કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/કિસાગોતમી

← ગોપા (યશોધરા) કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
કિસાગોતમી
શિવપ્રસાદ દલપતરામ પંડિત
સુજાતા →


६–किसागोतमी

હાપ્રજાપતિ ગૌતમી તથા બીજી ગોતમીઓથી જુદી પાડવા સારૂ એને કિસા અથવા કૃશા ગોતમી નામથી ઓળખવામાં આવે છે. કૃશા એટલા માટે કહી છે કે એ કૃશાંગી સુકુમાર દેહવાળી હતી. એમ કહેવાય છે કે, પૂર્વજન્મમાં પદુમુત્તર બુદ્ધના સમયમાં એક ક્ષત્રિય સામંતના વંશમાં એનો જન્મ થયો હતો. ભગવાનને મુખેથી એક સમયે સાદાં વસ્ત્રધારી સંસારત્યાગી ભિક્ષુણીઓની ઘણી પ્રશંસા થતી સાંભળીને એણે મનમાં સંકલ્પ કર્યો હતો કે, “હું પણ કોઈ દિવસ એ ભિક્ષુણીપદ પ્રાપ્ત કરીશ.” એ જન્મમાં તો એની એ અભિલાષા પાર પડી નહિ, પરંતુ ગૌતમબુદ્ધના સમયમાં શ્રાવસ્તી નગરીના એક ગરીબ કુટુંબમાં એનો જન્મ થયો. દરિદ્ર ઘરની કન્યા હોવાથી સાસરામાં કોઈ એનો ભાવ પૂછતું નહિ. સૌ કોઈ અનાદરની દૃષ્ટિથી જોતું. આખરે એને એક પુત્ર થયો, ત્યારથી એનું માન વધ્યું, પણ ગરીબનું નસીબ ગરીબજ હોય છે. માતાનું માન વધારનાર, માતાના સુખ અને સૌભાગ્યનો એકમાત્ર આધાર એ બાળક, એક દિવસ રમવા ગયો હતો ત્યાંથી એને સર્પ કરડ્યો અને એ નિર્દોષ હસમુખું બાળક સદાને માટે માતાને દુઃખ અને અશ્રુની ભેટ ધરી કાળના પંજામાં વિલીન થઈ ગયું. બિચારી ગોતમીના સુખનો સૂર્ય અસ્ત થઈ ગયો. એને ખાતરી થઈ કે આ સંસાર ફરી મને દુઃખ દેશે. પુત્રના મરણથી એના શોકનો પાર રહ્યો નહિ. મૃત બાળકને ખોળામાં લઈને મૃતસંજીવની કોઈ ઔષધિની શોધમાં એ ઘેરેઘેર ભિક્ષા માગતી ફરવા લાગી. બુદ્ધ ભગવાન પોતાના શિષ્યો સહિત એ વખતે ધર્મપ્રચાર કરવા નીકળ્યા હતા. ગોતમીએ તેમને દીઠા; પછી શું થયું તે અમે સાક્ષરવર્ય નરસિંહરાવભાઈના પ્રાસાદિક શબ્દોમાં વર્ણવીશું:—

(લલિત છંદ)

યુવતિ તે મળી શાક્યનાથને, ચરણ પંકજે જોડી હાથને;
નમન નમ્રતા ભાવથી કર્યું, વદન આંસુડે ભીંજિયુ ઘણું.
નયન છે શીળાં જો કપોતીનાં, નયન તેહવાં એહ રોતીનાં;
યુવતિ ત્યાં પછી દીન વાણીએ, વચન ઉચ્ચરી ભાવ આણીને.

(ઢાળ)

