કલ્યાણિકા/દિવ્ય પ્રતિબંધ
← તલાવડી દૂધે ભરી રે | કલ્યાણિકા દિવ્ય પ્રતિબંધ અરદેશર ખબરદાર |
કમળતલાવડીનો હંસલો → |
દિવ્ય પ્રતિબંધ
• ગરબી*[૧] •
મારે લાખ લાખ આંખના પ્રકાશ, હો નાથજી !
તોય મારી આંખમાં શી ઝાંખ જો ?
મારે લાખ લાખ સ્નેહના ઉલ્લાસ, હો નાથજી !
તોય વીંઝી કેમ બીડે પાંખ જો ?
મારે લાખ લાખ આંખના પ્રકાશo ૧
મારે ઊંડાં ઊંડાં અનંત આકાશ, હો નાથજી !
તોય મને ડારે શી દિગંત જો ?
મારે ઊંડી ઊંડી અંતરની આશ, હો નાથજી !
તોય કેમ તૂટે એના તંત જો ?
મારે લાખ લાખ આંખના પ્રકાશo ૨
મારે ઊંચા ઊંચા સ્વપ્નના આવાસ, હો નાથજી !
તોય જામે ધરાની શી ધૂળ જો ?
મારે રંગ રંગ ભર્યાં મુખે હાસ, હો નાથજી !
તોય શી આ વાગે હૈયે શૂળ જો ?
મારે લાખ લાખ આંખના પ્રકાશo ૩
તારે લાખ લાખ ભાનુના ઉજાસ, હો નાથજી !
તોય તારે આભે શા અંધાર જો ?
મારે લાખ લાખ જન્મની મિરાસ, હો નાથજી !
તોય મારે ભીડવાં શાં દ્વાર જો ?
મારે લાખ લાખ આંખના પ્રકાશo ૪
મારે પદે પદે દિવ્ય તારા પાશ, હો નાથજી !
તોય વીંઝે આત્મ મારો પાંખ જો :
તારે આભે આભે સ્નેહના હુતાશ , હો નાથજી !
તોય કોણ ઢાંકે મારી આંખ જો ?
મારે લાખ લાખ આંખના પ્રકાશo ૫
- ↑ * આ ગરબી નવી રચી છે.