કલ્યાણિકા/પ્રણવશક્તિ
← અજવાળિયાં | કલ્યાણિકા પ્રણવશક્તિ અરદેશર ખબરદાર |
વલોણું → |
પ્રણવશક્તિ
• રાગ કાફી - તાલ લાવણી[૧] •
ઓમ વિના નથી આરો રે,
સમજ મનવા !
ઓમ વિના નથી આરો ! — (ધ્રુવ)
નાથ દયાસાગર અમી કેરો,
ગૂઢ સુણાવે શબ્દ અનેરો :
એ વિણ ભવસાગર ખારો, ખારો, ખારો રે :
સમજ મનવા !
ઓમ વિના નથી આરો ! — ઓમ∘ ૧
તનતંબૂરે લે તક સાધી,
તાર ત્રિવિધ એના ત્યાં બાંધી !
છેડી જો પછી એ તારો, તારો, તારો રે !
સમજ મનવા !
ઓમ વિના નથી આરો ! — ઓમ∘ ૨
દિગંત દે અંતરની ખોલી,
અનંતતાની સુણી લે બોલી !
એનો રવ છે કંઈ ન્યારો, ન્યારો, ન્યારો રે !
સમજ મનવા !
ઓમ વિના નથી આરો ! — ઓમ∘ ૩
સ્વર સ્વરથી સ્વર્ગો ઊઘડશે,
પ્રભુસિંહાસન નજરે પડશે :
જડશે ફરી ક્યાં એ વારો, વારો, વારો રે ?
સમજ મનવા !
ઓમ વિના નથી આરો ! — ઓમ∘ ૪
- ↑ “દાસ પરે દયા લાવો રે,” એ રાહ.