંચતો તીર હમીર છેલ્લે
બારોટ સામે નિરખી રહે છે;
એ નેત્રના નીરની તૃપ્તિ માટે
ઇલાજ બારોટ કને નહીં કશો.

ચાલી ગઈ છે હરિણી ય હાવાં,
હમીરને ચાલ્યું જવું જ બાકી;
અશ્વે, રથે માર્ગ ફરીથી લીધો,
મુસાફરોથી અટકાય કેટલું ?

રજા ઉષાને દઈ દૂર રાખી
રાતાશને શ્વેત કરી દઈને
આ એકલો ભાનુ નભે ચડ્યો છે,
પ્રવાસ પૂરો કરવો જ જ્યાં ત્યાં !

હીરો તપી ઈશકિરીટનો આ
છાયા તરુની મધુરી કરે છે;
પંખી સુવે વ્હાલ મહીં ફરીથી,
આનંદ વારો સઘળે ધરે છે.

પંખી નીચે લશ્કરના પડાવો,
અહીં તહીં સૌ પથરાઈ જાતા;
એ દંપતી યે ઉતરી પડે છે.
છાયા મૃદુ છે સઘળે સમાન.

વિશાલ વૃક્ષો વડનાં ઉભાં ત્યાં,
પાસે નદી કૈં મધુરૂં લવે છે;
ચંદાઉરે એ મૃગલી રડે હજુ,
આરામ નિઃશ્વાસ સહે ઢળે છે.

ન્હાનું દિસે પાસ જ ગામડું કો,
ત્યાં વ્યોમમાં ધૂમ્રની આકૃતિઓ,
જાણે કુદી શ્યામ મૃગો ફલંગે,
દોડી જતા પારધિપાશથી શું !

બાંધી અશ્વો તરુ સાથે, જાજમો પથરાય છે,
અંજળીમાં કસુંબાના રાતા રંગ ભરાય છે.

દેગો કૈં લશ્કરી મ્હોટી ચૂલે ગીત કહી રહી -
ઉડતો કૈં ગરીબોને ધુંવા સાદ કરી કરી.

એ ગામમાં ચારણ કોઈ હોય તો
નિમંત્રવાની રીતિ ક્ષત્રિઓની;
એ કામ બારોટ બજાવવાને
તૈયાર થાતા લઈને કસુંબો.

સંબન્ધ ક્ષત્રિ સહ બ્રાહ્મણોનો
શિથિલ કૈં કાળક્રમે થયો'તો,
સંબન્ધ એ ચારણ સાથ હાવાં
દિને દિને ગાઢ થતો જતો 'તો.

સાહાય્ય જે બ્રાહ્મણ ક્ષત્રિઓની
તેણે હવે શસ્ત્ર ત્યજી દીધાં'તાં;
ક્ષત્રિ હજી બ્રાહ્મણને નમંતા,
તે તો હતો માત્ર વિવેક જૂનો.

એ બ્રાહ્મણોની કટુ ઔષધિઓ
શાસ્ત્રો મહીં માત્ર છુપી રહી'તી;
શ્લાઘા તણા ચારણ ધોધવાઓ
તે પામતા આદર મ્હેલ માંહીં.

એ ચારણો માન ન પૂર્ણ પામતાં
છતાં કને ચાબુક રાખતા'તા;
એ દેવીની જીભ અકીર્તિ ગાતાં
વૃથા ઝિન્દગી મૃત્યુ બંને.

આધાર ક્ષત્રિ પર રાખનારા
'વખાણવું' એ જ ગણી ગુઝારો,
આ ચારણો બ્રાહ્મણના હકો કૈં
પામ્યા હતા સૌ દરબાર માંહીં.

મીઠો થતો ચારણથી કસુમ્બો,
ઊંચા હતાં આસન ભોજનોમાં;
યુદ્ધે ય એ ગીત પ્હેલ થાતી
મૃત્યુ પછી યે યશ દીર્ઘ ગાતાં.

ક્ષત્રિ ય એ ગીત તણાં ગૃહોમાં
સન્માનનો કૈં હક રાખતા'તા;
બારોટજીઓ પણ ખાતરીમાં
મીઠા હતા ક્ષત્રિ અતિથિઓને.

એ ગામમાં કૈં ફરી આવવાને
બારોટજી સાથ હમીર ચાલ્યો;
બારોટને ખોટ ન વાતની કૈં
એની સહે મંજલ સર્વ ટુંકી.

મેડી તહીં ચારણની જ પ્હેલી,
છૂપી રહે તેની ન ઝુંપડી એ;
બહાર છે ગોહિલરાજ ઉભા,
બારોટજી ભીતર જાય છે ત્યાં.

સ્ત્રી ત્યાં એક જ એ ગૃહે ઉભી હતી, સૂનું દિસે છે બધું,
થોડા કાળથી કોઈ યે પુરુષની ત્યાં હાજરી ના હતી;
આ સ્ત્રી જે ગઢવી તણું ગૃહ હતું, તેની ભગિની થતી,
તેના ઉપર કાંઈ કષ્ટ હવણાં તાજું જ આવ્યું દિસે.

