← તા. ૧૧-૧૧-૯૧ કાશ્મીરનો પ્રવાસ
તા. ૧૨-૧૧-૯૧
કલાપી
તા. ૧૩-૧૧-૯૧ →


તા. ૧૨-૧૧-૧૮૯૧ :- સવારમાં ચા પીધા પછી આઠ વાગે ઉરી છોડ્યું. રસોડાના સામાન સાથે કેટલાંક માણસોને રસ્તામાં બપોરે જમવાનું તૈયાર રાખવા અગાડી મોકલી આપ્યાં હતાં. આ વળતી મુસાફરીમાં અમે હમેંશા આવી ગોઠવણ કરતા કેમકે જતી વખત તેમ ન કરવાથી અમને ઘણીજ મુશ્કેલી પડી હતી. સાંજે ગરી પહોંચવું હતું. તે ઉરીથી ચોત્રીસ માઇલ દૂર છે.

૨. આ રસ્તો ઘણોજ વિકટ છે. એક બાજુએ ઊંચા પર્વતો અને બીજી બાજુએ એક હજારથી વધારે ફીટ ઊંડી, જેલમના ઘુઘવાટથી ગાજી રહેલી ખાઇ આવી રહેલી છે. કેટલાએક પર્વતો કાળા સખત પથ્થરના છે, કેટલાએક સ્લેટના છે અને કેટલાએક માટીના છે. આ દરેક પર્વત પર સરખાંજ સુશોભિત વૃક્ષો આવી રહેલાં છે, ઉંચાઈમાં પણ ઘણાખરાં સરખાંજ. ગિરના જેવા કાળા કાગડાના વિચિત્ર જાતના અવાજ, કોઇ કોઇ કુંજમાં મધ્યાન્હ સમયે છુપી રહી મધુર ગાયન કરતાં ચંડુલોના સુસ્વર અને વર્ષાની શાંત રાત્રિનું ભાન કરાવતી તમરાંની ધ્વનિ દરેક પર્વત પર સંભળાય છે, સામે ટેકરીઓ પર ચરતાં ઢોર અને પહાડી બકરાં અને ફરતાં જંગલી માણસો દરેક જગ્યાએથી નજરે પડે છે અને નાના મોટાં ઝરણ, ખળખળીયાં અને ધોધથી દરેક પહાડ સુશોભિત દીસે છે; પણ ધૂળના પર્વતો તો નિરંતર ભીનાજ રહે છે; પાસેથી પસાર થતી દરેક વસ્તુને શીતળ કરી દે છે અને ઝાડની અતિઘીચ કુંજ ગલીઓથી છવાએલા છે. આ પર્વતો પર અસંખ્ય ગડગડિયા નાના મોટા પથ્થરો ચોંટી રહેલા છે. સખત વરસાદના ઝપાટાથી આ પથ્થરો ધૂળની સાથે નીચે સડક પર અને સડક પરથી નીચે ખાઈમાં ઠેઠ જેલમ સુધી ધસી પડે છે, આના સપાટામાં જે કોઈ પ્રાણી અથવા ચીજ આવી જાય છે તેનો તત્કાળ નાશ થાય છે, અને તે ફરીથી દ્રષ્ટિએ પડતી નથી. આવાં અકસ્માતોથી ઘણી વખત ઘણાં જીવનું નુકશાન થાય છે. ચોમાસામાં ધરતીકંપ, વાવાઝોડું, વંટોળીયા અથવા ઝપાટાની વખતે જ આવા અકસ્માતો બને તેમ નથી, પણ ધુળ અને નાના ગોળ પથરા હંમેશા ખર્યા જ કરે છે. આમ થવાથી કેટલાક મજૂરો સડક સાફ કરવા દરરોજ કામે લાગેલા જ હોય છે, અને રસ્તે ચાલતી ગાડીને દબાઇ, દટાઇ, છુંદાઇ અથવા ઘસડાઈ જવાની નિરંતર ધાસ્તી રહે છે. પથ્થરનું દરેક ચોસલું હમણા આવી પડશે એમ દેખાય છે. આમાંથી બચવાનો એક્કે ઉપાય નથી કેમ કે આવા પર્વતો ઘણા લાંબા છે અને સડક હંમેશા તેની અડોઅડ જ ચાલી જાય છે. એ જીવને હાનિ કર્તા છે પણ આંખને આનંદ આપે છે. આ જીવને હાનિકર્તા છે પણ આંખને આનંદ આપે છે; મૃત્યુ જેવા ભયંકર છે પણ મનને રીઝવે છે; રોગથી પણ વિશેષ દુઃખ આપનાર થ‌ઇ પડે તેવા છે, પણ વિચારોને પ્રફુલ્લ કરે છે; ત્યાંનું રહેઠાણ મૃત્યુનું સહોદર છે પણ મનને તે છોડી જવું ગમતું નથી અને આ દેખાવો માંસાહારી પશુઓ, એકાંત, બરફ અને ઝાડીથી વિકરાળ છે પણ સર્વ રમણીય વસ્તુઓમાં શ્રેષ્ઠ દૃષ્ટવ્યમાં સર્વોપરિ અને સર્વ આલ્હાદક સુખકર, શાંત કરનારી અને શીત ચીજોમાં ઉત્તમ છે.

