કલ્યાણિકા/કમળતલાવડીનો હંસલો
← દિવ્ય પ્રતિબંધ | કલ્યાણિકા કમળતલાવડીનો હંસલો અરદેશર ખબરદાર |
આવરણ → |
કમળતલાવડીનો હંસલો
• પાલવડો મારો મેલો, મોહનજી •
કમળતલાવડીએ ઊભો છે હંસલો,
ચંદનીથી ધોઈ દેવપાંખો રે લોલ;
ભ્રમરગુંજારવે એ ગુંજે તલાવડી
બીડી છે હંસલાની આંખો રે લોલ. ૧
ક્યાંની તલાવડી ને ક્યાંનો એ હંસલો,
ક્યાનાં એ પાણીડાં છલકે રે લોલ ?
ક્યાંના ભ્રમર ચકરાવે ગુંજારવે
કમળની કીકીઓમાં મલકે રે લોલ ? ૨
આજે છે રસના આ સાગર તલાવડીએ,
રસિયાંની રસનાને લોભે રે લોલ;
કાલે સુકાશે એના રસનાં ઝરણ, ત્યાં
કોણ એ તલાવડીએ થોભે રે લોલ ? ૩
સુંદરની સુંદરતા એવી વસુંધરામાં
આવે ને જાય ઘડી મોહી રે લોલ;
બીડી આંખે ન એક જાણે એ હંસલો,
ક્યાં તક રહે સુંદરતા સોહી રે લોલ. ૪
સોહે તલાવડી કે સોહે એ હંસલો,
સોહે સરોજ ભ્રમરચૂમ્યાં રે લોલ;
આભલેથી કાલપડછાયા ઊતરતાં
રહેશે એ કોણ અણઝૂમ્યાં રે લોલ ? ૫
કમળતલાવડી એ ઊભો છે હંસલો :
હંસલા ! ઉઘાડ તારી આંખો રે લોલ !
અદ્દલ કમળ પર ગુંજે ભ્રમર ભલે :
બીડી શેં તારી દેવપાંખો રે લોલ ? ૬