પોતાના શિરતાજ ક્ષત્રિ સહ એ બારોટનું યુદ્ધમાં
પૂરો માસ હતો હજુ નવ થયો - મૃત્યુ થયેલું હતું;
એ બાઇ ધરી સાળુ શ્યામ દુખણી એ શોગ પાળી રહી,
ઢાંકેલા ગમગીન અર્ધ મુખડે તાજું જ વીતેલ સૌ.

નૌકા હાલ ઘડેલ સિન્ધુ ઉપરે પ્હેલા પ્રવાસે ચડ્યું,
બીચારૂં પ્રતિકૂળ વાયુઝપટે હાવાં રહ્યું ડોલતું;
ઓચિન્તું ખડકે ચડ્યું શઢ તણા લીરા ચીરાઇ ઉડે !
તે નૌકા તણું એકલું ભટકતું આ પાટિયું કો દિસે !

એ સેવાર્પણના પરંતુ હકને એ બ્હેન આનંદથી
ઝીલી લેઈ જઈ બહાર દુખણાં લેતી ઉભી શન્તિમાં !

પોતાના રજપૂત એ અતિથિની રીતિ પ્રમાણે નમી
હેતેથી જલનો કરી કળશિયો[] લાવે ગૃહે ભાઈને.

તેની ઓસરીએ અતિથિ વીરને બેસારતી આસને,
જાણે એ રજપૂત વીર મળતાં કાંઈ દિલાસો મળ્યો;
જાણે એ ગત બન્ધુ આજ ઘરમાં પાચો ફર્યો સ્વર્ગથી
તેવી એ પગલાં હમીરજી તણાં પૂજે મૃદુ વાણીએ.

એ અર્ધઢાંક્યા મુખને ય જોતાં
હમીરજીને સ્મૃતિ ઉછળે કૈં;
એ યોધના બાલપણાનું આજે
આ સોબતી કો મુખડું દિસે છે.

એ જન્મભૂમિ પર જે વસેલું
માતા તણા લાડ મહીં રમેલું -
એવું કંઈ જાદુ ભરેલ મ્હોં એ
હમીરજીનાં નયનો પલાળે.

ખોવાયેલો સૂર્ય ફરી મળ્યાથી
પૂરાયેલો ભૃંગ ઉડે ફરીથી;
બેડી બધા કાળની તોડી દેતું
એ વીર હૈયું નીકળી પડે છે.

પ્હેલો જ શું ઉત્તમ કાળ આંહીં
શું જન્મતાં ધ્વંસ શરૂ જ થાતો ?!
જાણું નહીં એ : પણ મિષ્ટતા તો -
બાલ્યા તણી છે સ્મૃતિઓ સહુ એ !

અશ્રુ તણું એ પડ બન્ધુનેત્રે
એ બ્હેનને સિન્ધુ બની વહે છે !
નિર્મ્યું દિસે છે વિભુએ અહીં તો
અશ્રુ પરે ઔષધ અશ્રુનું જ !

એ બન્ધુ તણી પત્નીને નિરખવા છે હોંશ એ બ્હેનને,
એ મીઠા મિજમાનની હૃદયથી સેવા સ્મિતે આદરે;
એના આગ્રહને નમી હમીરજી મધ્યાહ્ન ત્યાં ગાળવા,
બ્હેનીને કહી ઉઠતો લઈ રજા જાવા રિસાલે જરા.

બ્હેનીને નિજ શોગમાં સમય ના બ્હારે જવાનો હતો
ને હાવાં વળી અન્યની મદદની તેને અપેક્ષા હતી;
એ જાણી ગઢવી સહાય બનવા ધીમે જરા સૂચવી
ચંદાને પણ તુર્ત તેડું કરીને ત્યાં લાવવાનું કહે.

ગઢવીજી પડાવે ત્યાં ચંદાને કૈં ત્વરા કરે,
યોધ એ મિત્રની સાથે રિસાલામાં જરા ફરે.

નિશાનો આકરાં ઊંચે, ટીંગાઈ લડતાં દિસે;
કસુમ્બી નેત્ર કૈં તાકી, ગણી ઘા શરથી રમે.

એ મિત્રને સાથ જ ચાલવાને
હમીરજી આગ્રહ કૈં કરે છે;
છોડી દઈ ખેલ મજાક કિન્તુ
ઇચ્છા હતી ગામ મહીં ન જાવા.

હમીર સંતુષ્ટ થયો હવે છે,
સુખી થયો છે ઘરબારમાં સૌ;
આનન્દ એ મિત્રઉરે છતાં યે
તેની મજા શૌર્ય તણા જ ગર્વે.

હસી અને કોલ દઈ કહે કે
'હજુ ય યોદ્ધો વરવા પરીને
'ઇચ્છે અને સ્વર્ગ મહીંય પ્હોંચી
'પાંખાળીને હાજર એ કરી દે.'

કિન્તુ વિવેકો સહુ પાછલામાં
તેને કશી સૂજ પડી શકે ના;
હમીરને એ પટલાઈ દેઈ
ઇચ્છે સદા એ હળવો જ ર્‌હેવા.

