કલાપી/'કલાપી'નું સ્નેહીમંડળ

← મુમુક્ષુ રાજવી કલાપી
'કલાપી'નું સ્નેહીમંડળ
નવલરામ ત્રિવેદી
કલાપીની કેકા →



પ્રકરણ સાતમું
'કલાપી'નું સ્નેહીમંડળ

ઠાકોરસાહેબ સુરસિંહજીનું અવસાન ૧૯૦૦માં થયું એમ આપણે ગયા પ્રકરણમાં જોયું. સુરસિંહજી અવસાન પામ્યા, પણ 'કલાપી' અમર છે. તેમને આ અમર કીર્તિ અપનાવનાર તેમની સાહિત્યકૃતિઓ અને તેમના સ્નેહીઓ છે. તેમાંથી સ્નેહીઓ વિશે પ્રથમ વિચાર કરીએ.

કલાપી કવિ હતા કે સ્નેહી એ ચર્ચા જરૂર લાગે તો કરવાનો હક્ક અનામત રાખી, અત્યારે એમ કહીશ કે કલાપી સ્નેહી તો હતા જ. તેમનું હૃદય સતત સ્નેહ ને સ્નેહી માટે તલસતું હતું. પોતાની આસપાસની માતા, પત્ની, મિત્રો, ગુરુ, સંતાનો, પશુપંખીઓ, કુદરત એમ સમસ્ત સજીવ નિર્જીવ આલમ પ્રત્યે વાત્સલ્ય, પ્રેમ, કરુણા, ભક્તિ, દયાનાં ઝરણાં સતત તેમના ઉન્નત હૃદયમાંથી વહેતાં હતાં અને તેથી પ્રણયરસનો મહાનદ કેમ જાણે કાઠિયાવાડની સુક્કી ધરતીના મધ્યસ્થળે આવેલ નાનકડા લાઠીમાંથી વહી રહ્યો હોય એવો ચમત્કાર એક દશકા પર્યંત બની ગયો.

કલાપીના સ્નેહીમંડળમાં ગુરુસ્થાને હતા 'અભેદમાર્ગપ્રવાસી', 'બ્રહ્મનિષ્ઠ' મણિલાલ નભુભાઈ દ્વિવેદી. 'ક્યાં લાઠીનિવાસી રાજ્યખટપટની જાળમાં ગુંચાયેલો કીડો સુરસિંહ અને ક્યાં નડિયાદવાસી સરસ્વતીભક્ત'[] એવું આશ્ચર્ય કલાપીએ દર્શાવ્યું છે. પણ એમાં વસ્તુસ્થિતિના વર્ણન કરતાં કલાપીની નમ્રતાનું દર્શન વધારે થાય છે. મણિલાલ માત્ર સરસ્વતીભક્ત ન હતા. તેમણે પોતે જ લખ્યું છે, કે તેમના જીવનનું તેમણે માનેલું સર્વથી મહાન કર્તવ્ય કાંઈક બીજું જ હતું. 'મારી જીંદગીની મુખ્ય શેાધ કોઈ શુદ્ધ પ્રેમસ્થાન મેળવવા તરફ હતી. તેવું સ્થાન સ્ત્રી મળે, ને વળી પોતાની પરણેલી હોય તે ઘણું શ્રેષ્ઠ એમ હું માનતો. પણ વ્યર્થ. સ્ત્રીના અભાવે કોઈ પુરૂષની સાથે ખરો પ્રેમ બંધાય તો તે પણ મને ઈષ્ટ હતો. આ જ કારણથી હું મિત્રોની વ્યવસ્થા વારંવાર કર્યા જતો ને બને તેટલી રીતે મારા મિત્રો મારા પર પ્રેમ રાખે તેવા પ્રયત્ન આચરતો. પ્રેમનું સ્વરૂપ છે એક પ્રકારનો આનંદમય તથા પોતાપણું ભૂલી પારકામાં તન્મય થવાય એવો અભેદ માનતો. મારૂં વય સમજવાળું થયા પછી હું કોઈ કોઈ સ્ત્રીઓના સંબંધમાં આવ્યો હોઈશ, તે પણ આવી શોધના ઇરાદાથી, વિષયવાસનાથી નહિ. પણ સ્ત્રીપુરૂષ ઉભયપક્ષે મને મારી ઈચ્છા મુજબ મળ્યું નહિ, ને પ્રેમ અંતે વિરાગરૂપે પરિણામ પામ્યો.'[]

