કલાપી/રાજવી કવિનું ગૃહજીવન

← આર્યાવર્તનો પ્રવાસ કલાપી
આર્યાવર્તનો પ્રવાસ
નવલરામ ત્રિવેદી
હૃદયત્રિપુટી →





પ્રકરણ ચોથું
રાજવી કવિનું ગૃહજીવન

લાપીનાં લગ્ન તો તેઓ કૉલેજમાં અભ્યાસ કરતા તે જ સમયે, ઈ. સ. ૧૮૮૯ ના ડિસેમ્બરની પહેલી તારીખે થઈ ગયાં હતાં. એક જ સમયે બે જગ્યાએ ખાંડાં મોકલવામાં આવ્યાં હતાં, કારણ આ સમયે હાથેવાળે લગ્ન કરવા જવાની પ્રથા રાજાઓમાં અત્યારે છે તેટલા પ્રમાણમાં પણ પ્રચલિત ન હતી. એક ખાંડું કચ્છ રોહાનાં રાજકુમારી શ્રી. રાજબા માટે મોકલવામાં આવ્યું હતું અને બીજું કાઠિયાવાડના કોટડા સાંગાણીનાં રાજકુમારી શ્રી. આનંદીબા માટે. અને રાજકુમારીઓ લાઠીમાં આવ્યા પછી લગ્નની કેટલીક ક્રિયાઓ કરવામાં આવી હતી. આ લગ્નોત્સવ પ્રસંગે કવિ દલપતરામ અને સ્વ. મણિશંકર રત્નજી ભટ્ટ (કાન્ત) લાઠી આવ્યા હતા. દલપતરામે આ પ્રસંગે ખાસ આશીર્વાદાત્મક કાવ્ય બનાવ્યું હતું, પણ મણિશંકર કલાપીના ખાસ પરિચયમાં આ સમયે આવ્યા ન હતા. તે તો શ્રી. મૂળચંદ આશારામના સહાધ્યાયી અને મિત્ર હોવાથી આશારામ ભાઈને ત્યાં જ ઉતર્યા હતા. પણ મૂળચંદભાઇએ આ બે કવિહૃદયની મુલાકાત કરાવી હતી, અને તેમની ભાવી મૈત્રી માટે, તેથી જ, તેઓ વાજબી રીતે આનંદની લાગણી અનુભવે છે.

આ પ્રસંગે બનેલા એક બનાવની શ્રી. મૂળચંદભાઈ ખાસ નોંધ લે છે.[] રજવાડામાં એવો રિવાજ છે કે જે બે રાણીઓનાં સાથે એક જ મુહૂર્તે લગ્ન થયાં હોય તો તેમાંથી જે પહેલાં પોંખાય તે પટરાણીનો દરજ્જો ભોગવે. રોહા રાજ્યનાં માણસો ઘણાં કાર્યકુશળ હતાં, એટલે તે કલાપીને મળ્યાં, અને રોહાનાં કુમારીને પહેલાં પોંખવામાં આવે એ પ્રમાણે તેમના મનનું વલણ ફેરવ્યું. ખુદ ઠાકોર સાહેબની જ ઇચ્છા પોતાની તરફેણમાં છે એમ જાણી રોહાવાળાઓ નિશ્ચિંત થયા. પરંતુ લાઠીમાં આ વખતે મેનેજમેંટ હતું, એટલે ત્યાં તો દરેક બાબતમાં કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ કહે તે જ પ્રમાણે થતું. આ વખતે કોટડા સાંગાણીમાં પણ મેનેજમેંટ હતું, કારણ રાજકુમારી આનંદીબાના ભાઈ શ્રી. મૂળવાજી સગીર હતા. મેનેજર તરીકે ઉમિયાશંકર નામે કુશળ મુત્સદ્દી હતા. એટલે તે હાલારના ઍસિસ્ટંટ પોલિટિકલ એજંટ મારફત કાઠિયાવાડના પોલિટિકલ એજંટને મળ્યા, અને કોટડાનાં રાજકુમારીને પ્રથમ પોંખવાં એવો હુકમ જ લાઠી જેના તાબા નીચે હતું તે ગોહિલવાડના આસિસ્ટંટ પોલિટિકલ એજંટની ઉપર લખાવીને મોકલી આપ્યો. આ પ્રમાણે થવાથી રોહાવાળાઓ નિરાશ થયા, પણ તેમની કુશળતા આ નાના બનાવથી લાઠીના લોકોના સમજવામાં આવી ગઈ.