ચંદા ગામ મહીં પ્હોંચી - દાસી જાણ કરે અને
બ્હેનને ત્યાં ગયો રાખી છાવણીમાં જ મિત્રને.

તૈયાર થાળ કરતી યજમાન બ્હેની,
એ શોગમાં ય સુખની લહરી હતી આ
હૈયું વળી ટૂંકી જ લ્હાણ આ તો :
જેવી દિસે ઝબકી વીજળી મેઘધારે.

ઉત્સાહ, દર્દ સુખ મિશ્રિત થાલ કિન્તુ
ચંદાઉરે રુદનની મિજમાની ભાસે;
ભીંજેલ એ ગળગળાં નયનો સુકાવી
વચ્ચે પડે પ્રણયમાર્દવની જ મૂર્તિ.

સ્વીકારી જે નવ શકે યજમાન પોતે,
સ્વીકારી કેમ અતિથિ સુખથી શકે તે ?
જો શોગના જ ગૃહમાં અતિથિ થવાયું,
તો સ્નેહને ય સુખ શોગ જ પાળવામાં.

ચંદા હતી ગઢવી સાથ રહેલ તેથી
વાકેફ સર્વ ગઢવીગૃહની રીતિથી;
સંસારીનો વળી વિવેક અહીં બન્યો'તો
કો ધર્મ, કો સખીપણું, સુખ દર્દનું કો.

આતિથ્યનું હૃદય એ સમજી શકી'તી
તો યે ન ભાગ યજમાન લઈ શકે ત્યાં;
એ શોગમાં ભગિનીથી ન બની શકે કૈં,
લોહી ભર્યા મુખ વતી પકવાન લેવા.

ના શોગ કો હજુ મળ્યું ઉતરાવનારૂં
એ ભાગ ત્યાં સુધી લઈ જ શકે ન બ્હેની;
કૈં મિષ્ટ લ્હાણ કટુમાં ગ્રહવા કહેવી
એ તો દુખેલ પર ડામ દીધા સમાન.

ચંદા હતી સમજી સૌ ગત વાતથી કે
તેને હતું નિકટમાં નવ કો મુરબ્બી -
જે અશ્રુ એ ભગિનીદર્દ તણાં લૂછે વા
જે શોગ એ સમય સ્વલ્પ મહીં ઉતારે.

ચંદા જ કેમ ભજવી નવ કાર્ય લે એ,
કો' રક્તસ્નેહથી વધુ રતિસ્નેહ આ છે -

કો શ્યામ વસ્ત્ર ઉતરાવી ગુલાબી દેવું -
તેથી વિશેષ સુખ હોય જ શું જહાંમાં ?

ના લગ્નને ગત થયા દશ એ દિનો યે[]
ત્યાં કાર્ય આ રુદનનું દુઃખ આપનારૂં;
સૌભાગ્યમાં રુદન તો અપશુકનું છે,
સૌભાગ્ય સ્નેહતણું કિન્તુ દુખો જ લેવા.

ઇચ્છા બધી ગઢવી એ સમજી ગયો'તો
શિષ્યા તણું હૃદય એ ખૂબ જાણતો કે -
દુર્ગા તણો જ અવતાર જહાં પરે તે
ના અન્યનું દુઃખ જરી શકતી સહી એ.

હા - ના કશી ય કરવી ઘટતી હતી ના,
ઇચ્છા અતિથિઉરની યજમાનને કહે;
એ બ્હેન એ જગતથી ય વિરુદ્ધ માને,
ના તાણખેંચ પણ સ્નેહ સહી શકે છે.

જૂનો રિવાજ વળી રક્ત તણો ઉછાળો,
એ બ્હેનનું રુદન કાવ્યમયી કરીને
અશ્રુ તણા પૂર મહીં ઉર ફાટવા દે -
એ બન્ધુની ઉપર એક પુકાર છેલ્લો.

એ લાલ વસ્ત્ર સહ લાલી જ ધારવાની,
ખુલ્લા પછી રુદનને પરવાનગી ના;
સૌ વ્હાલનાં સ્મરણ છોડી દઈ પછી તો
સંસારજાળ તણી ગૂંથણીમાં ગૂંથાવું.

સામે રહી હમીરપત્ની શરૂ કરીને
એ બ્હેનના હૃદયને દ્રવતું જવા દે;
રે ! વિશ્વમાં દરદને રડતાં ય જ્યાં ત્યાં
કો અન્યની હૃદયહૂંફ તણી અપેક્ષા !

એ રક્તસ્ત્રાવત અશ્રુ તણા નિમાણા
ઝીણા સ્વરો હમીરનું ઉર કોતરે છે;
રે ! અશ્રુથી ય નવ તૃપ્ત દુઃખો થતાં શું -
કે આ વિલાપ ઉરફાટ મહીં વહે છે ?!

એ બન્ધુનું મરણ જન્મથી ગાય રોતી,
હૈયે ચડે અણગણ્યા ગુણની સ્મૃતિઓ;
જે વર્તમાન મહીં કૈં દિસતું હતું ના,
તે ભૂતકાલ બનતું નઝરે ચડે સૌ.