અને કલાપી પણ ‘રાજ્યખટપટની જાળમાં ગુંચાયેલો કીડો’ ન હતા. અન્ય સ્થળે પણ તેમણે પોતાને માટે 'હું રાજ્યખટપટનો કીડો છું'[] એમ કહ્યું છે. પરંતુ તે પછી તુર્ત જ જે ઉમેર્યું છે તે જ તેમને માટે વધારે સાચું છે– 'પણ સ્નેહીનો દાસ છું.' આ પ્રમાણે નડિયાદનિવાસી સાક્ષર અને લાઠીના રાજવી વચ્ચે જીવનના ધ્રુવ સંબંધમાં ઐક્ય હતું, એટલે તેમની વચ્ચે અસાધારણ સ્નેહ જામે તેમાં નવાઇ પામવા જેવું નથી. વળી મણિલાલને વિશેષ વ્યવસાય ન હોવાથી તેમને કલાપીના હૃદયની વધારે નજદીક આવવા માટે વધારે અનુકૂળતા હતી. જો કે કલાપી તો તેમને મિત્રના કરતાં ગુરુ વિશેષ ગણતા હતા. છતાં આ ગુરુશિષ્ય વચ્ચે, બુદ્ધિનો નહિ પણ લાગણીનો ગાઢ સંબંધ હતો. એ કેટલો ઉત્કટ હતો તે દર્શાવવા માટે કલાપીના એક પત્રના સંબોધનના આ શબ્દો જ બસ છે : 'મ્હારા વ્હાલા' અને 'મ્હારા દેવ'.

મણિલાલ રાજ્ય, ગૃહ, અને ધર્મ અને સાહિત્યપ્રવૃત્તિ એ સર્વમાં કલાપીને યોગ્ય રીતે દોરનાર મિત્રગુરુ હતા. તેમની સાથે કલાપીને સતત પત્રવ્યવહાર ચાલતે, અને તે વારંવાર લાઠી પણ આવી જતા. કલાપીનાં કાવ્યો મણિલાલના 'સુદર્શન'માં પ્રકટ થતાં, અને છેવટે તે પુસ્તકરૂપે પ્રસિદ્ધ કરવાનું નક્કી થયું ત્યારે પણ તેની જવાબદારી મણિલાલે સ્વીકારી હતી.

મણિલાલ પણ કલાપીનું માન બરાબર સાચવતા, પરંતુ કલાપીની ભક્તિ એ મર્યાદાઓમાં પુરાઈ રહેવાની ના કહેતી. “હું 'મહેરબાન ઠાકોર સાહેબ' અને આપ 'ગરીબ ઘરબારી' એવાં ઉપમાન 'સ્નેહ' 'પ્રેમ'માં હોઈ જ શકે નહીં. હું અને બધા ઠાકોરો, અને ઠાકોર સાહેબો 'ગોરા' અધિકારીઓને સલામ કરવા જઇએ છીએ – જવું પડે છે – તો આપ જેવા સ્વદેશી દેશહિતેચ્છુને 'દંડવત્ પ્રણામ' કરવા આવીએ તો પણ ઘટિત જ છે. અને હું તો આપ સ્નેહીને 'ભેટવા' આવું એમાં આનંદ-અતિ આનંદ છે.”[]

કલાપીએ 'કાશ્મીરનો પ્રવાસ' નામનું પુસ્તક લખેલું. તે સુધારવા માટે તેમણે પ્રથમ ગોવર્ધનરામને વિનંતી કરી હતી. ( ૧૯–૬–૯૩ ). જોડણીની ભૂલો સુધારવાનું કહી આવા મોટા માણસને અતિશ્રમ આપવો અને તેમને કાલક્ષેપ કરાવવો એ અયોગ્ય છે એ કલાપી સમજતા હતા, અને તેથી માત્ર વિચાર અને શૈલિમાં સુધારા કરવાનું કહ્યું હતું. આનું પરિણામ શું આવ્યું તે જાણવાનું બની શક્યું નથી. આવી જ વિનંતી મણિલાલને કરવામાં આવી હતી તે પરથી લાગે છે કે ગોવર્ધનરામ આ સંબંધમાં કાંઇ કરી શક્યા નહિ હોય. મણિલાલને આ પુસ્તકના વિચાર અને શૈલિમાં સુધારા કરવા ઉપરાન્ત ઉપોદ્‌ઘાત લખવાની પણ વિનંતી કરવામાં આવી હતી અને મણિલાલે તે સર્વ કાર્ય કર્યું પણ હતું. અને તે બરાબર જ થયું હશે એમ લાગે છે, કારણ 'પુસ્તક સુધારવામાં આપને ખરેખર કંટાળો આવ્યો હશે. તેને માટે ક્ષમા કરશો' એમ કલાપીએ તેનો સ્વીકાર કરતાં લખ્યું છે.[]

મણિલાલને એક વખત પૈસાની જરૂર પડી ત્યારે કલાપીએ રૂ. ૧,૮૦૦ મોકલ્યા હતા અને તે પાછા ન વાળવાની આગ્રહભરી વિનંતી કરી હતી. વળી તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આપવાના કરતાં માગવું કોઈ રીતે હલકું નથી. પોતાને પણ જો કોઇ મિત્ર પાસેથી કાંઈ મદદ સ્વીકારવી પડે તો તે પાછું આપવા ન કહે.

