કલ્યાણિકા/તલાવડી દૂધે ભરી રે

← પ્રભુનો જ સાથ કલ્યાણિકા
તલાવડી દૂધે ભરી રે
અરદેશર ખબરદાર
દિવ્ય પ્રતિબંધ →
. આશાભર્યાં તે અમે આવિયાં .





તલાવડી દૂધે ભરી રે


• આશાભર્યાં તે અમે આવિયાં •

દૂધે ભરી તલાવડી,
ને એની મોતીડે પૂરી પાળ રે :
તલાવડી દૂધે ભરી રે;

ઊંચા તે દેશનો હંસલો
આવી ચરે લીલૂડી શેવાળ રે :
તલાવડી દૂધે ભરી રે. ૧

ચંદા ચટકતી આવતી
મોતી ઉની લે ચુંદડી ને ચીર રે :
તલાવડી દૂધે ભરી રે;

ભરે ભરે ને ઢળે બેડલું,
તોય થાકી તજે ન એના તીર રે :
તલાવડી દૂધે ભરી રે. ૨


નયણાં નચાવતી તારલી
આવે સરખી સમાણી બહુ ત્યાંય રે :
તલાવડી દૂધે ભરી રે;

નાની ઘડૂલી ભરી નીસરે,
ફોરાં વેરી વેરી ન ધરાય રે !
તલાવડી દૂધે ભરી રે. ૩

સૂરજદાદા કેરી દીકરી
આવે ઉગમણે માંડવ રોજ રે :
તલાવડી દૂધે ભરી રે;

નાહી ભરે કેશ મોતીડે,
રંગે રંગે રેલાય એના હોજ રે :
તલાવડી દૂધે ભરી રે. ૪

દસ દસ દિશાએથી ઊડતા
આવે દિનકરના કિરણહંસ રે :
તલાવડી દૂધે ભરી રે;

દૂધે અજવાળે અંગને,
ને મોતી ચરતા ન અટકે અંશ રે :
તલાવડી દૂધે ભરી રે. ૫


મેહુલિયો મહોરવે મોતીડાં,
ને વીજ હીંચે ગગનને ગોખ રે :
તલાવડી દૂધે ભરી રે;

એ રે તલાવડી ઝીલવા
આવે ચૌદે ભુવનના લોક રે !
તલાવડી દૂધે ભરી રે. ૬

ઊંચેરા દેશના હંસલા !
તારે આ શી ચરવી શેવાળ રે ?
તલાવડી દૂધે ભરી રે;

દૈવી આ દૂધ ને મોતીડાં
તારાં સાચાં છે ભક્ષ્ય રસાળ રે :
તલાવડી દૂધે ભરી રે. ૭

સાવ રે સુધાના વીરા હંસલા !
તારાં સાવ રે સુધાનાં ઝગે તેજ રે :
તલાવડી દૂધે ભરી રે;

દૂધે ઝીલી, ચરી મોતીડાં,
ઊંચે ઊડ્યો જા ઓજસે એ જ રે !
તલાવડી દૂધે ભરી રે. ૮