* * *


એ સાત વર્ષ તણી ઉમ્મર બાલકીની -
જ્યારે બધું જગત આ રમતું દિસે છે -
ત્યારે ત્યજી ગઈ હતી નિજ માત સ્વર્ગે,
એ બ્હેનને ત્યજી ગઈ નિજ બન્ધુ સાથે.

એ બ્હેન ચૌદ વરસે ચડવા જતી'તી,
એ બન્ધુ આઠ વરસો મહીં ખેલતો'તો -
ત્યારે પિતા પણ ગયા સહુ જાય છે ત્યાં,
આ વિશ્વમાં ત્યજી જ બાલક ઓશિયાળાં.

એ ચૌદ વર્ષ વય - જે મધુ સ્વપ્નકાલ :
મીઠી બધી ચિનગી સ્પર્શ કરી રમે જ્યાં
એ વિશ્વને સમજવા ઉકળાટ પ્હેલા :
આ બ્હેનને તહીંથી વૃદ્ધ થવું લખેલું.

બ્હેની તણા કર મહીં મૂકી તાત ચાલ્યા,
એ સ્નેહનું કુસુમ - બાન્ધવહસ્ત ન્હાનો;
વાત્સલ્યનો કર ઉઠાવી લઈ પિતાએ
એ બ્હેનના હૃદયમાં ધરતાં કહ્યું'તું :

'આ ભાઈનું દિલ કરી સુખપૂર્ણ વિશ્વે
'સંસારમાં પછી જ તું પગ મૂકજે ને
'મૂકી ભરેલ ગૃહ પત્નીવતી રસાળું
'જ્યાં હોય ત્યાં તુજ ગૃહે સુખણી થજે તું.'

એ વેણ યાદ કરી વત્સલ આ ભગિની
એ હીરલો જિગર સાથ જડી રહી'તી;
આધાર સ્નેહ જગમાં દઈ શકે કૈં
તે બન્ધુ એ ભગિનીથી સહુ પામતો'તો.

એ બન્ધુ ઉપર જીવન ઢોળનારી -
એ બન્ધુજીવન તણું સહુ પામનાર -

શોધી શકી વહૂ ય એ ભગિની હતી ને
વાતો ય એ સુખદ લગ્નની ચાલતી'તી.

બાવીસ વર્ષ તણું દ્વારા ઉઘડતાં તો
આ બ્હેન પામી પણ બન્ધુ તણાં જ અશ્રુ;
એ બન્ધુ તો શિખર સત્તર વર્ષનાથી -
રે ! કાળના મુખ મહીં દઈ ફાળ ચાલ્યો

એ બન્ધુ આ ભગિનીઓથ મહીં રહીને
ક્ષત્રિત્વની ભગિની પાસ ભણી કવિતા -
કો આર્દ્ર ભાવમય શૃગ પરે જતો'તો;
પુષ્પો ધરી વધુ વધુ જ્યમ વેલ ચાલે.

ચિન્તા હતી ભગિનીને નિજ બન્ધુ માટે
તેવી જ બન્ધુ પણ કૈં ધરતો બન્યો'તો:
એ બ્હેનના સુખ સહેજ સુખી થવાનો
આભારસ્નેહસભર નિશ્ચય કૈં કર્યો તો.

આ બ્હેના પતિની શોધ મહીં હતો એ,
તૈયાર સર્વ કરિયાવરને ભર્યો'તો;
નાજુક મ્હેલ મહીં જે કંઈ હોય તેવું -
આ બ્હેન કાજ કરવા ઉરમાં ઉમંગ.

એ બ્હેનને જ જગમાં સઘળું ગણીને,
એ બ્હેનના જ સુખમાં સુખ માનતો'તો:
તોફાન શાન્તિ મહીં સિન્ધુ મહીં જનારો
જેવી રીતે શરીર ઉપર શીષ તારે.

સ્નેહાળ એ ઉર પ્રમાણિકતા ભરેલે
ચાલાક એ નયન ઉત્સવના પ્રકાશે
તે યુદ્ધ - પ્રેમ - બિરદો - કવિતા સુણાવી
કો રાજ્યનો ગઢવીજી ય થઈ શક્યો'તો.

પંકાઈ વાણી તણી ઉજ્જવલતા ગઈ તે
સંગ્રામમાં ધરતી નૂતન કો વીરશ્રી -
જેનો અવાજ સહુ લશ્કરમાં સુણાઈ
સર્વત્ર રક્તમયતા ઉછળાવતો'તો.

એ કાળમાં યવનયૂથ વધ્યે જતાં'તાં,
કોઠા અને ગઢ બધે સહુ સજ્જ ર્‌હેતાં,
ક્ષત્રિત્વની યવન સાથ ઝપાઝપીમાં
ખુલ્લી સમી જ કરમાં સમશેર ર્‌હેતી.

એ ધૂમ્ર - અગ્નિમય વાદળીઓ ચડીને
ઠાકોરના નગર ઉપર પાસ આવી;
એ ધર્મયુદ્ધ મહીં જીતવી સ્હેલ સર્વે,
ઠાકોર સજ્જ વળી આદર આપવાને.

