← પ્રણવશક્તિ કલ્યાણિકા
વલોણું
અરદેશર ખબરદાર
મારે દ્વારે →





વલોણું

• પદ[]


હદ બેહદ હું તો ઊડું આકાશે રે,
વિશ્વોનાં ચાલે જ્યાં વલોણાં રે :
એ રે વલોણાં કેરાં નેતરાં ઝાલવા રે
આવોને પૃથ્વીનાં પરોણાં રે !
હદ બેહદ હું તો ઊડું આકાશે રે.

ગોકુળમાં ગોપ અને ગોપીઓ સાથે રે
રાધાએ ને કહાને એ વલોવ્યાં રે ;
એ રે વલોણાં કોઈએ સમજીને ગાયાં રે,
કોઈએ વણસમજે વગોવ્યાં રે :
હદ બેહદ હું તો ઊડું આકાશે રે.

સકળ બ્રહ્માંડ કેરી ગોળી કરીને રે
મૂક્યો ત્યાં જ્યોતિનો રવાયો રે ;
પંચતત્ત્વો કેરાં નેતરાં છે બાંધ્યાં રે,
વલોણાંનો ઠાઠ એ રચાયો રે !
હદ બેહદ હું તો ઊડું આકાશે રે.


એક કોર પ્રકૃતિ એ નેતરાંને તાણે રે,
એક કોર પુરુષ ઘુમાવે રે :
ઘૂમે ઘૂમે ને મીઠું છલકે વલોણું રે,
ઉપર અમૃત તરી આવે રે !
હદ બેહદ હું તો ઊડું આકાશે રે.

એ રે વલોણું તાણે સૂરજ ને ચંદા રે,
તાણે પૃથ્વી ને ધ્રુવતારો રે ;
તાણે અનંતતામાં ઘૂમતાં નક્ષત્રો રે,
લાગ્યો છે નાદ એનો ન્યારો રે !
હદ બેહદ હું તો ઊડું આકાશે રે.

અણગણ યુગથી એ ચાલે વલોણું રે,
અણગણ યુગ બીજા જાશે રે ;
આનંદ‌ઓઘે ત્યાંથી રેલી ગંગાજી રે
અમૃત એનાં સૌને પાશે રે !
હદ બેહદ હું તો ઊડું આકાશે રે.

આવો સંસારિયાં ને આવો વેરાગિયાં રે !
ઘમ્મર વલોણું એ ઘુમાવો રે !
અમૃત ઊતરશે અદ્દલ એનાં અણમૂલાં રે :
અવસર ચૂકશો મા આ'વો રે !
હદ બેહદ હું તો ઊડું આકાશે રે.

  1. " મનને ચઢાવી મેલ્યું ચાકડે રે, " — એ રાહ.