સુરસિંહજીને અપર માતાઓ હતાં, અને હવે તેમનાં બે રાણીઓ આવ્યાં. પંદર વર્ષના કવિ હૃદયના રાજકુમારને માથે આ ‘ઝનાના’ ની જવાબદારી ઘણી ભારે ગણાય. આવી પરિસ્થિતિમાં કેમ કામ લેવું તે કલાપી જાણતા ન હતા, અને જાણવાની દરકાર પણ રાખતા ન હતા. રાજખટપટની માફક જ ગૃહખટપટ પણ તેમના સ્વભાવને અનુકૂળ આવે તેમ નહતી. તેમણે તો આદર્શવાદી તરીકે ‘માવરૂં’ અને બન્ને રાણીઓને પૂરેપૂરો ન્યાય મળે તેવી રીતે વર્તવાનો નિશ્ચય કર્યો અને તે પ્રમાણે વર્તવા પણ માંડ્યું.

રાજબા ભણેલાં હતાં. તેમના ઉપર સુરસિંહજીએ લખેલા પત્રો આપણી પાસે મોજુદ છે, પણ તેમણે સુરસિંહજીને લખેલા પત્રોમાંથી એક પણ લભ્ય નથી. છતાં સુરસિંહજીના પત્રો પરથી પણ રાજબાની શક્તિ વિશે કેટલુંક જાણવાનું મળે છે. તેમને સંગીતનું સારું જ્ઞાન હતું અને કાવ્યો પણ રચી શકતાં હતાં. પોતાના પ્રતાપથી અને સ્નેહાળ વ્યક્તિત્વથી તે શરૂઆતથી જ સુરસિંહજીનો પ્રેમ જીતી શક્યાં.

કવિશ્રી નાનાલાલે થોડા શબ્દોમાં રાજબા, જેમને સાહિત્ય જગત રમાના નામથી ઓળખે છે તેમનું જીવંત રેખાચિત્ર દોર્યું છે.

[]'કલાપિ સાહિત્યદરબારનાં મહારાણી હતાં રમાબા. કચ્છનાં કોડ ને રૂ૫ હતાં; ઉછળતી દેહછટા, સિંહણ સમો સિનો હતો. રમાબા હતાં જાજરમાન. ભલભલાને માન મૂકાવે. આંખના આકર્ષણ પણ સિંહ આંખડીના હતા. એમના બોલ ન્હોતા ઝરતા, આજ્ઞાટંકાર થતા. ભજન ગાય ત્ય્હારે પડઘા પડતા. મહેમાનોની મહેમાની એ રમાધર્મ હતો. નિર્ધાર દૃઢતામાં અચળા સમું અચળત્વ, ભજન-ધૂનમાં ગુફા સમો શબ્દગોરંભો, રાજરમતમાં અવસર જીતતાં જાદુ રમાબાનાં હતાં. રાજદરબારીઓ એ સહુ જાણતા, ને ઘણાખરા રમાવશ વર્તતા સ્વયં કલાપીને રમાનાં ગુરૂત્વાકર્ષણ ઘટાઘેરે ઘેરી વળતાં. આદ્યશકિતની રમા કુંવરી હતી : પ્રતાપી, શક્તિશાલિની, જયકલગી વરેલી.'