બે ચાર જંગમહીં એ બિરદાઈ પોતે
જીત્યો હતો થઈ મુખી રણભૂમિ રંગે;
ન્હાના વયે અનુભવી ઉર વૃદ્ધ જેવું
કો યુદ્ધમાં અડગ ધૈર્ય ધરી રહેતું.

ઠાકોર પાસ જઈ પુત્ર કુમાર માગે
એ યુદ્ધમાં ચડી જવા બિરદાઈ સાથે;
એ વૃદ્ધ તાત સુખપૂર્ણ વધાવી લેતો
ઉત્સાહને રણ મહીં પરવાનગી દે.

કીધો ઉમંગથી વિવાહિત પાટવીને
તેવો ઉમંગ સહ કેસરિયાં ધરે છે;
ટેવાય પુત્ર વળી યુદ્ધ તણી ધમાલે
તેમાં ય રાજવટનો ઉપયોગ જોતો.

એ સૈન્યનો અધિપતિ કરી પાટવીને
આશિષના મુખ પરે કર ફેરવીને
આનન્દ સાથ નિજ પુત્ર વિદાય કીધો
ને શંભુનાથ-જયગર્જન સૈન્ય ગર્જે.

આકાશમાં ચઢતી વાદળી સામસામે
ને મેઘધાર નહીં ભેદી કરે કડાકા:
તેવાં જ સૈન્ય દ્વય આ થી ભેટભેટા
એ બાણની રમત ઉતરી પડે છે.

એ તીર બહુ કાલ થકી થયા છે,
ભાલાસ્થલે બરછી ને સમશેર ચાલે :

કો જોડીની ઉછળતી રતિની સમાન
સામીપ્યસ્નેહ રણવીર ધરે છે.

એ યુદ્ધછત્ર રજપૂત તણું ધરેલું
કો બાલ શીષ પર જોઈ ઉમંગી શત્રુ
અલ્લાહનો ધ્વનિ ઉઠાવી ધસી પડે છે
એ વાવટા ઉપર છત્ર નમાવી દેવા.

કો પૂરમાં ઉછળતા સરની સમાન
ચોપાસ થાય અરિયોધ તણો ધસારો;
ને સિંહનાદ કરતો બિરદાઈ સજ્જ
ચિત્તા સમો રિપુ પરે તલપી રહ્યો છે.

જે મોરચા સહુ ય એ યુવરાજ માથે
વિક્રાલ રૂપમય મૃત્યુ ગજાવતા'તા
તે દેવીખપ્પર મહીં નિજ રક્ત દેવા
આહૂતિ દેહ ગણીને બિરદાઈ ઊભો.

આ ભાનુ રક્તમય અસ્ત થવા ઢળે છે,
આ લાલ રંગમય રક્તઝરા વહે છે;
મધ્યાહ્નથી મુસલમીન મથ્યા કરે છે
એ ક્ષત્રિછત્ર કબજે કરવા નકામા.

ચંડી તણી ઉડતી ઉત્કટ ગર્જનામાં
ક્ષત્રિબલે રિપુદલે બુમરાણ ચાલે;
જે શત્રુ પીઠ દઈ ભાગી જતા હવે સૌ -
તે પાછળે ન કદિ ક્ષત્રિ રણે પડે છે.

એ વાવટો રણ તણો રિપુસૈન્યમાંથી
ધીમે ધીમે શરમમાં ઉતરી પડે છે.
સન્ધ્યા તણી ઝળકમાં હસતી નવું કૈં
પેલી ધ્વજા શરણ સાથ સુલેહ યાચે.

શત્રુત્વનું, પ્રણયનું, રણ મૃત્યુનું વા
જે કોઈ એ જિગર નમ્ર બની ઝુકે છે
તે ક્ષત્રિનું અતિથિ આદર પામતું તે
આખાય આ જગતમાં મશહુર જ્યાં ત્યાં.

મુખ્ત્યાર નીમી નિજ એ બિરદાઇજીને
એ સંપ કાજ શરતો દઈ મોકલ્યો ત્યાં;
પેલી ધ્વજા મગર છે સ્મિતના દગાના -
જે હાસ્યને હજુ ન ક્ષત્રિ પિછાનતા'તા.

જે રીતથી ગઢવી રાજકુમારનાથી
છૂટો પડી નિજ કરે સપડાઈ જાય -
તેની જ યુક્તિરચના સમશેર નીચે
એ શત્રુછાવણી મહીં ધરી હસ્ત ઉભી.

એ ફોઝમાં પગ હજુ ધરતો હતો જ્યાં -
ત્યાં ખડ્‌ગ કો કતલનું જ પડ્યું શિરે ને
ભાલો ઉપાડી શકવા ય ન કાળ દીધો -
એ યોધની મન તણી મનમાં રહી સૌ.

એ ક્ષત્રિસૈન્ય નિજ સાજ ઉતારતું'તું
છાપો પડે યવનનો અણચિંતવ્યો ત્યાં;
ગર્જી ઉઠેલ યુવરાજ પડ્યો હણાઈ
ને ભાગનારા સહુ સૈન્ય મહીં પડે છે.

