કિલ્લોલ/નીંદરચોર
< કિલ્લોલ
← ઘૂઘરો | કિલ્લોલ નીંદરચોર ઝવેરચંદ મેઘાણી ૧૯૨૯ |
નીંદરવિહોણી → |
કેણે નીંદરડી ચોરી
હો બેની ! તારી કેણે નીંદરડી ચોરી !
થાક્યાં તાણીને તારી દોરી
હો બેની ! તારી કેણે નીંદરડી ચોરી !
ઝંપ્યાં છે ઝાડ પાંદ, ઝપ્યાં પંખીડલાં,
વેળા વૈશાખની બપોરી – હો બેની૦
પાણીડાં ગઇ'તી હુંતો પાદરડી વાડીએ,
ઝોલાં ખાતી'તી ગાય ગોરી – હો બેની૦
શેરીમાં જાઉં ત્યાંય શીળૂડે છાંયડે,
ઉંઘે છે ડાઘીયો અઘોરી – હો બેની૦
આંબાની મ્હેક મ્હેક મંજરીનાં ઝુંડમાં,
પોઢ્યાં ચકવાં અને ચકોરી – હો બેની૦
ડોબીની ડોક તણું માંડી ઓસીકડું,
ઘોરે ગોવાળીઆની છોડી – હો બેની૦
સૌએ સંપીને તારી નીંદર સંતાડી !