૩. આવા જોખમવાળા આનંદદાયી પ્રદેશોમાં ચાલતી ચાલતી અમારી ગાડી ચિકોટી આવી પહોંચી. આ ગામ પાસે નાની ટેકરી પર ડાક બંગલો છે. તેની બાજુમાં પાસેજ એક ઝરણ વહ્યાં કરે છે. આ ઝરણની અડોઅડ રસોડાનો તંબુ લગાડેલો હતો. જમવાને થોડી વાર હતી તેથી અમે ડાક બંગલાની અગાશીમાં ખુરશી પર બેઠા અને દુરબીનથી દરેક ખીણ, દરેક ખળખળિયો, દરેક ધોધ, દરેક ઝરણ, દરેક વૃક્ષ અથવા ઝાડ, ઘટાવાળી ટેકરી અને દરેક ડુંગરનું અવલોકન કરવા લાગ્યા.

૪. બારામુલ્લાં જતી વખત આ ડાક બંગલામાં વિચિત્ર રીતે જ રહ્યાં હતા. રસોડાનો સામાન અને બધા એકા પછાડી હતા, અમારી પાસે કાંઇ જમવાનું નહોતું, સવારે જમ્યા વિના ચાલ્યા હતા, ક્ષુધા બરોબર વ્યાપી હતી, ચા, પ્યાલા અને કિટલી સિવાય બીજું કાંઇ પાસે ન મળે; ગામમાં ક્યાંઇ ઘઉંનો લોટ મળે નહિ; ન મળે દૂધ, ચા પણ કેમ પિવાય ? આખરે ગીગાભાઈએ ચા મૂક્યો અને રવાભાઈ મામા કાંઇ જમવાનું ગોતવા ગયા. આ ગામડું છોડી એક વાણીઓ બીજે જવાનો હતો, તે અડદની ખૂબ ખારી દાળ અને ઘ‌ઉંનો રોટલો થાળીમાં પીરસી ખાવાની તૈયારી કરતો હતો, તેટલામાં મામા ત્યાં પહોંચી ગયા. તે રોટલો નંગ એક અને એક છાલિયું દાળ વેચાતાં લ‌ઇ આવ્યા. ખરેખાત, હાથમાંનો કોળિયો મ્હોંમાં મુકવો એ મનુષ્યના હાથમાં નથી. તેટલા વખતમાં ડાક બંગલાનો પટાવાળો થોડું દૂધ લ‌ઇ આવ્યો. હવે તો જમણ તૈયાર થ‌ઇ ગયું, પ્રાણજીવનભાઈએ માત્ર ચાનો ઉકાળો દૂધ સાથે પીધો અને અમે ત્રણે સાથે બેસી પેટની પૂજા કરી. જમી રહ્યા કે તુરતજ એકા અને માણસો આવી પહોંચ્યાં. તેઓને પણ બરાબર ભૂખ લાગેલી. ભૂખ અને તરશથી એટલા વ્યગ્ર થઇ ગયા કે પાણી ક્યાંઇથી ગોતી શક્યા નહિ. એકજણો આખા ગામમાંથી ગોતી એક માણસનું પેટ ભરાય તેટલા દાળિયા લ‌ઇ આવ્યો. તે બધા ભેગા થ‌ઇ ચાવી ગયા પણ દાવાનળમાં પાણીનું એ એક ટીપું શું કરી શકે ? અગાડી રસ્તો કેવો છે તેથી અમે સૌ અજાણ્યા તેથી વધારે પણ કેમ રોકાઇએ ? અંધારૂં થ‌ઇ જાય. ડુંગર અને ખાઇ વચ્ચે અંધારામાં શી રીતે ચલાય ! આવી રીતે છતે પાણીએ તર્ષ્યા અને વગર ઇલાજે ભૂખ્યા બધા માણસો ઉરી તરફ ઉપડ્યા. કેટલાકની આંખમાં પિલુડાં આવી ગયાં હતાં. આ કેવું ખોટું ! લડાઈના વખત જે માથા પર ગડગડી રહ્યાં હતાં , માંસ ભાલાની અણી પર રાખી મુડદાંની ચેહપર શેકી લ‌ઇ ચાવી જવું પડતું હતું, અરણ્યમાં પથ્થર પર પણ સુખે સુવાનું મળતું નહિ, ઘોડા પરથી પલાણ પણ દૂર થતાં નહિ, લોહીમાં તરવારો હંમેશા ભીની રહેતી, શરીર પર જખમ વિનાનાં કોઇ માણસો નજરે પડતાં નહિ, સંકટની સંખ્યા થ‌ઇ શકે તેમ ન હતી, એ સમય વીસરી જવાનો નથી. સુખ શાંતિથી નપુંસક બની જવાનું નથી. મોજનું વ્યસન સુખ આપનારૂં નથી. સ્પ્રીંગવાળા પલંગ અને ચાર ઘોડાની ગાડીમાં બેસી ચટપટ કરવી અને તેમાં જ મગ્ન રહેવું, એ સુધારો સુખ અથવા આનંદ નથી. બુટ, મોજાં, નાજુક સોટી અને રેશમી રૂમાલ ગજવામાં રાખી, ફાંકડા બની આંટા મારવા એ જ સંપત્તિ અથવા મજા નથી, સોનાનાં ચશ્મા વગર કારણે ઘાલી, સોનાનાં નાજુક ઘડિયાળ અને અછોડો છાતી પાસે લટકાવી ટૅબલ પર ટાંટીઆ ઉંચા ચડાવી વિસ્કી પેગ ચડાવવો એ સુધારાના સાથીનાં લક્ષણ નથી, ધીરજ અને ધૈર્યથી અગાડી વધવું એ જ સુધારો છે, એ જ સુખ છે, એ જ ધર્મ છે, અને એજ સંપત્તિ છે.