ઠાકોરને હજુ ય એ ખબરે મળ્યા ના
ત્યાં શત્રુહસ્ત મહીં કેદ થવું પડે છે;
સ્વચ્છંદ લૂંટ નગરી તણી શેરીઓમાં
શત્રુત્વહસ્ત મહીં રૈયતને ધરે છે.

દાવ પ્રચંડ રણવાસ મહીં જગાવી
માતા, વધૂ, ભગિનીઓ ગગને ચડે છે;
ના અન્ય સૂર્ય હજુ તો ઉગતો દીસે ત્યાં
નીચે ઢળ્યાં કંઈ શિવાલય મન્દિરો છે.

***


એ મૃત્યુને આ ભગિની રડીને -
એ કેરની લ્હાય મહીં ઢળીને -
એ અશ્રુના જોશ મહીં ગળીને
બન્ધુ તણો ગાય પુકાર છેલ્લો.

હમીરજીનાં નયનો વહે ને
અસહ્યતામા ઉર થાય ચીરા;

રોનારને તો પણ બાકી રોવું
તો મોકળા એ મુખથી રડે છો.

એ બન્ધુ કાજે સહુ ધારણાઓ
જે સ્વાત્મના ભોગમયી ઘડી'તી-
તેને ન કાંઈ ગણકારનારા
એ બન્ધુને એક પુકારવી ધા.

ચંદા બની સ્તમ્ભ સમી રહી છે
તેને જ ટેકી ભગિની રડે આ;
એ અશ્રુથી કાંઈ વિશેષ ના ના
કાંટા ભરી કંટકની ગદાઓ.

સાળુ એ ભીંજવી કાળો અશ્રુધાર વહ્યા કરે;
સ્વરો આ બેસતા સાદે તે પૂરે ભળતા ઝરે :

'માતા ! માતા ! અમીજલ તણી રેલ ઢોળાઈ ક્યાં તું ?!
'છાનું રાખી ત્યજી ગઈ નકી આજના કામ સારૂ !
'તો ઢંઢરો ગજવ રડતાં સ્વર્ગની શેરીઓમાં
'ત્યાંથી પાછો મુજ તરફ એ વીરને મોકલી દે !

'વિત્યાં વર્ષો ! જરૂર વિસરી વ્હાલ તું બાલકોનું !
'હું આવું છું ! ઘટિત બનશે ! વીરને મોકલી દે !
'જન્મી એ ણે હજી સુધી નથી સ્વાદ ચાખ્યો કશો યે !
શોધી મ્હેં તો વહુ પણ રૂડી હોંશ રાખી ઘણી યે !

'માડી ! એ તો તુજ ઉર તણો મીઠડો એક છાંટો !
'હું જેવીને સમુદર હતો પુણ્યના પુણ્યનો એ !
'માડી ! એનો પ્રલય મુજથી આજ શાથી સહાશે ?
'માતા યે શું મુજ પર હવે આજ થા તું નમ્હેરી ?

'બાપુ ! બાપુ ! તમ પદ કને રાવ આ રેડું ઘેલી !
'લ્હેણું મ્હારે તમ ઉપર તો સ્વર્ગમાં તો ય બાકી !
'ઊભી રાખી - અરર ! તડકે વીર આ તેલ છાંટે !
'માથું વાઢી ધડ રખડતું રાનમાં આ કરે છે !

'છેલ્લે - બાપુ ! મુજ કર મહીં હસ્ત એ વીરલાનો
'સોંપી બોલ્યા વચન પણ તે આજ તો ભૂલશો ના !

'બાપુ ! આ હું કમનસીબથી ચાકરી ના બજી કૈં
'કે રીસાઈ રણ મહીં હવે ભૂલવી ફેંકી ચાલ્યો !

બાપુ ! ન્હાનાં રમત કરતાં લાડકાંને વીસાર્યાં ?!
'છોડી ચાલ્યા ! નવ કંઈ રુચ્યા ખેલ આ બાળકોના !
'એ તો આવ્યો ! હજુ પણ નકી ખેલવા યોગ્ય ! બાપુ !
'વિવા એના ઘટિત કરવા તો ય છે ! મોકલો ને !

'બાપુ ! એ તો તન તરફની દેણદારી દઈને
'લૂંટી ચાલ્યો ! કરજ દ‌ઉ હું ! મોકલો બાપલાને !
'સ્ત્રી સોડે જે પણ ઉછરતાં બાલકો તે હઠીલાં !
'મ્હારૂં બોલ્યું જરી પણ, અરે ! કોઈ દી એ ન માન્યો !

'પાછો આપો જરૂર ઘટતાં વેણ એને કહી બે !
'તીખા બોલો જરીક ખમવા શીખવો - બાપુ ! એને !
'જાણ્યું ન્હોતું નિકર મધુરાં વેણ એને કહેતે !
'માજાયીમાં પણ મધુરતા: વાંક મ્હારો નથી એ !

'વીત્યાં તેને મુજ હૃદયની રાવ વીતેલાની આ -
'વૈરાગીને જખમી ઉરના રાગની વાત જેવી !
'માડી ! બાપુ ! મધુર પડઘો વીરલો તમારો -
'મીઠું ગાતો; મગર પડઘો જાળવી કો શક્યું ક્યાં ?

