કિલ્લોલ/ધીરા વાજો
← સાગર રાણો | કિલ્લોલ ધીરા વાજો ઝવેરચંદ મેઘાણી ૧૯૨૯ |
રાત પડતી હતી → |
ધીરા વાજો!
રે મીઠા વાજો!
વાહૂલિયા હો! ધીરા ધીરા વાજો!
ધીરા ગાજો!
રે ધીરા ગાજો!
મેહૂલિયા હો! ધીરા ધીરા ગાજો!
બાળૂડાના બાપ નથી ઘરમાં,
આથડતા એ દૂર દેશાવરમાં,
લાડકવાયો લોચે છે નીંદરમાં
વાહૂલિયા હો ધીરા ધીરા વાજો!
વીરા! તમે દેશદેશે ભટકો,
ગોતી એને દેજો મીઠો ઠબકો,
લખ્યો નથી કાગળનો કટકો!
વાહૂલિયા હો ધીરા ધીરા વાજો!
મેઘલ રાતે ફુલ મારૂં ફડકે,
બાપુ! બાપુ ! બૂમ પાડી થડકે,
વિજોગણ હું યે બળું ભડકે!
વાહૂલિયા હો ધીરા ધીરા વાજો!
સૂતી'તી ને સ્વામી દીઠા સ્વપ્ને,
'વ્હાણે ચડી આવું છું' કે'તા મને,
ચાંદલિયા! વધામણી દૈશ તને!
વાહૂલિયા હો ધીરા ધીરા વાજો!
મીઠી લ્હેરે મધ દરિયે જાજો,
વ્હાલાજીના શઢની દોરી સ્હાજો,
આકળિયા નવ રે જરી થાજો,
વાહૂલિયા હો ધીરા ધીરા વાજો!
રાતલડીનાં તેજ રૂપાવરણાં,
ફુલ્યા રે એવા શઢડા વાલાજી તણા,
ભાળું હું કાગાનીંદરે નાવ ઘણાં!
વાહૂલિયા હો ધીરા ધીરા વાજો!
બેની મારી લેર્યો સમૂદરની!
હળવે હાથે હીંચોળો નાવલડી,
હીંચોળે જેવી બેટાને માવલડી,
વાહૂલિયા હો ! ધીરા ધીરા વાજો!
પાછલી રાતે આંખ મળેલ હશે,
ધીરી ધીરી સાંકળ રણઝણશે,
બેમાં પે'લો સાદ કેને કરશે!
વાહૂલિયા હો ધીરા ધીરા વાજો!
ધીરા વાજો
રે મીઠા વાજો!
વાહૂલિયા હો ધીરા ધીરા વાજો!
♣