← અષાઢી સાજનાં અંબર ગાજે કિલ્લોલ
કેવાં કિલ્લોલે
ઝવેરચંદ મેઘાણી
૧૯૨૯
અર્પણ-ગીત →


કેવાં કિલ્લોલે !
[ઢાળ–વનમાં કાનો દાતણ મગાવે,
વનમાં દાતણ ક્યાંથી!
હઠીલો મારે ખેધે પડ્યો છે!]


વનમાં કાળી કોયલ કિલ્લોલે,
ઘરમાં કિલ્લોલે બેન બાળી
બાળુડાં મારાં કેવાં કિલ્લોલે!

કાલા કિલ્લોલ બોલ બોલે
બાળુડાં મારાં કેવાં કિલ્લોલે!

ડુંગર મોરલાને ઢેલડ બોલાવે,
વીરને બોલાવે બેન વાલી
બાળુડાં મારાં કેવાં કિલ્લોલે!

વાદળે મેહુલાને વીજળી વળુંભે,
વીરને ઝળુંબે બેની ગોરી
બાળુડાં મારાં કેવાં કિલ્લોલે!


આભમાં ચાંદલાને વાદળી લપેટે,
વીરને ભેટે છે બેન કાળી
બાળુડાં મારાં કેવાં કિલ્લોલે !

રાજમાં ભૂપતિને ચારણ ભલકારે,
વીરને લલકારે બેન ઘેલી
બાળુડાં મારાં કેવાં કિલ્લોલે!

સ્ત્રીવરે નાનું પોયણ ઝુલાવે,
વીરને ઝુલાવે બેન નાની
બાળુડાં મારાં કેવાં કિલ્લોલે!

રણમાં રાજવીર બરછી હિલોળે,
વીરને હીંચોળે બેન બંકી
બાળુડાં મારાં કેવાં કિલ્લોલે!

ઝાડવે ઝાડવે પંખીડાં વિરાજે,
ખોળે ગાજે છે ભાઇ-બેની
બાળુડાં મારાં કેવાં કિલ્લોલે!

કાળા કિલ્લોલ બોલ બોલે
બાળુડાં મારાં કેવાં કિલ્લોલે!