કિલ્લોલ/રાત પડતી હતી
< કિલ્લોલ
← ધીરા વાજો | કિલ્લોલ રાત પડતી હતી ઝવેરચંદ મેઘાણી ૧૯૨૯ |
શિવાજીનું હાલરડું → |
રાત પડતી હતી, પડતી હતી,
જાણે વીરની વિજોગી બેન રડતી'તી
એવી રાત પડતી હતી, પડતી હતી.
રાત ગળતી હતી, ગળતી હતી,
જાણે બેટાને હૈયે માત લળતી'તી
એવી રાત ગળતી હતી, ગળતી હતી.
પ્હો પ્રગટતી હતી, પ્રગટતી હતી,
જાણે પ્રભુજીની આંખડી ઉઘડતી'તી
એવી પ્હો પ્રગટતી હતી, પ્રગટતી હતી.
ધોમ ધખતી હતી, ધખતી હતી,
જાણે દમયંતી નળ વિના તલખતી'તી
એવી ધોમ ધખતી હતી, ધખતી હતી.
લૂ વરસતી હતી, વરસતી હતી,
એવી દુરજનની પ્રીત છાનું હસતી'તી
જેવી લૂ વરસતી હતી, વરસતી હતી.
છાંય ઢળતી હતી, ઢળતી હતી,
જાણે વાદળની વેદના પીગળતી'તી
એવી છાંય ઢળતી હતી, ઢળતી હતી.
સાંજ નમતી હતી, નમતી હતી,
જાણે હૈયાની વાસના વિરમતી'તી
એવી સાંજ નમતી હતી, નમતી હતી.
સાંજ સરતી હતી, સરતી હતી,
જાણે બાપુને નેહે બા નીતરતી'તી
એવી સાંજ સરતી હતી, સરતી હતી.
♠