ભાવ આણી બોલી વાણી, વિનત વનિતા ત્યાં પછી,
“ઓ નાથ ! આહિં તમેજ આવ્યા ! દીનપર કરુણા કરી.
પેલી તટ તરુરાજિમાં, મુજ પર્ણકુટીમાં હું વસું,
ને બાળ મુજ ઉછેરતી રહી, દુઃખ જાણ્યું નહિ કશું.
નાથ એ વટરાજિમાં કરી, તેંજ કાલ્ય દયા ઘણી,
દીધું વચન બાળ ઉગારવા” બહુ દીન તે યુવતિ ભણી.
"બાળુડો મુજ ખેલતો ચાલી ગયો તરુ કુંજમાં,
કંઈ કુંંપળ પણ વિશેજ દીઠો કૂટિલ એક ભુજંગ ત્યાં.
વીંટી વળિયો નાગ એ મુજ બાળુડાના કર પરે,
ને બાળ હેને ચીઢવતો કંઈ હાસ ખડખડ શોર કરે !
તીવ્ર જિહ્‌વા યુગલ ધરતો, શીતળ હેનો ગોઠિયો.
મુખ વિકસાવીને ફુંફવાટા કરતો ચીઢવતાં જ્યાં ઊઠિયો,
પણ હાય ! એ મુજ બાળુડો ક્ષણવારમાં પીળો થયો,
નિસ્તબ્ધ પડિયો, મેં ન જાણ્યું કેમ એ રમતો રહ્યો.
અધરપુટના બંધથી મુજ સ્તન તજ્યું વળી તે ક્ષણે,
કોઈ કહે ‘વિષ ચઢ્યું હેને’ ‘નહિ જી’ વળી કો ભણે.
પણ મેં ગૂમાવાયે નહિ, મુજ બાળ મોંઘા મૂલનો,
ને ફરી વિકાસ થવા ચહીને કરમિયા એ ફૂલનો.
માંગ્યું ઔષધ સહુ કને, જે બાળુડાને લોચને,
ફરી ઊડી ગયેલું તેજ પૂરે, પૂરે મન મુજ મોદને.
ચુંબન બિંદુ એ સર્પતણું કંઈ ઝીણું અતિ નાનું,
વૈર ન મુજ બાળ શું એ રાખે હું નિશ્ચય મન જાણું.
માયાળું મુજ બાળ હુતો અતિ, પ્રાણી વિશે ધરે પ્રેમ;
રમત રમતમાં સ્પર્શ કરતાં સર્પ દૂભે હેને કેમ ?

(વલણ)

કેમ દૂભે મુજ બાળને ? પ્રેમ ભર્યો એ બાળ,
માનું નહિ હું એ કદી સર્પ ડસે કો કાળ રે.

(ચોપાઈ)

પછી કો મુજને વદિયો વેણ, કહું ઉપાય તુજને ઓ બહેન !
પુણ્યાત્મા કો ગિરિ પર વસે,– જો ! ભગવાં ધરી ચાલ્યો પણે,
જા તું એ ઋષિજનને યાચ, ઔષધ કંઈ તુજ આળક કાજ;
એહ સુણી કાલે તુજ પાસે, આવી હું ધરી મોટી આશ.

(વૈદર્ભી વનમાં વલવલે–એ રાગ)

આશ ધરી મોટી નાથ હું આવી તારી સમીપ;
ક્રૂર અનિલે હોલવ્યો પ્રકટાવવા મોંઘો દી૫,આશ૦
દેવ સરીખું દીપતું તુજ ભાળ વિશાળ;
નિરખી હું આવીને ઊભી કંપ મા ના તુજ બાળ.આશ૦
આંસુ ઢાળીને ખસેડિયું શિશુ મુખ પટકૂળ,
લળી લળી તુજને પૂછિયું, ‘ઔષધ કિયું અનુકૂળ ?’આશ૦
ને નાથ મોટા ઓ ! તેં મને કાઢી. તરછોડી નાહિ;
મીઠી મૃદુ નજરે રહ્યો નિરખી પ્રેમે તું કંઈ.આશ૦
ધીરા કોમળ કરવડે સ્પર્શ કરીને તે વાર;
મુખ પટ પાછું ઢાંકિયું, પછી કીધો ઉચ્ચાર.આશ૦

પુત્રશોકથી વિહ્‌વળ બનેલી માતાને પરમ સાધુ, સંસારત્યાગી બુદ્ધદેવ વગર કોણ આશ્વાસન આપે ? એમણે બાળકના દેહ ઉપર મૃદુ હસ્ત ફેરવીને શાંત ચિત્તે કહ્યું:—

બહેન, ઉપાય બતાવું હું, જેથી દુઃખ તુજ રૂઝાય;
ને દુઃખ રૂઝે આ બાળનું, પણ ઔષધ તું લાવ્ય.

શોધીને લાવ્ય તું કાળી કંઈ તોલો એકજ રાઈ,
પણ જોજે બાઈ ! જે ઘર વિષે, મૃત્યુ પામ્યું કો હોય;
માત, પિતા, સુત કે સુતા, દાસી દાસ વા કોય.
તે ઘેરથી નવ લાવતી રાઈ કણ તું એક;
હેવી મળે કદી રાઈ તો,–ધન્ય તુજ કર્મરેખ.”