'વીરા તહારૂં હૃદય કુમળું પુષ્પશું જે હતું તે
'તેવું ભાસ્યું, પણ પરુષતા વિશ્વની તું ય શીખ્યો !
'વીરા મ્હારા ! મુજ રવિ હવે ડૂબવ્યો ત્હેં - ગ્રહાયો !
'ન્હાને હાતે જખમ કરતાં - તાત ! છેલાઈ કીધી !

'મ્હેં તો - વીરા ! તુજ હૃદયને આર્દ્રતા છે ભણાવી !
'ડાહ્યો - બાપુ ! પણ નવ સુણ્યું ! જંગલે રાત પાડી !
'સંભાર્યું એ મુજ જિગર આ છીછરે ના સમાતું !
'વિસાર્યું એ દિવસરજની ! કાંઈ ના વિસરાતું !

'વીરા મ્હારા ! પણ ક્ષણિક તું ફુલડું એ વસન્તી !
'કાલે ચૂટ્યું મધુ સમયમાં બ્હેન આ વાટ જોતી !
'મ્હારા વીરા ! મધુ સુરભ શું સ્વર્ગ માટે જ સર્વે ?!
'દેવો પાસે પદર નવ કૈં ! આવ તું આવ બાપુ !

'વીરા મ્હારા ! ઉધઇ ચડતો ઉમ્બરો આ કર્યો ત્હેં !
'ઓચિન્તો તું - અરર ! ઉપડ્યો-વીર ! ઊંધી દિશાએ !
'મ્હારે માથે વિધિકર તણી ગેબની લૂંટ ચાલી !
'કોને ખોળે દુખી શિર ધરી - બાપ ! હૈયું ઠલાવું ?

'કોને કાજે વળી લઈ ગયો મ્હોડબંધો કુમાર ?
'રે ! રે ! એ તો દુશ્મન તણી છાતીનો દાગ - વીરા !
'રે ! રે ! લૂટ્યો જગત પરથી રાંકનો માળવો એ !
'રે ! રે ! તૂટ્યાં સમય ખપતે સોરઠી એ કમાડો !

'ભોળા વીરા ! તુજ સહ ગયો દેશદીવો બુઝાઈ !
'બાપુ ! ત્હેં તો ગરદન દઈ શત્રુના હાથ ડાર્યા !
'રે ! રે ! છૂટો પણ નવ થયો હસ્ત ત્હારો અટંકો !
'બે દિ; તો મ્હોં નિરખત ! અરે ખેલ છૂપો સમેટ્યો !

'ઝાઝું ઝાઝું જતન કરતી બ્હેન - તે તું જ - બાપુ !
'જેને માટે મરત સુખથી બ્હેન - તે તું જ - બાપુ !
'કિન્તુ આંહી અણખપતનાં સ્વર્ગમાં યે ખપે ના !
'રોક્યાં શાને મુજ ગરીબનાં લાકડાં તેં સ્મશાને ?!

'માડી ! શું ના તુજ હૃદયને કોઈની મ્હેર આવી ?
'રંડાપો - ભા ! વગર પરણ્યે કોઈને શીદ કીધો ?!
'ભોળા ! જેની હજુ ય પકડી હસ્તની આંગળી ના-
તેને માથે કરવત - અરે ! કાશીનું કેમ મૂક્યું ?

'એ ન્હાનીને જગત પરથી - તાત ! હીણી કરી કાં ?
'એ મ્હારીનો - અરર ! મનખો ધૂળધાણી કર્યો કાં ?
'એ મ્હારાંને ઉદર ઉતરી વેર ત્હેં - બાપ વાળ્યાં ?!
'તું ના જાણે ! પણ ન બુઝતી આગ એ કાળજાની !

'એ મ્હારીને ક્ષણ સુખ તણી લ્હાણ સ્વપ્ને ય ક્યાંથી ?!
'નોધારીને જીવિતભરનું શૂળ આપી ગયો કાં ?!
'વીરા ! એ તો તુજ જિગરની, અન્યને કાં ભળાવી ?!
'ડૂબાવીને ભર સમુદરે - તાત તું કેમ ભાગ્યો !

'સ્વર્ગોમાં યે નહિ મળતાં માનવી - બાપ ! મીઠાં !
'વીરા ! એવી સમજણ છતાં, ભીંત તું કેમ ભૂલ્યો ?
'તો યે શાને રુદન કરવું ભાગ્યશાળી તણું કૈં ?!
'વેરી ! વીરા ! મુજ હૃદયનો વીર ત્હેં શીદ લૂંટ્યો ?

'તુંને તો ના પણ બહુ મ્હને ખોટ - બાપુ ! પડી છે !
'લૂટાઈ એ તુજ સહ ગઈ અંધની લાકડી છે !
'મ્હાણી લેજે ગગનપડદે કાળ ઝાઝો ભલે તું !
'કો દી-વીરા ! પણ ભગિની આ આવશે યાદ - જોજે!