આ પ્રમાણે કલાપીએ મણિલાલ સાથે અસાધારણ એકતા સાધી હતી. તેથી મણિલાલની પાછલાં વર્ષોમાં હમેશા નબળી રહેતી તબિયતની તેમને ઘણી ચિંતા રહેતી. તેમણે મણિલાલને પૂર્ણ નિવૃત્ત થઈ થોડો સમય લાઠી રહેવાનો આગ્રહ કર્યો. પણ એવામાં મણિલાલની તબિયત અત્યંત ખરાબ થયાના અને ભયભરેલી સ્થિતિ હોવાના સમાચાર કલાપીને મળ્યા. તે નડિયાદ જવા તૈયાર થયા, એટલામાં તેમને મણિભાઈના અવસાનના સમાચાર મળ્યા. કલાપીના કોમળ હૃદયને આથી ઘણો આઘાત પહોંચ્યો. આ પરમકૃપાલુ ગુરુની ખોટ જિંદગીપર્યંત પુરાશે નહિ એમ તેમને લાગ્યું. 'મણિભાઇને પ્રસંગે મને જે લાગે છે તેને માટે મારી પાસે કશી ભાષા નથી. કવિતા તો ઓલવાઈ ગઈ છે. હૃદય દુઃખમાં પણ જ્યારે સ્મૃતિનું સુખ લેતું થાય છે ત્યારે જ કવિતા પણ રસ આપી શકે છે. ખેદની સ્થિતિમાં તો કાંઈ જ થઇ શકતું નથી.'[] મણિલાલના મૃત્યુ પછી કલાપીએ ગવર્ધનરામને પોતાના ગુરુના સ્થાને મૂક્યા હતા. પણ તેમની પાસે ફક્ત અભ્યાસ અને રાજ્યકારભાર સંબંધમાં જ તે દોરવણી માગતા હતા. તેમણે પોતાના ગૃહસંસારની બાબતો ગોવર્ધનરામ પાસે મૂકી ન હતી. કારણ મણિભાઈ તરફ જેવી સ્નેહની લાગણી હતી તેનો અહીં અભાવ હતો. પરંતુ તે સમયના સર્વ ગુજરાતી સાહિત્યપ્રેમીઓની માફક કલાપીને પણ ગોવર્ધનરામ પ્રત્યે અસાધારણ માન હતું.

ગોવર્ધનરામ જૂનાગઢથી વળતાં લાઠી રોકાયા હતા, અને કલાપી પણ ઈ. સ. ૧૮૯૭માં મુંબઈમાં બે વખત ગોવર્ધનરામને ત્યાં મળવા ગયા હતા. પહેલી વાર તે મળવા ગયા ત્યારે 'આપણે ઘેર રાજા આવવાના છે'[] એમ કરી ઘરને શણગારાવવાનો ખાસ પ્રયાસ ઘરનાં માણસોએ કર્યો હતો તે જોઈ કલાપી બીજી વખત અગાઉથી ખબર આપ્યા વિના જ ગયા હતા, કારણ ગોવર્ધનરામ જેવાને પોતાની ખાતર જરા પણ તસ્દી લેવી પડે તે કલાપીના સરળ સ્વભાવને ગમતું નહિ.

કાન્ત એટલે મણિશંકર રત્નજી ભટ્ટ સાથે કલાપીને પ્રમાણમાં મોડો પરિચય થયો. ચાવંડ, જ્યાંના મણિશંકર વતની હતા, તે ગામ લાઠીની પાસે જ આવેલું છે, અને ત્યાં જવા માટે લાઠી જ રેલ્વે સ્ટેશન છે. વળી કલાપીના લગ્ન વખતે લાઠી મેનેજર આશારામભાઈના પુત્રોના મિત્ર તરીકે મણિશંકર આવ્યા હતા, અને તેમની વચ્ચે એાળખાણ પણ થઈ હતી. પરંતુ એ એાળખાણ નામની જ હશે એમ લાગે છે. તેમની વચ્ચે મૈત્રીનો સંબંધ ત્યાર પછી લગભગ આઠ વર્ષે બંધાયો. તા. ૨૬–૧–૯૭ના એક પત્રમાં મણિશંકરે પોતાના મિત્ર પ્રો. બલવંતરાય ઠાકોરને લખ્યું હતું: 'લાઠી ઠાકોર સાહેબ એક ઉત્તમ કવિ છે, અને અમે પહેલી ક્ષણે જ અન્યોન્ય મિત્ર બન્યા છીએ. એમના વિશે ઘણી ઘણી બાબતો એવી છે, જે તમે જાણો એમ ઇચ્છું છું.[]

કલાપીએ પોતાના સ્નેહજીવનનો ઇતિહાસ કાન્તને લખી મોકલ્યો હતો તેના જવાબમાં કાન્તે તેમને પોતાનું દુ:ખ ધીરજથી સહન કરવાની સલાહ આપી હતી. "જે કાંઈ થાય છે તે સર્વ ઈશ્વરેચ્છાથી જ અને વિશ્વના અનંત ઉદ્દેશોની ખાતર જ થાય છે એ શ્રદ્ધા અથવા પ્રતીતિ નિશ્ચલ થયા વગર ધર્મનાં સત્યો આપણી દૃષ્ટિને દેખાતાં નથી. આ પાર્થિવ જીવનના સુખ દુઃખ ક્ષણિક છે; અનંત જીવનના કાંટામાં જ તેની યોગ્ય તુલના થઈ શકશે.”[]

