કિલ્લોલ/અષાઢી સાજનાં અંબર ગાજે

← શિવાજીનું હાલરડું કિલ્લોલ
અષાઢી સાજનાં અંબર ગાજે
ઝવેરચંદ મેઘાણી
૧૯૨૯
કેવાં કિલ્લોલે →


આષાઢી સાંજ


આષાઢી સાંજનાં અંબર ગાજે;
અંબર ગાજે,મેઘાડમ્બર ગાજે !—આષાઢી૦

માતેલા મોરલાના ટૌકા બોલે
ટૌકા બોલે, ધીરી ઢેલડ ડોલે.—આષાઢી૦

ગરવા ગોવાળિઆના પાવા વાગે
પાવા વાગે,સૂતાં જંગલ જાગે —આષાઢી૦

વીરાની વાડીઓમાં અમૃત રેલે,
અમૃત રેલે, ભાભી ઝરમર ઝીલે—આષાઢી૦

ભાભીની રાતીચોળ ચુંદડ ભીંજે,
ચુંદડભીંજે, ખોળે બેટો રીઝે.—આષાઢી૦

આષાઢી સાંજનાં અંબર ગાજે,
અંબર ગાજે મેઘાડમ્બર ગાજે !—આષાઢી૦