કલ્યાણિકા/નવપ્રકાશ
← કલ્યાણ | કલ્યાણિકા નવપ્રકાશ અરદેશર ખબરદાર |
અમૃતપાત્ર → |
નવપ્રકાશ
• રાગ માઢ - તાલ હીંચ[૧] •
જરી આવી આવીને કંઈ જાય રે :
એ તો હશે ક્યાંના એવા ઝબકાર ?
મારું અંતર અંજાય ને મુંઝાય રે :
એ તો હશે ક્યાંના એવા ઝબકાર ?— ( ધ્રુવ )
ઊંડા આકાશ રહે દિશદિશ ઘેરાઈ, ને
ઊતરે ઊંડા અંધાર ;
ક્યાંથી ને કોણ એનાં પટને વીંધે આ ?
ઝબકીને જોઉં પળવાર રે !
એ તો હશે ક્યાંના એવા ઝબકાર ? – જરી∘ ૧
રાતે હું સૂતો ને દિનભર યે સૂતો,
ઊઘડ્યાં ન સાચાં દિદાર :
ઘેરાં ઘસાઈ ઘન વેદન પોકારે,
ઊડે ત્યાં વીજચમકાર રે !
એ તો હશે ક્યાંના એવા ઝબકાર ? – જરી∘ ૨
જૂઠા સંસારની વેઠી હલામણ ને
જૂઠા વહ્યા તન ભાર :
આજે પડળ શું એ ઊતર્યાં આંખનાં ?
પલક્યું શું કાંઈ પેલી પાર રે ?
એ તો હશે ક્યાંના એવા ઝબકાર ? – જરી∘ ૩
એ રે ઝબકારની પાંખો પકડવા
લાવો કો સ્નેહનો તાર !
પલકી જરાક ફરી ઊડી ન જાય એવો
બાંધું એ અંતરને બાર રે !
જશે પછી ક્યાં એ ઊડી ઝબકાર ? – જરી∘ ૪
- ↑ " મન માયાના કરનારા રે " - એ ગીતના લયમાં.