કાન્તે કલાપીને સ્વીડનબૉર્ગ રૂપી 'ઔષધિ' ની ભલામણ દુઃખના શામક તરીકે કરી. કલાપીને આ ઔષધ ઘણું રુચ્યું હોય એમ લાગે છે. તેમણે ગોવર્ધનરામને લખ્યું હતું : 'સ્વીડનબૉર્ગ ઘણો મોટો માણસ છે એમ તેનાં થોડાં પુસ્તકો વાંચવા પરથી લાગ્યા વિના રહેતું નથી.' આજ પત્રમાં તેમણે મણિશંકર વિશે અભિપ્રાય દર્શાવ્યો હતો કે તેમનું હૃદય નિખાલસ લાગે છે અને બાલક જેવું પવિત્ર છે.'[]

પોતાના મિત્ર છે. બલવંતરાય ઠાકોરને સાથે લઈ મણિશંકરે તા. ૧૫–૧૧–૯૮ થી શરૂ થતું એક અઠવાડિયું કલાપીની સાથે ગાળ્યું હતું. ત્યાં શાસ્ત્રી પ્રભુલાલ પ્રભાશંકર, જટિલ અને રૂપશંકર ઉદયશંકર તથા કારભારી તાત્યા સાહેબ હતા જ અને લક્ષ્મીપ્રસાદ હરિપ્રસાદ દેસાઈ ભાવનગરથી બે દિવસ આવ્યા હતા. આ પ્રસંગે એવો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો કે પ્રો. ઠાકોર અને મણિશંકરે તેપછીનોયે મહિનો મહાબળેશ્વરમાં ગાળવો અને સાથે શેક્સપીયર, પ્લેટો, સોફોક્લિસ વગેરે વાંચવા. આ પરિચયના પરિણામે પ્રો. ઠાકોરે અભિપ્રાય દર્શાવ્યો છે કેઃ 'શુદ્ધ જિજ્ઞાસાની સુરસિંહજીના જેટલી ઉત્કટતા અતિવિરલ.[] મણિશંકરની સલાહ પ્રમાણે કલાપીએ સ્વીડનબર્ગનાં પુસ્તકો વાંચવા માંડ્યાં હતાં. શરૂઆતમાં તેમના મનમાં તેના વિચારોની વિરુદ્ધ દૃઢતા બંધાઈ, પણ 'હેવન ઍન્ડ હેલ' વાંચ્યા પછી તેના પર વિશેષ શ્રદ્ધા લાવવાનું મન થયું, અને વિરોધને બદલે મનમાં શંકાએ સ્થાન કર્યું.

મણિશંકરે ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો તે કારણથી તેમના જૂના મિત્રોએ અને જ્ઞાતિજનોએ તેમનો ત્યાગ કર્યો. પરંતુ કલાપીએ તેમની સાથે પહેલાના જેવો જ પ્રેમ અને મૈત્રી ચાલુ રાખ્યાં હતાં. તેથી મણિશંકરના હૃદયને ઘણું આશ્વાસન મળ્યું હતું. કલાપીએ પોતે પણ બાઈબલ વાંચવા માંડ્યું, અને ૧૦−૧૦−૧૮૯૯ થી (Lord's prayer) ખ્રિસ્તી પ્રભુ પ્રાર્થના શરૂ કરી. કલાપીનાં નાનાં નાનાં અંજની ગીતોમાં અને 'પેદા−થયો છું ઢંઢવા તુંને સનમ' જેવાં કોઈ કોઈ કાવ્યોમાં ખ્રિસ્તી ધર્મની જે અસર દેખાય છે, તેનાં મૂળ અહીં જોઈ શકાશે.

મણિભાઇએ સ્વીડનબર્ગના પુસ્તકનો પોતે કરેલો અનુવાદ 'સ્વર્ગ અને નરક' S. T. G. એટલે સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલને અર્પણ કરેલ છે. કલાપીના મૃત્યુ પછી તેમનાં કાવ્યોને એકત્ર કરી 'કલાપીનો કેકારવ' એ નામથી મણિશંકરે પ્રકટ કરી પોતાના આ મિત્રનું સાક્ષરશ્રાદ્ધ ઉત્તમ રીતે કર્યું છે. તેની શરૂઆતમાં મૂકેલું કાવ્ય 'કલાપીને સંબોધન' હવે તો ગુજરાતમાં અત્યંત જાણીતું થઈ ગયું છે.