કલાપી રમાને મળ્યા ત્યારથી જ તેમના પ્રત્યે તેમને અસાધારણ આકર્ષણ ઉત્પન્ન થયું હતું. પ્રેમલગ્નથી જોડાયેલાં દંપતીના જેવોજ રોમાંચક હર્ષોન્માદ આ લગ્નપ્રેમી દંપતીમાં જોવામાં આવે છે. તેમના લગ્નજીવનની શરૂઆતના મધુર મિલનનો પ્રસંગ સંભારતાં બે વર્ષ પછી, ઈ. સ. ૧૮૯૧ના ડિસેમ્બરની ૩૧મી તારીખે કલાપીએ ગયાજીથી લખ્યું હતું: "આજ મને ૧૮૮૯ના ડીસેમ્બર માસની ૩૧મી તારીખ, સ્ટેશનની સડક પર આપણું મળવું, રથમાં સાથે બેસી દરવાજામાં ફુલના વરસાદ અને 'હું ર્ ર્ રા' શબ્દની ગર્જના સાથે દાખલ થવું, અને ઈશ્વરની કૃપાથી રત્નની પ્રાપ્તિ થવી તે બરાબર સાંભરી આવે છે. નજર આગળ તરી આવે છે." આ ડિસેમ્બરની ૩૧મી તારીખે કલાપી રાજકોટ જવા માટે નીકળ્યા તે સમયનો પ્રસંગ હોય એમ લાગે છે. કારણ ૨જી જાન્યુઆરી ૧૮૯૦ના રોજ રાજકોટથી તેમણે રમાને જે પત્ર લખ્યો તેમાં તેની પહેલાં પોતે લખેલો પત્ર મળ્યો કે નહિ એમ પુછાવ્યું છે. વળી એ પત્રમાં લખ્યું છે કે પોતે પ્રથમ પત્ર લખ્યો તે પહેલાં તેમને રમાનો પત્ર મળી ગયો હતો. આ પ્રમાણે ૧૮૯૦ના આરંભથી જ શરૂ થયેલ પત્રવ્યવહારની ગતિ અને જથ્થો શરૂઆતનાં વર્ષોમાં અસાધારણ છે. એક દિવસમાં બે બે પત્રો અને તાર મારફત પણ આ દંપતીએ સ્થલના અંતરને સાંધવાનો સતત પ્રયાસ કર્યો હોય એમ દેખાય છે.

શરૂઆતથી જ કલાપીએ રમાને પોતાને પ્રિય એવી કાવ્યપ્રવૃત્તિ તરફ દોરવાનો પ્રયત્ન કર્યો. ‘તમને ગાયનનું સારૂં જ્ઞાન હોવાને લીધે મને લાગે છે કે તમે સાધારણ કવિતા પણ રચી શકતા હશો. જો એમ હોય તો વખત કાઢવાને વાસ્તે એ ઉત્તમ ઈલાજ છે. જો એમ હોય તો તમે એક હોરી રચજો અને રચ્યા પછી સારી નથી થઈ એમ મનમાં ન લાવતાં મને લખી મોકલજો ... જરાપણ આવડતું હોય તો વધારે મેળવવું. જો તમને આ વિષે થોડું જ્ઞાન હોય તો આ વિષયની ચોપડીઓ તમને જે ઠીક લાગે તે મારી પાસેથી મગાવી લેજો.'[]

રમા કાવ્યો લખીને કલાપીને લખતાં અને કલાપી પણ કાવ્યો જોડીને રમાને મોકલતા. કવિતાની દૃષ્ટિએ કલાપીનાં આ કાવ્યોની કીમત અત્યારે બિલકુલ ન લાગે, છતાં જીવનચરિત્રની દૃષ્ટિથી તેનો ઘણો ઉપયોગ છે. તે જ પ્રમાણે કલાપી સંસ્કૃત વૃત્તોમાં ઉચ્ચ પ્રકારના કાવ્યો લખવા માંડ્યા તે પહેલાં તેમના શરૂઆતના પ્રયાસો કેવા હતા તે જાણવાથી તેમણે કરેલી પ્રગતિનો બરાબર ખ્યાલ આવી શકે છે અને તેમના કવિ તરીકેના મૂલ્યાંકનમાં તેથી ઘણી સહાય મળે છે. એમ માની તેમાંનો એક નમૂનો જોઈએ. કલાપીનાં કાવ્યો 'સુદર્શન'માં ૧૮૯૨માં છપાવા માંડ્યાં, તે પહેલાં બે વર્ષ ઉપરના આ પ્રયાસો છે.