" ધીરજ ધર્મ મિત્ર અરૂ નારી; આફત કાલ પરખીયે ચારી.

ખરેખાત આવી સ્થિતિમાં જો કે ધીરજથી શાંત રહેવું જોઇએ તો પણ આ ભૂખ્યા માણસોની એ વખતની સ્થિતિ જોઇ અમને ઘણીજ દયા આવી અને જે કોઇએ આવી સ્થિતિ અનુભવી અથવા જોઇ હશે તેને તેઓના પર દયા આવ્યા વિના રહેશે નહિ.

હવે આ વખતે ડાક બંગલામાં અમે પર્વતો નિહાળતા હતા ત્યારે શું થયું તે લખું. એક જમીનદાર અમને મળવા આવ્યો. તેની સાથે કેટલીક વાતચીત કરી જોતાં માલુમ પડ્યું કે આવા ત્રીશ ત્રીશ ચાળીશ હજાર રૂપીઆની આવકવાળા કાશ્મીરની રાજ્યસત્તા નીચે ઘણા ખંડિઆ જાગીરદારો છે. જાગીરદાર સાથે વાતો કરતા હતા તેટલામાં રસોઇયાએ આવી કહ્યું કે : જમવાનું તૈયાર છે. તેથી અમે તંબુમાં જ જમવા લાગ્યા, કેમ કે એ સ્થલ ઘણું સુંદર હતું. તંબુમાં જમી, ખળખળ વહેતા ઝરણ પાસે એક પથ્થર પર જરા વાર બેસી , ગાડીમાં બેસી રસ્તે પડ્યા. જોખમી રસ્તા પર કેટલાક સાંકડા પુલ ઓળંગી અમે સાંજે ગરી પહોંચી ગયા. એકા અને માણસો આવી પહોંચ્યા ન હતાં.

૬. અમે ડાક બંગલામાં ઉતારો કર્યો. વાઇસરૉય સાહેબ તે બંગલામાં ઉતર્યા હતા. તેથી તેના કેટલાક માણસો અને રાવલપિંડીના કમિશ્નર તે બંગલામાં હોવાને લીધે જોકે બંગલો ઘણો સારો છે તોપણ અમને માત્ર એકજ કમરો (ઓરડો) મળી શક્યો.