'આ રોવાનું લખવી ઉતરી કેમ હું - બાપ ! આંહીં ?!
'આ અશ્રુને નિરખી હસજે - તાત ! સ્વર્ગે ભલે તું !
'તો યે ન્હોતી ઘટિત અમથી કાળજે લાત દેવી !
'ક્યાં યે જોયા જગ પર નથી લાડકા ખેલ આવા !

'જૂની આંખે નવીન નિરખી હોય છે કૈંક રોતાં !
'કિન્તુ મ્હારે નવીન નયને વિશ્વ આ થાય જૂનું !
'તુંમાં - બાપુ ! મુજ હૃદયની આશનું વૃક્ષ ખીલ્યું -
'સિંચ્યું મેઘે - ટપકતું હજુ - વીજળીએ હણ્યું ત્યાં !'

હમીરજીનાં નયનો વહે ને
અસહ્યતામાં ઉર થાય ચીરા;
રોનારને તો પણ બાકી રોવું,
છતાં ગયા પાછળ ઝૂરવું ક્યાં !

રોનારને તો પણ હોય રોવું,
એ અશ્રુનો કાળ હશે અગાડી !
રોવું જ જેને પ્રથમે મળ્યું, તે
રોતાં રહે : રોવું ન યોગ્ય તો યે !

હમીરથી ઊભું થઈ જવાતું,
ના ભાન વ્હેતું જલ લૂછવાને;
પોશાકનો થાળ ધરી ગુલાબી,
દીન સ્વરે યોધ સમું વદે એ :

'ન રો રો ના હાવાં ! બસ કર હવે - ધર્મભગિની,
'ન તેના જેવો તો પણ તુજ હવે બન્ધુ બનું હું !
'ખરૂં - બાપુ ! ના ના જગત ધરતું જે ગત થયું !
'પ્રભુ તે વીરાનો પણ અહીં ધરે કૈંક બદલો.

'અરે ! આવા ભાઈ જગત પરથી જે લઈ જતા -
'અરે ! જે રત્નોનો છલકપટથી નાશ કરતા -
'દળી, છેદી તેને તુજ ભૂમિ થકી દૂર કરવા -
'પ્રતિજ્ઞા લેઈને તહીં જ તુન આ બન્ધુ નિકળ્યો.

'ન રો ! રો ના હાવાં - તુજ કર ધરી આ શિર પરે
'અરે ! બ્હેની ! દેને તુજ હૃદયની આશિષ હવે !
'તહીં યુદ્ધે એનો મુજ અસિ સહે છે ખપ ઘણો,
'રહી ભાલા માથે યવન‌ઉરમાં એ ઉછળશે !

'અરે ! બ્હેની ! ગાવા યશ જય તણા બન્ધુકરના :
'નહીં તો ગીતો શું રુદન કરવા એ મરણનું -
રહેજે દીઘાર્યુ ! ભગિની સરખી આજગતમાં
'મ્હને - આત્માને આ અમર રસની લ્હાન ધરજે !"

ચંદા તણા આગ્રહને નમીને
એ લાલ પોશાક સ્વીકારી લે છે;
અને સુખી ભાભી તણા રૂડા કરો
ગુલાબી સાદી સહ ચાંદલો કરે.

દુઃખી દુઃખો સર્વ રડી રહેતાં
એ શોગ ધીમે વિસરાઇ જાતાં;
છતાં ય દર્દો ઉતરાવનારને
એ કાળને કોણ ભૂલી શક્યું છે ?

વ્હાલું અહીં હર્ષ દઈ શકે ના !
નવાં સુખો કોઈ ધરી શકે ના !
મિત્રો અહીં શોગ જ ઉતરાવે !
સૌ શ્યામતા ત્યાં જ બને ગુલાબી !

ગુલાબી છે નેત્ર રડી થયેલાં -
આશિષની ત્યા ભુરકી છવાતી;
આસું નવાં - બિન્દુ બિલોરી એ બે
સીવાઈ ત્યાં પાંપણમાં રહ્યાં છે.

હૈયું જ કાઢી નિજ અર્પતી શું
માતા જ ઊભી રણવીર પાસે -
તેવી જ આ બ્હેન કને નમીને
હમીર વીરો નિજ માર્ગ લે છે.

ગગન ધૂલથી દૂર છવાય ને
ભગિની બન્ધુનું સૈન્ય નિહાળી ર્‌હે:
પ્રાયીને વિખૂટાં પડવું નકી !
પ્રણયનું સુખ આશિષ એકલી !

૧૮૯૭

  1. કોઈક સંગોત્ર વ્હાલું ઘરમાં આવે ત્યારે બ્હેન કે માતા કે તેવા સંબંધના હક્કવાળી સ્ત્રી કળશિયામાં જળ ભરી લાવી અતિથિના માથા પર ફેરવીને તેને ઢોળી દે છે. આગમન વક્કી પછી હોય તો જરા દીર્ઘ ક્રિયા પણ કરવામાં આવે છે. શુભેચ્છા અને સત્કારનું આ સૂચન છે અને "કળશિયો કરવો" એ નામથી જાણીતું છે.
  2. દશૈયાં