તા. ૭–૯–૧૮૯૦ના પત્રમાં લખે છે: ‘જો કે સ્વપ્નાની કવિતા પૂરી થઇ નથી, પણ બીજી એક મેં કરી રાખી છે. તે તમને આનંદ આપવાને લખું છું. તમને કયો રાગ પસંદ છે તે કેમ નથી લખતા ? કે જેથી તેવા રાગમાં બનાવું ?' અને પછી એ ‘કવિતા’ આપે છે:—

( ગીતિ )

'ઝાડ જેમ પૃથ્વીને, બાજ્યું છે ઉત્સંગે દૃઢતાથી
તેમજ પ્રીતિ તારી, વળગી મુજને ઉંડી જડ નાખી.

( શિખરણી વ્રત છંદ )

અહો પ્યારી મારી, શોક ન કરજે જરી હવે,
દિવસ તેર રહ્યા છે, મળવા પ્રિય મારી તને;
લોહચુંબક લોઢાને, ખેંચે છે જ્યમ નિજ ભણી,
તેમજ પ્રીતિ તારી, ખેંચે મુજને તુજ ભણી.'

રાજકોટથી લખેલા બીજા એક પત્રમાં કલાપીએ લખ્યું હતું : ‘મને આથી શું મોટો સંતોષ ? માણસને મોટામાં મોટું સુખ શું ? દોસ્ત સારા મળે તે. તો મ્હને તમ જેવા સારા મનના, પ્રેમી અને આજ્ઞાંકિત મિત્ર મળ્યા છે જે આ દુનીયામાં મળવા સૌથી મુશ્કેલ છે. અરે જેને હું સ્વપ્નમાં પણ ઓળખતો નહોતો અને મને સારા ભાગીદાર મળશે કે નહિ એની મોટી શંકા હતી તે શંકામાંથી ઈશ્વરે મને મુક્ત કર્યો. આથી મોટું સુખ શું ? કાંઇ જ નહિ. તમારા વિષે અને તમારી વર્તણુક વિષે મને પૂરેપૂરો સંતોષ છે, અને તેવોને તેવોજ રહે એવું જગતનિયંતા પાસે માગું છું. ઈશ્વર આપણું સુખી જોડું સુખી જ રાખે એવી હું પ્રાર્થના કરું છું...હવે મારા મનના અને પ્યારના બે ભાગ થયા છે. પહેલાં તો ચોપડીઓ એજ મને શાન્ત કરતી, પણ હવે એનું પરાક્રમ તો તમે છીનવી લીધું છે. []

એક પત્રમાં મથાળું કરવામાં આવ્યું છે: 'કેદખાનું (રાજકુમાર કોલેજ)' એ કલાપીના આ શબ્દોનું સચોટ રીતે સમર્થન કરે છે.

અહીં વિચારશીલ વાંચનારને બે પ્રશ્નો થાય એ સ્વાભાવિક છે. પહેલો પ્રશ્ન તો એ કે કલાપીનું આ વાક્ય જાણીતું છે કે: ‘લગ્ન થયાં પણ મને મારા અભ્યાસમાં નડનાર ને અરૂચિકર હતાં’ એનો મેળ કલાપીના આ ઉક્ત દાંપત્યપ્રેમની સાથે કેવી રીતે બેસાડવો? તેનો એક ઉત્તર તો કલાપીએ ઉપર જ આપી દીધો છે કે તેમનો પ્રેમ હવે અભ્યાસ અને રમા વચ્ચે વહેંચાઈ ગયો. અને બીજો ઉત્તર પણ આ વાક્ય જે પત્રમાં આવે છે તેમાં જ કલાપીએ જ આપી દીધો છે.

