કલ્યાણિકા/જગની જોગનિયાં
← આવતી કાલનાં સ્વપ્નાં | કલ્યાણિકા જગની જોગનિયાં અરદેશર ખબરદાર |
માધુરી → |
જગની જોગનિયાં
• રાગ આસાવરી — તાલ ત્રિતાલ •
જગની જોગનિયાં રે મોરી જગની જોગનિયાં !
તારાં છેલછબીલાં છપ્પન કોટિ ઊડે છોગનિયાં !(ધ્રુવ)
ભેખ ધરીને બેઠી રાતે, પહેરી કાળી કફની ;
તારકમાળ સરે તુજ હાથે, જાણે રતિ સૌ દફની !
મોરી જગની જોગનિયાં રે₀ ૧
શ્વાસ પડે તુજ બંધ બધા ને તમતમ તમરાં બોલે;
ભભૂત ભરી તુજ આંખ ગગનમાં કદી ખોલે અદખોલે :
મોરી જગની જોગનિયાં રે₀ ૨
ઊગે પ્રભાત પછી પૂર્વે ત્યાં ભેખ નવા લે અંગે;
સજી સોળ શણગાર દીપે તું પળપળ નવનવ રંગે :
મોરી જગની જોગનિયાં રે₀ ૩
થનગન એ તુજ નખરાંમાં તું બાંધે નજર બધાંની ;
મહેલ બગીચા ઊડે પલકમાં, જાય સરી તું છાની !
મોરી જગની જોગનિયાં રે₀ ૪
સંધ્યાના રંગોમાં તારું તરતું ડૂબતું હૈયું :
માનવ એ તુજ ઘેલાં પૂઠે રહે સદા શું છૈયું?
મોરી જગની જોગનિયાં રે₀ ૫
નહીં તુજ જોગે, નહીં તુજ ભોગે, માગું કો બંધનિયાં;
એક અલિપ્ત અદ્દલ રહું જોતો સૌ તુજ આ ખેલનિયાં !
મોરી જગની જોગનિયાં રે₀ ૬