← મુસાફર કલ્યાણિકા
દેવનો મોક્ષ
અરદેશર ખબરદાર
પ્રભુની પ્રીત →



દેવનો મોક્ષ

• રાગ આસા - માઢ - ત્રિતાલ*[]

છૂટી રે ગયા હો દેવ છૂટી રે ગયા
મારું મંદિર તૂટ્યું ને દેવ છ્ટી રે ગયા !—(ધ્રુવ)

સોનલ સિંહાસનમાં દેવ બેસાડ્યા રે
કોણ જાણે એ ક્યારે ઊઠી રે ગયા ?
મારું મંદિર તૂટ્યું₀ ૧

ફૂલડાં ચઢાવ્યાં મોંઘાં, ધૂપ ધૂપાવ્યાં રે
દિન દિનનાં અર્ચન મારાં લૂંટી રે ગયા !
મારું મંદિર તૂટ્યું₀ ૨

હીરા મોતીએ હુલવ્યા, તોય રહ્યા નહીં રેઃ
ભવનના ભંડાર મારા ખૂટી રે ગયા !
મારું મંદિર તૂટ્યું₀ ૩

મારે તમારે વહાલા ! અંતરનું સાટું રે
તનમનના તાર ક્યમ એ તૂટી રે ગયા ?
મારું મંદિર તૂટ્યું₀ ૪

આવો રે અદ્દલ સ્વામી ! અંતરમાં ધારું રે
સ્નેહ કેરા લેખ શાને ઘૂંટી રે ગયા ?
મારું મંદિર તૂટ્યું₀ ૫

  1. * "જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું" -એ મીરાંબાઈના ભજનની રાહ..