'કલાપીનો કેકારવ' ગુજરાતને ગાંડું કરી શકે તેમાં મણિશંકરનું સંપાદન પણ એક મુખ્ય તત્ત્વ ગણાવું જોઈએ. મણિશંકરનું સ્થાન ગુજરાતના કવિઓમાં ઘણું આગળ પડતું હતું. તેમના હૃદયની નિખાલસતા અને નીડરતા વિરોધીઓની પાસે પણ માન અપાવે તેવી હતી. મણિભાઇ જેવા સ્વતંત્ર વિવેચકે કલાપીનાં કાવ્યો પસંદ કરી પ્રકટ કર્યાં એ જ તેની ઉચ્ચતાનું પ્રમાણપત્ર હતું. 'કેકારવ'ની પછી મણિભાઇએ કલાપીનાં 'હમીરજી ગોહિલ' તથા 'માલા અને મુદ્રિકા' નામનાં પુસ્તકો પણ યોગ્ય રીતે સંપાદન કરીને પ્રસિદ્ધિમાં મૂક્યાં હતાં. કલાપીના કેટલાક પત્રો 'કેકારવ'માં મણિભાઇએ પ્રકટ કર્યા હતા ત્યારથી જ તેની તરફ વાંચકોનું ખેંચાણુ ઘણું થયું હતું. એટલે કલાપીના પત્રો પુસ્તક રૂપે છપાવવા માટે મણિભાઇએ નિશ્ચય કર્યો, અને તે માટેની સર્વ સામગ્રી એકઠી કરી કાશ્મીરના પ્રવાસે ગયા, પરંતુ પ્રવાસ દરમ્યાન જ તેમનું અવસાન થયું. પરંતુ તેમના સુપુત્ર શ્રી. મુનિકુમારે 'કૌમુદી'ના કલાપી અંકમાં અને છૂટક પુસ્તકરૂપે આ પત્રો પ્રસિદ્ધ કરી આ કાર્ય ઘણી સારી રીતે પાર પાડ્યું છે, જે માટે તેમને અભિનંદન ઘટે છે.

રૂપશંકર ઉદયશંકર ઓઝા, જે 'સંચિત્' ની સંજ્ઞાથી કાવ્યો લખતા હતા તેમનું નામ અત્યારે બહુ જાણીતું નથી, પણ ગુજરાતી સાહિત્યના અભ્યાસીને તે અજાણ્યું રહેવું જોઈએ નહિ. સંચિતે ૧૯૦૯માં રાજકોટમાં ભરાયેલ ત્રીજી સાહિત્ય પરિષદ વખતે 'કલાપીનું સાક્ષર જીવન’ નામનો વિસ્તૃત નિબંધ તૈયાર કર્યો હતો. તે ત્રીજી સાહિત્ય પરિષદના અહેવાલમાં છપાયો છે, અને જુદા પુસ્તકરૂપે પણ ઉપલભ્ય હતો.

સંચિતનો જન્મ ઈ. સ. ૧૮૬૬ માં તેમના મોસાળમાં વસાવડ મુકામે વડનગરા નાગરજ્ઞાતિમાં થયો હતો. વસાવડના તાલુકદારો વડનગરા નાગરો છે, અને રૂપશંકરનાં માતા આવા જ એક તાલુકદારનાં એકનાં એક પુત્રી હતાં. આ પ્રમાણે મોસાળના ગીરાસના વારસદાર રૂપશંકર હતા, પણ આર્થિક મુશ્કેલીને કારણે સરકારમાં કાયદેસર લડત ન ચલાવી શકવાથી તેમને આ વારસો મળ્યો નહિ.

સંચિત્‌ના પિતા પોલિસ ખાતામાં નોકર હતા, પણ આ નોકરી સંચિત્‌ની બાળવયમાં જ છોડી દઇ તેમણે સાધુ–સંન્યાસીઓમાં ફરવા માંડ્યું હતું. આ પ્રમાણે પંદર વર્ષની વયે સંચિત્‌ની ઉપર કુટુંબ વ્યવહાર ચલાવવાનો બોજો પડ્યો. તેમણે માત્ર અંગ્રેજી ચાર ધોરણનો અભ્યાસ કર્યો હતો, પણ આપ મેળે પાછળથી ઘણું જ્ઞાન મેળવ્યું હતું. એકાદ વર્ષ ગોંડળમાં ખેતી અને એન્જીનિયરીંગનો અભ્યાસ તેમણે કર્યો હતો તે પાછળથી તેમને ઘણો ઉપયોગી નીવડ્યો હતો.

શરૂઆતમાં કેટલોક સમય જૂનાગઢમાં નોકરી કર્યા પછી સંચિતે કાઠી રજવાડાંઓમાં પ્રવેશ કર્યો. અહીં કાઠી રાજાઓના નોકર કરતાં મિત્રના જેવી તેમની સ્થિતિ વધારે હતી. હડાળાના કાઠી દરબારશ્રી વાજસુરવાળાનો આશ્રય સંચિતને સૌથી વધારે મળ્યો હતો. અને શ્રી. વાજસુરવાળા કલાપીના ગાઢ મિત્ર હતા તેથી સંચિતને પણ કલાપી સાથે મૈત્રીનો સંબંધ બંધાયો.

કલાપી અને શ્રી. વાજસુરવાળાના કાશ્મીરના પ્રવાસ દરમ્યાન સંચિત્ પણ એક સંગાથી હતા. આ સમયે કલાપીના ગાઢ પરિચયમાં તે આવ્યા.

અમદાવાદ પહોંચ્યા પછી એક સાંઝે હઠીભાઈની વાડીના ઊતારામાં કલાપી 'કાદંબરી' વાંચતા હતા, ત્યાં સંચિત્ જઈ ચઢ્યા, અને થોડી વાતચીતને અંતે બન્નેએ સાથે મળીને જ આ મુશ્કેલ ગ્રંથ વાંચવાનું ઠરાવ્યું. આ સહવાંચનનો સંચિત્ કાશ્મીરનો પ્રવાસ પૂરો થતાં પાછા ફર્યા, અને કલાપી, આર્યાવર્તના પ્રવાસમાં આગળ વધ્યા તેથી અંત આવ્યો, પણ કલાપીએ 'બાઈ કાદંબરીની થોડી સેવા'[૧૦] એકલા પણ કરવાની ચાલુ રાખી હતી.

