કલ્યાણિકા/આવતી કાલનાં સ્વપ્નાં
← પડછાયા | કલ્યાણિકા આવતી કાલનાં સ્વપ્નાં અરદેશર ખબરદાર |
જગની જોગનિયાં → |
આવતી કાલનાં સ્વપ્નાં
• રાગ ભૈરવી — તાલ દાદરો •
હું તો જીવું કરી કાલ કાલ રે,
નાથ ! હું તો જીવું કરી કાલ કાલ :
મારાં સ્વપ્નો એ જ એક તાલ રે,
નાથ ! હું તો જીવું કરી કાલ કાલ ! - (ધ્રુવ)
આજે અંધારાંના ઊભા મિનારા,
ઊભા ઘેરી દિક્પાળ :
કાલે દિગંતપટ વીંધીને વેરશે
જ્યોતિના સભર જુવાળ રે :
નાથ ! હું તો જીવું કરી કાલ કાલ ! ૧
આજે છે જગતની જડતાનાં ઝાડવાં,
અણમહોરી ડોલે એની ડાળ :
કાલે વસંતના વાયુ અહીં વાશે ને
ફૂટશે કંઈ ચેતનના ફાલ રેઃ
નાથ ! હું તો જીવું કરી કાલ કાલ ! ૨
આજે તો અંતરે આશાના બોલડા,
ખાલી જોઉં જગતની થાળ :
કાલે તો સિદ્ધિનાં ફૂલડાં ખીલીને
થાળે સુહાશે વરમાળ રે :
નાથ ! હું તો જીવું કરી કાલ કાલ ! ૩
આજે તો આંસુની માળા હું ફેરવું
જોતો હૈયા કેઈ ઝાળ :
કાલે તો હાસ્યનાં મોતી વેરાશે ને
સુધા રેલાશે ઉરપાળ રે :
નાથ ! હું તો જીવું કરી કાલ કાલ ! ૪
આજે દિશાઓના વાંચી દુઃખાક્ષરો
આત્માના ઊઠે સવાલ :
કાલે ત્યાં નાથ ! તારું ઝળશે સિંહાસનને
ઊછળશે આનંદ વિશાળ રે :
નાથ ! હું તો જીવું કરી કાલ કાલ ! ૫
આજે શું ભાગ્યને દોરે બંધાઈને
ખુંદવાં આ તારાં પાતાલ ?
કાલના જ સ્વર્ગમાં જીવવું શું માનવે ?
નાથ ! શું આજમાં ન માલ રે ?
નાથ ! કહેની કેવી છે તારી તે કાલ ? ૬