←  આવરણ કલ્યાણિકા
મુસાફર
અરદેશર ખબરદાર
દેવનો મોક્ષ →





મુસાફર


• રાગ માઢ — તાલ દાદરો •


તારું નાવ આ ચાલ્યું જાય :
મુસાફર ! તું શું મહીં ઊંધાય :
ભલા, તું તો બેઠો છે માંહ્ય :
મુસાફર ! કેમ અસાવધ થાય ?-(ધ્રુવ)

બંદર બંદર નાવ ફરે ને
અંદર લે ખૂબ માલ :
લાખેણો લાભ ગણી લઈ લક્ષે
જાણે થયો બહુ ન્યાલ !
મુસાફર ! તું શું મહીં ઊંઘાય ? ૧

ડુંગર જેવા લોઢ ઊઠે ને
આવે ચઢી તોફાન;
નાવ રહે મઝધાર ત્યાં ડોલી,
સ્થિર નવ રહે સુકાન :
મુસાફર ! તું શું મહીં ઊંઘાય ? ૨


સાગર ચોગમ ઘૂઘવે ને
ખાય ઝોલાં ખૂબ નાવ;
શઢ તૂટે, સુકાન છૂતે હો !
કરશે કોણ બચાવ ?
મુસાફર ! તું શું મહીં ઊંઘાય ? ૩

મોજાં પ્રચંડ પડે તુતકે ને
ધસતાં બધે જળપૂર :
ઘોર દિશા દિસે ડૂબતી, રહ્યું
બંદર તો બહુ દૂર !
મુસાફર ! ઊઠ, કશું દેખાય ? ૪

જાણ્યો અજાણ્યો માલ ભર્યો તે
ભરદરિયે ઠર્યો ભાર ;
વામે વામે તોય શાંતિ ન પામે,
કેમ ઉતરશે પાર ?
મુસાફર ! કેમ નહીં સમજાય ? ૫

ઓ રે મુસાફર ! માલ ગયો ને
નાવ જશે જળ હેઠ;
સિંધુ કે નાવની ગત નવ જાણી,
વ્યર્થ કીધી તેં વેઠ !
મુસાફર ! રુદન કર્યે શું થાય ? ૬