કલાપી અને સંચિત્‌નો પ્રવાસ દરમ્યાન બંધાયેલો આ સંબંધ ઉત્કટ મૈત્રીના સ્વરૂપમાં પરિણમ્યો. કલાપીએ સંચિત્‌ને માટે પત્રોમાં જે સંબોધનો યોજ્યાં છે તે જોઇ જવાથી આનો કાંઈક ખ્યાલ આવે છે. પોતાના આ વહાલા રૂપ કે વહાલા બાલુભાઇને પરમ સ્નેહી, પ્રિયમિત્ર, વહાલા જીવન, પ્રેમવત્સલ, પ્રેમકોષ, પ્રેમસાગર, સર્વસ્વહૃદય, પ્રિયપાન્થ, નયનાનન્દક, હૃદયાનન્દક, પ્રીતિરત્નાકર, સર્વસ્નેહરત્નાકર–વગેરે વગેરે નવાં નવાં સંબોધનોથી કલાપીએ સંબોધ્યા છે. તે તેમની 'પ્રિય દુનિયા' છે. છેવટે સહી કરવામાં પણ આવો જ ભાવ કલાપીએ વ્યક્ત કર્યો છે. પોતાના આ પરમ મિત્રને પ્રથમ પત્રમાં તેઓ સલામ પાઠવે છે, પણ પછીથી કંઠાલિંગન, સહસ્ત્ર–કંઠાલિંગન અને આશ્લેષ પાઠવે છે. વળી પત્રોમાં જ્યાં સંચિત્ પુષ્પ છે ત્યાં પોતે મધુકર છે. કલાપીએ લખ્યું છે: 'પ્યારીના પત્રોના જેટલા જ ઉલ્લાસથી દુનિયાના પત્રનાં દર્શન થાય છે.'[૧૧] આને સંચિતે 'અમારા ઈશ્કની મસ્તી' નામ આપ્યું છે તે જ યોગ્ય લાગે છે.

સંચિત્ કલાપીના મિત્ર જ રહેવા ઇચ્છતા હતા, પરંતુ સંયોગવશાત્ તેમણે લાઠીના ડેપ્યુટી કારભારી અને મુખ્ય કારભારી તરીકે પણ કેટલોક સમય કામ કર્યું હતું.

લાઠી છોડતાં સંચિતે 'વિખુટા થતા મિત્રને' નામનું કાવ્ય લખ્યું હતું તેમાંથી તે સમયની પરિસ્થિતિનું સચોટ આલેખન મળે છે. કાવ્યને અંતે આ સ્નેહી મિત્રે ચિંતાતુર બનીને કહ્યું હતું:

મને આ લાગે છે : વિષમય બધા આ સમૂહમાં
ખરે ! તું સુધા છે : પ્રભુથી ઉગરે મ્હેર ધરીને.
ખરે ! ખારાનીરે મીઠી મીઠી તું ભાત ! વિરડી:
પ્રભુ પોષે, રક્ષે, અનળ સળગ્યો છે સ્થળ સ્થળે ! !
હવે હું જાઉં છું ફીકર મુજ તું કૈ નવ કરે,—
અને આ સંસારે પળપળ તું ચેતી વિચારજે. [૧૨]

કલાપીના મૃત્યુ પછી સંચિતે કદી પણ રંગીન પાઘડી બાંધી ન હતી. ૧૧ વર્ષ પછી પોતાના આ મિત્રને સંભારતાં સંચિતે લખ્યું હતું:

છપ્પનીયો દુષ્કાળ આવ્યો, વીત્યો સર્વને,
અમને પૂરી ઝાળ, આપી ચાલ્યો સુરસિંહ !

સંચિતે પણ, મણિશંકરની માફક કલાપીનું સાહિત્ય પ્રકટ કર્યું છે. પ્રથમ તેમણે 'કલાપીના સંવાદો' પ્રકાશમાં મૂક્યા, અને 'કેકારવ'ની પ્રસિદ્ધિમાં બની શકી તેટલી મદદ કરી. 'કલાપી ગ્રંથાવલી’ની એક વિસ્તૃત યોજના તેમણે ઘડી હતી, અને તે પ્રમાણે કલાપી–સાહિત્યનાં વીશેક પુસ્તકો પ્રકટ કરવા મુંબઈમાં કાર્યાલય ખોલ્યું. આ કાર્યાલય મારફત 'કાશ્મીરનો પ્રવાસ', 'કલાપીના સંવાદ' અને 'કલાપીનું સાક્ષરજીવન' નામનો પોતાના ઉપર કહેલો વિસ્તૃત નિબંધ સુધારાવધારા સાથે–એટલાં પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવ્યાં, પણ પછી આપણા સાહિત્યના દુર્ભાગ્યે કેટલાંક કારણોથી એ યોજના પડતી મૂકવામાં આવી.