૭. કાશ્મિરના મહારાજા થોડી મુદ્દતમાં જંબુ જવાના હતા તેથી આ આ બંગલાના કંપાઉંડની બહાર ઘણા તંબુ તૈયાર રાખ્યા હતા. મહારાજા ડાક બંગલા અને હૉટેલોને અપવિત્ર માને છે, તેથી તેમાં અથવા તેના ફળીઆમાં આવતા નથી પણ તંબુમાં જ રહે છે.

૮. રાવળપિંડીના કમિશ્નરને અમે મળ્યા અને થોડી વાતચિત કર્યા પછી અમારા ઓરડામાં આવી દેશના કાગળ લખવા બેઠા.

૯. બે ત્રણ કાગળ લખ્યા તેટલામાં અમારા એક્કા અને માણસો આવી પહોંચ્યા અને મેં "પડ્યા" એ શબ્દ સાંભળ્યો. કાગળ પડતો મૂકી લેખણ કાને ખોશી તુરત બહાર જ‌ઇ એક માણસને "શું થયું? કોણ પડ્યું" એમ પુછવા લાગ્યો. તેણે મને જવાબ નહોતો આપ્યો એટલી વારમાં વશરામ ખવાસે ખોડાંગતા ખોડાંગતા આવી કહ્યું કે "હું પડ્યો." ડાક્ટરે તેને શેક કર્યો પછી અમને કહ્યું કે "નેલીબ્રિજ પર વશરામ ખવાસવાળા એકાનો ટટુ એક વખત પડ્યો. પણ તેણે લાકડું પકડી રાખ્યું અને તેથી બચ્યા. ઘોડાને ઊભો કરી અગાડી ચલાવ્યો પણ તેજ પુલપર પાછો તેજ ઘોડો પડ્યો. આ વખતે વશરામ ઘોડાના પાછલા પગ પાસે પડ્યા એ ઘણું સારૂં થયું; બેમાંથી એક્કે બાજુએ પડત તો હાડકાં પાંસળા વિખાઇ જાત. વશરામ પડ્યા કે તરત જ ઘોડો ઊભો થ‌ઇ ચાલવા લાગ્યો અને વશરામ ઘસડાયા. આખરે નીચે નમી પાછળથી નીકળી ગયા પણ તેના સાથળમાં બહુ વાગ્યું છે."

૧૦. આ નેલીબ્રિજ ચિકોટી અને ગીરીની વચમાં છે. માત્ર લાકડાંનો જ બનાવેલો છે. ડાબા હાથ પરના પર્વતોમાંથી જેલમ જેવી જ એક ઘુઘવતી નદી નીચે થ‌ઇને ચાલી જાય છે અને જેલમને મળે છે. પૂલ છ ફીટ પહોળો નહિ હોય. લંબાઈ આશરે વીશ ફીટ હશે. ઉંચાઈમાં આશરે દશ ફીટ હશે. પણ જમણી તરફ તો ખાઇ છે અને તેમાં પડી તે નદી જેલમને મળે છે. ઈશ્વર કૃપાથી અમારી ગાડી સહીસલામત આવા પૂલો ઊતરી આવી અને વશરામ પણ એક તરફ ન પડતાં વચમાં પડ્યા, નહિ તો બન્ને બાજુ મૃત્યુ ડાચું ફાડી ઉભેલું છે. વશરામ સહેલાઈથી એક્કા નીચેથી નીકળી શકત, પણ એક્કો પાછળ ઊલળી ન પડે તે માટે બે ધોકા નીચે રાખેલા હોય છે તેથી તેમાં તે ભરાણા અને ઘસડાયા. તેનો પગ ભાંગી ગયો હશે તેમ તેને અને બધાને લાગ્યું. પણ ડાક્ટરે તુરત સાથળ તપાસી કહ્યું કે કાંઇ ઈજા નથી. તો પણ તેને એટલું સખત લાગ્યું હતું કે જ્યાંસુધી કાશ્મીરની મુસાફરી પૂરી થ‌ઇ ત્યાંસુધી તેને શેક કરવો પડ્યો.

૧૧. આ પ્રમાણે બિચારા વશરામે રાત આખી શેક કરાવ્યા કર્યો અને અમે "તે બચ્યા એ સારૂં થયું, ઈશ્વરની એટલી કૃપા" એવી એવી વાતો કરતા સુઇ રહ્યા.