ઉપર લખેલા વાક્ય પછી પત્ર આગળ ચાલે છે ‘એ અરૂચિ આ છોકરીને જોયા પછી ઉડી ગઇ. લગ્ને મ્હને બે સ્ત્રીઓ આપી હતી. જેને હું સમજી શકતો નહિ. એને ન્યાય આપવામાં પ્રેમ કરતાં વધારે મારૂં હૃદય રોકાયું હતું. પણ લગ્ને મ્હને આ બાળકી પણ આપી હતી. રાજાના કુટુંબની એકથી વધારે સ્ત્રીઓના પરિણામ રૂપે નીપજતી ખટપટ, મ્હારા ગૃહમાં, મ્હારી સંપ તરફની અભિરૂચિને લીધે જ અને વ્હેવારકુશળતાના અભાવે વ્હેલી આવી. ભલે આવી. રમાને હું સમજી શક્યો અને આનંદ થયો. ( બીજી સ્ત્રીને ) પણ સમજી શક્યો અને કાંઇ ખેદ થયો. પણ હવે રમાને ત્યાં જમવા વિ. ની ગોઠવણ થતાં એ ખેદ અને એ આનંદ બંને પેલી ન્હાની શોભના વિશેષ નિકટ આવવાથી ઉડી ગયા. રમામાં ગુણ હતા, કાંઈ સૌંદર્ય પણ હતું, પણ સૌથી વિશેષ કાંઇ એની દાસીમાં હતું.’[]એટલે રમાની તરફ કલાપીનું જે આકર્ષણ થયું અને વધતું ગયું, લગ્ન અરુચિકરને બદલે રુચિકર લાગવા માંડ્યું, તેમાં બાળક શોભના પ્રત્યેના વાત્સલ્યભાવે પણ મોટો ભાગ ભજવ્યો હતો.

બીજો પ્રશ્ન એ થાય તેમ છે કે કલાપીનાં શરૂઆતના કવિતા લખવાના પ્રયાસો આવા નબળા હતા, તો થોડા જ સમયમાં તે સારાં કાવ્યો કેવી રીતે લખી શક્યા ? તેનો વિસ્તારથી જવાબ તો કલાપીનો કવિ તરીકે વિચાર કરીશું ત્યારે આગળ ઉપર આપવાનો રહેશે, પણ હાલ તુર્ત એક બાબત કહેવા જેવી લાગે છે. કલાપીના ગદ્યમાં ઘણી શક્તિ હતી એવું તો આ શરૂઆતના પત્રોમાં પણ દેખાય છે, અને પછી જ્યારે તેમણે છંદો ઉપર કાબૂ મેળવ્યો ત્યારે આ જ શક્તિ તેમને કામ લાગી. આ સમયના પત્રમાંથી આવા થોડા નમૂના, આ પ્રકરણ સાથે જ સંબંધ રાખે તેવા વિષયના, અહીં તેથી આપું છું.

રમા વિશે લખ્યું છે : ‘જેને મારા હૃદયમાં જ હું રાખું છું, જેને દુઃખે દુઃખ ને જેને સુખે સુખ માનું છું, જેને માટે મેં મારો વિદ્યાભ્યાસ ને સરસ્વતી સેવના મૂકી, જેને માટે હું હંમેશાં દુઃખી રહ્યો, જેને માટે મેં મારી તંદુરસ્તીનું બલિદાન આપ્યું, જેને હું મારો પ્રાણ ગણતો, જેને મારી વાત કરવાની જગ્યા, મારી ખુશાલીનું ઠેકાણું, મારી દિલગીરી ને શોક કાપવાનું હથિયાર ગણતો વગેરે.[] અહીં કાદંબરીની અસર દેખાય છે. અને કાદંબરી એ તો ગદ્યકાવ્ય જ છે ને ? આવું જ બીજું દૃષ્ટાંત :−

‘હવે મારા મનમાં, હૃદયમાં, શરીરમાં અને રૂંવાટે રૂંવાટે દુષ્ટ મદનના શરખૂતી ગયાં છે, જે મને દિનરાત ચેન પડવા દેતા નથી; જેણે મને દિવાનો બનાવી દીધો છે, જે મારા સુખને આઘું ઘસરડી જાય છે, ને જે મારા મન પર બેહદ બોજો મુકી મુંઝવી દે છે; હવે તે બાણથી ભાગી હું ક્યાં જાઉં ? તે બાણ ન લાગે તેવો શું ઉપાય કરું ? આ શરીર, આ વિચારો, આ હૃદય, આ મન એમાંનું કાંઈ હવેથી મારૂં નથી. કારણ કે તે તો મેં ક્યારનાયે...... તને અર્પણ કરી આપેલ છે. હવે તેની સાચવણ તને જેમ ઉચિત લાગે તેમ કરજે ?’