સંચિત્‌નું અવસાન ૬૬ વર્ષની વયે ઈ. સ. ૧૯૩૨માં થયું. અવસાન પહેલાં તેમણે કલાપીના કુમારશ્રી જોરાવરસિંહજીએ પ્રસિદ્ધ કરેલ અમૂલ્ય ગ્રંથ 'શ્રી. કલાપીની પત્રધારા'નો ઉપોદ્‌ઘાત લખ્યો હતો તે તેમનું કલાપી વિશેનું છેલ્લું લખાણ છે.

મસ્તકવિ ત્રિભુવન પ્રેમશંકરનું પુસ્તક 'કલાપીનો વિરહ' જેટલું જાણીતું થવું જોઇએ તેટલું થયું નથી, એ સાચી કવિતાની આપણા વાંચકોમાં કેટલી ઓછી કદર છે તેનો પુરાવો છે. ત્રિભુવન પ્રેમશંકર મહુવાના વતની હતા. તેમનું કાવ્ય 'વિભાવરી સ્વપ્ન' રમણભાઈની પ્રશંસા પામી શક્યું હતું. તેમનું બીજું કવિતાનું પુસ્તક 'સ્વરૂપ પુષ્પાંજલિ' પણ વાંચવા લાયક છે. પરંતુ તેમનો શ્રેષ્ઠ ગ્રંથ 'કલાપીનો વિરહ' છે. મસ્તકવિ વેદાન્તી હતા, અને આ ગ્રંથમાં તેમણે શાંકરવેદાન્ત ભજનના ઢાળોમાં સમજાવ્યું છે. કવિશ્રી નાનાલાલે પોતાની વિશિષ્ટ શૈલિમાં મસ્તકવિનું રેખાચિત્ર થોડા શબ્દોમાં પણ આબેહૂબ દોર્યું છે. 'જાણે યાળ ઉછાળતો સિંહનો બાળકો; શિલા સમો બાંધી દડીનો દેહસ્તંભ; કેસરી સમો અલમસ્ત અને મલપતો, પીચ્છ છટા જેવા એના હાથ ઉછળે, વનરાજના હુંકાર સમી એની કાવ્યઘોષણા પણ ગાજે.'[૧૩] કલાપી મસ્તકવિને માસિક દસ રૂપિયાનું પેન્શન આપતા હતા અને વડિયાના બાવાવાળા પાંચનું. કલાપીએ ભાવનગરના મહારાજા ભાવસિંહજીને મસ્તકવિને આવી મદદ આપવા પત્ર લખી જણાવ્યું હતું, કારણ તે ભાવનગરના પ્રજાજન હતા એટલે તેમના પર આ કવિનો પ્રથમ હક્ક હતો. મસ્તકવિનો પરિચય આપતાં કલાપીએ લખ્યું હતુંઃ 'કોઇને પણ સખ્ત સત્ય કહી શકે, કદીપણ અંતઃકરણની ઉચ્ચ ભાવનાથી ન ડગે એવું ચરિત્ર આ કવિમાં દુનિયાદારીમાં મેં પ્રથમ જ જોયું છે. અને તે ગરીબ બ્રાહ્મણ કોઈપણ રાજાનો મિત્ર થવા યોગ્ય છે એમ મને સમજાયું.'[૧૪]

મહુવાના બીજા બે વતનીઓનો પણ કલાપીના મિત્રમંડળમાં સમાવેશ થતો હતો. ફૂલચંદ જો મારી સ્મરણશક્તિ દગો દેતી ન હોય તો, એક ખોજા ગૃહસ્થ હતા, પણ સાહિત્ય અને તત્ત્વજ્ઞાનના રસિયા હતા. મસ્તકવિ ત્રિભુવને પોતાનું પુસ્તક 'સ્વરૂપ પુષ્પાંજલિ' ફૂલચંદને અર્પણ કર્યું છે.

'જટિલ' એટલે જીવણરામ લક્ષ્મીરામ દવે એ સમયમાં કવિ અને વિવેચક તરીકે સારી પ્રતિષ્ટા પામ્યા હતા. તેમણે કલાપીનાં કેટલાંક કાવ્યો પર, તે પ્રસિદ્ધ થયાં ત્યારે, વિવેચન લખ્યું હતું. તે મહુવાની મિડલ સ્કૂલના હેડમાસ્તર હતા. અહીંથી રજા લઈ તેમણે કલાપીના મંત્રી તરીકે કેટલોક સમય કામ કર્યું હતું, અને પછી કલાપીએ તેમને પેન્શન બાંધી આપ્યું હતું. 'હમીરજી ગોહિલ' લખવામાં તેમણે કલાપીને સારી મદદ કરી હતી. તેમનાં કાવ્યો 'જટિલ પ્રાણપદબંધ' એ નામથી પ્રસિદ્ધ થયાં હતાં. હરિલાલ ધુવના મૃત્યુ પછી 'જટિલે' કેટલોક સમય 'ચંદ્ર'ના તંત્રી તરીકે પણ કામ કર્યું હતું.