બુદ્ધ ભગવાને કેવો સીધો ઉપાય બતાવ્યો ? કહ્યું કે, “હે બહેન ! તું એક તોલો કાળી-છડ્યા વગરની–રાઈ લઈ આવે તો હું તારા છોકરાને જીવતો કરૂં; પણ એક શરત છે. એ રાઈ એવા ઘરમાંથી માગી આણવી જોઈએ કે જે ઘરમાં મા, બાપ, છોકરો, છોકરી, દાસદાસી, ભાઈબહેન કોઈ ન મરણ પામ્યું હોય, શોકાતુર ગોતમી એ વખતે ભગવાનના કથનનું આધ્યાત્મિક રહસ્ય સમજી નહિ. એ ભોળીએ શું કર્યું તે એના શબ્દોમાં જોઈએ.

(ગરબી)

“નાથ ! ભટકી હું ઘેર ઘેર, ઉટજ[] ઉટજમાં રે,
આ વનમાં અને ઠેર ઠેર નગર મારગમાં રે;
દાબી હઈડા સરીસો બાળ, બન્યો શીત અંગે રે,
માગતી દીન હું દ્વાર દ્વાર, વ્હીલી સુખ ભંખે રે.
કોઈ આપશો તોલો રાઈ, કાળી, હું વીનવું રે,
આણી હૃદય દયા ઓ ભાઈ ! કરમ્યું ફૂલ ખીલવું રે;
અને હૂતી જે’ને જેને ઘેર, સર્વેએ આપી રે.
રંક જન પર રંકની મહેર નિરંતર વ્યાપી રે.
પણ પૂછ્યું મેં જેણી વાર–કદી આ ઘરમાં રે;
ભાઈ ! કોઈ મૂંઉં ? નર, નાર, કે બાળ ચાકરમાં રે ?
મળ્યો ઉત્તર તરત – ‘બહેન શી વાત આ પૂછે ?
ઘણાં વહ્યાં મરણને વ્હેણ, રહ્યાં અલ્પ પૂંઠે રે.
ભરી શોકે દઈ આભાર દઈ રાઈ પાછી રે;
ચાલી આગળ બીજે દ્વાર, વિનંતિ યાચી રે,
પણ ત્યાં પણ ઉત્તર મળિયો: ‘રહી આ રાઈ રે,
પણ દાસ હમારો પડિયો મરણમાં બાઈ રે.
કોઈ કહે વળી–‘લ્યો આ રાઈ,પણ આ સદનમાં રે;
ગૃહ નાથ ગયો છે બાઈ અકાલ મરણમાં રે !”
કોઈ કહે ‘રાઈ આ જે’ણે વાવી તે વર્ષા વિરામે રે,
હજી લણવા વેળ નથી આવી,ને પહાંચ્યો સ્વધામે રે.”

આ પ્રમાણે આખા ગામમાં ફરીને એવું એક પણ ઘર નહિ દીઠું કે જે ઘરમાં મૃત્યુનાં પગલાં ન થયાં હોય. ત્યારે ગોતમી નિરાશ થઈને બીજે દિવસે ભગવાન બુદ્ધની પાસે ગઈ. ભગવાને પૂછ્યું: “કેમ, કિસાગોતમી ! મેં કહ્યું હતું એવી રાઈ લઈ આવ્યાં કે ? ગોતમીએ પોતાનો સઘળો વૃત્તાંત કહી સંભળાવીને જણાવ્યું કે,

“નવ મળ્યું ઘર મુજને કહીં મૃત્યુ વિનાનું એક,
થાકી પાછી હું વળી, પૂછવા સત્ય વિવેક રે.

(ઢાળ)

સત્ય અર્થ હું શોધવા પાછી આવી તારી પાસ,
નદીતટ દ્રાક્ષાકુંજ મૂકી શિશુ ધાવે ન કરે જે હાસ.
દર્શન કરી તુજ ચરણ ચુંબીને પ્રાર્થન કરવા કાજે,
ક્યાં મળશે મુજને રાઈકણ જ્યાં મૃત્યુ કદી નવ ગાજે.
પણ હાય મુજ બાળુડો હાવાંતો પડિયો હશે મૃત્યુ હાથ,
લોકે કહ્યું, ભય મુજ મન જે રહ્યું, સાચું પડ્યું તે નાથ.”