આવી વાક્‌છટાની સાથે વારંવાર કલ્પના પણ ભળે છે. મદનને શંકરે બાળ્યો છતાં હાલ તે કેવી રીતે દુઃખ દઈ શકે ? અનંગ છતાં તે બળ કેમ વાપરી શકે ? વગેરે પ્રશ્નો ઉઠાવી તેના કલ્પનાથી જવાબ પણ કલાપી આપે છે. વળી અલંકારો પણ તેમના પત્રોમાં વારંવાર દેખાય છે. આ પ્રમાણે કવિતાની સામગ્રી તેમના પત્રોમાં પણ ભરપૂર દેખાય છે. તાત્પર્ય કે ભવિષ્યના કવિનાં આ લખાણો છે એમ તો ચોક્કસ લાગે તેવું છે. તેનો એક છેલ્લો દાખલો આપી દઉં. રમાના રોહા ગયા પછી પત્રમાં જરા વિલંબ થતાં આ કવિહૃદય કેવી પ્રશ્નપરંપરા કરે છે !

‘સખીઓએ શું બધો વખત લઈ લીધો ? સગાંવહાલાં શું બધી પ્રીતિ લુંટી ગયાં ? રમતગમતે બધું મન ખેંચી લીધું શું ? ગાયન અને ઢોલ વગેરે સાધનોએ જૂની ઓળખાણ મનમાં આણી હાથ અને જીભ પોતાની સાથે જ શું રોકી રાખ્યાં ? આમ તેમ રખડતા, પ્રીતિથી પીગળી ગયેલા કોમળ હૃદયવાળા મિત્રને શું વિસારે મેલ્યો ? તેનું વિયોગનું દુઃખ પણ મનમાં ન આણ્યું ? કાગળથી સુખ આપવું પણ બંધ કર્યું ?’[]

આ પત્રોના ઉતારા જેમ કલાપીની કવિ તરીકે શક્તિ બતાવે છે તે જ પ્રમાણે તેમની રમા પ્રત્યેની ઉચ્ચ પ્રેમની ભાવના પણ વ્યક્ત કરે છે. આમ છતાં કલાપીએ પ્રેમને બદલે ન્યાય આપવાનો પ્રયાસ શરૂઆતમાં કર્યો હતો એમ કહ્યું છે તે તરફ તેમને પોતાને ન્યાય આપવા માટે આપણે જોવું જોઇએ. લગ્ન થયા પછી એક મહિના પછી જ કલાપીએ રમાને લખ્યું હતું : 'તમારે બંનેએ એક જ માની બે દિકરી માફક વર્તવું, અને આનંદથી સાથે રમીજમી વખત કાઢી નાખવો.

'તમારી બેનને ભણાવવું જેમ બને તેમ જલદીથી શરૂ કરજો. પહેલવેલી ‘મેવાડની જાહોજલાલી’ વંચાવજો અને શુદ્ધ લખતાં શીખવવામાં પૂરેપૂરૂં ધ્યાન આપજો. કારણ કે કાના માત્રની બહુ જ ભૂલો પડે છે.’[]

કોટડાંવાળાં રાણી પહેલાં પોંખાયાં હતાં એટલે તે પટરાણી ગણાય. પણ આ પ્રમાણે નાના મોટાનું અભિમાન રાખવાથી ‘ઇતરાગ’ થાય અને એ ઇતરાગ કલાપીને જોઇતો ન હતો તેથી તેમણે બન્નેને સમાન હોવાનું અને સમાન છે એમ સમજીને એ રીતે જ રહેવાનું સમજાવ્યું હતું.

૧૮૯૦માં રમાએ એક પુત્રીને જન્મ આપ્યો હતો. તેનું નામ હરિબા પાડવું ઘટે તો પાડજો એમ કલાપીએ લખ્યું હતું.