કુંડલાના પ્રશ્નોરા શાસ્ત્રી પ્રભુલાલ પ્રભાશંકર સાથે કલાપી સંસ્કૃત કાવ્યો વાંચતા અને સમજતા. પ્રભુલાલ શાસ્ત્રી ભાગવતના રસિયા હતા અને મેઘદૂતના ઘનપાઠી હતા. પણ કલાપીના અવસાન પછી તેમને સાહિત્ય તરફ વૈરાગ્ય આવ્યો અને તેમણે વૈદ્ય તરીકેનો વ્યવસાય શરૂ કર્યો. ટૂંકા જીવનમાં કલાપીએ આ પ્રમાણે અનેક રસિક હૃદયોને પ્રેમનાં અમૃત–ઝેર પાયાં હતાં. કલાપીએ લખ્યું છેઃ

આ પ્રેમ સંસારી તણો તુજ તેજ જેવો છે નકી,
એ અમૃતે શું ઝેરનાં બિંદુભર્યાં વિધિએ નથી ?
અમ એ જ જીવન, એ જ મૃત્યુ, એ જ અશ્રુ ને અમી,
જે પોષતું તે મારતું, એવો દીસે ક્રમ કુદરતી.

પ્રભુલાલ શાસ્ત્રી, મસ્તકવિ, સંચિત્, વાજસુરવાળા, કાન્ત, રમા, શોભના–કેટકેટલા સ્નેહીઓને કલાપીએ અલ્પ આયુષમાં 'રસઘડા' પાયા. તેમના સ્નેહીમંડળના ઉરઉરમાંથી ઊઠતા આર્તનાદનો જાણે પડઘો હોય તેમ કલાપીએ પોતે જ ફરિયાદ કરી છે :

આયુ સ્વલ્પ દઈ કર્યાં મનુજને પ્રેમી ઇશે કાં ભલાં ?
શું પીવાય મુહૂર્તમાં રસઘડા વ્હાલાં ઉરે જે વસ્યા ?

આ મંડળમાંના, કલાપીના પરમમિત્ર દરબારશ્રી વાજસુરવાળા સદ્‌ભાગ્યે આપણી વચ્ચે અત્યારે વિદ્યમાન છે. બગસરા ભાગદાર દરબારશ્રી વાજસુરવાળા આર્યાવર્તના પ્રવાસમાં કલાપીના સંગાથી હતા. સાહિત્ય, કલા અને ધર્મની અખંડ ઉપાસના પોતાના નાનકડા ગામમાં અર્ધી સદી પર્યંત કરીને દરબારશ્રીએ હડાળાને હિંદજાણીતું કીધું છે. વિદુષી એનીબેસંટ, શ્રીમાન બ્રુક્સ અને પ્રોફેસર ઊનવાળા જેવા અનેક શારદાભક્તો હડાળાની મુલાકાતે આવતા ચર્ચા, ભજનકીર્તન, વાર્તાકથાનો કાર્યક્રમ તો અખંડ ચાલ્યા જ કરતો. દરબારશ્રી થિયોસૉફિસ્ટ છે, અને તેમના થિયોસૉફિના અભ્યાસના ગ્રીષ્મ વર્ગોનો લાભ થિયોસોફિસ્ટ અને ઇતર અનેક સંસ્કારપ્રેમીઓએ લીધો છે.

દરબારશ્રી વાજસુરવાળા કાવ્યો પણ લખતા અને તેમનાં કાવ્યોને વારંવાર કલાપીએ પોતાના કાવ્યોના કરતાં વધારે સારાં કહ્યાં છે. આ મિત્રોની મૈત્રીના સ્થૂલ સ્મરણચિહ્નરૂપે, કલાપીએ ખાસ હડાળે આવી સ્થાપન કરાવેલ 'વ્રજસુરેશ્વર'નું શિવાલય મોજુદ છે.

  1. ૧. 'શ્રી કલાપીની પત્રધારા' પૃ. ૪
  2. ૧ મણિલાલની 'આત્મકથા' ( વસંત )
  3. ૨ 'શ્રી. કલાપીની પત્રધારા' પૃ. ૨૮૦
  4. ૧ 'શ્રી. કલાપીની પત્રધારા' પૃ. ૧૧
    અહીં મેં ઉપસાવેલ શબ્દ 'સ્વદેશી'ને બદલે મૂળમાં પરદેશી શબ્દ છે, પણ સંબંધ જોતાં એ બંધબેસતો ન લાગવાથી આ પ્રમાણે સુધારો સૂચવ્યો છે.
  5. ૧ 'શ્રી. કલાપીની પત્રધારા' પૃ. ૧૩
  6. ૨ લલિતને પત્ર ૧૯–૧૦–૯૮ 'કલાપીના પત્રો'
  7. ૧ 'શ્રીયુત ગોવર્ધનરામ'
  8. અહીં સુધી ઉપર જાઓ: ૮.૦ ૮.૧ ૮.૨ ૧ 'કાન્તમાલા'
  9. ૨ ‘કાન્તમાલા'
  10. ૧ 'શ્રી. કલાપીની પત્રધારા'
  11. ૧. કૌમુદી, પૌષ ૧૯૮૧
  12. ૨. શ્રી સંચિત્‌નાં કાવ્યો
  13. ૧. 'કલાપીનો સાહિત્યદરબાર: સ્ત્રીબોધ, માર્ચ, ૧૯૩૮
  14. ૧. 'કલાપીના પત્રો’