કિલ્લોલ/ ઘૂઘરો
< કિલ્લોલ
← રાતાં ફુલ | કિલ્લોલ ઘૂઘરો ઝવેરચંદ મેઘાણી ૧૯૨૯ |
નીંદરચોર → |
ઘૂઘરો ઘુમે છે બેનીબાના હાથમાં,
રાત દિ રમે છે રંગીલીના સાથમાં;
જાણે રમે વાડીમાં મોર !
બેનીબાના ચિતડાનો ચોર
ઘૂઘરો ઘુમે છે બેનીબાના હાથમાં.
ઘૂઘરો ચુમે છે બેનીબાના હોઠડે,
મીઠો મીઠો મ્હોંમાં સંતાય
જાણે હંસ સરવરમાં ન્હાય – ઘૂઘરો૦
ઘૂઘરાને વ્હાલી બેનીબાની આંગળી,
જેવાં બાસું બાપુને વ્હાલ
ઘૂધરાને તોડે ફોડે બેની ખીજમાં,
તોય નાણે અંતરમાં દુઃખ !
જાણે કોઈ જોગી અબધૂત – ઘૂઘરો૦
ઘૂઘરાને ચૂસે ચારે પો'ર બેનડી,
તોય કો દિ ખૂટ્યાં ન ખીર !
જાણે માન સરવરનાં નીર – ઘૂઘરો૦
ઘૂઘરામાં ઘેરૂં ઘેરૂં કોણ ગાજતું,
ગાજે જેવાં ગેબીલાં ગાન !
ચંદ્ર સૂર્ય તારાનાં તાન – ઘૂઘરો૦
ઘૂઘરાને ગમતી ઝીણી ઝીણી ગોઠડી,
જાણે જુગ જુગના વિજોગ !
આજે માંડ મળિયા છે જોગ – ઘૂઘરો૦
ઘૂઘરાને મેલ્યો માડીએ આકાશથી,
બેનીબાને ધાવણ દેવા !
સ્વર્ગ કેરી વાતો કે'વા – ઘૂઘરો૦
♣