← નવપ્રકાશ કલ્યાણિકા
અમૃતપાત્ર
અરદેશર ખબરદાર
દ્વિરંગી જ્યોત →





અમૃતપાત્ર

• રાગ જિલ્લા — ઝિંઝોટી — ત્રિતાલ[]


પ્રાણ ! હવે તું છોડ અંધારી,
તારી છે રંગત ન્યારી રે !
જોની, તારી છે રંગત ન્યારી રે ! — ( ધ્રુવ )

દુઃખ પ્રપંચ ભરી દુનિયાથી
કેમ જતો તું હારી રે ?
લાખવસા છે પુણ્યભરી આ
જીવનયાત્રા તારી રે !
પ્રાણ ! હવે તું∘ ૧

પ્રભુમંદિર છે તુજ અંતર આ,
તેની પાંચ જ બારી રે :
શબ્દ સ્પર્શ રૂપ ગંધ ને રસથી
ભવની બધી બલિહારી રે.
પ્રાણ ! હવે તું∘ ૨

પંચામૃત એમાંથી ઝરતું
લે તું અંતર ધારી રે !
પ્રભુચરણમાં શું મૂકશે, જવ
આવે તેની સ્વારી રે ?
પ્રાણ ! હવે તું∘ ૩

નથી પાપફળરૂપ જીવન આ,
કે નથી પુષ્પપથારી રે :
પણ પ્રભુચરણે પુણ્યામૃત તુજ
મૂકવાની તૈયારી રે !
પ્રાણ ! હવે તું∘ ૪

બારી બહાર બધી બેજારી,
ભીતર ફૂલની ક્યારી રે :
સૌ તીર્થે નારાયણ નિરખી,
સ્થિર કર મન સંચારી રે !
પ્રાણ ! હવે તું∘ ૫

રે રે પ્રાણ ! પ્રમાદ તજી દે !
આવે પળ અણધારી રે :
તુજ અમીપાત્ર અદ્દલ છલકે, ત્યાં
પ્રભુ લેશે સ્વીકારી રે !
પ્રાણ ! હવે તું∘ ૬

  1. “પિયાકે ચિત્ર બિન પ્રીતમ પ્યારે,” — એ રાહ.