કિસાગોતમીને આ પ્રમાણે શોકાતુર જોઇને ભગવાન બુદ્ધ બોલ્યા:—

સત્ય તું પામી ઓ બહેન !
જડ્યું જે નહિ કોઈ જનને, દેવ શાંતિ મળ્યું તુજ મનને;
કટુ અમૃત દિવ્યજ એ તો, તુંને આપવા ધાર્યું તું મેં તો;
તુજ બાળ વ્હાલો તુંને હુંતા, એ તો મરણ શરણ થઈ સૂતો.
તુજ હૃદય શય્યા પર કાલે, ફરી જીવન એ નવ ઝાલે;
આજે જાણ્યું તે જગ આ વિશાળ, તું જ દુઃખે ઢાળે આંસુ ધાર;
અન્ય હૃદયોયે ભાગ લીધેલો, શોક થાય છે હળવો વ્હેલો;
મુજ રક્ત રેડ્યેથી રોકાય, તુજ આંસુડાં તો હું આંહ્ય;
સદ્ય અર્પણ કરી દઉં બહેન, મુજ રુધિરનું રાતું વ્હેણ;
અને શોધી કાઢું તત્ત્વ ઊંડું, જેથી ઉકલે મહા દુઃખ ભૂડું,
જેહ દુઃખે કરી પ્રેમ મધુરો, શોકરૂપ બની થાય અધુરો;
અને જે મનુજ ટોળાંને, હાંકી લઈ જાય છે બલિસ્થાને;
મૂક આ પશુ યૂથને જેમ, પશુના નાથ મનુજને તેમ;
રમ્ય કુસુમ અને તૃણ ભૂમિ, ઓળંગાવી હાંકી જાય ઘૂમી;
પહોંચાડે મહાબલિસ્થાનમાં તે તીવ્ર દુઃખ જડ્યું જન્મ સાથે.
હું એ ગૂઢતત્ત્વ ગોતું બાળ ! હવે શિશુને શ્મશાન પહોંચાડ્ય.”

બુદ્ધદેવના આ ઉપદેશામૃતથી કિસાગોતમીનાં જ્ઞાનચક્ષુ ઊઘડ્યાં. એના હૃદયનો શોક શમી ગયો. સ્વસ્થ ચિત્તે તેણે પુત્રનો અગ્નિસંસ્કાર કર્યો અને પોતે ગૃહ તજીને બુદ્ધદેવની પાસે ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરવા લાગી. આખરે એણે થેરી પદ અને છેવટે અર્હત્‌ પદ પ્રાપ્ત કર્યું. થેરીગાથામાં ૨૧૩ થી ૨૨૩ સુધીના શ્લોક તેના રચેલા છે. એ ગાથાનો ભાવાર્થ નીચે પ્રમાણે છે:—

“સાધુ પુરુષની સાથે મિત્રતા કરવી એ હિતકારી છે. સાધુજનનો સંગ પ્રાપ્ત કરીને મૂઢ મનુષ્ય પણ પંડિત થઈ જાય છે. સાધુની સોબતથી પ્રજ્ઞા વધે છે અને પાપ તથા દુઃખ દૂર થાય છે. દુઃખનો હેતુ શું છે અને દુઃખનો તિરોભાવ કેવી રીતે થાય તેનું શિક્ષણ મેળવ. આર્યોનાં ચાર સત્ય અને અષ્ટાંગ ધર્મને પ્રાપ્ત કર.

“માનવોના સારથિ કહી ગયા છે કે, સ્ત્રીનું જીવન દુઃખમય છે. પત્ની–શોક્ય–નો સહવાસ, સુવાવડ એ બધાંને લીધે સ્ત્રીજીવન અતિશય દુઃખમય છે. એ દુઃખને લીધે કેટલીક સ્ત્રીઓ ગળે ફાંસો ખાઈને મરે છે. કોઈ વિષ ખાઈ લે છે. કોઈના ગર્ભમાંનું બાળક પણ માતાની સાથેજ મરણ પામે છે.”

ત્યાર પછી પોતાની આપવીતી–જીવનકથા સંક્ષેપમાં જણાવીને કહે છે કે, “કુલહીન, પતિહીન થયેલી મેં આખરે અમૃતત્વ પ્રાપ્ત કર્યું. આર્યોના આઠ અંગવાળા ધર્મનું ચિંત્વન કર્યાથી ધર્મના એ સ્વચ્છ આદર્શ વડે મેં આખરે નિર્વાણ પ્રાપ્ત કર્યું છે.

“હૃદય ઉપરથી દુઃખરૂપી પથ્થરનો ભાર હલકો પડી ગયો છે. મારી કરણી સફળ થઈ છે. મુક્તચિત્ત થઈને મેં કિસાગોતમીએ આજે આ ગાથા ગાઈ છે.”

  1. ઉટજ–ઝૂંપડું.