બન્નેને સમાન ગણવાનો મનથી નિશ્ચય હોવા છતાં અને તે રીતે વર્તવાનો પ્રયાસ કરવા છતાં કલાપીનું મન રમા તરફ શરૂઆતમાં વધારે હતું, અને પછી તે શોભના તરફ ઢળ્યું.

આર્યાવર્તનો પ્રવાસ અધૂરો મૂકી કલાપી રમાની માંદગીનો તાર આવવાથી મુંબઇથી ૧૧મી માર્ચે રોહા જવા નીકળ્યા. સમુદ્રમાર્ગે મુંબઈથી નીકળી તે કચ્છના માંડવી બંદર ઊતર્યા, અને ત્યાંથી રોહા ગયા. રોહામાં તે લગભગ બે માસ રહ્યા, અને ત્યાર પછી ૧૫મી મેએ રોહા છોડી રોહાવાળાં રાણી સાહેબ સાથે ૨૨મી મેએ લાઠી આવ્યા. રોહામાં બીજી એપ્રિલ ૧૮૯૨ના રોજ કલાપીનાં બીજાં કુંવરીનો જન્મ થયો હતો.

કલાપીને એકાંતવાસ ઘણો પ્રિય હતો, તેથી હવે પછીનો ઘણો સમય તે રાજકોટમાં રોહાવાળાં રાણી સાથે રહ્યા. કલાપીના પાટવી કુમાર શ્રી. પ્રતાપસિંહજીનો જન્મ આ સમય દરમ્યાન રાજકોટમાં જ ઈ. સ. ૧૮૯૨ માં થયો હતો. ત્યાર પછી થોડા મહિના બાદ કોટડાવાળાં રાણીના કુમાર શ્રી. જોરાવરસિંહજીનો જન્મ સંવત ૧૯૪૮ના અસાડ સુદિ ૧૫ના રોજ થયો હતો.

બે રાણીઓને સમાન દરજ્જે રાખી તેમની સાથે શાન્તિથી જીવન ગાળવાનો કલાપીનો નિશ્ચય એક પ્રકારની હૃદયત્રિપુટી રચવાનો જ પ્રયાસ ગણાય. પણ કલાપીના જીવનમાં આના કરતાં વધારે રોમાંચક હૃદયત્રિપુટીનો પ્રસંગ નિર્માયો હતો.

રમાની સાથે દાસી વર્ગમાં મોંઘી નામની કચ્છની એક ખવાસ કોમની છ સાત વર્ષની બાલિકા આવી હતી. કલાપીનું પ્રથમ દૃષ્ટિએ જ તેના તરફ આકર્ષણ થયું. ‘હદયત્રિપુટી’માં કલાપીએ લખ્યું છે તે કલ્પનાસૃષ્ટિ બાદ કરતાં આ સંબંધમાં ઉપયોગી માહિતી પૂરી પાડે છે. વત્સા મોંઘીમાંથી સ્નેહરાજ્ઞી શોભનાના પરિવર્તનનો ઇતિહાસ ખરેખર રોમાંચક છે, અને કલાપી તરફ ગુજરાતના કવિતાવાંચકોનું જે અસામાન્ય આકર્ષણ છે તેનું એક કારણ આ અદ્‌ભુત કિસ્સો પણ છે.

  1. ૧. ઠાકોર શ્રીસુરસિંહજી: કેટલાંક સંસ્મરણો
  2. ૧. કલાપીનો સાહિત્યદરબાર : સ્ત્રીબોધ માર્ચ, ૧૯૩૮
  3. ૧. તા. ૨−૧−૧૮૯૦.
  4. ૪.૦ ૪.૧ ૧ શ્રી. કલાપીની પત્રધારા, પૃ. ૪૭૪−૭૬
  5. ૧ તા. ૧૦–૭–૯૦
    ૨ તા. ૨૭–૭–૯૦
  6. ૧ તા. ૭−૧૦−૯૧
  7. ૧ તા. ૪−૧−૯૦